રોંગ સાઇડ રાજુ

wrong_side_raju_poster– શાહબુદ્દીનભાઈ રાઠોડ કહેતા હોય છે કે ‘પ્રિય અસત્ય અને અપ્રિય સત્ય ક્યારેય ન બોલવું.’ પરંતુ સિનેમા અને આપણી ઇન્સ્ટિંક્ટને વફાદાર રહીને રિવ્યૂ કરતા હોઇએ ત્યારે અપ્રિય તો અપ્રિય, પણ આપણને લાગે તે જ બોલ્યા સિવાય છૂટકો નહીં (પ્રિય અસત્ય એટલે કે મસ્કાબાજી તો ક્યારેય આવડી જ નથી અને ક્રેડિબિલિટીના ભોગે એ ધંધો પાલવે પણ નહીં). સો, આ રહ્યો ‘રોંગ સાઇડ રાજુ’ વિશેનો મારો ઓપિનિયન.

– (જો તમે પ્રીમિયરમાં ન ગયા હો તો) ફિલ્મ જોવા માટે તમારે એકદમ સમયસર પહોંચી જવું જોઇએ. ‘વિક્કો વજ્રદંતી’ અને ‘ઇસ શહર કો યે હુઆ ક્યા હૈ’ની ઍડ્સ શરૂ થાય તેની પણ પહેલાં. પરંતુ ધારો કે તમે WSRમાં બે-ત્રણ મિનિટ મોડા પહોંચશો તો પણ બ્લડપ્રેશર ન વધારશો. જ્યાં સુધીમાં ‘અમો આભારી છીએ’ની યાદીઓ પૂરી થશે ત્યાં સુધીમાં તમે તમારી સીટ સુધી પહોંચી જશો.

– ‘અર્બન ગુજરાતી’ ફિલ્મોમાં મૂત્રવિસર્જનનું દૃશ્ય હવે ‘ગુડલક શૉટ’ બનતું જાય છે. અહીં શરૂઆત જ ત્યાંથી થાય છે એટલે એને ‘શુકન’ ગણી લઇએ! ટ્રેલર પરથી એટલું તો ક્લિયર હતું કે ફિલ્મ ઍક્સિડન્ટથી શરૂ થશે, થોડી ફ્લૅશબેકમાં જશે અને યુ ટર્ન મારીને ફરી પાછી પ્રેઝન્ટમાં આવશે. તે ઉપરાંત અહીં પાસ્ટ-પ્રેઝન્ટ વચ્ચે ઝૂલતી રહે છે.

– WSRની સૌથી મોટી સ્ટ્રેન્ગ્થ છે પ્રતીક ગાંધી. મેં એમનું ‘હું ચંદ્રકાંત બક્ષી’ નથી જોયું, પરંતુ ‘બે યાર’ જોયું છે. પોતાની ચાર્મિંગ પર્સનાલિટી, એક્સપ્રેસિવ આંખો, ડાયલોગ ડિલિવરી પર સુપર્બ કમાન્ડ, જબરદસ્ત કોમિક ટાઇમિંગથી એ આખી ફિલ્મને લિટરલી પોતાના ખભા પર ઊંચકી લે છે. પ્રતીક ગાંધી વધુ સારા, વધુ દમદાર અને મોટી રૅન્જવાળા રોલ મેળવવાને હકદાર છે. પરંતુ જે રીતે ઇન્ટરવલ પછી એ લાંબા સમય સુધી ગાયબ રહે છે, આઈ રિયલી હૅટેડ ઇટ. અને એમનું કેરેક્ટર કાઠિયાવાડી-અમદાવાદી મિક્સ શા માટે બોલે છે એ સમજાયું નહીં.

– ફિલ્મનું બીજું સ્ટ્રોંગ પાસું છે સચિન-જિગરનું મ્યુઝિક. આમ તો ફિલ્મને આઉટ એન્ડ આઉટ થ્રિલર રાખી હોત અને એમાં ‘દેશી બાબુ ઇંગ્લિશ મૅમ’નો લવ ટ્રેક ન નાખ્યો હોત તો પણ ફિલ્મને કશો ફરક પડત કે કેમ એ વિશે મને શંકા છે. જો એવું હોત તો ગીતોની પણ જરૂર ન પડી હોત. છતાં રાજુ-શૈલીની લવસ્ટોરી ક્યુટ છે અને તેનું બેકગ્રાઉન્ડ મ્યુઝિક ફ્રેન્ચ કોમેડી ફિલ્મ ‘એમિલી’ની સિગ્નેચર ટ્યૂનની યાદ અપાવે છે. એની વે, આ ફિલ્મમાં મને ગમેલાં બે ગીતો અરિજિતનું ‘સતરંગી રે’ અને વિશાલ દદલાણીનું ‘ઝિંદાબાદ રે’. ઘરથી ઑફિસ વચ્ચેના ટ્રાફિકમાં ફસાયા હોઇએ તો સાંભળવું ગમે તેવું સરસ આલ્બમ.

