Trailer Reactions-1

બાહુબલી-2: ધ કન્ક્લુઝન

ફાઇનલી, બાહુબલી રિટર્ન્સ. એસ. એસ. રાજમૌલિનું ગ્રૅન્ડ ઇમેજિનેશન, વિશાળ કૅન્વસ અને ફિલ્મની ઍનર્જી જોઇને ‘બાહુબલી-1’ જોયા પછી તરત જ મેં ભાખેલું કે આ ફિલ્મ ઐતિહાસિક બની રહેવાની છે. થયું પણ એવું જ. પાર્ટ-2માં એ જ ઍનર્જી ફીલ થઈ રહી છે (શિવગામી દેવી (રામ્યા ક્રિશ્નન) નાનકડા બાહુબલીને ઊંચકીને ‘મહેન્દ્ર બાહુબલી’ના નામની ગગનભેદી ત્રાડ પાડે ત્યારે તમને ગૂઝબમ્પ્સ આવે છે?!). જોકે ‘કટપ્પાએ બાહુબલીને શા માટે માર્યો’ તે જાણવાનું મને એટલું આકર્ષણ નથી, કેમ કે ઇન્દ્રાણીની જેમ કટપ્પા પણ માહિષ્મતિના સિંહાસનને વરેલો છે. જો શિવગામીદેવી-બિજ્જલદેવ ગાંધારી-ધૃતરાષ્ટ્ર થશે {અને ભલ્લાલ દેવ (રાણા દગુબત્તી) તો ઑલરેડી દુર્યોધનછાપ સત્તાલાલચુ છે જ}, તો ટ્રેલરમાં કહે છે તેમ અંતર્યુદ્ધ-સિવિલવૉર થશે અને સ્ટોરી વાયા લવ ટ્રાયેંગલ ‘મહાભારત’ના ખાનામાં જ જઇને પડશે. સ્પેશ્યલ ઇફેક્ટ્સ અગેઇન મને ‘અમર ચિત્રકથા’ જેવી જ લાગી રહી છે. પરંતુ બાહુબલી-2 વિશે ચાલી રહેલી ચર્ચાઓમાં એક થિયરી મને ગમી ગઈઃ ધારો કે અમરેન્દ્ર બાહુબલી જીવતો હોય તો? ‘બાહુબલી-1’નો રિવ્યુ વાંચવા માટે ક્લિક કરો અહીં.

એક્સપેક્ટેશન લેવલઃ યે ભી કોઈ પૂછને કી બાત હૈ?!

***

નામ શબાના

આપણે ભલે અત્યારે ‘માર્વેલ’, ‘DC’ ટાઇપના ‘સિનેમેટિક યુનિવર્સ’થી પરિચિત-પ્રભાવિત હોઇએ, પરંતુ દાયકાઓ અગાઉથી તારક મહેતાનું ‘ઉંધાં ચશ્માં’ અને વેદ પ્રકાશ શર્મા-સુરેન્દ્ર મોહન પાઠકનાં સુપર થ્રિલિંગ ‘યુનિવર્સ’ સર્જાઈ જ ચૂક્યાં છે. VPSનાં વિજય, વિકાસ, કેશવ પંડિત, વિભા જિંદલ અને SMPના વિમલ, સુનીલ, સુધીર વગેરેનું પણ આગવું કલ્ટ ફોલોઇંગ છે. આ પાત્રોનું એકબીજા સાથે કેવુંક કનેક્શન છે એ મને અત્યારના તબક્કે ખબર નથી (કેમ કે હું ધીમે ધીમે એમાં પગલાં પાડી રહ્યો છું), પણ ‘બૅબી’માં જબરદસ્ત કેમિયો કરનારી તાપસી પન્નુની પણ બૅકસ્ટોરી હોઈ શકે અને એમાં ‘બૅબી’ની ટીમનો કેમિયો હોય એ કન્સેપ્ટ જ થ્રિલિંગ છે. હમણાં જ એક ટ્રેલર એનાલિસીસમાં જોયું કે આમાં ‘સ્પેશ્યલ 26’નું પણ કનેક્શન હોઈ શકે છે (કેમ કે ‘નામ શબાના’માં મનોજ બાજપાઈ પણ છે). અલબત્ત, ‘બૅબી’નો ક્લાઇમેક્સ ‘આર્ગો’થી ક્લિયર્લી ઇન્સ્પાયર્ડ હતો, અને ‘સ્પેશ્યલ 26’નું એક થ્રિલિંગ વેદ પ્રકાશ શર્મા કનેક્શન મને ગઇકાલે રાત્રે જ જાણવા મળ્યું છે, છતાં ‘મિશન ઇમ્પોસિબલ’ ટાઇપની અને હિન્દી પલ્પ ફિક્શનના સિનેમેટિક વર્ઝન જેવી મુવી ફ્રેન્ચાઇઝ સર્જાય તે મોર ધેન વેલકમ છે. આવવા દ્યો તમતમારે! ‘બેબી’નો રિવ્યુ વાંચવા માટે ક્લિક કરો અહીં.

