Jason Bourne

  • jason-bourne-international-posterઑરિજિનલ ‘બૉર્ન ટ્રિલજી’ પછીનો આ ચોથો (અને ટેકનિકલી પાંચમો) પાર્ટ જોતી વખતે મને પહેલો સવાલ એ થયો કે આ ફિલ્મને 3Dની શી જરૂર છે? ફિલ્મમાં 3Dની ખરેખરી ફીલ આપે તેવો એક પણ, રિપીટ એક પણ સીન નથી. માત્ર ટિકિટ દીઠ ૩૦ રૂપિયા વધુ ખંખેરી શકાય એટલા માટે જ ને?
  • ફિલ્મ જેમ જેમ આગળ વધતી ગઈ, તેમ બીજો વધુ સિરિયસ સવાલ એ થયો કે જો તમારી પાસે કહેવા માટે લગભગ કંઈ જ નવું ન હોય તો 3D ઓર નો 3D, પણ આ ફિલ્મ જ બનાવવાની શી જરૂર છે? અગાઉ મેં વાંચેલું કે ‘બૉર્ન અલ્ટિમેટમ’ જ્યાં પૂરી થાય છે ત્યાંથી જ આ નવી ‘જૅસન બૉર્ન’ સ્ટાર્ટ થાય છે. એટલે ગઈકાલે રાત્રે મોડે સુધી જાગીને પણ ‘બૉર્ન અલ્ટિમેટમ’નું રિફ્રેશ મારી લીધું, અને સવારે જાણે એનું રિપીટ ટેલિકાસ્ટ જોતો હોઉં એવું લાગ્યું. માત્ર કલાકારો બદલાઈ ગયેલા હતા, બસ.
  • આપણી પાસે ‘ઇમ્પોસિબલ મિશન’ પાર પાડતો જાંબાઝ ‘ઇથન હન્ટ’ છે, દેશ-વિદેશમાં ફરતો ‘જૅમ્સ બોન્ડ’ છે અને હૅન્ડ ટુ હૅન્ડ કોમ્બેટવાળી માર્શલ આર્ટ બતાવતો જૅકી ચૅન છે. ઇવન હવે તો અપુન કે સલમાનભાઈ પણ ગરદન પર ચૅક્સવાળો ગમછો વીંટીને ‘ટાઇગરદેહે’ આપણી જ જાસૂસી સંસ્થાની સામે પડી ચૂક્યા છે. તો પછી આ જ બધાં લક્ષણો ધરાવતો ‘જૅસન બૉર્ન’ કોઈ ક્યૂં લે? વો ન લે?!
  • ‘બૉર્ન સિરીઝ’ આટલી લોકપ્રિય હોવાનાં જે અમુક કારણો મને જડ્યાં છે તે કંઇક આવાં છેઃ એક તો ઑરિજિનલ ટ્રિલજી રૉબર્ટ લડલમની સુપરહિટ બુક્સ પરથી બનેલી એટલે એની સ્ટોરી એકદમ સાઉન્ડ હતી. એ સ્ટોરીનું ઍક્ઝિક્યુશન પણ ટાઇટરૉપ વૉકની જેમ સુપર ચુસ્ત અને એકદમ ટુ ધ પોઇન્ટ. બૉર્નની પોતાની આઇડેન્ટિટી શોધવાના મિશન સિવાય બીજી કશી જ આડીઅવળી વાત નહીં. જૂની વાતો સ્ટેપ બાય સ્ટેપ ખૂલતી રહે એટલે સતત એક સસ્પેન્સનું ઍલિમેન્ટ લટકતી તલવારની જેમ માથે તોળાતું રહે. વળી, બોન્ડની જેમ આ બૉર્ન ભલે બતાવે નહીં, પણ એની ક્વેસ્ટ સાથે સતત ઇમોશન જોડાયેલાં હોય. બૉર્નનો દુનિયાનો બચાવવાનો કોઈ ફાંકો નહીં. એ બસ, પોતાના ડસ્ટર ફેરવી દેવાયેલા દિમાગના બ્લૅકબૉર્ડ પર અગાઉ અંકિત થયેલા અક્ષરો શોધવા મથ્યા કરે. બૉર્નનો ચાચા ચૌધરી જેવો કમ્પ્યુટરથી તેજ ચાલતો દિમાગ, આવનારા ખતરાને અગાઉથી જ સૂંઘી લઇને હાજર સો હથિયાર બનાવીને છટકી જવાની આવડત. આખી મુવીનું હૅન્ડહેલ્ડ ટાઇપના કેમેરાથી શૂટિંગ અને પોઇન્ટ ઑફ વ્યૂ કેમેરા ઍન્ગલ્સનો સતત ઉપયોગ. આપણને વિચારવાનો મોકો જ ન દે તેવા સુપર ક્વિક કટ્સ. મસ્ત બૅકગ્રાઉન્ડ મ્યુઝિક (‘બૉર્ન અલ્ટિમેટમ’માં મોરોક્કોની એક લાંબી ચૅઝ સિક્વન્સમાં સતત બોન્ગો વાગતા રહે છે). ટૂંકમાં મિનિમમ ડાયલોગ્સ અને મૅક્સિમમ ઍક્ઝિક્યુશન.
