બદ્રીનાથ કી દુલ્હનિયા

  • badrinaath-ki-dulhania-poster-1‘બદ્રીનાથ કી દુલ્હનિયા’ (BKD) જોતી વખતે મને લાગ્યું કે રાઇટર-ડિરેક્ટર શશાંક ખેતાને ચેતન ભગતની છેલ્લી ચારેક બુક્સ ઉપરાછાપરી વાંચી નાખી હશે અને એના જ હેંગઓવરમાં આ ફિલ્મ લખાઈ ગઈ હોવી જોઇએ. કોટા-ઝાંસી જેવી નોન મેટ્રો સિટીની પૃષ્ઠભૂ, મૅલ પેટ્રિયાર્કી, દહેજ-સ્ત્રી સ્વાતંત્ર્ય જેવા બર્નિંગ ફેમિનિસ્ટ ઇશ્યૂ, સ્ટ્રોંગ ફીમેલ કેરેક્ટર, ‘લૂઝર’ હીરો, એકથી બીજા શહેરમાં કૂદતી વાર્તા, અગાઉની ગુડવિલને આધારે હળવો ટોન બરકરાર રાખવાના પ્રયાસમાં લાગતો થાક, આપણા મોઢા પર મારતા હોય તેવું પ્રોડક્ટ પ્લેસમેન્ટ અને ઘીના ઠામમાં ઘી પડી રહે તેવું ઍન્ડિંગ. એક તબક્કે તો એ જ આલિયા ભટ્ટનો સીધો ‘2 સ્ટેટ્સ’માંથી જ કાઢીને ચિપકાવી દીધો હોય તેવો સીન પણ છે. થૅન્ક ગૉડ, એ સેલ્ફ અવેર સીનને સમયસર યુ ટર્ન આપીને વાળી લીધો છે. ‘વન નાઇટ એટ ધ કૉલ સેન્ટર’માં જેમ ચેતને ‘માઇક્રોસોફ્ટ’નો આભાર માનેલો, એ જ રીતે અહીં વરુણ પણ ‘ફેસબુક-સ્કાઇપ’નો આભાર માને છે. પરંતુ પોતાની યંગ રીડર્સ વોટબૅન્ક, વિવિધ કોન્સ્ટિટ્યુઅન્સી અને જાતભાતના સોશિયલ ઇશ્યૂને ધ્યાનમાં રાખીને નોવેલની વાર્તા ‘ડિઝાઇન’ કરતા હોય એવી બુક્સ આપ્યા કરતા ચેતન ભગતને પણ પોતાનો ઑલ્ડ ચાર્મ જાળવવામાં ફાંફા પડી રહ્યા છે. ત્યારે શશાંક ખેતાન થાકે એમાં કોઈ નવાઈ લાગે એવી વાત નથી.
  • કેવી અજબ જેવી વાત છે કે DDLJની 157મી ઝેરોક્સ હોવા છતાં ‘હમ્પ્ટી શર્મા કી દુલ્હનિયા’ ચાલી ગઈ એટલે એની જ બરણી હલાવીને નવી ફિલ્મ બનાવી દેવાઈ! અલબત્ત, આ તેની સિક્વલ નથી, પણ વાર્તા તો લગ્નની આસપાસ જ ગરબા રમે છે. અહીં BKDના ‘પોપલુ’માંથી ‘સોમદેવ’ બનેલા સાહિલ વૈદના વાળ વધી ગયા છે અને ‘શૉન્ટી’ (‘ઇટ્સ અ મેન્સ વર્લ્ડ’ ફેમ ગૌરવ પાંડે) હવે સરદારજી બની ગયો છે. લડકી (આલિયા) હજી એવી જ રામપુરી ચાકુ જેવી ધારદાર છે. લેકિન લડકા (વરુણ)માં ક્યુટનેસને બાદ કરતાં પોતાની કહી શકાય એવી એકેય લાયકાત આવી નથી. અગાઉ બાપાના બુક સ્ટોરમાં બેસવાનો હતો, અહીં શાહુકારી કરશે. પપ્પા હજીયે એવા જ કડક છે. બલકે અહીં તો એ ખાલી ATM મશીન જેવા છે, બહારથી કડક પણ અંદરથી ખોખલા.
