હૈ યે વો આતિશ ગાલિબ

***

સ્ટાઇલ, સંગીત, સિનેમેટોગ્રાફી સુપર્બ, પણ સરવાળે સ્ટારક્રોસ્ડ લવર્સની એ જ સદીઓ જૂની સૅડ સ્ટોરી.

***

mirzya-posterજનાબ મિર્ઝા ગાલિબે ઇશ્કને ‘આતિશ’ એટલે કે આગ કહેલો. કોઈ કાળે આપણી પૃથ્વી આગના દરિયા જેવા સૂર્યના પ્રેમમાં પડેલી, પણ બંને ‘પ્રેમીઓ’એ અલગ થવું પડ્યું. આજે પણ ધરતી પોતાના પેટાળમાં સૂર્યના ઇશ્કનો આતિશ ધરબીને એ જ સૂર્યની આસપાસ ફર્યા કરે છે… આટલું વાંચીને બે પ્રકારનાં રિએક્શન આવી શકે. એક તો, ‘શું વેવલી લવારી માંડી છે, યાર? ફિલ્મની વાત કરો ને’, અથવા તો ‘વાહ, કવિએ જમાવટ કરી છે, પણ એક્ચ્યુઅલી કવિ કહેવા શું માગે છે?’ બસ, રાકેશ ઓમપ્રકાશ મહેરાની ‘મિર્ઝ્યા’ જોઇને ડિટ્ટો આવાં જ રિએક્શન આવે છે. પંજાબમાં થઈ ગયેલાં મિર્ઝા-સાહિબાંની રોમિયો-જુલિયેટ જેવી લવસ્ટોરીનું એકદમ સ્ટાઇલિશ-મ્યુઝિકલ રિટેલિંગ એટલે આ ‘મિર્ઝ્યા’. પરંતુ પ્રેમીઓની એ દાસ્તાન આપણા દિલ સુધી પહોંચતાં પહેલાં જ ક્યાંક ડિસકનેક્ટ થઈ જાય છે.

મોહબ્બત કા નામ આજ ભી મોહબ્બત હૈ

સદીઓ પહેલાં પણ એવું જ થયેલું અને આજે પણ એવું જ થઈ રહ્યું છે. આદિલ મિર્ઝા (હર્ષવર્ધન કપૂર) અને સુચિત્રા (સૈયામી ખેર) ચાઇલ્ડહૂડ લવર્સ છે. એકને ઘા વાગે તો બીજાને દર્દ થાય એવા પાક્કા પ્રેમીઓ. પરંતુ વક્ત ને કિયા સિતમ અને બંને વચ્ચે હજારો કિલોમીટરોનો ફાસલો. વર્ષો પછી જ્યારે બંને જવાનીની દહેલીઝ પર કદમ રાખે છે ત્યારે સુચિત્રા રાજસ્થાનના કોઈ યુવરાજ સાથે પરણવાની તૈયારીમાં છે અને મિર્ઝ્યા ત્યાં ઘોડા સાચવવાનું કામ કરે છે. પરંતુ બંને વચ્ચેના પ્રેમના આતિશ પર જે સમયની રાખ ચડી ગયેલી અચાનક એને નિકટતાની હવા મળે છે અને ભડકો થાય છે. આ ભડકામાં કોણ દાઝશે?

