બિગ બજેટ ક્લિશૅ કી કીમત તુમ ક્યા જાનો, રાજબાબુ?
***
એક્ચ્યુઅલી આ ફિલ્મ નથી, ચ્યુઇંગગમ છે. શરૂઆતમાં મીઠી, પાછળથી એકદમ મોળી અને આપણે દાયકાઓથી ચાવતા આવ્યા છીએ એ જ ફ્લૅવરવાળી.
***
496386-aedil1કરણ જોહર જો કેમિસ્ટ્રીનો શિક્ષક હોત, તો એ પોતાના વિદ્યાર્થીઓને ‘ચેઇન રિએક્શન’ કંઇક આ રીતે શીખવતો હોતઃ કેમિકલ RK કેમિકલ ASને પ્રેમ કરે છે, પરંતુ કેમિકલ AS ત્રીજા એક પાકિસ્તાની કેમિકલ FKના પ્રેમમાં છે. AS સાથે પાકો બોન્ડ ન બંધાતાં RK એક થોડા મોટી સાઇઝના બ્યુટિફુલ કેમિકલ AR સાથે નવો બોન્ડ બાંધે છે, પરંતુ એમાં પેલા AK જેવી મજા નથી. અધૂરામાં પૂરું એ બ્યુટિફુલ કેમિકલ ARનું પણ એક કેમિકલ S સાથે જૂનું બોન્ડિંગ છે. હવે આ સમગ્ર રસાયણોને બૉલિવૂડના બિકરમાં નાખીને ૧૫૭ મિનિટ સુધી દેશભક્તિના RT નામના ઉદ્દીપકની સાક્ષીએ ઉકાળીએ તો જે નવું રસાયણ તૈયાર થાય, તેને ‘એ દિલ હૈ મુશ્કિલ’ એટલે કે ADHM નામ આપી શકાય.

પ્રેમનો પકડદાવ
આપણા બૉલીવુડમાં પ્રેમના જેટલા પ્રકારો જોવા મળે છે એટલા તો ખુદ કામદેવની ટેક્સ્ટ બુકમાં પણ નહીં હોય. પરંતુ એમાંય સૌથી કોન્ક્રિટ પક્કાવાલા પ્રેમ હોય, તો તે છે ‘સચ્ચા પ્યાર.’ બાકી કરણ જોહર જ અત્યાર સુધીમાં ઍશિયન પેઇન્ટ્સના શૅડકાર્ડમાં હોય છે એટલા બધા ટાઇપના પ્રેમ પોતાની ફિલ્મોમાં અજમાવી ચૂક્યો છે. જેમ કે, દોસ્તો વચ્ચેનો પ્રેમ, ભાઈ-ભાંડું-માતાપિતા સાથેનો પ્રેમ, મરતા દોસ્ત દ્વારા કુરબાન કરવામાં આવતો પ્રેમ, પારકાંનાં પતિ-પત્નીને કરાતો પ્રેમ, પ્રેમિકાના આગલા ઘરના દીકરાને કરાતો પ્રેમ અને હવે આ દિવાળીનો લેટેસ્ટ પ્રેમ છે, ‘ફ્રેન્ડઝોન પ્રેમ.’ મતલબ કે જ્યારે છોકરી છોકરાના પ્રેમના પ્રસ્તાવના જવાબમાં એવું કહી દે કે, ‘આઈ લવ યુ, બટ ઍઝ અ ફ્રેન્ડ’, પછી પેલા વેલેન્ટાઇન્સ ડૅમાંથી ફ્રેન્ડશિપ ડૅમાં આવી પડેલા મજનૂની જે હાલત થાય એ થયો ‘ફ્રેન્ડઝોન પ્રેમ’. એ રીતે જોઇએ તો કરણ જોહરે ફ્રેન્ડઝોનમાં આવી પડેલા કરોડો પ્રેમીઓની પીડાને વાચા આપી છે.