  • એક નાનકડા શૉટમાં ઇંગ્લિશના ક્લાસમાં આલિયા ‘ક્લસ્ટરોફોબિયા’નો અર્થ સમજાવે છે ત્યારે જ ક્લિયર થઈ જાય છે કે આ પંખીડું નાનકડા પાંજરામાં પૂરાવાનું નથી. ફિલ્મનું પણ એવું જ છે. પછેડી કરતાં મોડી સોડ તણાઈ ગઈ છે. એમને એક હળવી રોમકોમ પણ બનાવવી છે, દહેજ વિરુદ્ધ, સ્ત્રીઓને દબાવીને રાખવાની અને ઇમોશનલ બ્લેકમેલ કરવાની વડીલોની પૅટ્રિયાર્કિયલ માનસિકતા વિરુદ્ધ બોલ્ડ સ્ટેટમેન્ટ પણ કરવું છે, યંગ ઑડિયન્સ પણ સાચવવી છે, છતાં પોતાની ટ્રેડિશનલ મેન્ટાલિટીનો પાલવ પણ છોડવો નથી. થૅન્ક ગૉડ, આ ફિલ્મનું બૅકગ્રાઉન્ડ હરિયાણવી નથી અને ઝાંસી-કોટાનાં અગાઉ ભાગ્યે જ દેખાયેલાં લોકેશન્સ જોવા મળ્યાં છે.
  • આંત્રપ્રેનર બનવાનાં અને લિટરલી આભને આંબવાનાં સપનાં જોતી કોટાની વૈદેહીની મુલાકાત ઝાંસીના બદ્રીનાથ સાથે થાય. કરિયરમાં વૈદેહીનું ફોકસ ક્લિયર છે, તો સામે બદ્રીનું પણ પરણવાનું ફોકસ ક્લિયર છે એટલે એ વૈદેહીના પ્રેમમાં ખાબકે છે. વૈદેહી પાસે પ્રેમમાં પડવાનો ટાઇમ નથી. એની સમસ્યા છે પોતાની મોટી બહેન માટે દહેજ પ્લસ મુરતિયાનો બંદોબસ્ત કરવાની. ધારો કે એ થઈ પણ જાય, તો પોતાના સપનાનું શું કરવાનું? DDLJનાં ફરીદા જલાલ કહે છે એમ ‘સપને દેખો, મગર ઉસકે પૂરે હોને કી ઝિદ મત રખો’ એવું કરવાનું? સોરી જનાબ, આ ‘લા લા લૅન્ડ’નો જમાનો છે. લાઇફની બૅલેન્સશીટમાં પ્રેમ ખાતે ભલે ઉધાર થાય, પણ કરિયર ખાતે જમા બોલવું જોઇએ. લેકિન ‘લા લા લૅન્ડ’નો તો ઑસ્કરમાં પણ દાવ થઈ જાય છે, ત્યારે આપણો બૉક્સઑફિસમાં દાવ થઈ જાય તો? એટલે અગેઇન, બૉલિવૂડ ક્લિશૅ વિન્સ.
  • BKD દેખીતી રીતે જ વરુણ-આલિયાનાં ચાર્મ અને એમની કેમિસ્ટ્રીના પાયા પર ટકેલી છે. ફિલ્મમાં વરુણની બફૂનરી જોઇને કલ્પના ન આવે કે આ એ જ છે જેણે ‘બદલાપુર’માં ઇન્ટેન્સ પર્ફોર્મન્સ આપેલું. જે રીતે એક પૅમ્પર્ડ ચાઇલ્ડ તરીકે એ વાત વાતમાં રડી પડે, ઇમોશનલ થઈ જાય, દોસ્તાર મનાવીને લઈ જાય તો રીતસર એની આંગળી પકડીને જાય… એનો આ ક્યુટ બોયિશ ચાર્મ એની ફિમેલ ફેન્સની સંખ્યા વધારવાનો છે. ડિટ્ટો આલિયા ભટ્ટ. ફિલ્મ બાય ફિલ્મ એ સાબિત કરી રહી છે કે એ કેવી કમ્પ્લિટ એક્ટર છે. એ ધારે તો ‘ઉડતા પંજાબ’ અને ‘હાઇવે’ પણ કરી શકે અને ‘હમ્પ્ટી-બદ્રીનાથ’ પણ કરી શકે. BKDની સપોર્ટિંગ કાસ્ટ ઓલમોસ્ટ કાર્ડબોર્ડ એટલે કે કેરિકેચરિશ છે. છોકરાનો અમરીશ પુરી છાપ કરડો બાપ (ઠીકઠાક ઋતુરાજ, એમની ઝીટીવી પરની ‘તોલ મોલ કે બોલ’ યાદ છે?), એમનાથી દબાયેલાં મોટાં ભાઈ-ભાભી, છોકરીનો નાઝિર હુસૈન છાપ ગરીબડો બાપ (સ્વાનંદ કિરકિરે) અને સિયામિઝ ટ્વિન્સની જેમ સતત હીરોની સાથે જ રહેતો પાક્કો દોસ્તાર (સાહિલ વૈદ). વરુણ-સાહિલની કેમેસ્ટ્રી વરુણ-આલિયા જેવી જ સ્ટ્રોંગ છે. એમનો સોરી કહેવાનો સીન તમને મુન્ના-સર્કિટની યાદ અપાવ્યા વિના નહીં રહે. ખબર નહીં કેમ પણ આખી ફિલ્મમાં સતત આલિયાની પફ્ફી આંખો પર કરાયેલા મૅકઅપના થપેડા અને સાહિલ વૈદના લાંબા જટિયા પર જ મારું ધ્યાન જતું રહેતું હતું.
  • રંગ રંગ વાદળિયાં જેવી આ કલરફુલ ફિલ્મમાં પણ (મહિન્દ્રા, ફ્રેન્કફિન, સિલ્કએર વગેરેનું) બેશર્મ પ્રોડક્ટ પ્લેસમેન્ટ છે. લેકિન સ્ટોરીમાં એને બડી સ્માર્ટનેસથી વણી લીધું છે. જેથી આપણને એ ખાસ નડતું નથી.
  • ‘હમ્પ્ટી…’નો એક મોટો પ્લસ પોઇન્ટ તેનું મસ્ત મ્યુઝિક હતો. BKDમાં મ્યુઝિક અત્યંત કંગાળ છે. જેણે ગામ ગાંડું કરેલું એ ‘તમ્મા તમ્મા’ તો આપણે ફિલ્મથી થાકી ગયા હોઇએ ત્યારે આવે છે, એય પરાણે ઘુસાડેલી સિચ્યુએશનમાં (સાંગલીમાં હોય કે સિંગાપોરમાં, લેકિન હીરો-હિરોઇન પાર્ટી ન કરે તો હો જાયેંગે બોર!). અંકે ૧૩૯ મિનિટની ફિલ્મમાં અડધો થાક તો આ ગીતો આપી દે છે.
  • આપણા ઇન્ટરવલ પ્રિય દેશની ફિલ્મો માટે ન ગમતું હોવા છતાં રિવ્યુમાં આ વાક્ય લખવું પડે છે, કે ફિલ્મ સૅકન્ડ હાફમાં ડ્રેગ થાય છે. પરંતુ તેનું કારણ છે. BKDમાં ઇન્ટરવલ સુધીમાં પાત્રો, એમની સ્ટ્રગલ, લાઇફમાં એમની ચોઇસ બધું જ એસ્ટાબ્લિશ થઈ જાય છે. એકસાથે ખૂબ બધું બને છે અને હળવો ટોન હોવાથી મજા પણ પડે છે. હા, છેક ‘રંગ દે બસંતી’ના જમાનાથી ચાલ્યું આવતું ફની ઑડિશન હવે હસાવતું નથી. ફર્સ્ટ હાફમાં સ્માર્ટ રીતે દહેજ, વુમન એમ્પાવરમેન્ટ, હીરો-હિરોઇનની મુલાકાત, વિરોધ, લગ્ન બધું જ પતી જાય, પછી સૅકન્ડ હાફમાં ખરેખર બતાવવા માટે કશું જ રહેતું નથી. એટલે જ એકના એક સિટકોમ છાપ સીન આવ્યા કરે છે અને અમુક લંબાઈ થાય એટલે વાર્તાનો વીંટો વાળી દેવાય છે.
