ઘિસાપિટા કિસિંગ ફેસ્ટિવલ

***

દિલકશ મ્યુઝિક અને જથ્થાબંધ કિસિંગ-બૅડરૂમ સીન સિવાય આ ફિલ્મમાં કશું જ નવું નથી.

***

befikre759કહે છે કે ચાર્લી ચૅપ્લિન એક વખત પોતાના ડુપ્લિકેટ બનવાની સ્પર્ધામાં ગયેલા અને એમાં એમનો ત્રીજો નંબર આવેલો. ‘બેફિકરે’માં આદિત્ય ચોપરાની હાલત કંઇક એવી જ થઈ છે. એણે DDLJ જેવી કલ્ટ રોમેન્ટિક ફિલ્મ બનાવી. એ જ ફિલ્મમાં શાહરુખના દોસ્તારનો રોલ કરી ચૂકેલા કરણ જૌહરે પછી ‘કુછ કુછ હોતા હૈ’ જેવી બીજી એક્સપાયરી ડૅટ વિનાની રોમેન્ટિક ફિલ્મ સર્જી. એ પછી ખુદ આ બંનેના પ્રોડક્શન હાઉસમાંથી જ ઢગલાબંધ ફિલ્મો બહાર પડી જેમાં આ બંને ફિલ્મોનું જ પ્રતિબિંબ હતું. નવી પેઢીમાં ઇમ્તિઆઝ અલીની લગભગ બધી જ ફિલ્મો, પ્લસ ‘દિલ ચાહતા હૈ’, ‘યે જવાની હૈ દીવાની’, ‘કોકટેલ’, ‘વેકઅપ સિદ’, ‘હેપ્પી એન્ડિંગ’, ‘જાને તુ યા જાને ના’, ‘સલામ નમસ્તે’થી લઇને મણિ રત્નમની છેલ્લે આવેલી તમિળ ફિલ્મ ‘ઓ કાધલ કન્મની’ (જેની ‘ઓકે જાનુ’ નામે હિન્દી રિમેક બની રહી છે) વગેરે તમામ ફિલ્મોમાં એક લ.સા.અ. જેવી વાત હતી કે છોકરા-છોકરી પ્રેમમાં પડે, પરંતુ કોઈ કારણસર છૂટા પડ્યા પછી એ પ્રેમનું ભાન થાય. હૉલીવુડની પણ આવી અનેક ફિલ્મો ગણાવી શકો. લેકિન આ થીમ પરની મોટા ભાગની ફિલ્મોમાં તે ઉપરાંત પણ કોઈ ને કોઈ સબપ્લોટ, મેસેજ હતો. આજે એ જ આદિત્ય ચોપરાની ‘બેફિકરે’માં એ જ ઘસાયેલી સિંગલ લાઇન સ્ટોરી છે, પણ નવીનતાના નામે કંઈ કહેતા કંઈ જ નથી.

ફ્રોમ પૅરિસ વિથ કન્ફ્યુઝન

ધરમ ગુલાટી (રણવીર સિંઘ) સ્ટેન્ડઅપ કોમેડિયન બનવા દિલ્હીથી પૅરિસ આવે છે. પરંતુ કોમેડિયન બનતાં પહેલાં એ પ્રેમી બની જાય છે અને સાંગોપાંગ શાયરા ગિલ (વાણી કપૂર)માં ડૂબી જાય છે. બેઉ જણાં મળીને આખું પૅરિસ રીતસર માથે લે છે. પોલીસને લાફો મારી દે, રખડે, ડાન્સ કરે, હોટેલમાં નંગુપંગુ પકડાય, લાઇબ્રેરીમાં-પાર્ટીઓમાં ઉઘાડા ડાન્સ કરે, રાતોરાત લિવર ફેઇલ થઈ જાય એટલો દારૂ પીવે, ગિનેસ બુકવાળા રેકોર્ડ ફાડી આપે એટલાં બધાં ચુંબનો કરે, સેન્સર કૃપાથી બંને પારવિનાનો સેક્સ કરે અને મા-બાપને અંગૂઠો બતાવીને લિવઇનમાં પણ રહે. પછી એઝ યુઝવલ બંને ઝઘડે, અલગ થાય, બીજાં પાત્રો શોધે. પછી સવાલ થાય કે હવે જે ફીલિંગ થઈ રહી છે એ સાચો પ્રેમ છે?