– પરંતુ એક થ્રિલર ફિલ્મ તરીકે WSR ભયંકર સ્લો છે. ક્યાંય કોઈ ઠેકાણે એ ઉત્તેજના, રેસ અગેન્સ્ટ ટાઇમ પ્રકારની ઉતાવળ ફીલ થતી જ નથી. નિરાંતે ઍક્સિડન્ટ થાય, પોલીસ નિરાંતે તપાસ ચલાવે, ઍવિડન્સ તરીકે પકડાયેલા દારૂમાંથી ચાંગળું ચાંગળું આચમન લે (કપ-રકાબીમાં દારૂ પીવાનો એ આઇડિયા જબરદસ્ત હતો બાય ધ વે), રાજુ સાથે તોડપાણી કરે, કારણ વગર સેલ્ફીનાં ગુજરાતી ટ્રાન્સલેશનોની ચર્ચા કરે, પરંતુ ભાગ્યે જ લેગવર્ક કરે. આ કૅસ બહુ હાઇપ્રોફાઇલ બની ગયો છે તેની જાણ આપણને મીડિયાના-નેતાઓના ક્લિશે શૉટ્સ પરથી જ થાય. રાજુ-શૈલીની લવસ્ટોરી પણ સારો એવો ટાઇમ ખાઈ જાય છે, જે ફર્સ્ટ હાફને ઓર ધીમો પાડે છે. જો ફિલ્મમાં અમિતાભ શાહ (સુપર્બ આસિફ બસરા) એવો હૉટશૉટ પહોંચેલો વકીલ-ઉદ્યોગપતિ હોય તો એનું પોતાનું કોઈ નેટવર્ક-કનેક્શન્સ ન હોય? એ શા માટે પ્રેશરને આટલી સહેલાઈથી વશ થઈ જાય? એ શા માટે દીકરાને શોધવાની ક્વાયત ન કરે? યે બાત કુછ હઝમ નહીં હુઈ.

– ટ્રેલર રિલીઝ વખતે જ મેં લખેલું કે આ ફિલ્મ પાસેથી મને (અનુરાગ કશ્યપે જ પ્રોડ્યુસ કરેલી, બિજોય નામ્બિઆરની) ‘શૈતાન’ અને ‘જોલી LLB’થી આગળ જઇને કશુંક પીરસે તેવી અપેક્ષા છે. અલબત્ત, મને સૌથી વધુ ગમતા વાર્તાપ્રકાર એવો ટ્વિસ્ટ ઍન્ડિંગ આ ફિલ્મનો USP છે, પરંતુ એ પહેલાંનો કૉર્ટરૂમ ડ્રામા ‘જોલી LLB’ની નજીક પણ પહોંચી શક્યો નથી. ડિરેક્ટરના કહેવા પ્રમાણે અગાઉ સારું એવું રિસર્ચ થયું હોય, સ્ટાર્ટિંગની સ્લાઇડ્સમાં ગુજરાતના જાણીતા વકીલોનાં નામ પણ હોય, ત્યારે આ પરિસ્થિતિ વધુ ફ્રસ્ટ્રેટિંગ છે. જોલી LLBમાં અર્શદ-બમન-સૌરભ શુક્લા ત્રણેય સુપર્બ ઑરેટર-ઍક્ટર હતા. અહીં સિદ્ધાર્થ રાંદેરિયાનો કેમિયો પ્લેઝન્ટ સરપ્રાઇઝ છે, પરંતુ ખબર નહીં કેમ એ અત્યંત થાકેલા અને ઍનર્જીહીન લાગે છે. તેઓ, હેતલ પુણીવાલા અને જજ મળીને પણ આખી કૉર્ટરૂમ સિક્વન્સ ઊંચકી શક્યા નથી. તેમાં કોઈ ધારદાર દલીલો, પંચલાઇન્સ પણ કશું જ નથી. ઊલટું, હિન્દી ફિલ્મોનાં બિનજરૂરી એક્ઝામ્પલ્સ અને ‘મારા કાબિલ દોસ્ત’ જેવી અત્યંત ક્લિશૅ ટ્રાન્સલેટેડ લાઇન્સ છે. બીજું, અહીં એકાએક ટપકી પડેલી એક ગરીબને ન્યાય અપાવવાની અને કૉર્ટ બંધ કરી દેવાની અપીલ કમ્પ્લિટલી આઉટ ઑફ ધ પ્લેસ લાગે છે.