એક્સપેક્ટેશન લેવલઃ સુપર એક્સાઇટેડ!

***

ફિલ્લૌરી

સૌથી પહેલાં તો મને એ વિશ્વાસ નથી આવતો કે આમાં જેની પેડ કે સાથ શાદી થાય છે એ બફૂન યુવાન એ જ સુરજ શર્મા છે, જે ‘લાઇફ ઑફ પાઈ’માં રિચર્ડ પાર્કર સાથે એક જ નાનકડી હોડીમાં રહ્યો હતો! અનુષ્કાના હોમ પ્રોડક્શનની ‘મિર્ઝા-સાહિબાં’ ટાઇપ સ્ટારક્રોસ્ડ લવર્સની પ્રીડિક્ટેબલ સ્ટોરીમાં ભૂતિયો ઍન્ગલ નાખવા સિવાય ખાસ કોઈ કારીગરી મને આ ફિલ્મમાં દેખાઈ નથી રહી (એક તો આપણા બૉલિવૂડવાળાઓને સ્ટારક્રોસ્ડ લવર્સની એકની એક વાર્તાઓમાં આટલો બધો રસ શું કામ પડે છે એ જ સમાજાતું નથી!). ઝાડ સાથે લગ્નના સુપરસ્ટિશનની સામે ભટકતી આત્માના સુપરનેચરલ ઍલિમેન્ટનો છેદ પણ ઊડી જાય છે. અમુક ન્યુઝ રિપોર્ટ્સ પ્રમાણે ‘ફિલ્લૌરી’ પર એનિમેટેડ મુવી ‘કોર્પ્સ બ્રાઇડ’ની પણ અસર દેખાઈ રહી છે. અહીં ફિલ્મમાં વર્તમાનમાં દેખાતું કોમિક ઍલિમેન્ટ ગયા ભવના (એટલે કે અંગ્રેજોના જમાનાના) ફ્લૅશબૅકમાં ઊડી ન જાય તો સારું. દિલજિત દોસાંજને વધુ સારા રોલ મળવા જ જોઇએ. ફિલ્મમાં અનુષ્કાની સાથે TVFની નિધિ બિષ્ટ અને દિલજિતની સાથે (‘TVF પિચર્સ’નો ‘ભાટી’ અને ‘હ્યુમરસલી યોર્સ’નો ‘બુશી’) અભિષેક બૅનર્જી પણ દેખાઈ રહ્યો છે. ‘TVF’ની નવી વેબ સિરીઝ ‘બિષ્ટ પ્લીઝ’નાં તો ઠેકાણાં નથી, આ ફિલ્મમાં એમને જોઇને જ સંતોષ માનીએ બીજું શું?!