ADHMમાં રણબીર કપૂરની હાલત એ જ થઈ છે, બચાડો આશિકઝોનમાંથી ફ્રેન્ડઝોનમાં આવી ગયો છે. પરંતુ એવી એને ખબર પડે છે તે પહેલાં એ અને અનુષ્કા બંને જબ્બર ધમાલ કરે છે. હવે કરણ જોહરની ફિલ્મ છે એટલે એનાં પાત્રો માટે ગરીબી રેખા એટલે ‘ફોર્બ્સ મેગેઝિન’ના લિસ્ટમાં ન આવવું તે. અહીં ‘અયાન’ બનતો રણબીર એવો અમીર છે, જે લંડનમાં MBA કરે છે, દિલ ટૂટે તો સાંધવા માટે પૅરિસના દરજી પાસે જાય છે અને એ પણ પપ્પાના પ્રાઇવેટ જૅટમાં બેસીને, સચ્ચી. MBA તો એ ખાલી સ્ટાઇલ મારવા માટે જ કરે છે, બાકી એનું અસલી પૅશન તો છે સિંગિંગ. પરંતુ એને હજી પોતાની ‘રૉકસ્ટાર’નો નશો ઊતર્યો નથી, એટલે અવાજમાં દર્દ લાવવા માટે દિલ તૂટવાની રાહ જોઇને બેઠો છે.

એકાદા ખૂફિયા ટ્વિસ્ટને બાદ કરતાં ADHM એવા ચવાયેલા બૉલીવુડિયન ટ્રેક પરથી પસાર થાય છે કે જેને તમે બે વખત શાંતિથી ટ્રેલર જોઇને પણ કળી શકો. જે બાબત ખૂફિયા રખાઈ છે એ પણ હડપ્પીય સંસ્કૃતિના અવશેષો જેટલી જ પુરાણી છે. પરમેશ્વર ગોદરેજને અને ‘દેશદ્રોહ’નું પાપ ધોવા માટે સૈનિકોને અંજલિ આપવાથી શરૂ થતી આ ફિલ્મને જોકે સાવ માળિયે ચડાવી દેવા જેવી તો નથી જ. અનુષ્કા શર્મા અને રણબીર કપૂરની ઑનસ્ક્રીન કેમિસ્ટ્રી અનુષ્કા-વિરાટની ઑફસ્ક્રીન કેમિસ્ટ્રી કરતાં પણ, ઑકે ચલો એના જેટલી જ નૅચરલ લાગે છે. એ બંનેએ સાથે મળીને જે ધમાલ કરી છે તે ફિલ્મનો સૌથી એન્ટરટેનિંગ પાર્ટ છે. રણબીરના પપ્પા ઋષિ કપૂરના ‘ચાંદની’ના ગીત પર બંનેનો ડાન્સ, ‘ઍન ઇવનિંગ ઇન પૅરિસ’, ‘તોહફા’નું ટાઇટલ સોંગ અને તેનાં મ્યુઝિક, ‘દોસ્તી મેં નો સોરી નો થેન્ક યુ’ કે પછી ‘કુછ કુછ હોતા હૈ.. તુમ નહીં સમઝોગી’ ટાઇપના પોતાની અને બૉલીવુડની ફિલ્મોને સેલિબ્રેટ કરતી સિક્વન્સીસ પ્લસ ડાયલોગ્સ અંદરથી એકદમ નૉસ્ટેલ્જિક કરી મૂકે છે. કોઈ ફિલ્મી રોમેન્ટિક કોમેડી નોવેલ વાંચતા હોઇએ એ રીતે લડકા-લડકી મિલે, પ્રેમના ફણગા ફૂટે, ટિપિકલ બૉલીવુડિયા શાદી આવે અને ફિલ્મ ફટાફટ આગળ વધતી રહે. એ બધું જ ટિપિકલ ફિલ્મી ક્લિશૅ હોવા છતાંય જોવાની મજા પડે. એમાં ‘મધર તો ઇન્ડિયા હોતી હૈ, તુમ્હારી તો મિલ્ખા નીકલી’, ‘રાયતા હૂં, ફૈલ રહી હૂં’ જેવાં ક્રિએટિવ વનલાઇનર્સ પણ આવી જાય. મજાના આ મોજે દરિયામાં ઓટ ઇન્ટરવલની થોડી મિનિટો પછી આવવી શરૂ થાય છે.

