Raj Mandir Cinema, Jaipur

– ગયા વર્ષે હું ‘ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઑફ ઇન્ડિયા’ (IFFI, ગોવા)માં નહોતો જઈ શક્યો (આ ઘોર નિંદનીય કૃત્ય બદલ નરેન્દ્ર મોદીથી લઇને ડૉનલ્ડ ટ્રમ્પ સુધીના લોકોની સત્તાવાર ટીકાઓ આવી ગઈ છે!). એટલે એક ક્વિક ટુર તરીકે જયપુર પ્લસ રણથંભોર જવાનું નક્કી કરેલું. જયપુર ભલે ગમે તેવું ‘પિંક સિટી’ તરીકે ઓળખાતું હોય, મારા જેવાને તો અંદરખાને એવી ‘તેજા’ જેવી જ ફીલિંગ ચાલતી હોય કે ‘તુ હોગા રે કોઈ ગોગા’ લેકિન આપણને તો ત્યાં મુખ્યત્વે બે જ વસ્તુ જોવામાં પ્રચંડ ઇન્ટરેસ્ટ છે, એક તો ‘જંતર મંતર’ અને બીજી ‘ધ રાજ મંદિર સિનેમા’. એટલેસ્તો હૉટલ પણ એવી જ પસંદ કરેલી કે જ્યાંથી બે મિનિટના અંતરે ચાલીને પણ રાજ મંદિર જઈ-આવી શકાય.

– ‘તાજ મહલ’ના ફોટા-વીડિયો ભલે ગમે તેટલી વાર જોયા હોય, પહેલી વાર જ્યારે તમારી પોતાની આંખે જુઓ એટલે તેની આભા જોઇને બે મિનિટ તો આંખોનું આઇમૅક્સ થઈ જાય. એટલું બધું તો નહીં, પણ એના જેવું થોડુંક મારે રાજ મંદિરમાં થયેલું. જયપુરની પહેલી સવારે ત્યાંના ફેમસ ‘M.I.’ રૉડ પરથી ટહેલવા નીકળ્યાં અને બહારથી રાજ મંદિર જોઈ ત્યારે મોઢામાંથી નીકળી ગયું, ‘હાઇલા, જુહી ચાવલા, આઇ મીન, રાજ મંદિર?!’

– હવે ‘ક્રાઇમ માસ્ટર ગોગો’ની જેમ ‘રાજ મંદિર’ કે કિસ્સે ભી મૈં બચપન સે સૂનતા આ રહા હૂં! ‘આહાહાહા, રાજ મંદિરનું તો શું ડેકોરેશન છે, શું એના આખો પગ ખૂંચી જાય એવા આલિશાન ગાલીચા છે, શું એની સીટો છે… માં વો યે હૈ, વો હૈ, અરે એટમ બમ હૈ, એટમ બમ!’ મન તો થયું કે બાકીનું સાઇટ સીઇંગ જાય બ્લેક હોલમાં, અબ આયે હૈં તો મુવી દેખ કે હી જાયેંગે! એ રાજ મંદિર મારી સામે હતું. જાયન્ટ કપ કૅક જેવી એ ગુલાબી બિલ્ડિંગ પર મરોડદાર અક્ષરોમાં લખેલું પણ ખરું, ‘એક્સપિરિયન્સ ધ ઍક્સલન્સ’ અને ‘ધ શૉ પ્લેસ ઑફ ધ નેશન’. ત્યાં જ દિમાગના લોજિકલ હિસ્સાએ જગાડ્યો, ‘કંટ્રોલ બાંગડુ, કંટ્રોલ! મુવી તો રાત્રે પણ જોઈ શકાશે, જ્યારે સાઇટ સીઇંગ માત્ર દિવસે જ થશે. અત્યારે વધુમાં વધુ ટિકિટો બુક થઈ શકે.’ એટલે અમે સજોડે સ્લો મોશનમાં ‘લાલાલા લાલા, લાલાલા લાલા…’ કરતાં કરતાં દોટ મૂકી અને સીધાં રાજ મંદિરના કૅમ્પસની માલીપા ઘૂસી ગયાં.

