કમાન્ડો-2

 • Caution: Spoilers Ahead…commando2-2
 • પહેલાજભાઈ નિહલાણી સાહેબને હું પર્સનલી ઓળખતો નથી. પરંતુ એમણે આ વિદ્યુત જામવાલનું ‘કમાન્ડો-2’ જોયું હશે તો ગર્વથી એમની છાતી એક્સપાન્ડ થઇને સાડા પંચાવન ઇંચની થઈ ગઈ હશે. આંખોમાં ઝળઝળિયાં આવી ગયાં હશે. અને બોલી પડ્યા હશે, ‘વડી, સાબાસ! આને કહેવાય સાચું સિનેમા. મનોરંજન પ્લસ દેશભક્તિ. યે ક્યા બુરખે મેં લિપસ્ટિક જૈસી મુવી લે કે આતે હૈ? આદર્શ ભારતીય નારી ઐસા ખુલ્લંખુલ્લા બોલતી-કરતી હૈ ક્યા? નામાકૂલ કહીં કે!’
 • વિદ્યુત જામવાલની જે જૅકી ચૅન-બ્રુસ લી છાપ એક્શન જોઇને ‘કમાન્ડો-1’થી લોકો પ્રભાવિત થઈ ગયેલા, એવી ટાંટિયાતોડ ઍક્શનવાળા બે જ સીન છે (જેમાંનો પહેલો તો ડિટ્ટો ‘રેઇડ રિડેમ્પશન’ જ છે!). આ હાસ્યાસ્પદ ફિલ્મમાં બાકીનું જે છે એ થોડું ગંભીર છે. એટલે એની વાત થોડા સ્પોઇલર સાથે પણ કરવી પડે એમ છે.
 • વરુણ-જ્હોન અબ્રાહમનું ‘ઢિશૂમ’ રિલીઝ થયું ત્યારે ફિલ્મ ક્રિટિક ભારદ્વાજ રંગને એક સરસ વાત નૉટિસ કરેલી. એમનું કહેવું હતું કે ‘ડિશૂમ’ એ મોદીયુગની પ્રોટોટાઇપ મસાલા એન્ટરટેનર ફિલ્મ છે. જેમાં સુષમા સ્વરાજ જેવાં વિદેશમંત્રી છે, જુનૈદ અને કબીર (J & K) ‘વાગાહ’ નામના આતંકવાદીને પકડે છે, મિશન પાર પાડવા માટે એમની પાસે ૩૬ કલાક છે-જે ૨૯ રાજ્યો અને ૯ કેન્દ્રશાસિત પ્રદેશોનો ટોટલ છે, દુબઈમાં કામ કરતો ‘જુનૈદ’ બિનધાસ્ત કહે છે, ‘નૌકરી કરતા હૂં ઇનકી, સૂનતા હૂં સિર્ફ મોદીજી કી’, ફિલ્મના ગીતમાં પણ આવે કે ‘જો જન ગણ મન પે ખડા ન હુઆ તો ઢિશૂમ’…
 • એ પછી આવેલી ‘ફોર્સ-2’માં પણ મેં ઑબ્ઝર્વ કરેલું કે સજેસ્ટિવ રીતે છેલ્લે એવો ડાયલોગ ન્યુઝ ચેનલના રિપોર્ટર પાસે બોલાવવામાં આવ્યો હતો કે, ‘હમારા દેશ વાકઈ મેં બદલ રહા હૈ…’
 • નાઉ ઍન્ટર ‘કમાન્ડો-2’, જેની ટૅગલાઇન છે, ‘ધ બ્લૅક મની ટ્રેઇલ’. ફિલ્મની શરૂઆત જ 8 નવેમ્બર અને ડિમોનેટાઇઝેશનના ન્યુઝથી થાય છે. કેવી રીતે આ ઐતિહાસિક નિર્ણયથી દેશભરના સામાન્ય લોકો ખુશ થઈ ગયા અને કાળાબજારિયા-બ્લૅકમની ધારકોની સિટ્ટી પિટ્ટી ગુલ હો ગઈ, સ્વચ્છ ભારત મિશનને કેવો વેગ મળ્યો છે તેની વાત વોઇસ ઑવરમાં કહેવાય છે. આખી ફિલ્મમાં ત્રણેક હજાર કરોડ રૂપિયાનાં બ્લૅક મની લઇને વિદેશ ભાગી ગયેલા એક વિકી ચઢ્ઢાને પકડવા માટે જાંબાઝ જવાનોની એક પર્ફેક્ટ સેક્યુલર ટીમ મોકલવામાં આવે છે (જેમાં સ્ત્રીઓને પણ 25 ટકા અનામતનો લાભ અપાયો છે!). શરૂઆતથી અંત સુધી ફિલ્મમાં બેએક ફૅક ઍન્કાઉન્ટર થાય છે અને તેને જસ્ટિફાય કરવામાં આવે છે, જેના માટે ફિલ્મના લીડ એક્ટર્સ કહે છે, ‘હમ નયે ઝમાને કે હૈ, હમારા કામ કરને કા તરીકા અલગ હૈ!’ સ્વાભાવિક રીતે જ આ જાંબાઝ ટીમ બ્લૅક મની ભારત પાછા લાવે છે. એટલું જ નહીં, એ નાણાં સીધા જ દેશના ગરીબો-ખેડૂતોનાં (જનધન ટાઇપનાં) અકાઉન્ટ્સમાં જમા થઈ જાય છે. કેટલા રૂપિયા? અનુમાન લગાવી શકો? ઍક્ઝેક્ટ્લી, 15-15 લાખ રૂપિયા! ફિલ્મમાં સફેદ દાઢીધારી પ્રધાનમંત્રી થ્રી-પીસ ચશ્માં પહેરે છે અને કાળાં નાણાંની વિરુદ્ધમાં એકદમ કડક સ્ટૅન્ડ ધરાવે છે. પ્રધાનમંત્રી બનેલા કલાકાર ધરખમ ટેલેન્ટેડ રાઇટર અને આપણા ગુજરાતી એવા અંજુમ રજબઅલી છે, જેઓ પોતે વિચાર-વાણી-અભિવ્યક્તિ સ્વાતંત્ર્યના પ્રખર હિમાયતી છે અને હમણાં જ એમણે શૈક્ષણિક સંસ્થાઓમાં અભિવ્યક્તિની સ્વતંત્રતા માટેની એક પિટિશન સાઇન કરી છે. કમાન્ડો-2નાં પ્રોડ્યુસર-પત્ની શેફાલી શાહ અહીં હોમ મિનિસ્ટર છે (એક મંત્રાલય ચુકાઈ ગયું!). એમનો પોતાનો દીકરો બ્લૅકમનીમાં સંડોવાયેલો હોવા છતાં તેઓ જરાય શેહશરમ રાખ્યા વિના ગુનેગારોને પકડવામાં મદદ કરે છે. અને હા, ઝફર હુસૈન નામનો એક સાઇબર એક્સપર્ટ પણ છે, જેને પોતાના ધર્મના લોકો એટલા જ દેશભક્ત હોય છે એ સાબિત કરવા માટે જ પોલીસ ફોર્સમાં આવ્યો છે. એક દૃશ્યમાં તો મલેશિયાની BRT પર પણ કેમેરા મંડાય છે. BRT, યુ નૉ ને?!સો, આપણે જ્યારે મુવીમાંથી બહાર નીકળીએ ત્યારે કેન્દ્ર સરકારની નીતિઓને પ્રમોટ કરવા માટે બનાવવામાં આવેલી કોઈ પ્રોપેગન્ડા ફિલ્મ જોઇને નીકળ્યા હોઇએ એવી જ ફીલ આવે. જો આવું જ ચાલતું રહ્યું તો આગામી ચૂંટણીઓની સભાઓમાં આ મુદ્દે ગર્વ લેવાતો હશે, કે ‘અમારા શાસનકાળમાં અમે ‘ડી-ડે’ બનાવીને દાઉદની ગેમ ઑવર કરી નાખી, ‘ફેન્ટમ’ બનાવીને હાફિઝ સઈદનું ઢીમ ઢાળી નાખ્યું અને ‘કમાન્ડો-2’માં બ્લૅકમની પણ પાછું લઈ આવ્યા.’ ત્યારે હરીફ પક્ષના ‘યુવા નેતા’ કહેશે, ‘લાસ્ટ નાઇટ, આઈ વોકઅપ ઇન ધ મોર્નિંગ, અને મને ખબર પડી કે ‘ડી-ડે’ તો અમારા શાસનકાળમાં રિલીઝ થયેલી, એટલે દાઉદને અમે પૂરો કરેલો, જેનું શ્રેય વર્તમાન સરકાર ખોટેખોટું પોતાના નામે લખી રહી છે!’

