• train_to_busan-p1કુછ તો બાત હૈ સાઉથ કોરિયન મુવીઝ મેં. બાકીના દેશોની ફિલ્મો કરતાં અલગ હોય, સ્ટોરી આઇડિયા, ટ્રીટમેન્ટ બધું જ એકદમ રિચ લાગે, હિંસા હોય કે ઇમોશન્સ એકદમ તીવ્ર હોય અને એકવાર જોવા બેસીએ એટલે એવી જકડી લે કે ચસકી જ ન શકીએ. થોડાં અઠવાડિયાં પહેલાં PVRમાં ‘ટ્રેઇન ટુ બુસાન’નું પોસ્ટર જોયેલું અને એ પોસ્ટરે જ મને એકદમ કૉલરથી પકડી લીધેલો. ત્યારે અંદરખાને થોડાં ગલગલિયાં એ વાતે થયેલાં કે આ રીતે બધી મસ્ત કોરિયન ફિલ્મો આપણે ત્યાં રિલીઝ થવા માંડે તો? આ ‘ટ્રેઇન ટુ બુસાન’ તો હિન્દી અને ઇંગ્લિશમાં ડબ કરી છે, એવું ન કરે અને માત્ર ઇંગ્લિશ સબટાઇટલ્સ સાથે સીધેસીધી રિલીઝ કરે તોય ‘XXL’ સાઇઝનો જલસો પડી જાય. (પણ જોકે એવું થાય તો બિચારા આપણા ફિલ્મમૅકરો પછી ‘ઇન્સ્પાયર’ થવા ક્યાં જાય? પછી ‘ઝિન્દા’, ‘એક વિલન’, ‘જઝબા’, ‘રૉકી હેન્ડસમ’, ‘મર્ડર-2’ કે ઇવન ‘રૉક ઑન’ ક્યાંથી બને?!)
 • પછી ઘરે આવીને ‘ટ્રેઇન ટુ બુસાન’નું ટ્રેલર જોયું (હમરે મોબાઇલ મેં ‘જિયો’ નાહીં હૈ, બબુઆ!) ત્યારે ખબર પડી કે હાઇલા આ તો ઝોમ્બી અપૉકલિપ્સ હૉરર ટાઇપની ફિલ્મ છે. ઝોમ્બી મુવીઝનું લિસ્ટ કાઢો તો તરત જ ઢગલો હાજર થઈ જાય, પણ એમાં લોચો એ હોય છે કે મોસ્ટ્લી એ કૅટ એન્ડ માઉસ પ્રકારની પકડદાવની જ ફિલ્મ હોય છે. આપણી ‘સાંકળી સાત તાળી’ ગેમની જેમ સાજા લોકો ભાગે અને ઝોમ્બી એમની પાછળ પડે, જે ‘આઉટ’ થયો એ ઝોમ્બી બનીને એમની ટોળકીમાં જોડાઈ જાય અને બાકીના લોકોની પાછળ પડે. ‘આ રીતે ઝોમ્બી જુડતે ગયે, અપૉકલિપ્સ બનતા ગયા!’ લેકિન બૉસ, આ ‘ટ્રેન ટુ બુસાન’ એનાથી થોડી આગળ છે.
 • સ્ટોરી એવી કે દક્ષિણ કોરિયામાં કોઇક એવો ભેદી રોગચાળો ફેલાયો છે, જેનાથી લોકો ટપોટપ હાફ ડૅડ એટલે કે ઝોમ્બી બની રહ્યા છે. એમાં એક ડિવોર્સી પિતા પોતાની સાતેક વર્ષની દીકરીના બર્થડે પર એની મમ્મીને મળાવવા સોલથી બુસાન જઈ રહ્યો છે. ટ્રેનની એકાદ કલાકની જર્ની ગણો ને. ટ્રેનમાં એમની સાથે એક પ્રેગ્નન્ટ લૅડી પોતાના પતિ સાથે જઈ રહી છે, બે મિડલ ઍજેડ બહેનો છે, એક બૅઝબૉલની ટીમ છે. ફિલ્મના પહેલા અડધા કલાક સુધી મસ્ત શાંત માહોલમાં એક અજ્ઞાત ભય તોળાઈ રહે છે (એમાંય પહેલી પાંચ મિનિટ તો ખતરનાક!). અચાનક ટ્રેનમાં એ ઝોમ્બી ઍન્ટર થાય છે અને આપણી ‘ધ બર્નિંગ ટ્રેન’ની જેમ આ આખી ટ્રેન ‘ઝોમ્બી ટ્રેન’માં કન્વર્ટ થઈ જાય છે.