  • કોઇને લાગશે કે હું એક મસાલા એન્ટરટેનર ફિલ્મને ‘ઑવર ઇન્ટલેક્ચ્યુઅલાઇઝ’ કરી રહ્યો છું. પરંતુ જ્યારે ફિલ્મ પોતે જ ઇશ્યુનો ઝંડો ઉપાડે ત્યારે આપણે પણ એ જ ઍન્ગલથી તેની વાત કરવી જરૂરી બની જાય. પહેલી નજરે BKD વુમન એમ્પાવરમેન્ટની વાત કરે છે અને આપણે પણ એવી જ ફીલ લઇને બહાર નીકળીએ. પરંતુ ધ્યાનથી જુઓ તો સમજાય કે હકીકતમાં આ ફિલ્મ દહેજનો નહીં, બલકે વધુ પડતા દહેજનો વિરોધ કરે છે. દહેજની રકમમાં ‘19-20’ થાય તો વાંધો નહીં! સ્ટૉકિંગ એટલે કે સામેની વ્યક્તિની પાછળ આદુ ખાઈને પડી જવું અને હિરોઇનને હેરાન-પરેશાન કરી મૂકવી એ આપણી ફિલ્મોમાં દાયકાઓથી સ્વીકારાયેલું એલિમેન્ટ છે. અહીં પણ સ્ટૉકિંગને હળવી રીતે પેશ કરાયું છે અને આપણને ખબર છે કે બદ્રી દિલ કા અચ્છા હૈ, એટલે આપણને એનાથી ડર નથી લાગતો. એક પૈસાદાર બાપના દસમું પાસ છોકરા હોવા સિવાય એની પાસે પોતાની કહી શકાય તેવી કોઈ ક્વૉલિટી નથી. એની કશું નવું શીખવાની કે પગભર થવાની ઇચ્છા પણ નથી. હિરોઇનને એની સાથે પરણવું પણ નથી, છતાં સ્ક્રિપ્ટ કી ડિમાન્ડ પ્રમાણે એને પ્રેમમાં પડવું પડે છે. એની હાઈ ફ્લાઇંગ જોબના પણ આ જ હાલ થાય છે. બદ્રી પોતાની દુલ્હનિયા કેવી રીતે મેળવે છે તેની આસપાસ રચાયેલી આ સ્ટોરીમાં ‘બેફિકરે’ની જેમ જૅન્ડર રિવર્સલ છે (જેમ કે, છોકરી કમાય, છોકરાની ઇજ્જત પર ખતરો આવે અને છોકરી બચાવે અને એને તન ઢાંકવાની જરૂર પડે, છોકરો રડે, છોકરી ફાયનાન્શિયલ ઍડવાઇસ આપે વગેરે), પણ કોઈ પાત્રની મૅન્ટાલિટીમાં ખાસ પરિવર્તન આવતું દેખાતું નથી. અને ટાઇટલમાં મેરેજ-દુલ્હનિયા હોય, ત્યારે હિરોઇન ગમે તેવી પૅરિસથી આવી હોય કે સિંગાપોરથી, પરણે નહીં તો લોગ ક્યા કહેંગે, રાઇટ?
  • હું BKD જોવા ગયો ત્યારે ઑડિટોરિયમમાં મારા સિવાય છ જણા જ હતા. બટ આઈ હોપ કે ઑવરઑલ સાવ એવી સ્થિતિ તો નહીં જ હોય. થકેલા રાઇટિંગના પાપે BKD સૅકન્ડ હાફમાં હાંફી ગઈ છે. છતાં ઝાઝી અપેક્ષા ન હોય, અને વરુણ-આલિયાનો ‘ક્યુટનેસ ક્વૉશન્ટ’ તમને અપીલ કરતો હોય તો આ ફિલ્મને ગમે ત્યારે ટાઇમપાસ માટે એક ચાન્સ આપી શકાય.

રેટિંગઃ **1/2 (અઢી સ્ટાર)

P.S. આ ફિલ્મમાં વપરાયેલા ‘તમ્મા તમ્મા’ સોંગની ઇન્સ્પિરેશન ગાથા પરની પોસ્ટની લિંકઃ
https://goo.gl/EQr9aa

P.S.-2 ‘હમ્પ્ટી શર્મા કી દુલ્હનિયા’નો રિવ્યુઃ
https://goo.gl/yAGtwC

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

 

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s