  ‘કમાન્ડો-2’ના અંતે હજી તેનો ત્રીજો પાર્ટ પણ લાવવાનો અણસાર અપાયો છે. આ ફિલ્મ જોતાં એવું જ લાગે છે કે ત્રીજા પાર્ટમાં હાનિકારક કેમિકલ્સથી દેશવાસીઓના આરોગ્ય સાથે ખિલવાડ કરતી અને તેમને ઈમોશનલ બ્લેકમેલ કરતી વિદેશી કંપનીઓના ભુક્કા બોલાવી દેવાશે, ને સામે એક નક્કર સ્વદેશી કંપની ખોલવામાં આવશે. જેના સ્થાપકને બચાવવાનું કામ આ કમાન્ડો ટોળીને સોંપવામાં આવશે!

 • આમ તો મારા ફેવરિટ એક્ટર-ડિરેક્ટર એવા ક્યુટ દેવેન ભોજાણીએ આ ફિલ્મ ડિરેક્ટ કરી છે, એટલે ટીકા કરતાં જીવ નથી ચાલતો, પણ આ ફિલ્મ તદ્દન રિડિક્યુલસ અને અનઇન્ટેશનલ ફની છે. જેમ કે, ઍક્શન હીરો બાઇક પર કૂદીને કે હૅલિકોપ્ટર વગેરેમાંથી જમ્પ લગાવીને ઍન્ટ્રી મારે. આ વિદ્યુત જામવાલ પોતાના બાઇસેપ્સથી એન્ટ્રી મારે છે! ખરેખર! ચહેરાની પણ પહેલાં એના કસાયેલા બાઇસેપ્સ પર ફોકસ થયેલો કેમેરા ઝૂમઆઉટ થાય ત્યારે ખબર પડે કે આ માત્ર બાઇસેપ્સ નહીં, પણ તે જેની સાથે અટૅચ થયેલા છે એ વિદ્યુત જામવાલ મુખ્ય હીરો છે. છઠ્ઠીમાં એને કદાચ રોલરકોસ્ટરમાં બેસાડીને ગળથૂથી પીવડાવવામાં આવી હશે. એટલે જ ગ્રૅવિટીની આમન્યા રાખ્યા વિના, લિફ્ટ-સીડીઓ વગર એ પરબારો ઊંચી બિલ્ડિંગ ચડી જાય છે, રસ્તામાં આવતી ગાડીઓને મિનિ-ઠેકામણી રમતો હોય એમ કૂદી જાય છે, પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ જેટલી જગ્યામાંથી પણ એ ગરકી જાય છે. કદાચ ઘરનું લૉક ખોલવા માટે કી-હોલમાં ચાવી ભરાવવાને બદલે એ પોતે જ તેમાંથી ગરકી જતો હશે.
 • દેવેન ભોજાણીએ જ ડિરેક્ટ કરેલી આઇકનિક કોમેડી સિરિયલ ‘સારાભાઈ વર્સસ સારાભાઈ’માં એણે પોતે ‘દુષ્યંત’નું પાત્ર ભજવેલું. એ દુષ્યંતને બધી જ વાત ‘આઇ’લ એક્સપ્લેઇન’ બોલીને સમજાવવાની ટેવ. જાણે અહીં પણ એ દુષ્યંતના મોડમાં આવી ગયા હોય તેમ એમનું આ મુવી પણ બધું એટલે બધું જ સિમ્પ્લિફાય કરીને પીરસે છે. આપણી સામે કરન કમાન્ડો કોઈ વિકીને લઇને ભાગી ગ્યો હોય, તોય બીજો કલાકાર ફોન કરીને કહેશે, ‘સર, કરન વિકી કો લે કર ભાગ ગયા!’ ઓહ, રિયલી? (બાય ધ વે, આ ‘વિકી’ નામનું આમાં ‘સ્મૉલ વન્ડર’ સિટકોમ સાથેનું સ્મૉલ કનેક્શન પણ છે!) આપણી સામે એક પાત્રનો ઢાળિયો થઈ ગયો હોય, તોય કમાન્ડો એને જ સંબોધીને કહેશે, ‘તૂને જાન દે દી, યાર!’ (યાદ કરો, ઍપિક ‘ગુંડા’: ‘મુન્ની મેરી બહન, તુ મર ગયી? લંબુ આટાને તુઝે લંબા કર દિયા?’) મિશન પૂરું થઈ ગયું હોવા છતાં સાહેબ કમાન્ડોને ફોન કરીને કહેશે, ‘સો કમાન્ડો, મિશન એકમ્પ્લિશ્ડ!’ લ્યા, એણે જ તો કમ્પ્લિટ કર્યું છે, એને ખબર ન હોય?! (કદાચ થિયેટરમાં સૂઈ ગયેલા લોકોને જગાડવા માટે બોલાતું હશે, કે જાગો, મિશન પતી ગ્યું, ઘર ભેળા થાવ હવે!)