આત્મા વિનાનું ખોળિયું

દૂર દૂર સુધી ફેલાયેલી હિમાલયની પર્વતમાળાની વચ્ચે જાંબાઝ ઘોડેસવારો એક રાજકુમારીને મેળવવા માટે જીવસટોસટની બાજી લગાવી રહ્યા છે. સ્લો મોશનમાં ઘોડા દોડે છે, તીર છૂટે છે, આકાશમાંથી આગના ગોળા વરસે છે અને ગ્રીક સુંદરી જેવી લાગતી સૈયામી ખેર યાને કે સાહિબાં પોતાના મિર્ઝ્યાના સાહસને ગૌરવભરી આંખે નિહાળતી રહે છે. છેક સુધી આપણને ખ્યાલ ન આવે કે તે કથા કયા કાળખંડમાં ચાલી રહી છે. લદ્દાખના કોઈ પ્રાચીન આદિવાસી કબીલાઓની સાઠમારી છે કે પછી મોંગોલ પ્રજાતિના લોકો વચ્ચે કશુંક ચાલી રહ્યું છે કે પછી દેશી-વિદેશી લડવૈયા એક યુવતી માટે જીવ દાવ પર લગાવી રહ્યા છે. પણ જોવાની ભરપુર મજા આવે. દરઅસલ, ડિરેક્ટર રાકેશ ઓમપ્રકાશ મહેરાએ ‘રંગ દે બસંતી’માં ઇતિહાસ અને વર્તમાન બંનેની સ્ટોરી સમાંતરે ચાલતી હોય તેવો પ્રયોગ કરેલો. લોકો એ પ્રયોગ પર આફરીન થઈ ગયા એટલે આ વખતે ફરીથી એ જ સ્ટાઇલમાં એમણે મિર્ઝા-સાહિબાંની વાર્તા માંડી છે. એક તરફ સંવાદો વિનાની એ પ્રાચીન લવસ્ટોરી ચાલે અને બીજી બાજુ વર્તમાનમાં એનું રિટેલિંગ ચાલે. બંનેના બૅકગ્રાઉન્ડમાં દલેર મહેંદીનો ગગનભેદી અવાજ ગૂંજ્યા કરે.

રાકેશ મહેરાએ જાણે ગુલઝાર સાહેબની સંગતમાં પોએટ્રી અને પીળા પદાર્થની સંગાથે ઉત્તેજિત થઇને બનાવી નાખી હોય એવી આ ફિલ્મ છે. જાણે આપણી સામે પડદા પર ફિલ્મ નહીં, બલકે સ્ટૅજ પર મ્યુઝિકલ નાટક ભજવાતું હોય એ રીતે એક પછી એક ગીતો આવ્યા કરે. શંકર-એહસાન-લોયે ગીતો એવી લિજ્જતથી કમ્પોઝ કર્યાં છે કે એક વખત એ ગીતોનો કૅફ ચડે કે ઊતરવાનું નામ ન લે. મ્યુઝિક આપણા કાનનો કબ્જો લે, તો બીજી બાજુ સુપર્બ સિનેમેટોગ્રાફી આપણી આંખોને બાંધી રાખે. પૉલેન્ડના સિનેમેટોગ્રાફર પૉવેલ ડાયલસે કેમેરા જાણે વાદળ પર બેસાડીને ફિલ્મ શૂટ કરી હોય એ રીતે કેમેરા સતત અહીંથી તહીં ઊડતો રહે છે.

જરા ચૂંચવી આંખ કરીને વાંચ્યું હોય, તો આંખો પહોળી થઈ જાય એવી એક માહિતી સામે આવે કે આ ફિલ્મ તો જનાબ ગુલઝાર સાહેબે લખી છે. એટલે થાય કે ચલો, આપણે સારા માણસોની સંગતમાં છીએ, ફિલ્મમાં જામો પડવાનો છે.

ધીમે ધીમે તમને સીટ પર કીડીઓ ચટકા ભરતી હોય એવી ફીલિંગ થવા માંડે અને અંદરથી કમર્શિયલ બ્રેકની જેમ સવાલો પોપઅપ થવા માંડે કે, ‘બરાબર છે, ફિલ્મ જોરદાર લાગી રહી છે, પણ એક્ઝેક્ટ્લી તમે કહેવા શું માગો છો, કવિરાજ?’ ત્યારે રાકેશ મહેરા પોતાની દાઢી ખંજવાળીને કહી દે કે, ‘બસ, આ જ કે બાળપણના પ્રેમીઓને આ જાલિમ જમાનો-બેદર્દ દુનિયા એક થવા નથી દેતી.’ ત્યારે તમને ડાબા પગનું ખાસડું કાઢીને છૂટ્ટું મારવાની ઇચ્છા થઈ આવે કે આ તો શૅક્સપિયરના ‘રોમિયો-જુલિયટ’ની ‘સ્ટારક્રોસ્ડ લવર્સ’ ટાઇપની સ્ટોરી છે. આ જ સ્ટોરી પર આપણા ફિલ્મમેકરોએ ‘મુઘલ-એ-આઝમ’, ‘દેવદાસ’, ‘બૉબી’, ‘એક દુજે કે લિયે’થી લઇને ‘કયામત સે કયામત તક’, ‘ઇશકઝાદે’, ‘રામલીલા’, ‘બાજીરાવ-મસ્તાની’ જેવી ફિલ્મો છાપ છાપ કરી છે. ઇસમેં નયા ક્યા હૈ? તો જવાબ મળે, કંઈ કહેતા કંઈ  જ નહીં.