– વધુ પડતા કલાકારોની વચ્ચે સતત જમ્પ થયા કરતી ફિલ્મ ઑવરક્રાઉડેડ લાગે છે. હીરો, હીરોના મિત્ર, પોલીસ, વિલન બધાના અલાયદા સાઇડકિક છે. ઇવન પ્રોડક્ટ પ્લેસમેન્ટ પણ ઑવરક્રાઉડેડ છે. મતલબ કે તમને ખબર પડે કે ભઈ, તમારે કયું ગંજી પહેરવું, ક્યાંથી કૅક ખરીદવી, કયું ખાવાનું તેલ વાપરવું, કઈ હૅરિટેજ હૉટેલમાં ઊતરવું, સ્ક્રીન પર બેઠાં બેઠાં ઑર્કેસ્ટ્રા કન્ડક્ટરની જેમ વધુ પડતાં હાથ હલાવતી ઍન્કરવાળી કઈ ન્યુઝ ચૅનલ જોવી…

– ઘેઘૂર અવાજના માલિક જયેશ મોરેની ઍક્ટિંગ મને ‘૧૦૨ નોટઆઉટ’ અને ‘પોલમપોલ’માં ગમી હતી. આલોક ગાગડેકરના પણ નાના-મોટા રોલ જોયા છે. પરંતુ અહીં એ બંનેની ‘અગ્લી’ સ્ટાઇલની વિકિડ હ્યુમર તદ્દન ફ્લૅટ જાય છે. પછી એ ‘પોત્યું’વાળો સીન હોય કે બીજાં દૃશ્યો.

– હૅન્ડહેલ્ડ કેમેરાની ફીલ આપતું જર્કી કેમેરાવર્ક અમુક દૃશ્યોમાં બરાબર છે, પરંતુ પોલીસ સ્ટેશન, ઑફિસ વગેરેની અંદર કે ખાસ કરીને કૉર્ટરૂમની અંદર ભયંકર ઇરિટેટ કરે છે. બૅકગ્રાઉન્ડ મ્યુઝિક મને પ્રોમો વખતે પણ લાઉડ લાગેલું અને લગભગ આખી ફિલ્મમાં તે અત્યંત લાઉડ છે.

– ફિલ્મમાં ટેન્શન ધીમે ધીમે બિલ્ડ થાય, ફિલ્મ દોડતી ભાગતી રહે, ક્લાઇમૅક્સ આવતાં સુધીમાં થ્રિલ-ટેન્શન ચરમસીમાએ પહોંચે અને છેલ્લે ‘દૃશ્યમ’ની જેમ જબરદસ્ત ટ્વિસ્ટ સાથે ફિલ્મ પૂરી થાય અને આપણે લિટરલી સ્પેલબાઉન્ડ થઇને બહાર નીકળીએ એવું અહીં બન્યું નથી. ફિલ્મ (લગભગ વનસાઇડેડ) લવસ્ટોરી અને થ્રિલરની વચ્ચે શટલકોક થતી રહે છે, અહીંથી તહીં અફળાઇને કોઈ જ ઉત્તેજના વગર પૂરી જાહેર કરી દેવાય છે. એ પછીયે કેટલાય પ્રશ્નો વણઊકલ્યા રહે છે અને લોજિક દિમાગની બાઉન્ડરીની બહાર જ રહે છે.

– ઑવરઑલ, ફૂવડ કોમેડીઓના એકધારા મારા વચ્ચે ઝોનરા ચૅન્જ તરીકે ‘રોંગ સાઇડ રાજુ’ રિફ્રેશિંગ છે. નેશનલ લેવલનાં પ્રોડક્શન હાઉસ આપણી ફિલ્મોને સપોર્ટ કરે, આપણી ફિલ્મો નેશનલ લેવલે ચર્ચાતી થાય તે ગમે. પરંતુ એક ફિલ્મ તરીકે ‘WSR’માં હું મહદંશે નિરાશ થયો. મારા મતે આ સ્ટ્રિક્ટ્લી એવરેજ ફિલ્મને ** (બે સ્ટાર) આપી શકાય.

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s