એક્સપેક્ટેશન લેવલઃ OK OK

***

બેગમ જાન

2015ના ‘IFFI’માં બંગાળી ડિરેક્ટર શ્રિજિત મુખર્જી પૂરી સ્ટારકાસ્ટ સાથે પોતાની લેટેસ્ટ ફિલ્મ ‘રાજકાહિની’ લઇને આવેલા. તેમાં ‘બેગમ જાન’ તરીકે રિતુપર્ણા સેનગુપ્તા, (‘કહાની’ના ‘બોબ બિશ્વાસ’ શાશ્વત ચૅટર્જી) જેવા ભરચક કલાકારો સાથેની આ ફિલ્મ પાર્ટિશન ડ્રામા હતી. અલબત્ત, બીજી ફિલ્મો સાથે ક્લૅશ થતું હોવાને કારણે અમે ‘રાજકાહિની’ નહોતાં જોઈ શક્યાં. પરંતુ તેમાં ભારત-પાકિસ્તાનના ભાગલા, પારાવાર હિંસા, તેની કારમી પીડા, ધર્મનું રાજકારણ અને સ્ત્રીઓનો એક ઉપભોગના સાધન માત્ર તરીકે થતો થતો ઉપયોગ વગેરે મુદ્દા કેન્દ્રમાં હતા. તેમાં બૉર્ડર પર સૂસૂ કરતા બાળકને બતાવીને પણ તમાચો મારવામાં આવેલો. ફિલ્મમાં આપણું રાષ્ટ્રગીત રવીન્દ્રનાથ ટાગોરના જે ‘ભારત ભાગ્ય વિધાતા’ની પહેલી કડીમાંથી લેવામાં આવ્યું છે, તેની બાકીની પંક્તિઓ વિવિધ ગાયકો પાસે ગવડાવવામાં આવેલી. હવે તેની હિન્દી રિમેક ‘બેગમ જાન’માં આ ઘટનાઓ-પીડાને બદલે વિદ્યા બાલનનું પાત્ર કેન્દ્રમાં આવી ગયેલું દેખાય છે. ગંદા યુનિબ્રો અને તદ્દન ફૅક લાગતા બ્લ્યુ કોન્ટેક્ટ લૅન્સની પણ શી જરૂર હતી? રિતુપર્ણાનો લુક રિક્રિએટ કરવા? અને આટલા બધા બિલો ધ બૅલ્ટ ડાયલોગ્સની પણ શી જરૂર હતી? અહીં નૅચરલી બંગાળને બદલે પંજાબ બાજુની પૃષ્ઠભૂ આવી ગઈ છે, એટલે પંજાબીપણું પણ ઑવરફ્લો થાય છે. સૌથી ઍક્સાઇટિંગ બાબત, ચંકી પાન્ડેનો ખતરનાક બૉલ્ડ લુક!

એક્સપેક્ટેશન લેવલઃ હું બંગાળી ફિલ્મ પ્રિફર કરીશ.

***

સરકાર-૩

રામ ગોપાલ વર્માએ પોતાના બ્લોગ (અને બુક ‘ગન્સ એન્ડ થાઇસ’)માં લખ્યું છેઃ ‘હું સિનિયર ઇન્ટરમાં હતો ત્યારે પાના નંબર 26 પર રહેલો એક સેક્સ સીન વાંચવા માટે મારા એક મિત્રે મનો ‘ધ ગોડફાધર’ નામની બુક વાંચવા આપેલી. એ પુસ્તકનો મારા પર એવો જબરદસ્ત પ્રભાવ પડ્યો કે મેં બૅક ટુ બૅક 3-4 વખત વાંચી નાખી. ‘શિવા’ અને ‘સત્યા’માં મેં એ બુકમાંથી પ્રેરણા લીધી પણ ખરી. પછી 1999માં પહેલીવાર મને તેનું અડેપ્ટેશન બનાવવાનો વિચાર આવ્યો. મિ. બચ્ચનને મળ્યા પછી… તેના ભારતીયકરણમાં વિતો કોર્લિઓનના રોલમાં મને દેખાયા બાળાસાહેબ ઠાકરે…’ (‘સરકાર’ વિશેની રામુની આખી પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો અહીં.)

સરકાર-૩નું ટ્રેલર આમ તો તેની ઇમ્પ્રેસિવ સ્ટારકાસ્ટનો પરિચય અને સ્ટોરી કઈ દિશામાં આગળ વધી રહી છે તે જ જણાવે છે. બંને દીકરા (વિષ્ણુ અને શંકર)નાં મોત પછી સરકાર એકલા છે, પણ પબ્લિક સપોર્ટ અને જુસ્સો ઓસર્યો નથી. નવા મિત્રો અને ખાસ તો નવા દુશ્મનો પણ બની ગયા છે. મફલરવાળા મનોજ બાજપાઈ અને જૅકી શ્રોફનું નામ ‘વાલ્યા’ રામુની નવી સળી છે. સ્ટારકાસ્ટ ઇમ્પ્રેસિવ છે એટલે જોવાની મજા પડશે, પણ આખી ફિલ્મ ‘સરકાર કો મારને સે પહલે ઉસકી સોચ કો મારના ઝરૂરી હૈ’ની લાઇન પર જ આગળ વધશે. ભયંકર ઘોંઘાટિયું બૅકગ્રાઉન્ડ મ્યુઝિક, મૅનિયાક જેવાં લુક્સ ઍક્સચેન્જ, ઇરિટેટિંગ કેમેરા ઍન્ગલ્સ અને ‘ક્રાઇમ નેવર પેય્ઝ’ને જસ્ટિફાય કરતું સરકારની કોઈ નજીકની વ્યક્તિનું મૃત્યુ, આટલી વાતો રિપીટ થશે એવું દેખાઈ રહ્યું છે.