અર્બન, માય ફૂટ

આદિત્ય ચોપરા સાહેબે આ ફિલ્મ વિશે કહ્યું છે કે ‘બેફિકરે’માં તેઓ પોતાના કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળ્યા છે. તદ્દન ખોટ્ટી વાત છે. આ ફિલ્મનું માત્ર ક્લેવર અર્બન, યંગ છે. બાકી તે આપણી ફિલ્મોમાં વર્ષોથી થતી આવેલી એની એ જ વાત કરે છે. અને ધારો કે દર બીજા દિવસે ગમે તેની સાથે સેક્સ કરતા ફરવું, દારૂ પીને પાર્ટી વગેરેમાં ધમાલ કરવી, મજા ખાતર પોલીસને થપ્પડો મારવી, કરિયરને તો ઠીક મારા ભૈ સમજવું… યુવાનો એવું જ કરતા હોય, તો પછી બોસ, તમે આજની યુવાપેઢી વિશે ગંભીર અને અફકોર્સ ફૉલ્ટી રિમાર્ક પેશ કરી રહ્યા છો. એટલે આ ફિલ્મની લીડિંગ જોડીની કેરફ્રી લાઇફસ્ટાઇલ તમને બે ઘડી મજા કરાવી શકે, પણ એ લોકો અત્યારના યંગસ્ટર્સનું પ્રતિનિધિત્વ નથી કરતા એ યાદ રાખવું પડે.

આજના યુવાનોનો આવો ક્લિશૅ ચહેરો પેશ કરતી ‘બેફિકરે’ બે કલાક ઉપર ચાલ્યા કરતી મોટી ‘ટ્રુથ ઑર ડૅર’ની ગેમ જ છે. જેના છેલ્લા દૃશ્યનો ડાયલોગ પણ માત્ર ટ્રેલર જોઇને કળી શકાય તેમ છે. બેફિકરે આ હદે પ્રીડિક્ટેબલ છે. પોતે અગાઉની રોમેન્ટિક ફિલ્મો જેવી રોનાધોના ટાઇપ નથી એવું જાતે જ સાબિત કરવા મથે છે અને એ પ્રયત્નમાં એ તદ્દન ફારસ બની જાય છે. પરિણામે બંને પાત્રોની એકબીજા માટેની ફીલિંગ આપણને સ્પર્શતી નથી. જેવાં એ બંને છે એ જોઇને આપણને ગળા સુધીની ખાતરી થઈ જાય કે એ બંને છૂટાં પડતાં હોય તો છો પડતાં, સાંજ પડ્યે બીજું કોઇક શોધી જ લેવાનાં છે. તેમ છતાં અલ્ટિમેટલી તો એ ટ્રેડિશનલ જ બની રહે છે.

‘બાજીરાવ’ જેવા છૂટક રોલને બાદ કરતાં રણવીર સિંઘ ફરી પાછો પોતાના ઑરિજિનલ ‘દિલ્લી કા લૌંડા’ના રોલમાં આવી ગયો છે. એની ઍનર્જી, કોમિક ટાઇમિંગ, વખતોવખત ગલુડિયામાં કન્વર્ટ થઈ જતું એનું ડાચું વગેરે અપીલ કરે છે, આપણને હસાવે પણ છે, લેકિન આપણે એના દુઃખે દુઃખી થઇએ એવું જરાય બનતું નથી. યંગસ્ટર્સને અપીલ કરે તે માટે રણવીર અહીં સ્ટેન્ડઅપ કોમેડિયન બન્યો છે. પરંતુ જો તમે અત્યારના સ્ટેન્ડઅપ કોમેડિયનોના વીડિયો જોતા હશો તો સમજાશે કે રણવીર એમાં સ્ટેન્ડ અપ કોમેડિયન કરતાં ‘રાજુ બન ગયા જેન્ટલમેન’ના નાના પાટેકરની નબળી આવૃત્તિ જેવો વધારે લાગે છે.

ડિટ્ટો હિરોઇન વાણી કપૂર. આ બડે મૂંહવાલી હિરોઇનનું મૂંહફટ કેરેક્ટર આદિત્ય ચોપરાના મતે ઍમ્પાવર્ડ વુમનનું અને NRI પરિવારના કન્ફ્યુઝ્ડ સંતાનનું પ્રતીક હશે, પણ એની ઉદ્ધતાઈ એની કોઈ જ ફીલિંગ આપણા સુધી પહોંચવા દેતું નથી. જો એ પાત્રની ઉદ્ધતાઈ પાછળ ‘પૅરિસ બોર્ન કન્ફ્યુઝ્ડ દેશી’ ટાઇપનો ઍન્ગલ હોત તો એક નવું ડાયમેન્શન ઉમેરાયું હોત. પાત્રોમાં આવું કોઈ ઉંડાણ તો નથી જ, પરંતુ બંને કલાકાર વચ્ચેની કેમેસ્ટ્રીમાં પણ ખાસ જામતું નથી. હા, એટલું ખરું કે વાણી-રણવીર સુપર્બ ઍનર્જેટિક ડાન્સ કરે છે. એમને જોઇને ડાન્સ ક્લાસીસના ગ્રાહકો વધે તો નવાઈ નહીં.