 • ફિલ્મો-વાર્તાઓની બાબતમાં પણ રિયલ લાઇફ જેવું જ હોય, કે જે પાત્રને આપણી સામે ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવ્યું હોય, જેનાં બીજાં ઇમોશનલ પાસાં આપણને બતાવાયાં હોય, એની સાથે કશુંક નરસું બને એટલે આપણે હચમચી જઇએ. નહીંતર કેટલાય લોકો વધેરાઈ જાય તોય થોડી અરેરાટી સિવાય આપણું રૂંવાડુંય ન ફરકે. અહીંયે અલપ ઝલપ દેખાતાં ટ્રેનનાં અટેન્ડન્ટ, પોલીસ અધિકારી, આર્મીમેન વગેરે ‘ઝોમ્બીફાય’ થઈ જાય તો આપણને દુઃખ ન થાય, પણ આપણે જેમની સાથે ઇમોશનલી કનેક્ટ થયા એને કશુંક થાય એટલે આપણને ‘મૈં આ રહા હૂં’ બોલીને કૂદકો મારીને સ્ક્રીનમાં ઘૂસી જવાની સોલિડ ઇચ્છા થઈ જાય. અહીં એવું ઘણું બધું છે! (સ્પોઇલર સ્પોઇલર, ના નાના ના ના!)
 • હેલિકોપ્ટરમાંથી કે ઉપરથી કીડા-મંકોડાની જેમ પછડાતા માણસોને જોઇને આપણને સહેજે ‘વર્લ્ડ વૉર ઝી’ યાદ આવી જાય. પરંતુ આ ‘ટ્રેઇન ટુ બુસાન’માં આવતો એક જ સીન આપણને પૂરેપૂરા વાઇબ્રેટ મૉડમાં મૂકી દેવા માટે પૂરતો છે. આખો દિવસ મોબાઇલમાં માથું નાખીને ફરતા, સાચા માણસોને-પરિવારને અવગણીને વર્ચ્યુઅલ દુનિયામાં મંડ્યા રહેતા, પૈસા-પાવર-પૉઝિશનની પાછળ ગાંડાની જેમ દોડતા, કોઇને મદદ કરવાને બદલે માત્ર આપણા સ્વાર્થનું જ વિચારતા આપણે પણ એક પ્રકારના ‘ઝોમ્બી’ નથી? હાડમાંસના માણસના સ્પર્શને બદલે આપણને મોબાઇલના ‘ટચ’માં વધુ મજા આવવા માંડી છે! એ વાત આ ‘ટ્રેઇન ટુ બુસાન’ જોશો તો બરાબર સમજાઈ જશે.
 • ખુશવંત સિંઘની ‘ટ્રેઇન ટુ પાકિસ્તાન’ જેવું ટાઇટલ ધરાવતી આ ‘ટ્રેઇન ટુ બુસાન’ની સાથોસાથ વીર દાસની ઈ.સ. ૧૯૮૪નાં શીખ રમખાણો પર બનેલી ’31 ઑક્ટોબર’ પણ રિલીઝ થઈ છે. વિચાર એ આવે કે આવાં રમખાણો વખતે હિંસાનાં ચશ્માં પહેરેલાં માણસો પણ નિર્દોષોને ભરખી જવા માટે લોહી તરસ્યા ઝોમ્બી જ નથી બની જતાં? મારાથી અલગ પડે તેવો મત-વિચાર વ્યક્ત કરનાર, મારાથી અલગ ધર્મ-કપડાં-રંગ-જાતિ-ખાણીપીણી ધરાવનાર બધા જ મારા દુશ્મન. ‘મેલુહા’ ફૅમ અમીશની ‘શિવ ટ્રિલજી’માં પણ એ જ વાત હતી અને ગયા અઠવાડિયે આવેલી બૅન એફલેકની ‘ધ અકાઉન્ટન્ટ’માં પણ એક સૂર એવો જ હતો. ‘ટ્રેઇન ટુ બુસાન’માં અમુક સીન તો એવા છે જ્યાં તમે કહી જ ન શકો કે આમાંથી ખરેખર ઝોમ્બી કોણ છે અને માણસ કોણ છે અથવા તો માણસાઈ ચૂકેલા માણસમાં અને ઝોમ્બીમાં શો ફેર છે! રિયલ લાઇફમાં કદાચ ‘ઝોમ્બી અપોકલિપ્સ’ ક્યારનોયે આવી ચૂક્યો છે અથવા તો સૈકાઓથી ચાલતો જ રહ્યો છે. સિનેમાના પડદા પર તો એનું પ્રતિબિંબ માત્ર છે.