એક્સપેક્ટેશન લેવલઃ ઑન્લી ફોર બિગ બી!

***

જગ્ગા જાસૂસ

અનુરાગ બાસુની ફિલ્મો વિશે વાત કરતાં પહેલાં તમને વર્લ્ડ સિનેમાનું જબરું જ્ઞાન હોવું જોઇએ. ના, એની ફિલ્મો વર્લ્ડ ક્લાસ હોય છે એટલે નહીં, બલકે એમાં જાતભાતની ફિલ્મોમાંથી એટલી બધી ઉઠાંતરી, સોરી, ‘હોમાજ’ (અંજલિ) હોય છે કે એ ખ્યાલ ન હોય તો ઇમ્પ્રેસ થઈ જવાનું જોખમ રહે! એ જોતાં ‘બરફી’ એક ફિલ્મને બદલે કમ્પાઇલેશન વધારે હતી. હવે અગેઇન રણબીર કપૂર-કૅટરિના સ્ટારર ‘જગ્ગા જાસૂસ’નું ટ્રેલર બહાર પડી ગયાને મહિનાઓ થયા, પરંતુ એમાં લગભગ કંઈ જ ટપ્પી નથી પડી રહી. અગાઉ ‘રોય’ની જેમ મને લાગેલું કે અહીં પણ રણબીર-કૅટરિના અલગ અલગ સ્થળોએ જે ધમાલ બોલાવે છે તે રણબીરના મનની કલ્પના હશે. તેની પાછળનું લોજિક એ હતું કે દાર્જિલિંગની બૉર્ડિંગ સ્કૂલમાં એકલો રહેતો રણબીર સ્ટેમરિંગ એટલે કે જીભ અચકાવાની તકલીફથી પીડાય છે અને એટલે જ અંતર્મુખી છે. આવા લોકો પોતાનું કલ્પનાનું એક જગત સર્જતા હોય છે.

પરંતુ ‘વિકિપીડિયા’ વાંચતાં ખબર પડી કે ‘જગ્ગા જાસૂસ’માં રણબીર કૅટરિના સાથે વર્ષો પહેલાં પોતાને મૂકીને ક્યાંક જતા રહેલા પિતા (શાશ્વત) ચૅટર્જીને શોધવા નીકળે છે. ઑલરેડી વાતો આવી ગઈ છે કે આ ફિલ્મ જિમ કેરીની ‘એસ વેન્ચુરા’થી ઇન્સ્પાયર્ડ છે. ફિલ્મમાં ૨૯ ગીતો છે અને વિકિપીડિયા કહે છે કે રણબીર પોતાના ડાયલોગ્સ પણ ગીત ગાતાં ગાતાં બોલશે. ન્યુઝ રિપોર્ટ્સ કહે છે કે આ કન્સેપ્ટ મૂળ BBCની સિરિઝ અને ત્યારબાદ રૉબર્ટ ડાઉની જુનિયરને લઇને બનેલી ‘ધ સિંગિંગ ડિટેક્ટિવ’ ફિલ્મમાંથી લઈ લેવામાં આવ્યો છે. એટલે જ ટ્રેલરના સ્ટાર્ટિંગમાં રણબીર મોંએથી મ્યુઝિક વગાડતો દેખાય છે. પ્રીતમે ક્યાંથી શું ઉઠાવ્યું છે તે તો મ્યુઝિક રિલિઝ થશે પછી જ ખબર પડશે! રણબીરની દરિયાના મોજા જેવી એલ્વિસ પ્રેસ્લી સ્ટાઇલની હેરસ્ટાઇલમાં ‘ટિનટિન’ દેખાય છે. ઇન ફૅક્ટ, આ કલરફુલ ટ્રેલરની અમુક સિક્વન્સ પણ સ્પીલબર્ગની એનિમેટેડ મુવી ‘ધ ઍડવેન્ચર્સ ઑફ ટિનટિન’ જેવી જ છે (મને તો હિચકોકની ‘નૉર્થ બાય નૉર્થવેસ્ટ’નો ક્લાઇમેક્સ પણ યાદ આવી ગયો). આ ઉપરાંત ડિઝનીની જ ‘માડાગાસ્કર’, લિફ્ટ માગવાનો સીન જૂની ‘ઇટ હેપ્પન્ડ વન નાઇટ’ (અને આપણી ‘દિલ હૈ કિ માનતા નહીં’), નાનકડા મોપેડમાં જવાનો સીન ‘મિસ્ટર બીન્સ હોલિડે’, ક્લોકટાવરની અંદરનો સીન ‘હ્યુગો’, ટ્રેનની અંદરના ચિત્તાના ડબામાં જતા રહેવાના સીન ‘ઇન્ડિયાના જોન્સ’ અને બસ્ટર કીટનની સાઇલન્ટ કોમેડી ‘ધ જનરલ’, બેહોશ પિતાને પૈડાંવાળા પાટિયા પર ખેંચવાનો શોટ ‘ગુલિવર્સ ટ્રાવેલ્સ’ તથા હોસ્ટેલના સીન અનુરાગની જ ‘બરફી’ વગેરેની યાદ અપાવે છે. લેટ્સ સી…