ઇન ફૅક્ટ, બેફિકરેમાં જો વિશાલ-શેખરનું ધમ્માલ મ્યુઝિક ન હોત, તો આ ફિલ્મ અસહ્ય બની ગઈ હોત. ટાઇટલ ટ્રેક, ‘નશે સી ચડ ગઈ’, ફ્રેન્ચ સોંગ વગેરે બધાં જ ગીતો લૂપમાં સાંભળવાં કે તેના પર ડાન્સ કરવાનું મન થાય એવાં બન્યાં છે. ફિલ્મ માટે વખતસર પહોંચી જાઓ તો જયદીપ સાહનીએ દિલકશ શબ્દોથી સજાવેલું (અને ચુંબનોથી ભરચક એવું) ‘લબોં કા કારોબાર’ ગીત પણ સાંભળવા જેવું છે. બેફિકરેનું મિકી મૅકલિઅરીએ આપેલું બૅકગ્રાઉન્ડ મ્યુઝિક તેને ‘ઍમિલી’ જેવી કોઈ ફ્રેન્ચ ફિલ્મની ફીલ આપે છે. એ જ રીતે ફિલ્મને ગ્લોબલ લુક આપવા માટે આદિત્ય ચોપરાએ ફ્રેન્ચ-જૅપનીસ સિનેમેટોગ્રાફર કાનામી ઓનોયામાની મદદ લીધી છે. તેને કારણે વિઝ્યુઅલી તો આ ફિલ્મ જબરદસ્ત રીતે શૂટ થઈ છે, પરંતુ આદિસરના ઝેનોફોબિક રાઇટિંગે આ ફીલની ચટણી કરી નાખી છે. કેમકે અર્બન બનાવવાની લ્હાયમાં આદિત્ય ચોપરાનાં પાત્રો બીજાનાં ડિફરન્ટ સેક્સ્યુઅલ ઓરિએન્ટેશનની, કલ્ચરની મજાક ઉડાવે છે. ઇવન એમની જ સો કૉલ્ડ પ્રોગ્રેસિવ હિરોઇન ફિલ્મમાં બીજા સ્ત્રીપાત્રનું એના વિદેશી હોવા માત્રથી કેરેક્ટર સર્ટિફિકેટ પણ ફાડી આપે છે. એ જ રીતે યુવાનોને વ્હાલા થવા માટે આદિત્ય ચોપરાએ પોતાની જ DDLJના મોસ્ટ ફેમસ સીનને વલ્ગર ટર્ન આપી દીધો છે (DDLJના ચાહકો હિંમત રાખે). આખી ‘બેફિકરે’ પૅરિસમાં છે, પણ જાણે ટુરિઝમનો વીડિયો જોતા હોઇએ એ રીતે શૂટ થયેલી આ ફિલ્મમાં પૅરિસ એક પાત્ર તરીકે ઊપસીને આવતું નથી (જેવું ‘ક્વીન’માં થોડા ભાગમાં પણ કરી શકાયું હતું).

આપણા સંસ્કારી અને સગવડિયા સેન્સર બૉર્ડે પણ બડા બૅનરની આ ફિલ્મ માટે જે સગવડિયો અપ્રોચ લીધો છે તે ખાસ્સો શૉકિંગ છે. ટ્રક ભરીને ચુંબનો, ગાડું ભરીને બૅડરૂમ સીન અને એટલું પૂરતું ન હોય તેમ રણવીરનો તદ્દન ઉઘાડો પિછવાડો પણ ઓકે થઈ ગયો છે.

કુછ નયા લાઓ, યાર

સદૈવ અદૃશ્ય રહેતા આદિત્ય ચોપરા પોતે પોતાના બૅનરની કે અત્યારની બૉલીવુડની ફિલ્મો જોતા હશે કે કેમ ખબર નહીં, પરંતુ એમની આ ફિલ્મ પૂરેપૂરી ક્લિશૅ અને કન્ફ્યુઝ્ડ છે. તેઓ પોતે રોમ-કોમ, કમિંગ ઑફ ઍજ ફિલ્મ બનાવવા માગે છે, પ્યોર રોમેન્ટિક કે ખાલી કોમેડી બનાવવી છે કે પછી એવી ફિલ્મોની પૅરડી બનાવવી છે એ જ સમજાતું નથી. ફિલ્મના પાત્રો જેટલી જ આ ફિલ્મ અને તેના મૅકર પણ કન્ફ્યુઝ્ડ છે. પરંતુ થૅન્ક ગૉડ, આપણા માટે કોઈ કન્ફ્યુઝન નથી. કમિટમેન્ટ ફોબિક યુવાનોની આ ઘિસિપિટી અર્બન ગાથા સંપૂર્ણપણે અવગણી શકાય તેવી છે. રણવીર સિંઘના ફૅન હો તો એકાદ વખત કોઈ જ અપેક્ષા વિના માત્ર ટાઇમપાસ માટે એકવીસમી સદીના અંત સુધીમાં ગમે ત્યારે જોશો તોય કશું ખાટુંમોળું થવાનું નથી. ઇન ફૅક્ટ, આના કરતાં વધુ એકવાર DDLJ જોઈ લેવી વધુ ફાયદાનો સોદો છે.

રેટિંગઃ *1/2 (દોઢ સ્ટાર)

DDLJ= દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે

(Published in Gujarati Mid Day)

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s