– સિક્યોરિટીવાળા કહે કે, ‘વો ઉસ ગલી મેં ટિકટ વિન્ડો હૈ.’ ત્યાં લાગેલી નોટબંધીની ખિલ્લી ઉડાવતી હોય તેવી લાંબી લાઇનમાં અમેય જોડાઈ ગયાં. એ વખતે ત્યાં ‘બેફિકરે’ ચાલતું’તું (જે મેં ઑલરેડી જોયેલું હતું, યુ નૉ!) અને શુક્કરવારથી ‘દંગલ’વાળા હાનિકારક બાપુ પધારવાના હતા. ટિકિટના ભાવ પણ આમિરના વધેલા શરીર જેવા જ હતાઃ ‘રુબી-120, એમરાલ્ડ-170, ડાયમંડ-300, પ્રીમિયમ-400!’ (પહેલા બે અપર અને પાછલા બે બાલ્કની). અમારો વારો આવે તે પહેલાં અમે ખૂસરફુસર દ્વારા આઇન્સ્ટાઇનનો સાપેક્ષવાદ, હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત, બૅલ કર્વ, ગેમ થિયરી, ‘જીતના થા સબ લાયા હૂં, માલિક’ વગેરે સિદ્ધાંતોને કામે લગાડીને નક્કી કર્યું કે આજે રાત્રે ‘બેફિકરે’ એમરાલ્ડમાં જોઈ નાખવું (જેથી રખે ને કાલે સવારે પરમાણુ યુદ્ધ ફાટી નીકળે, તો આપણો રેડિયોએક્ટિવ આત્મા ભટકે નહીં!), અને શનિવારની રાત્રે ‘પ્રીમિયમ’માં ‘દંગલ’. ટિકિટબારી પર વારો આવ્યો ત્યારે જોયું કે મહારાજા સવાઈ જયસિંહના જમાનાની બારીક કોતરણીવાળી લોખંડી જાળીમાં એક નાનકડું બાકોરું હતું. મેં ચશ્માં ફોકસ કરીને જોયું તો જાળીની પાછળ એક માનવદેહ પણ હતો. તે જીવતો માણસ જ હશે એવું માનીને મેં બે પ્લસ બે એમ ચાર ટિકિટોનો ઑર્ડર આપી દીધો. કેશલેસ ઇન્ડિયાની ઝુંબેશને વેગ આપવા માટે મેં ‘કાર્ડ લોગે ના, ભૈયા?’ એવું પૂછ્યું. જવાબમાં એમણે ‘નહીં’ કહીને મારી સામે એવા ડોળા તગતગાવ્યા જાણે હમણાં ‘બલવંતરાય કે કુત્તે…’ કહેતો જાળી તોડીને બહાર આવશે અને મારી ગરદનને ડંકીની જેમ ઉખાડી નાખશે! તરત જ મેં પાકિટમાંથી પિંક સિટીને છાજે એવી ૨ હજારની ગુલાબી નોટ કાઢી અને એ નાનકડા બાકોરામાંથી મારો સ્લિમ ટ્રિમ હાથ સરકાવી દીધો. નોટ ગાયબ થઈ, ‘ચર્ ચર્’ અવાજ થયો અને ટિકિટો પ્લસ બાકીના પૈસા બારીની બખોલમાંથી બહાર આવી ગયાં.