 • જાયન્ટ બિલ્ડિંગ પર ‘ઇન્ડિયન ઍમ્બેસી’, ‘ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ ઍરપોર્ટ’, ‘બૅન્ક ઑફ બૅંગકોક’ લખેલું હોય, પ્રાઇમ મિનિસ્ટર્સ ઑફિસ, સૅફ હાઉસ… બધું જ સ્ક્રીન પર લખીને પીરસી દેવામાં આવે. યુ નૉ, મગજ ચલાને કા નક્કો! ઇવન ત્રિપોલી શહેર લિબિયામાં આવેલું છે એ પણ તમને આ ફિલ્મમાંથી ખબર પડી શકે (બુસ્ટ યૉર, જી.કે., બડ્ડી!)
 • વિદેશમાં ફરજ બજાવતો ઇન્ડિયન એમ્બેસેડર તો જાણે એલચી નહીં, પણ ‘એમેઝોન’ હોય એમ બધા એને હુકમ છોડ્યા કરે, ‘મિસ્ટર ઐયર, મુઝે એક ચોપર ચાહિયે’, ‘મુઝે એરપોર્ટ પર સભી કે હાથોં મેં ઉન લોગોં કી એક-એક તસવીર ચાહિયે’ (અને બીજા સીનમાં બધા પોલીસવાળા ફરફરિયાં વહેંચતાં હોય એમ હાથમાં પ્રિન્ટઆઉટ લઇને ફરતા હોય! મોબાઇલમાં જોઈ ન શકે?), ‘હમેં એક હાઇટેક ફોરેન્સિક લૅબ ચાહિયે’, ‘હમેં એક ડાઇવર્ઝન ક્રિએટ કરના પડેગા’…
 • જો ખોપરીને બદલે બાવડામાં મગજ ઊગતું હોત તો આ કમાન્ડોનું દિમાગ કસાયેલું હોત! અને એને ખબર પડી જાત, કે જે બ્લૅકમની ધારકને પકડવા ગયા હોઇએ એને ત્યાં બહુ ન રોકાવાય, એની બૈરી ભલે ગમે તેટલી હૉટ હોય, પણ એની સાથે જેમ્સ બોન્ડવેડા ન કરાય, વેવલાવેડા કરીને એની વાત ન મનાય. જોકે એકવાર દેશભક્તિ મૉડમાં આવ્યા પછી કમાન્ડોનું દિમાગ એવું ઍક્ટિવેટ થઈ જાય છે કે કમ્પ્યુટર પર રૅન્ડમ ક્લિક કરીને ખૂફિયા માહિતી શોધી કાઢે છે અને ફિલ્મની અડધી સ્ટોરી તો પોતે જ બોલી નાખે છે! એની પાસે અવાજની ઍક્ઝેક્ટ ફ્રિક્વન્સી પકડી લે તેવા કાન છે, એક્સ-રે વાળાં બાયનોક્યુલર્સ છે (મમ્મી, મારે લેવાં છે!), ફિલ્મમાં આખી હાર્ડડિસ્ક સીધી જ કનેક્ટ થઈ જાય એવું કમ્પ્યુટર છે જે નાણાં ટ્રાન્સફર કરી આપે છે (મમ્મી, એ પણ…!). (Btw, ત્યાં ‘ભીમ ઍપ’ની પણ જાહેરાત કરી નાખી હોત તો?! આટલું કર્યું છે તો થોડું વધારે!). ‘કમાન્ડો-1’માં ખંખાર વિલન જયદીપ અહલાવત હતો. અહીં વિલન જોશો તો એક સેશન તો હસવાનું રાખવું પડશે!