પરંતુ એ પહેલાં એન્ટ્રી થાય છે મોહતરમા ઐશ્વર્યા રાય બચ્ચનની. જરાય અતિશયોક્તિ વિના કહી શકાય કે સ્વર્ગની કોઈ અપ્સરાનું ‘ગૂગલ મૅપ્સ’ ખોટકાઈ ગયું હોય અને અહીં ભૂલી પડી ગઈ હોય એવી ગજબનાક ખૂબસૂરત લાગે છે. આમ તો એની અને રણબીરની જોડી મે-ડિસેમ્બર જેવી ઑડ છે, પરંતુ અહીં કોને પરવા છે? ઐશ્વર્યા પરથી નજર હટે તો બીજું કંઈ સૂઝે ને? પાછી તો એ શાયરા છે, મતલબ કે કવયિત્રી. એ પણ જેવી તેવી શાયરા નહીં, ઑસ્ટ્રિયાના વિયેનામાં રહેતી અને પ્લૅનના બિઝનેસ ક્લાસમાં સફર કરતી શાયરા. એનું ઘર પણ ક્રિકેટ રમી શકાય એવડું મોટું. એ સવારે બ્રશ કર્યાં પહેલાં પણ ‘ગુફ્તગુ બેઝાર લોગોં કી આદત હોતી હૈ’, ‘મૈં કિસી કી ઝરૂરત નહીં ખ્વાહિશ બનના ચાહતી હૂં’, ‘ખૂબસૂરતી તો ઢલ જાતી હૈ, પર્સનાલિટી ઝિંદા રહતી હૈ’ જેવી લાઇનો છૂટ્ટી ફેંકતી રહે છે (થેન્ક્સ ટુ રાઇટર નિરંજન આયંગર). પરંતુ ઐશ્વર્યાને ઘરે બૅબી કજિયા કરતી હોવાથી એ વહેલાં બિસ્તરા-પોટલાં પૅક કરી લે છે અને ફિલ્મને કપાયેલા પતંગની જેમ લૂઢકતી છોડીને જતી રહે છે. પરિણામે પડદા પર ચાલતા આ મલ્ટિસ્ટારર નાટકનો ત્રીજો અંક એ હદે ક્લિશૅ એટલે કે ચવાયેલો થઈ ગયો છે કે સિરિયલો જોઇને રડી પડતા લોકોને પણ સ્પર્શી શકે નહીં.

આ ફિલ્મમાં મુખ્ય કલાકારો એ જ એટલા બધા છે કે સપોર્ટિંગ સ્ટાર્સની જરૂર જ નથી. તેમ છતાં જોહરભાઈની ફિલ્મ હોય એટલે ગુડલક શૉટ આપવા માટે પણ વડ્ડે વડ્ડે સ્ટાર આંટો મારી જાય ખરા. અચ્છા, આ રાજભાઉ ઠાકરેએ નાહકની ચિલ્લમ ચિલ્લી કરી. જો એમણે કકળાટ ન કર્યો હોત તોય કોઈ ફવાદને ઓળખવાનું નહોતું એવો ખસખસના દાણા જેટલો નાનો રોલ છે એનો. હા, આ ફિલ્મ માટે જેણે ‘આજ જાને કી ઝિદ ના કરો’નું પાર્ટી વર્ઝન બનાવ્યું છે એના પર સર્જિકલ સ્ટ્રાઇક કરવા જેવી ખરી. બાકીનાં બધાં ગીતો પ્રીતમે સરસ રીતે ઉઠાવ્યાં, સોરી, બનાવ્યાં છે. અરિજિત આણિ મંડળીએ ગાયાં પણ દિલથી છે, તાનપુરે કી કસમ.

દોસ્તી ઔર પ્યાર મેં સબ ક્લિશૅ જાયઝ હૈ?
કોઈ નાનું બચ્ચું પણ કહી શકે કે મોટા બજૅટનો ઉપયોગ માત્ર મોટા સ્ટાર, ફોરેન લૉકેશન્સ અને મોંઘાં કપડાં પાછળ જ કરાયો છે. બાકી સ્ટોરીના નામે તો એની એ જ જૂની હિન્દી-ઇંગ્લિશની ભેળપૂરી જ પિરસવામાં આવી છે. લીડ સ્ટાર્સના ચાર્મ, સાંભળવાની મજા પડે એવાં ગીતો અને તહેવારની સીઝનને લીધે ચાલી જાય, બાકી આ જ ફિલ્મ જો જાણીતા ચહેરા વિના બીજા કોઈ સમયે રિલીઝ કરાઈ હોય, તો ઘૂંટડો પાણી પણ માગ્યા વિના સિધાવી જાય. હા, અંદર ખાને ‘એકતરફા પ્યાર’ની પોટલી લઇને ફરતા નિષ્ફળ પ્રેમીઓને આ ફિલ્મ ખૂણેખાંચરે ટચ્ચ કરી જાય તો કહેવાય નહીં.

રેટિંગઃ **1/2 (અઢી સ્ટાર)

(Published in Gujarati Mid Day)

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s