બેદાગ હીરોપન

***

અક્ષય કુમારનું ડિપેન્ડેબલ પર્ફોર્મન્સ પણ આ ફિલ્મને હાસ્યાસ્પદ બનતાં રોકી શક્યું નથી.

***

rustom-poster-740x1061હમણાંથી આપણે ત્યાં રિયલ લાઇફ સ્ટોરીમાં ફિલ્મી મસાલા ભભરાવીને તેને કાલ્પનિક કથા તરીકે પધરાવી દેવાનો સીઝનલ ધંધો શરૂ થયો છે. ડર તો એ છે કે અત્યારે કોઈ ગાંધીજીની બાયોપિક બનાવે તોય એનેય ફિક્શનમાં ઠઠાડી દેવામાં આવે. એવા ફિલ્મી રોગચાળામાં આવી વધુ એક ફિલ્મ ‘રુસ્તમ’ રિલીઝ થઈ છે. સોશ્યલ મીડિયાના પ્રતાપે હવે સૌ જાણે છે કે ઈ.સ. ૧૯૫૯માં ભારતીય નૌકાદળના કમાંડર કાવસ માણેકશા નાણાવટીની લાઇફમાં બનેલા ઘટનાક્રમ પરથી આ ફિલ્મ બની છે. અગાઉ આ જ કૅસ પરથી સુનીલ દત્ત સ્ટારર ‘યે રાસ્તે હૈ પ્યાર કે’ અને ગુલઝારની વિનોદ ખન્ના સ્ટારર ‘અચાનક’ જેવી બે ફિલ્મો બની ચૂકી છે. પરંતુ અક્ષય કુમારને લઇને આ કૅસ પરથી કોઈ ફિલ્મ નહોતી બની એટલે હવે નવું વર્ઝન પેશ છે. ભારતીય ન્યાયતંત્રને હલાવી નાખનારો આ એવો કૅસ હતો જેના ચુકાદા પછી ભારતમાં જ્યુરી સિસ્ટમનાં પાટિયાં પડી ગયાં.

દિલ, દગો, દેશ અને દાઝ

કમાન્ડર રુસ્તમ પાવરી (અક્ષય કુમાર) નૌકાદળનો એવો અપરાઇટ ઑફિસર છે જે ભર વરસાદમાં રેઇનકોટ પહેર્યા વગર બહાર નીકળે તોય એની વર્દી અને એના કેરેક્ટર પર એકેય દાગ ન લાગે. દેશની સેવા કરવા એ થોડા મહિના દરિયો ખેડવા ગયો, એમાં પાછળ એની રૂપાળી પત્ની સિન્થિયા (ઇલિયાના ડિક્રૂઝ)ને કાદવના કોન્ટ્રાક્ટર જેવા વિક્રમ મખીજા (અર્જન બાજવા) પ્રત્યે કૂણી લાગણીઓ થઈ ગઈ. બસ, આ વાતની રુસ્તમને ખબર પડી એટલે એણે મખીજાને ભડાકે દીધો અને પોતે પોલીસ સમક્ષ આત્મસમર્પણ કરી દીધું. પછી શરૂ થયો કૉર્ટકેસનો સિલસિલો. રુસ્તમે ખરેખર સ્વબચાવ માટે ગોળીબાર કરેલો કે પછી ઠંડા કલેજે મખીજાનું મર્ડર કરેલું? પબ્લિક અને મીડિયા ખુલ્લે આમ રુસ્તમના સપોર્ટમાં હતું. બીજી બાજુ રુસ્તમના કડક ચહેરા પાછળ કેટલાંય રહસ્યો છુપાયેલાં હતાં.