 • લગભગ બે કલાકની ‘ટ્રેઇન ટુ બુસાન’માં ટિપિકલ મૅકઅપ ધરાવતા ઝોમ્બી હોવા છતાં એ અમુક વખતે એટલા બધા ડરાવી દે છે કે બહાર નીકળ્યા પછી ઘરે ટૉમેટો કૅચઅપ જોઇને પણ બીક લાગવા માંડે! થિયેટરના સ્ક્રીનમાં એક જ ‘ઍક્ઝિટ’ ગેટ જોઇને મને થયું કે અહીં ઝોમ્બી આવી ચડ્યા હોય, તો ભાગવું કેવી રીતે? ‘વિકિપીડિયા’ કહે છે કે આ ફિલ્મનું ૨૦૧૬ના ‘કાન ફિલ્મ ફેસ્ટિવલ’માં મિડનાઇટ સ્ક્રીનિંગ હતું (બીજા દિવસે થિયેટર ધોવડાવવું પડ્યું હશે!).
 • ‘ટ્રેઇન ટુ બુસાન’ની એક બ્યુટી એ પણ છે કે એમાં એકેય કેરેક્ટર પરાણે ઘુસાડેલું નથી લાગતું. હા, મૅલ પ્રોટગોનિસ્ટ થોડા હીરોગીરી કરે છે, પણ તોય હૉલિવૂડ-બૉલિવૂડની ફિલ્મો જેવા ફિલ્મી સ્ટિરિયોટાઇપ નથી. ક્યાંક કોઈ સલામત જગ્યાએ કંટ્રોલ-કમાન્ડ સૅન્ટરમાં બુદ્ધિશાળીઓ બધું મૅનેજ કરી રહ્યા હોય કે હાઇટેક લૅબમાં સાયન્ટિસ્ટો કસનળીઓમાં રંગીન પ્રવાહીઓ રેડીને દવા તૈયાર કરી રહ્યા હોય એવી ડિઝાસ્ટર ફિલ્મ-સાયન્સ ફિક્શન ટાઇપની વાત પણ અહીં નથી. મનોજ શ્યામલનની વધુ પડતી વગોવાઈ ગયેલી સુપર્બ ડરામણી ફિલ્મ ‘ધ હૅપનિંગ’ની જેમ અહીં સૌ સારાંવાનાં થઈ જશે એવો કોઈ આશાવાદ નથી, કેમ કે કોઇની પાસે અપૉકલિપ્સ રોકવાનો ઇલાજ જ નથી (કદાચ ‘ટ્રેઇન ટુ બુસાન’ની સિક્વલમાં શોધી લાવે તો કહેવાય નહીં).
 • ટ્રેનની અંદરના સીન આપણને થોડા ક્લસ્ટરોફોબિક લાગી શકે, પરંતુ ક્યાંય સ્પેશિયલ ઇફેક્ટ્સ ફિલ્મ પર હાવી થતી નથી કે આર્ટિફિશિયલ લાગતી નથી. ધોળે દહાડે આકાર લેતું હોવા છતાં આ હોરર એટલું જ ઇફેક્ટિવ છે.
 • આમ તો આ ફિલ્મ વાર્તા, સુપર્બ એક્ઝિક્યુશન, મૅલોડ્રામા વિનાની ઍક્ટિંગ અને થ્રિલિંગ સિક્વન્સીસને કારણે
  ebb680ec82b0ed9689_ecb9b8_eab5adeca09c_ec9881ed9994eca09c_ecb488ecb2ad_ebb0b0ec9ab0_eab090ec82acec9db8ec82ac_ec9881ec8381_eba788eb8f99
  સાઉથ કોરિયન એક્ટર મા ડૉન્ગ સિઓક

  આપણને જરાય ચસકવા દેતી નથી (હા, વચ્ચે ચોરપોલીસ જેવી ચૅઝ થોડી મોનોટોનસ થાય છે ખરી), તેમ છતાં ખાસ કરીને સૅકન્ડ લીડમાં રહેલો એક્ટર મા ડૉન્ગ સિઓક એની મસ્ત તોફાની આંખો અને કૅર ફ્રી ઍક્ટિંગને કારણે મને સૌથી વધુ ગમી ગયો (ખબર નહીં, પણ મને તો આ કલાકાર બીજા એક કોરિયન એક્ટર ચોઈ મિન સિક જેવો જ લાગ્યો, જે ‘લ્યુસી’, ‘આઈ સૉ ધ ડૅવિલ’ અને ‘ઑલ્ડબૉય’માં વિલન હતો).

 • જો અપૉકલિપ્ટિક અને ઝોમ્બી હોરર ફિલ્મો જોવી ગમતી હોય તો ‘ટ્રેઇન ટુ બુસાન’ ખરેખર જોવા જેવી છે. જરાય કંજૂસ થયા વગર આ ફિલ્મને ***1/2 (સાડા ત્રણ સ્ટાર) આપી શકાય.

 

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s