Raj Mandir Cinema, Jaipur

– હવે બાકીનું સાઇટ સીઇંગ સ્કિપ કરીને આપણે સીધા શૉ ટાઇમ પર આવી જઇએ. એ રાત્રે હુંય તે રાજ મંદિરને છાજે એવાં કપડાં પહેરીને ગયેલો (કંઇક તો એ બીકે કે ‘કહાં કહાં સે ચલે આતે હૈ’ કહીને પેલા બહાર ન કાઢી મૂકે!). એન્ટ્રી ગેટ પર સિકુરિટીવાલે ભાઈસા’બ અમારાં ‘એ’ને કહે કે, ‘મૅડમ, લેડિજ લોગ ઉસ ગેટ સે.’ મેં ઉપર જોયું ત્યારે ખબર પડી કે લેડિઝ-જેન્ટ્સની એન્ટ્રી અલગ હતી (સંસ્કાર!). ‘આજ સે તેરે મેરે રાસ્તે અલગ હૈ… દુવા મેં યાદ રખના!’ એવું બોલીને ભારે હૈયે અમે બંને એકબીજાંથી છૂટાં પડ્યાં. દરવાજો ખોલીને અંદર ઘૂસ્યાં તો એક જ હૉલમાં ગુડાણાં! મીન્સ કે એન્ટ્રી ભલે અલગ હોય, એક જ મોટા હૉલમાં ખૂલે. એય વળી બે દરવાજા વચ્ચે માંડ દસેક ફૂટનું અંતર. ફરી પાછાં આંખોમાં ઝળઝળિયાં સાથે અમે ભેગાં થયાં અને બૅકગ્રાઉન્ડમાં ‘જાને વફા હો કે બેકરાર…’નું સૅડ વર્ઝન વાગ્યું (અલબત્ત, મનમાં)!

Raj Mandir Cinema, Jaipur

Raj Mandir Cinema, Jaipur

– અમારો રાહુલ-અંજલિ મિલાપ પત્યે હૉલમાં નજર ફેરવી તો લાગ્યું કે, ‘અલ્યા, આ તો ભણસાલીના દેવદાસનો સેટ લાગે છે!’ એય ને જંગી વર્તુળાકાર હૉલ, LEDથી ઝબૂકતાં જાયન્ટ ઝુમ્મરો, ઠાંસી ઠાંસીને ભરેલી કોતરણી, રંગબેરંગી આભલા અને સામે લાં….બી પગથિયાં વિનાની ઢાળવાળી સીડી. બે મિનિટ તો મેં રાહ પણ જોઈ કે ઉપરથી ‘અરે ઓ દેવાઆઆઆઆ…….’ બોલતી ઐશ્વર્યા દોડતી આવે! એવું થયું નહીં, એટલે મેંય પછી ત્યાં રહેલા સેંકડો લોકોની જેમ કેમેરા કાઢ્યો અને મેમરી ફુલ કરવાની શરૂઆત કરી. ત્યાં હાજર બધા, ઓલમોસ્ટ બધા લોકો ફોટા જ પાડતા હતા (જે નહોતા પાડતા, એ લોકો પૉઝ આપતા હતા!). થોડાક પૉઝ અમેય તે આપી-લઈ લીધાં. હૉલની વચ્ચોવચ્ચ રાખેલા લાઇટવાળા ટેબલ પર રાજ કપૂર, યશ ચોપરા, અમિતાભ બચ્ચનથી લઇને અટલ બિહારી વાજપેયી સુધીના મહાનુભાવોએ આ સિનેમાની તારીફમાં જે ફૂલડાં છાંટેલાં તે ક્વોટ્સ હતા. એટલે મારા માટે શંકા કરવાનું કોઈ કારણ નહોતું (અને આમેય ટિકિટો ખરીદી લીધેલી એટલે કશું થઈ શકે તેમ પણ નહોતું!).

Raj Mandir Cinema, Jaipur

– આખરે ઘંટડી વાગી અને ઑડિટોરિયમમાં એન્ટ્રી શરૂ થઈ. ગયા વર્ષે રાજકોટના ‘ગેલેક્સી’માં જોયેલા એક મુવીને બાદ કરતાં લગભગ બારેક વર્ષ પછી હું કોઈ સિંગલ સ્ક્રીન થિયેટરમાં પ્રવેશ કરી રહ્યો હતો. નાના બચ્ચાની જેમ ઉત્સાહથી કૂદતાં કૂદતાં મેં એન્ટ્રી મારી અને જોયું તો એય ને જાયન્ટ સાઇઝનો અંતર્ગોળ સ્ક્રીન, એની આગળ ઝાલરવાળો લાલ પડદો, મોદીસાહેબની સભા યોજી શકાય એવડા મોટા ઑડિટોરિયમમાં સેંકડો ખુરશીઓ, ઉપર દેખાતી દીવાન-એ-ખાસ જેવી બાલ્કની અને છત પર યુ.પી.ના રાજકારણની જેમ સતત રંગ બદલતી સમુદ્રની લહેરો જેવી LED લાઇટો. મેં તો મનોમન નક્કી કરી નાખ્યું કે રાજ મંદિરની બાજુમાં કોઈ ઘર સસ્તામાં ભાડે મળતું હોય તો વિચારવા જેવું! આપણે મહિનાનું લગવું જ બંધાવી લેવું!