ફૅક્ટ, ફિક્શન, ફારસનો ફજેતફાળકો

અંકે ૧૫૦ મિનિટની આ ફિલ્મના પહેલા જ દૃશ્યમાં મનોજ બાજપાઈ અદૃશ્ય રહીને આકાશવાણી કરે છે કે અત્યારે ઈ.સ. ૧૯૫૯નું વર્ષ ચાલી રહ્યું છે. મુંબઈ-ગુજરાત અલગ નથી થયાં અને થિયેટરમાં રાજ કપૂરની ‘અનાડી’ ફિલ્મ ચાલી રહી છે. સાડાપાંચ દાયકા પહેલાંનું એ મુંબઈ જોવાની મજા પડે છે. રસ્તા ખાલી છે, ટ્રામ-ડબલડૅકર બસો આમતેમ દોડી રહી છે. પરંતુ આંખ સહેજ ઝીણી કરીને જોઇએ તો ખ્યાલ આવી જાય છે કે આ તો નબળા કમ્પ્યુટર ગ્રાફિક્સથી સર્જાયેલું મુંબઈ છે, જે વાસ્તવિક લાગવાને બદલે કોઈ જૂના ફોટોગ્રાફમાં દેખાતું હોય એવું જ લાગે છે. એ પછી ફિલ્મમાં જ્યારે પણ મરીન ડ્રાઇવ, દિલ્હી ઍરપોર્ટ, એ વખતનું વિમાન વગેરે દૃશ્યો આવે છે ત્યારે દરેક વખતે કાચા કામના કમ્પ્યુટર કારીગરોનાં રફૂકામનાં થીગડાં સ્પષ્ટ તરી આવે છે. જોકે આ ફિલ્મ શીખવે છે કે એ વખતના મુંબઈમાં બધું ભડક રંગનું જ હતું- એક્સ્ટ્રા ઑરેન્જ આકાશ, એક્સ્ટ્રા ગ્રીન ઘાસ, લીલા-પીળા-બ્લ્યુ રંગની દીવાલો, સોફાસેટના કાપડમાંથી કરાવ્યાં હોય એવા રંગ-ડિઝાઇનનાં અર્જન બાજવાનાં ભડકાઉ કપડાં, લીલા રંગની કાર, ઇલિઆનાના સતત લાલ રહેતા ગાલ અને રુસ્તમ સાહેબની ‘ટાઇડ’ વૉશિંગ પાઉડરની જાહેરખબર જેવી બેદાગ ગોરાપનવાળી ક્રિસ્પ વર્દી.

પરંતુ આ બધું વિચારવાનો સમય તમને ઇન્ટરવલ પછી મળે છે. તે પહેલાં તો ફિલ્મ જડબેસલાક થ્રિલરની જેમ જ આગળ વધે છે. રુસ્તમની પત્ની ભલે પોતાના પતિને વફાદાર ન રહી હોય, પરંતુ ફિલ્મ થ્રિલને વફાદાર રહીને ધડાધડ ભાગતી રહે છે. ક્રાઇમનું કારણ, તૈયારી, ક્રાઇમ સીન અને તાજા શેકેલા પાપડ જેવા કડક પોલીસ ઑફિસર પવન મલ્હોત્રા દ્વારા કરાતું ઇન્વેસ્ટિગેશન. પોલીસ સ્ટેશનમાં પૂછપરછના એ સળંગ લાગતા સીનમાં કેમેરા સતત આમથી તેમ ફરતો રહે અને પાત્રો બદલાતાં જાય એ જોવાની પણ મજા પડે છે. ઇન્ટરવલમાં અનિવાર્ય કામકાજ ફટાફટ પતાવીને એક રામપુરી ચપ્પુ જેવો ધારદાર કૉર્ટરૂમ ડ્રામા જોવા મળશે એવી ઉત્સુકતાથી પાછા આપણી સીટ પર ગોઠવાઈ જઇએ.