 • અહીંયા ‘અ વેન્સડે’ સ્ટાઇલે ટેરેસ પર ટેબલ પાથરીને વિલન ટાઇમપાસ કરે છે, ફાઇટિંગમાં અચાનક વીડિયોગેમ ‘કોલ ઑફ ડ્યુટી’ની જેમ ‘ગો-પ્રો’ કેમેરાથી શૂટ થયેલી ફર્સ્ટ પર્સન શૂટિંગ-ફાઇટ છે, એક તબક્કે ‘ઍવેન્જર્સ’ સ્ટાઇલમાં કેમેરા વર્તુળાકારે ફેરવીને ફાઇટ શૂટ થઈ છે, પણ ભારતીય સંસ્કાર તમે જુઓ, દારૂનાં કૅન પરનાં નામ બ્લર કરી દેવાયાં છે. (સંસ્કારી લોકો કંઈ દારૂ પીતા હશે, છટ્?) એમાં લોચો એ થયો છે કે ફિલ્મના એક્ટર ફ્રેડી દારૂવાલાના ચહેરા પરના હાવભાવ પણ બ્લર થઈ ગયા છે! (એમાં સેન્સરના લોકો બિચારા શું કરે? એને તો કહેવાયું હોય કે દારૂ દેખાય ત્યાં બ્લર કરી નાખવાનું!) જામવાલને જોકે સારું છે, ઉડાઉડમાં ચહેરો દેખાય તો હાવભાવ બતાવવા પડે ને? એટલે હાવભાવ-નખરાનું કામ લૉ બજેટ ઍન્જેલિના એવી એશા ગુપ્તા અને અદા શર્માએ ઉપાડી લીધું છે. ગોળીઓ છૂટે, માણસો મરે, છુરાબાજી થાય, પેલો જામવાલ આખો માઉન્ટ એવરેસ્ટ ને હિન્દ મહાસાગર કૂદી જાય, પણ મજાલ છે કે આ બંને છોડીઓનાં મૅકઅપ કે હેરસ્ટાઇલમાં પાવલીનો પણ બગાડ થાય? નકલી હૈદરાબાદી બોલતી અદા શર્મા ક્યુટ છે, પણ એણે પોતાના નામને વધારે પડતી ગંભીરતાથી લઈ લીધું છે! વળી, એનું બૅલેન્સ તમે જુઓ કે હાઈ હિલ પહેરીને પણ એ દોડી શકે છે, કોઈ શક? (Btw, ‘કમાન્ડો-2’માં સ્નાયુઓ પણ એક પાત્ર છે. જામવાલના સ્નાયુ તો બરાબર છે, એક વિલનના સિક્સ પૅક ઍબ્સ પર પણ કેમેરા ફોકસ થાય છે અને આખા સ્ક્રીન પર સ્નાયુ છવાઈ જાય છે!)
 • ફિલ્મમાં બે ગીતકાર છે, કુમાર અને માય સૅકન્ડ ફેવરિટ આતિશ કાપડિયા. પરંતુ બે કલાકની આ ફિલ્મમાં ગીત એકેય નથી. છેલ્લે ‘ભૂલભૂલૈયા’ના ‘હરે ક્રિશ્ના હરે રામ’નું રિમિક્સ આવે છે ખરું (જે સાઉથ કોરિયન ગ્રૂપ JTLના ‘માય લૅકન’ની ઉઠાંતરી હતું). ‘કમાન્ડો-2’માં જામવાલ જામે ત્યારે બૅકગ્રાઉન્ડમાં ‘કમાન્ડો… કમાન્ડો’ વાગે છે. જેથી આપણને યાદ રહે કે ‘કમાન્ડો’ ફિલ્મમાં કમાન્ડો કોણ છે!
 • ટૂંકમાં ‘કમાન્ડો-2’ સ્યુડો-પૅટ્રિયોટિક પ્રોપેગન્ડા ટાઇપની તદ્દન જુવેનાઇલ અને હાસ્યાસ્પદ થ્રિલર ફિલ્મ છે. જેમાં લોજિક તો નથી, ઍન્ટરટેનમેન્ટ પણ જામવાલની જેમ કૂદકો મારીને ક્યાંક ભાગી ગયું છે. માત્ર વિદ્યુત જામવાલની બે અફલાતૂન પાર્કુર-ફાઇટ સિક્વન્સ માટે આ ફિલ્મને * (એક સ્ટાર) આપી શકાય.

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s