Raj Mandir Cinema, Jaipur

– આખરે પડદો ઊંચકાયો અને પાછળથી જાણે ખરેખરો વિજય માલ્યા ૬ હજાર કરોડની થેલીઓ સાથે પ્રગટ થવાનો હોય એમ અડધીપડધી આવી ગયેલી ઑડિયન્સે હરખાઈને તાળીઓ પાડી. રાષ્ટ્રગીતના વાદન સાથે મોટાભાગના લોકોએ પોતાની દેશભક્તિ પુરવાર કરી અને ફિલ્મ શરૂ પણ થઈ ગઈ, પણ હજીયે લોકો તો આવતા જ રહ્યા. અર્નબ ગોસ્વામીના રાજીનામા પછી મેં કાન સાફ કરાવેલા, એટલે કાન બરાબર કામ કરે છે એ તો ખબર હતી. પણ સાલું બસ-રેલવે સ્ટેશનમાં ઉપર TV લટકાવ્યાં હોય અને જેવો અવાજ કાને પડે કંઇક એવું જ સંભળાતું હતું. લોકોનો કોલાહલ પણ બસસ્ટેન્ડ જેવો જ હતો. સ્વાભાવિક છે, ૧૨૩૬ની કૅપેસિટી ધરાવતા આ થિયેટરમાં ૧૧૬૫ સીટો તો અપરમાં જ છે. ત્યાં જ જાહેરસભામાં લોકોને બેસાડવા માટે ફરજ બજાવતા સ્વયંસેવકો જેવા ડૉરકીપરો હૉલમાં ઊતરી પડ્યા. દરેકના હાથમાં અહીંથી ચંદ્ર પર શેરડો પહોંચે એટલી તીવ્રતા ધરાવતી LEDવાળી બૅટરીઓ હતી. એમનો હેતુ માત્ર લોકોને બેસાડવાનો જ. પછી એ ક્રિયામાં ઑલરેડી બેસી ગયેલા અને ફિલ્મ જોઈ રહેલા લોકોને જે તકલીફો પડે એ જાય ચૂલામાં. આવો જ એક બૅટરીવાળો કોઈ કારણ વગર મારી અને સ્ક્રીનની વચ્ચે સ્ટેચ્યુ ઑફ લિબર્ટીની જેમ ઊભો રહી ગયેલો. મેં હટવાનું કહ્યું તો મારા મોઢા પર બૅટરી (એટલે કે તેનો પ્રકાશ) મારીને મને જ ધમકાવી નાખ્યો, જેનો સાર એવો હતો કે, ‘જો બકા, તફલીક તો રે’વાની.’

– ખાસ્સા અડધા કલાકે પબ્લિક કંઇક સૅટલ થઈ. તેમ છતાં સેલ્ફીઓ પડવાનું, વાતો કરવાનું મોટે મોટેથી બોલવાનું ચાલુ જ રહ્યું. નો ડાઉટ, જંગલી-રાઉડી પબ્લિક તો અહીં PVR-સિનેપોલિસમાં પણ આવે છે, ત્યારે આ તો સિંગલ સ્ક્રીન થિયેટર હતું. પરંતુ હાઉસફુલ એવા રાજ મંદિરની અંદર તો બૅન્ક્વેટ હૉલ જેવો માહોલ હતો.