ત્યારે જાણે એ જ કલાકારો સાથે ભળતી જ ફિલ્મ શરૂ થઈ ગઈ હોય એવો આઘાત લાગે. અગાઉની અત્યંત ગંભીર ફિલ્મ કોઈ ફૂવડ ફારસમાં પલટાઈ ગયેલી માલુમ પડે. સચિન ખેડેકર, અનંગ દેસાઈ, કુમુદ મિશ્રા જેવા અત્યંત ટેલેન્ટેડ કલાકારો પાસે જાણે કોઈ ફાલતુ પ્રહસનની સ્ક્રિપ્ટ આવી ગઈ હોય તેમ ફૂવડ હસાહસી શરૂ થઈ જાય છે. દર પંદરમી સૅકન્ડે સચિન ખેડેકર ભારતની સાચુકલી કૉર્ટો કરતાં ફિલ્મી કૉર્ટોમાં વધારે વાર બોલાયેલું ‘ઑબ્જેક્શન મિ. લૉર્ડ’ બોલે અને જજ અનંગ દેસાઈ ડસ્ટર પછાડીને એમને બેસાડી દે. આ કૉમેડી ફિલ્મના અંત સુધી ચાલુ રહે છે. ડિરેક્ટર ટીનુ દેસાઈ અને રાઇટર વિપુલ રાવલને હજી આટલેથી સંતોષ ન થયો હોય તેમ જ્યુરીને એક રૂમમાં બેસાડીને ભારતીય સિનેમાની આઇકનિક ફિલ્મ ‘એક રુકા હુઆ ફૈસલા’ની પૅરોડી બનાવવાનું શરૂ કરી દેવાય છે.

 

mg_9541-e1441362559971રિયલમાં બનેલા નાણાવટી કૅસમાં જ એટલો મસાલો હતો કે તેના પરથી એક અફલાતૂન સાઇકોલોજિકલ થ્રિલર ફિલ્મ બની શકી હોત. પરંતુ તે આંટીઘૂંટીઓ ઍક્સપ્લોર કરવાને બદલે અહીં રાઇટર-ડિરેક્ટર, બધાં કૅરેક્ટર્સ સૌ ‘રુસ્તમ ઝિંદાબાદ’નું કૅમ્પેઇન ચલાવવા નીકળ્યા હોય તેવું લાગે છે. હકીકતમાં જે રીતે પ્રચંડ પબ્લિક ઑપિનિયને જ્યુરીને ઝુકાવી દીધેલી અને લીગલ સિસ્ટમ સામે સવાલો ઊભા થયેલા તેવું કશું અહીં દેખાતું નથી. ફિલ્મમાં દેખાતા પારસીઓ તદ્દન કૅરિકેચરિશ અને કૉર્ટની બહાર એકઠાં થયેલાં ટોળાં મૅનેજ કરેલાં દેખાઈ આવે છે. જે રીતે હકીકતમાં કૉર્ટની બહાર ‘નાણાવટી રિવોલ્વર’ અને ‘આહુજા ટૉવેલ’ વેચાતાં થયેલાં અને ‘બ્લિટ્ઝ’ અખબાર આઠ ગણી કિંમતે વેચાતું હતું, એ બધું અહીં પણ છે પરંતુ તદ્દન હાસ્યાસ્પદ બની રહ્યું છે. અરે, કૉર્ટમાં જે રીતે નક્કામી લાઇનો પર પણ તાળીઓ વાગતી અને ફાલતુ દલીલો થતી બતાવાઈ છે તે પણ ગળે ઊતરે એવું નથી. વળી, એકેય ઍન્ગલથી પારસી ન લાગતા અક્ષય કુમારને હીરો બનાવવાની લાલચમાં પવન મલ્હોત્રા જેવા મહાટેલેન્ટેડ ઍક્ટરના ભાગે બૉલપેનની ટકાટકી કરવા સિવાય કશું જ કામ આવ્યું નથી. જો તમે અક્ષય કુમારની છેલ્લી થોડી ફિલ્મો ઑબ્ઝર્વ કરી હોય, તો આ ફિલ્મનું સસ્પેન્સ તમે અડધી ફિલ્મે જ આબાદ કળી શકો.