એક્પેક્ટેશન લેવલઃ પર્સનલ હૉલિડે સે પહલે હૉલિડેવાલી મુવી દેખેંગે!

***

કાટ્રુ વેલિયિદાઈ

પહેલાં તો આ તમિળ ફિલ્મના નામનો સાચો ઉચ્ચાર શીખવો પડશે! ‘કાટ્રુ વેલિયિદાઈ’ એટલે હવાદાર વિશાળ ખુલ્લો વિસ્તાર. ‘ધ મણિ રત્નમ’ની નવી ફિલ્મ છે. રિલીઝ થયેલાં બંને ટ્રેલર ધ્યાનથી જોતાં કંઇક એવું સમજાય છે કે હીરો કાર્તિ (સૂર્યાનો નાનો ભાઈ. સૂર્યાએ મણિ રત્નમની જ ‘યુવા’ના ઑરિજિનલ તમિળ વર્ઝન ‘આયુધા એઝુથુ’માં અજય દેવગણવાળો રોલ કરેલો) ઇન્ડિયન ઍરફોર્સમાં ફાઇટર પાઇલટ છે અને સ્ક્વૉડ્રન લીડરના પદે છે (કેમ કે એનો વિન્ટર મેસ અને ફ્લાઇંગ યુનિફોર્મમાં નાનામાં નાની ડિટેઇલનું ધ્યાન રખાયું છે). ભાઈ એકદમ અપરાઇટ અને અક્ષય કુમાર કરતાં પણ વધારે દેશભક્ત છે. પ્રેમિકા મજાકમાં પણ પોતાના યુનિફોર્મની કૅપ પહેરે તો એનેય સૌની સામે હાકલી નાખે છે. કાશ્મીર સરહદે ‘સુખોઈ-૩૦’ વિમાન ઉડાડતાં એને ઈજેક્ટ કરવાની ફરજ પડે છે અને મોસ્ટ્લી LOCમાં ફસાઈ જાય છે. જ્યાં પાકિસ્તાની જેલમાં એને સખત ટૉર્ચર કરાય છે, છતાં ત્યાં પુરાયેલા અન્ય ભારતીય કેદીઓ સાથે તે ત્યાંથી ભાગી છૂટે છે… ટૂંકમાં ‘રોજા’ની રિમેક જેવું લાગી રહ્યું છે. મણિસરની ફિલ્મ છે એટલે હિરોઇન અદિતી રાવ હૈદરી ઓર સુંદર લાગી રહી છે. એ. આર. રહેમાનનું મ્યુઝિક ‘ઓ.કે. કન્મની’ જેટલું તો ગ્રેટ નથી, પણ ધીમે ધીમે અસર કરે તેવું છે. ફિલ્મ ૭ એપ્રિલે આવી રહી છે. ‘ઓ.કે. કન્મની’ની જેમ આનું પણ હિન્દી ડબ્ડ વર્ઝન નહીં આવે તેવું લાગે છે.

એક્સપેક્ટેશન લેવલઃ મણિ રત્નમની ફિલ્મ છે, એટલે અફ કોર્સ!