– આમ તો ‘બેફિકરે’ નવું મુવી જ હતું, પણ પ્રોજેક્શન એવું એનિમિયાગ્રસ્ત હતું કે આખું ચિત્ર ફિક્કું-પીળાશ પડતું જ દેખાય. શરૂઆતમાં બે ઘડી તો મને થયું પણ ખરું કે આદિત્યને બદલે ભૂલથી પપ્પા યશરાજની ફિલ્મ મુકાઈ ગઈ લાગે છે! મારા લેપટોપનાં બિલ્ટઇન સ્પીકરમાં બરાબર સંભળાતું નથી એવી ફરિયાદને કારણે મેં ગયા વર્ષે બે USB સ્પીકર્સ ખરીદેલાં. આ રાજમંદિરનાં સ્પીકર્સની તદ્દન થર્ડક્લાસ ક્વૉલિટી સાંભળીને મને મારા લેપટોપ પર તાત્કાલિક અસરથી માન થઈ આવ્યું! રેલવે સ્ટેશનનાં એનાઉન્સમેન્ટ કરતાં પણ ભંગાર ઑડિયો સિસ્ટમને કારણે ‘દંગલ’ વખતે તો કેટલા બધા ડાયલોગ્સ મિસ થઈ ગયેલા એ મુવી બીજી વાર જોયું ત્યારે ખબર પડી. વર્ષોના માર્કેટિંગથી તદ્દન વિપરિત અપર સ્ટૉલની અત્યંત સામાન્ય કક્ષાની ખાસ કશા લૅગ સ્પેસ વિનાની સીટો અને આગળ બેઠેલા લોકોનાં માથાં નડે તેવી ઢાળ વગરની સીટિંગ એરેન્જમેન્ટ જોઇને પણ મેં કપાળ કૂટેલું (હા, એના ઢીમણા પર હજી બરફ ઘસવો પડે છે!). ‘બેફિકરે’ જેવું પૂરું થયું અને એન્ડ ક્રેડિટ્સ શરૂ થયાં કે તરત જ પેલો ઝાલરવાળો પડદો ડાઉન અને પ્રોજેક્શન બંધ. મેં અગાઉ જોયેલું એટલે મને ખબર કે એન્ડ ક્રેડિટ્સ પત્યા પછી એક પોસ્ટ ક્રેડિટ સીન પણ છે. પરંતુ પબ્લિકને જ જોવામાં રસ ન હોય, તો થિયેટર શું કામ રસ લે?! (મેં મનોમન નોન-વેજ ગાળો ભાંડી દીધી!)

– સિનેમાનું આવું ઘોર અપમાન તો કેવી રીતે સહન થાય? એટલે ‘બેફિકરે’ પછી ‘દંગલ’ જોવા ગયો ત્યારે એક ખોપચામાં દબાયેલી મેનેજરની કૅબિન શોધી કાઢી. એમને કહ્યું કે, ‘મને એક બ્લૅન્ક પેપર આપો, તમારા થિયેટર વિશે ફરિયાદ લખવી છે.’ એ મહાશયના ‘હમારી જેલ મેં સુરંગ?’ ટાઇપના હાવભાવ જોવા જેવા હતા. પહેલાં મારી વાત સાંભળી અને પછી અંદરથી A4 સાઇઝનો એક કાગળ કાઢી આપ્યો. મેં દિલથી મારી ભડાસ કાઢી અને તેના પર કોઈ જ એક્શન નહીં લેવાય તેની પૂરેપૂરી ખાતરી સાથે સજેશન બૉક્સમાં કાગળ પધરાવી દીધો.

