તું તો ગયો

tu-toh-gyo-guharati-2016-full-movie-download-mp4-3gp-hdrip– બે-ત્રણ ફોરેન લોકેશન્સ, ચારેક સેક્સ્યુઅલી ફ્રસ્ટ્રેટેડ પુરુષો, માત્ર ગ્લેમર માટે મૂકવામાં આવેલી રૂપાળી કન્યાઓ, તમારા હાસ્યના ટેસ્ટ અનુસાર હસાવતી લાઉડ કોમેડી, બ્રેઇનલેસ સિટકોમ ટાઇપ સિચ્યુએશન્સ, પ્રિયદર્શન કે અનીસ બઝમીની ફિલ્મો જેવો ગરબડ ગોટાળો અને ખાધું પીધું ને રાજ કર્યું જેવો અંત. જો આ જ તમારી અપેક્ષા હોય, તો ‘તું તો ગયો’ તમારો કપ ઑફ ટી (કે પછી અત્યારની ગુજરાતી ફિલ્મોના ટ્રેન્ડ પ્રમાણે ગ્લાસ ઑફ વ્હિસ્કી) બની શકે.

– ડિરેક્ટર ધ્વનિ ગૌતમની આ પહેલાંની ફિલ્મ ‘રોમ-કોમ’ પંજાબી ફિલ્મ ‘જટ્ટ એન્ડ જુલિયટ’નું અનઓફિશિયલ ગુજરાતી અવતરણ છે એવી મને પાછળથી ખબર પડેલી. એટલે આ ફિલ્મનું ટ્રેલર આવ્યું ત્યારે મેં ગૂગલ પર રેન્ડમ સર્ચ મારેલું અને અંકે પોણા ત્રણ મિનિટ પછી લાગ્યું કે આ કંઇક અંશે ૨૦૧૩માં આવેલી પંજાબી ફિલ્મ ‘લકી દી અનલકી સ્ટોરી’ જેવી દેખાઈ રહી છે (વિકિપીડિયા કહે છે કે એ પંજાબી ફિલ્મ ૨૦૦૨ની કમલ હાસન સ્ટારર તમિળ ફિલ્મ ‘પંચતંતિરમ’ની કૉપી હતી. હવે એ તમિળ ફિલ્મ ક્યાંના જનીનમાંથી બનેલી એ શોધવા માટે ACP પ્રદ્યુમ્નને કામે લગાડવામાં આવ્યા છે). હા, તો વાત એવી છે કે આ ‘તું તો ગયો’ના ‘હૉટેલનું ખાવાના શોખીન’ પુરુષો એક સ્ત્રીને ફેઇથફુલ લાગતા નથી, લેકિન ફિલ્મ તેના પંજાબી સોર્સને એકદમ- સીન બાય સીન ડાયલોગ સહિત વફાદાર રહે છે (કર્ટસીઃ યુટ્યૂબ ઝિંદાબાદ!). પરંતુ ચીનના લોકો મંચુરિયન કેવી રીતે ખાતા હોય એની સાથે આપણે શી લેવાદેવા, હેંને? આપણને તો અહીંનાં મંચુરિયન, ચાઇનીઝ ભેળમાં મજા આવે એટલે ભયો ભયો!

– આ ફિલ્મ શરૂઆતમાં જ દર્શકોને લેખિત ધમકી આપે છે ‘સ્વિચ ઑફ યૉર મોબાઇલ ફોન્સ વર્ના…’ પરંતુ દર્શકો પોતાના મોબાઇલ સાયલન્ટ કરે તે પહેલાં જ ફિલ્મ લાઉડ થઈ જાય છે. જાણે કોઈ ટીચર વિનાના બાલમંદિરમાં આવી ગયા હોઇએ એવો ગોકીરો. હોય, હોય! ‘પરંતુ એક મિનિટ, ઑડિયન્સ હસે છે?’ ‘હા, એટલે વચ્ચે વચ્ચે હસાહસી સંભળાય છે.’ તો પછી હંધુંય માફ, હેંને?