 

સ્થાયી ભાવ

ડિરેક્ટરે બધા જ કલાકારોને એમના પાત્રની સાથે એક સ્થાયી એક્સપ્રેશન પકડાવી દીધું છે. જેમ કે, અક્ષયનો ‘હું દેશપ્રેમી નંબર-1 છું, મને કશો ફરક પડતો નથી’ લુક, ઇલિઆનાનો ‘હવે નહીં કરું, સોરી’ લુક, અર્જન બાજવાનો પ્રેમ ચોપડા લુક, ઇશા ગુપ્તાનો નાદિરા લુક, તેલ નાખીને માથું ઓળેલા પવન મલ્હોત્રાનો ‘મને આવા રોલ જ શું કામ મળે છે’ લુક, અનંગ દેસાઈ-સચિન ખેડેકરના ‘ખિચડી’ના બાબુજી-પ્રફુલ ટાઇપના લુક, ગંદી વિગ-ગંદા યુનિબ્રો સાથેના કુમુદ મિશ્રાનો ‘પારસીઓ તો ‘ડીકરા’ એવું જ બોલે ને’ લુક, ઉષા નાડકર્ણી ‘મારો અવાજ અર્નબ ગોસ્વામી કરતાંય મોટો છે’ લુક વગેરે.

વાસ્તવિકતા સ્વીકારો

rustom-004_1464682081
‘નાણાવટી કૅસ’ વખતે આઠ ગણી કિંમતે વેચાયેલા રુસી કરંજિયાના ‘બ્લિટ્ઝ’ની કૉપી. આ જ હૅડલાઇનને ‘રુસ્તમ’ ફિલ્મની ટૅગલાઇન બનાવી દેવાઈ છે.

એક ગંભીર સ્ટોરીને હાસ્યાસ્પદ બનાવી દેનારા રુસ્તમના ડિરેક્ટર ટીનુ સુરેશ દેસાઈએ કહેલું છે કે આ ફિલ્મ નાણાવટી મર્ડર કૅસ પરથી બનેલી નથી. અચ્છા? એટલે બંને કૅસની વિગતો, ઘટનાક્રમ, સમયગાળો સરખાં જ છે તે યોગાનુયોગ છે? મુખ્ય પાત્ર પારસી નૅવી ઑફિસર, રિયલ લાઇફની સિલ્વિયા અહીં સિન્થિયા હોય, જેની હત્યા થઈ તે સિંધી પ્રેમ આહુજા અહીં વિક્રમ મખીજા હોય, ‘બ્લિટ્સ’ના રુસી કરંજિયા અહીં ઍરચ બિલિમોરિયા હોય, ફિલ્મમાં ઇન્વેસ્ટિગેટિંગ ઑફિસર વિન્સેન્ટ લોબો રિયલ લાઇફના જ્હોન લોબો પરથી આવ્યા હોય (અને જેમને બે દિવસ પહેલાં અક્ષય કુમાર મળી પણ આવ્યો હોય), ‘બ્લિટ્ઝ’ની ફેમસ હેડલાઇન ‘થ્રી શૉટ્સ ધેટ શૂક ધ નૅશન’ આ ફિલ્મની ટૅગલાઇન હોય, છતાં માત્ર ફિલ્મમાં મનગમતા મસાલાની છૂટછાટ મેળવવા તથા કાયદાકીય ગૂંચમાં ન ફસાવું પડે એટલા માત્રથી વાસ્તવિકતાનો ઇનકાર કરવાનો? આપણા ફિલ્મમૅકરોએ ચપટીક તો ગંભીર થવું પડે કે નહીં?

 

સ્ટાર પાવર

સીધી વાત છે, ભલે જૂની પરંતુ એક સરસ સ્ટૉરીને નવેસરથી ઍક્સપ્લોર કરવાને બદલે તદ્દન વેડફી નાખવામાં આવી છે. માત્ર અક્ષય કુમારનો સ્ટાર પાવર આ ફિલ્મને સહ્ય બનાવે છે. સત્ત્વહીન ટ્રીટમેન્ટ, નકામી કોમેડી અને પરાણે ઘુસાડેલાં ગીતોને કારણે હાસ્યાસ્પદ બની રહેલી આ ઠીકઠાક ફિલ્મ થિયેટરમાં ટિકિટના ભાવ નોર્મલ થાય પછી ગમે ત્યારે જોઈ શકાય. હા, તમે હૃદયનો એક ખૂણો અક્ષય કુમારના નામે ૯૯ વર્ષના ભાડાપટ્ટે લખી આપ્યો હોય તો વાત અલગ છે.

રેટિંગઃ ** (બે સ્ટાર)

(Published in Gujarati Mid Day)

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s