પ્રોબ્લેમ એ છે કે રાકેશ મહેરા પાસે કહેવા માટે સ્ટાઇલિશ પ્રેઝન્ટેશન સિવાય કશું જ નવું નથી. ફિલ્મનાં પાત્રો પણ જાણે કંટાળી ગયાં હોય તેમ ઝાઝી કશી વાત કર્યા વગર, વિચાર્યા વગર બેવકૂફની જેમ ભાગાભાગી કરી મૂકે છે. મિર્ઝા-સાહિબાંની જોડી એકબીજાના તો ગળાડૂબ પ્રેમમાં બતાવાઈ છે, પણ એ પ્રેમ ભંગાર ટૅલિકોમ નેટવર્કની જેમ આપણા હૃદય સુધી કનેક્ટ થતો જ નથી. એમની કોઈ જ આગવી પર્સનાલિટી આપણી સામે આવતી નથી. શૅક્સપિયરને અંજલિ આપવા માટે ગુલઝાર સાહેબે ‘યુ ટૂ, બ્રુટસ?’ જેવા સાહિત્યિક સંવાદો મૂક્યા છે, પણ વાર્તાને આગળ વધારે અને યાદ રહી જાય એવા ચોટદાર સંવાદો લદ્દાખના પહાડોમાં જ ક્યાંક ખોવાઈ ગયા છે. સ્ટાર્ટ ટુ ફિનિશ આખી ફિલ્મ એ હદે પ્રીડિક્ટેબલ છે કે તમે પહેલી પાંચ મિનિટમાં જ તેનો અંત કળી શકો.

એટલું માનવું પડે કે અનિલ કપૂરનો દીકરો હર્ષવર્ધન કપૂર એકદમ કૉન્ફિડન્ટ લાગે છે. અલબત્ત, ચહેરા પર ઊગેલી

anjali-patil-smiling
અંજલિ પાટિલ

કેશવાળીમાં એના ચહેરા પરના હાવભાવ ઓછા દેખાય છે. બીજા સારા રોલમાં એનો આવો જ કૉન્ફિડન્સ દેખાય તો ખબર પડે કે એ લંબી રેસનો ઘોડો છે કે કેમ. સૈયામી ખેર પણ ફિલ્મની સિનેમેટોગ્રાફીની જેમ એકદમ ગોર્જિયસ દેખાય છે. જોકે સૈયામી ખેર કરતાં પણ આપણું ધ્યાન ખેંચે એવી એક યુવતી નામે અંજલિ પાટિલ આ ફિલ્મમાં ‘ઝીનત’ના પાત્રમાં છે. પોતાની અંદરની પીડા બખૂબી વ્યક્ત કરી શકતી એ છોકરી આ ફિલ્મની સાચી ડિસ્કવરી છે. રજવાડી ઠાઠમાં ફરતા કે. કે. રૈના, આર્ટ મલિક, જમ્પ મારીને ઘોડા પર ચડી જતો અનુજ ચૌધરી વગેરે પણ આ ફિલ્મમાં છે, પરંતુ એ લોકો ઍક્ટર કરતાં ‘માન્યવર’ના મૉડલ વધારે લાગે છે. ઓમ પુરીએ આ ફિલ્મમાં પડદા પાછળથી કોમેન્ટરી કરી છે અને પડદા પર હથોડા ફટકાર્યા છે (કેમ કે ફિલ્મમાં એ લુહાર છે).

 

ઝિંદગી ગુલઝાર હૈ

સીધી ને સટ વાત છે, મ્યુઝિકલ ફિલ્મો પચાવી ન શકતા લોકો માટે આ ફિલ્મ નથી. જબરદસ્ત સિનેમેટોગ્રાફી અને ગુલઝારે લખેલાં તથા આર્ટિસ્ટિક રીતે ફિલ્માવાયેલાં એક ડઝન કરતાં પણ વધુ ગીતો માણવાની ઇચ્છા હોય તો આ ફિલ્મ માટે લાંબા થઈ શકાય. નહીંતર, આ ફિલ્મ કરતાં નવરાત્રિના પાસનો બંદોબસ્ત કરશો તો તમારી લવસ્ટોરીને વધુ ફાયદો થશે.

રેટિંગઃ ** (બે સ્ટાર)

(Published in Gujarati Mid Day)

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s