– એક વાત માનવી પડે, આ ફિલ્મમાં ખર્ચે મેં કોઈ કસર નહીં છોડી હૈ. એય ને હીરો ભલે ખાલી પ્રેમમાં પડવા માટે, પણ ઇટાલી જાય, સ્ટ્રેસ દૂર કરવા બૅંગકોક જાય, યૉટમાં રૂપાળી કન્યાઓ સાથે કૉઝી કૉઝી થાય, ડિઝાઇનર કપડાં પહેરે (એ ક્યાંથી ખરીદવાનાં એ પણ કહેવામાં આવે), મોંઘી મદિરા ઢીંચે, પૉશ ફ્લૅટમાં રહે (એ કઈ અને કેટલા રૂમની છે એ સૅમ્પલ હાઉસ સાથે બતાવવામાં આવે. ભાવ પણ લખ્યાં હોત તો? આ તો કોઇને રસ હોય તો..!), પત્નીઓ થોડી કિચકિચ કરે, પરંતુ પતંજલિ મૅગી બને એ ઝડપે માની પણ જાય… ઇન શૉર્ટ, અલ્ટિમેટ મૅલ ફેન્ટેસી!

– જો તમે ‘બૈરી’ શબ્દવાળાં કે લાંબાંલચક નામ ધરાવતાં અને હસાવી હસાવીને ફેફસાં-કિડની-આંતરડાં બહાર કાઢી નાખવાની લેખિત ગૅરન્ટી આપતાં ગુજરાતી નાટકોમાં જરાય કંટાળ્યા વિના હસી શકતા હો તો આમાં તમે ‘ખીખીખી-કુંકુંકું’ કરી શકો (નહીંતર મારી જેમ છૂટાછવાયા હસી રહેલા લોકોની સામું જોઇને બીજાના રૅન્ડમ સુખે રૅન્ડમ સુખી થવાનું!)

– ફિલ્મમાં ગુજરાતી કોમેડી નાટક જેવી ફીલ આવે છે એટલે હોય કે ગમે તે, પરંતુ શરૂઆતનો પહેલો કલાક એક્ઝેક્ટ્લી શું પર્પઝ સર્વ કરે છે એ મને સમજાયું નહીં. હીરો-હિરોઇન અંકે અઢી મિનિટમાં પ્રેમમાં પડી જાય છે, દસ-પંદર મિનિટમાં બધાં કેરેક્ટરની ઓળખપરેડ થઈ જાય છે. બાકીનો પોણો કલાક એયને લાંબા લાંબા સીન (જવાય છે હવે, તમતમારે, બેસો ને! શું ઉતાવળ છે?).

– લેકિન બૉસ, ધર્મેશ વ્યાસનો હું નવેસરથી ફૅન થઈ ગયો. એમનું કોમિક ટાઇમિંગ એટોમિક ક્લૉકથી પણ વધુ પર્ફેક્ટ છે. ખાસ કરીને એક ડ્રન્ક સીનમાં એ જે રીતે શબ્દોનું ઉચ્ચારણ કરે છે, એવી ફૅન્ટાસ્ટિક ડ્રન્ક એક્ટિંગ એટલિસ્ટ ગુજરાતીમાં તો મેં ક્યારેય જોઈ નથી (ટચ વોડકા!). હી ઇઝ જસ્ટ અમેઝિંગ! એવી જ પર્ફેક્ટ કોમેડી ચાઇનીઝ માંજા જેવા ધારદાર એક્ટર શેખર શુક્લની છે. કાઠિયાવાડી ડાયલેક્ટ એમણે બરાબરની પકડી છે. આ બંને એક્ટરોના મોઢામાં ‘ભંગારના પેટની’, ‘બબુડા’, ‘ગધના’, ‘માંય જા’, ‘11:40ની BRTSની બસ પકડવાની છે તારે?’ જેવા બોલચાલના શબ્દપ્રયોગો મુકાયા છે, એનો પર્ફેક્ટ પડઘો ઑડિયન્સમાંથી પડે છે. યાને કે સુપર્બ ‘ટ્રાન્સક્રિએશન’! બાકીના એક્ટરો શું મસ્ત કપડાં પહેરે છે, બૉસ! કોઇપણ સ્થિતિમાં એક પણ કલાકારનો મૅકઅપ બગડે, એમને પરસેવો આવે કે વાળની લટ સુધ્ધાં આડીઅવળી થાય, તો આપણે ફેસબુકનું અકાઉન્ટ ડિલિટ કરી નાખવું! (આ તો જસ્ટ વાત છે, જો જો પાછા..!).