***

નૂર

પહેલી નજરે જ આ ફિલ્મ ફર્સ્ટ પર્સનમાં લખાયેલી રોમ-કોમ ચિક-લિટ નોવેલના ફિલ્મ વર્ઝન જેવી લાગી હતી. આવી બુક્સ પરથી બનેલી ફિલ્મો ‘રોમેડી નાઉ’ ચેનલ પર આવતી હોય છે. આપણા અલ્ટ્રા દેશભક્તોને રસ પડે તેવી વાત એ છે કે ‘નૂર’ યંગ પાકિસ્તાની લેખિકા સબા ઇમ્તિઆઝની ‘કરાચી, યુ આર કિલિંગ મી!’નું ઑફિશ્યલ સ્ક્રીન અડેપ્ટેશન છે. એટલે જ ફિલ્મની ટૅગલાઇન પણ ‘મુંબઈ, યુ આર કિલિંગ મી’ રખાઈ છે. ફિલ્મનું પોસ્ટર ન્યુઝ મેગેઝિનના લેઆઉટ જેવું બનાવાયું છે, જેના પરથી અનુમાન કરી શકાય કે સોનાક્ષી મેગેઝિનની એટલે કે પ્રિન્ટની રિપોર્ટર હશે (અત્યારની જનરેશનને કદાચ થશે કે, ‘હેં? પ્રિન્ટના પણ રિપોર્ટર-જર્નલિસ્ટ હોય? રિપોર્ટર તો ખાલી ચેનલમાં જ ન હોય?!’). નૂર સેલ્ફ પ્રોક્લેઇમ્ડ ‘જોકર જર્નલિસ્ટ’ છે. ‘રોમેડી નાઉ’ની ફિલ્મોમાં પણ ક્લિશે લાગે તેવી ગૂફી છે, બધા સાથે અથડાતી રહે છે. એમ. કે. રૈના જેવા એના કૂલ પાપા છે. ઇન્ટરનેટ સેન્સેશન સ્ટેન્ડઅપ કોમેડિયન કાનન ગિલ એનો દોસ્તાર છે. ‘ઍપલ’નું મેકબુક વાપરે એવી એની જોબ છે, છતાં એ પોતાની લાઇફને ધિક્કારે છે. એક જ સૅકન્ડમાં એ પોતાનો લુક-પર્સનાલિટી ચૅન્જ કરી નાખે છે અને હિપહોપ પાર્ટીગર્લ બની જાય છે (હેરસ્ટાઇલ, કપડાં, મૅકઅપ ચેન્જ, ચશ્માંનો ઘા. રાતોરાત ડાન્સ મુવ્ઝ આવડી જાય છે.). એ સાથે જ એને ઇટર્નલ યંગ એવો પુરબ કોહલી બૉયફ્રેન્ડ તરીકે મળી જાય છે (ઑબ્વિયસલી, ‘બહેનજી ટાઇપ’ જર્નલિસ્ટોને કંઈ બૉયફ્રેન્ડ થોડા મળતા હશે, રાઇટ?!). અને શિટ, વધુ એક એવરગ્રીન ગીત (‘ગુલાબી આંખે જો તેરી દેખી’)નું પાર્ટી રિમિક્સ? બૉલિવૂડ, યુ આર કિલિંગ મી! ત્યાં જ એના હાથમાં એક વીડિયો આવે છે, જેમાં કોઇકના લાઇફ એન્ડ ડૅથનો મામલો હોય છે. બસ, નૂરની લાઇફ ચેન્જ કરી નાખે એવું મિશન સ્ટાર્ટ અને ફિલ્મ ક્લાઇમૅક્સ તરફ આગળ વધે છે. કદાચ તે કામવાળી પર પહોંચેલા માલિક દ્વારા બળાત્કારની કોશિશ અથવા હ્યુમન ટ્રાફિકિંગ જેવો કોઈ મામલો હોઈ શકે. પહેલી શક્યતા વધારે પ્રબળ લાગે છે. સની લિયોનીનું ઇન્ટરવ્યૂ સ્વરૂપે ગેસ્ટ અપિયરન્સ પણ છે, જેમાં તે સ્ત્રીઓની ડિગ્નિટી વિશે પ્રવચન આપશે તેવું લાગી રહ્યું છે. ખેર, 21 એપ્રિલે ખબર પડી જશે.

એક્સપેક્ટેશન લેવલઃ કોઈ એક્સપેક્ટેશન્સ વગર જોવા જેવી ઠીકઠાક મુવી લાગી રહી છે.

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits

Advertisements

One comment

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s