– દરઅસલ, અહીં આવતી મોટા ભાગની ઑડિયન્સને ફિલ્મ જોવામાં નહીં, બલકે થિયેટર જોવામાં રસ હોય છે. તેનું કારણ આ થિયેટર પોતે જ છે. એણે જ વર્ષો થયે પોતાનું એવું બ્રાન્ડિંગ કર્યું છે કે જયપુર આવો અને રાજ મંદિરમાં ફિલમ ન જુઓ તો તમારો ફેરો ફોગટ ગણાય. આખો દિવસ જયપુરદર્શન કરાવ્યા પછી ટુર ઑપરેટરો પ્રવાસીઓને છૂટ્ટા મૂકી દે, ‘કે જાઓ, જોઈ આવો રાજ મંદિરમાં ફિલમ.’ એમાં પાછા મોટા ભાગના ગુજરાતીઓ જ હોય. એટલે સતત કાને અંકલો-આન્ટીઓના આવા જ સંવાદો સંભળાયે રાખે, ‘હું તો આમની સાથે લગન પછી પહેલીવાર અહીં આવેલી, પંચ્યાશીમાં’, ‘અરે, મારી બૅબીએ તો ખાસ અમેરિકાથી કે’વડાવ્યું છે કે મમ્મી જયપુર જાઓ તો રાજ મંદિરમાં પિક્ચર જરૂર જોજો.’ આવી કેટલીયે જોગમાયાઓને કહ્યું કે, ‘પ્લીઝ, શાંતિ રાખો.’ ‘દંગલ’ વખતે બાલ્કનીવાળાં એક આન્ટી તો સામાં કહે કે, ‘લે બોલો, વાતો તો કરીએ જ ને!’ એમાં પાછા ગ્રૂપ ટૂરવાળાઓએ ડઝનબંધ ટિકિટો બુક કરાવી હોય. એટલે કશું વિચાર્યા વિના બરાડા પાડ્યા કરે, ‘એ કનુભાઈ-સગુણાબેન, આ બાજુ આ બાજુ, આ આખી લાઇન આપણી જ છે!’ કુંભના મેળામાં ચાલતા કોઈ અન્નક્ષેત્રમાં પણ લોકો આનાથી વધારે ડિસિપ્લિનથી વર્તતા હશે.

Raj Mandir Cinema, Jaipur

– તમે નહીં માનો, ‘દંગલ’માં તો ઇન્ટરવલ પછી નીચે અપરમાં બે પરિવાર વચ્ચે રીતસર ધિંગાણું ફાટી નીકળ્યું. લોકોનેય પડદા પરના દંગલ કરતાં એ લાઇવ દંગલમાં વધારે રસ પડ્યો એટલે કોઇએ છોડાવ્યા પણ નહીં. પેલા બૅટરીવાળાઓ કે સિક્યોરિટીવાળા પણ ડોકાયા નહીં. ખાસ્સી ૨૦-૨૫ મિનિટ એ નાટક ચાલ્યું. એ પછી મેં શાંતિથી ફિલ્મ જોવાની આશા મૂકી દીધી. (જેટલી અને જેવી જોવાઈ તેટલી) ફિલ્મ જોઇને બહાર નીકળ્યાં ત્યાં ‘વી લુક ફોરવર્ડ ટુ સર્વિંગ યુ અગેઇન’નું દંભી બૉર્ડ દેખાયું. મન તો થયું કે ખાસડું છૂટ્ટું મારું, પછી નાના પાટેકર સ્ટાઇલમાં થયું કે ‘કંટ્રોલ… કંટ્રોલ!’

– બસ-રેલવે સ્ટેશન, હૉસ્પિટલોની બહાર ફૂટી નીકળેલી રેસ્ટોરાંઓમાં ક્વૉલિટીનો આગ્રહ રખાતો નથી, કેમ કે ત્યાં આવનારા લોકો રિપીટ ગ્રાહકો હોતા નથી. એવું જ કંઇક સસ્તું લોજિક રાજ મંદિરમાં પણ ફોલો થતું હશે. મલ્ટિપ્લેક્સ કરતાંય વધુ પ્રીમિયમ રેટ વસૂલવા છતાં મોસ્ટ્લી પ્રવાસીઓને કારણે વીકડેય્ઝમાં પણ હાઉસફુલ જતા આ થિયેટરને જો ‘જોવાલાયક સ્થળ’ જ ગણવું હોય તો ઓછા દરે ૧૫-૩૦ મિનિટના ‘ટુરિસ્ટ સ્પેશ્યલ શૉ’ કરવા જોઇએ. જેમાં લોકો અંદર આવે ફોટા પડાવે, એકાદ-બે ટ્રેલર જુએ અને નૌ દો ગ્યારહ!

– અને હા, ‘ખાલી કુર્સી-ટેબલ પે ખર્ચા કિયેલા હૈ ક્યા’ ટાઇપના મહા ઑવરરેટેડ ‘રાજ મંદિર’ને જો એશિયાનું કે દેશનું બેસ્ટ થિયેટર કહેવાતું હોય તો બાકીનાં થિયેટરોએ તો જૌહર કરી લેવું જોઇએ!

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article or photos without my permission. However, you are free to share this URL or the article with due credits.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s