– કૅરિકેચરિશ-બફૂન ડૉનના પાત્રમાં અહીં યશપાલ શર્મા છે (પંજાબીમાં જૅકી શ્રોફ હતા). જૅકી દાદાને પંજાબીમાં લોચા હતા અને યશપાલભાઈ ગુજરાતીમાં હાંફે છે. પણ આ ડૉનલોકો મુન્નાભાઈના સર્કિટ જેવાં કાળાં કપડાં જ કેમ પહેરતાં હશે? કદાચ લોકોને ખબર પડે કે આ અંકલ છેને કાળાં કામ કરે છે, એટલે બ્લૅક બ્લૅક, સટલ્ટી, યુ નૉ!

– એન્ડ માય ફેવરિટ મૂત્ર વિસર્જન સીન! આ વખતે તો બૅંગકોકમાં મૂત્ર વિસર્જન કર્યું છે આપણે (એટલે કે ફિલ્મના કલાકારોએ), કેન યુ બિલિવ?! જોકે ફિલ્મમાં ક્યાંય, ઓકે, મોસ્ટ્લી ગાળો-ડબલ મિનિંગ ડાયલોગ્સનો ઉપયોગ નથી થયો એ નોંધવું પડે. કારણ શું કે આપણે દારૂ-સિગારેટ, મળ-મૂત્ર વિસર્જન, ડમ્બ ‘બૈરી’, ચાલુ પતિ એવું બધું ચલાવી લઇએ, લેકિન ડબલ મિનિંગ ડાયલોગ્સ? એ પણ બેનું-દીકરિયુંની હાજરીમાં? ક્યાં છે મારી બેજોટાળી?!

– આમ તો હું ‘ગ્રામર નાઝી’ નથી, પણ ગુજરાતીમાં બનતી ફિલ્મોને ‘માતૃભાષા’ની ફિલ્મ કહેવાની હોય, તો એટલી અપેક્ષા રાખું કે એ ફિલ્મોનાં નામ અને એમાં બોલાતી ભાષા એટલિસ્ટ શુદ્ધ હોય. ફિલ્મના નામમાં ‘તુ’ {(એઝ ઇન ‘you’, વિથ એક્સ્ટ્રા ‘U’ (Tuu)} હોય, તો માથે અનુસ્વાર મૂકવો જોઇએ (ધેટ ઇઝ ‘તું). ફિલ્મમાં ‘પુલિસ’ નહીં ‘પોલીસ’, ‘લાલચી’ નહીં ‘લાલચુ’, ‘હું તમારાથી માફી માગું છું’ નહીં ‘હું તમારી માફી માગું છું’ એવું કંઇક વાપરો તો અમારી ગુજરાતી આંતરડી કકળે નહીં. એટલિસ્ટ ફિલ્મના નામની જોડણી તો ક્રોસચૅક કરાવી જ શકાય ને? જેથી ‘રોમિયો & રાધીકા’ નહીં, પણ ‘રોમિયો & રાધિકા’ લખાય. સ્મોકિંગ સીનમાં ડિસ્પ્લે થતી ઍડવાઇઝરીમાં ‘હાનીકારક’ જાય છે એ તો કોઇનેય ‘હાનિકારક’ નથી લાગતું! હમણાં જ એક અપકમિંગ ગુજરાતી ફિલ્મના પોસ્ટરમાં ‘અરબન’ લખેલું જોયું, માનશો?! (જો આ કકળાટ વેદિયો લાગતો હોય, તો જસ્ટ જાણ સારુ કે નવા ‘ઇન્ડિયા ટુડે’માં કાવેરી બામઝઇએ અત્યારની હિન્દી ફિલ્મોમાં સંભળાતા ખોટા ઉચ્ચારો પર ‘નૉટ સો હિન્દી હિન્દી ફિલ્મ’ હેડિંગ સાથે આખો લેખ કર્યો છે.)

– ઍની વે, બૅક ટુ ‘તું તો ગયો.’ અપેક્ષા કે મગજ બંનેને તસ્દી આપ્યા વગર માત્ર ફાસ્ટફૂડિયા મનોરંજનાર્થે અને ટાઇમપાસાર્થે ગયા હોઇએ તો ઠીકઠાક હસવું આવી શકે. રેટિંગ ** (બે સ્ટાર).

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s