  • આ ફિલ્મ (‘જૅસન બૉર્ન’) જોતી વખતે મને સતત એ સવાલ થયો કે ‘હડપ્પા’ અને ‘મોહેંજો દડો’ની સંસ્કૃતિની જેમ જૅસન બૉર્નની લાઇફમાં હજી કેટલું જાણવાનું બાકી રહી ગયું છે કે પૂરું જ નથી થતું? આમ તો હજી એ પરણેલો હતો કે નહીં, એને ખાટા ઢોકળાં ભાવતાં’તાં કે મુઠિયા ઢોકળાં, નાનપણમાં એને ભરી સભામાં કજિયો કરવા બદલ ડૉનલ્ડ ટ્રમ્પે કાઢી મૂકેલો કે કેમ, ગુજરાતના બદલાતા મુખ્યમંત્રીઓ વિશે એનો કોઈ અભિપ્રાય હતો કે કેમ… આવી અનેક વાતો ભભરાવીને સિરીઝનું પૂંછડું ખેંચી જ શકાય. માત્ર એક નાનકડા રિવીલેશનને બાદ કરતાં આ ફિલ્મ ડિટ્ટો ‘અલ્ટિમેટમ’ની રિમૅક જેવી જ છે. ઇવન સામસામાં કેરેક્ટર અને એનો સ્કૅચ પણ તમે દોરી શકો. CIA ઑફિશિયલની સામે CIA ઑફિશિયલ (અહીં ટોમી લી જોન્સ છે), ફિમેલ ઍજન્ટની સામે ફિમેલ ઍજન્ટ, ક્યાંકથી ફૂટી નીકળતા આસાસિન-એની સાથેની ચૅઝ-ફાઇટ વગેરે. ઇવન આટલાં વર્ષોમાં CIAની સર્વેલન્સ પદ્ધતિ પણ બદલાઈ નથી, બોલો! દર વખતે બૉર્ન પડે એટલે ખબર જ હોય કે હમણાં ઊભો થશે.
  • આ ફિલ્મમાં કોઇપણ બે થ્રિલિંગ ચૅઝ સિક્વન્સની વચ્ચે વૅક્યુમ ફ્લાસ્ક જેવો થ્રિલનો શૂન્યાવકાશ છે. અગાઉ જ્યાં બૉર્ન જ વાર્તાના કેન્દ્રમાં હોય ત્યાં અહીં સુંદર પિચાઈ જેવા દેખાતા અને માર્ક ઝકરબર્ગ જેવું કામ કરતા અને સ્ટિવ જોબ્સ જેવી કોન્ફરન્સ ભરતા એક ટેક ટાયકૂનની ભાંજગડ વચ્ચે નાખી છે. એ ટ્રેકનો મૂળ વાર્તા સાથે કરેલો થૂંકનો સાંધો અંધારી રાત્રે પણ દેખાઈ જાય એવો છે. અને આ બધાં જ પાત્રો પાછાં કોઈ જ ઇન્સાઇટ વિનાનાં ટિપિકલ કૅરિકેચરિશ.
  • જાણે બૉર્ન સિરીઝની થમ્બ પ્રિન્ટની કૉપી કરીને એના જેવી ફિલ્મ બનાવવાની ટ્રાય કરી હોય એવું સતત લાગ્યા કરે છે. ઇવન બૉર્નની સુપર ઇન્ટેલિજન્ટ તરકીબો અને અગાઉથી જ પરિસ્થિતિ પામી જવાની એની સ્માર્ટનેસ પણ અહીં ગાયબ છે. કશા જ દેખીતા કારણ વિના આઇસલૅન્ડ, ગ્રીસ, બર્લિન, લંડન, અમેરિકામાં કૂદાકૂદ થયા કરે (આપણે ત્યાં એવું કરે તો ‘ટ્રાવેલ ઍજન્ટ વિનોદ’ કહીને ઉતારી પાડવામાં આવે!). ખુદ મૅટ ડેમન જ કહી ચૂક્યો છે કે જૅસન બૉર્નની તલાશ હવે પૂરી થઈ ગઈ છે, તો પછી નક્કર વાર્તા વિના શું કામ ખેંચખેંચ કરો છો? અથવા તો બૉર્ન સિરીઝની નવી નવલકથાઓનાં પાનાં ફેરવો ને? એમાં કંઇક તો નવું હશે ને?
  • એટલે એક બૉર્ન ફૅન તરીકે મને ભયંકર નિરાશા થઈ. છતાં ફિલ્મની ગ્રીસ અને લાસ વેગસની બે ઍક્શન સિક્વન્સ ખરેખર સરસ બની છે (અલબત્ત, તેમાં બૉર્ન સ્ટાઇલનું ઍક્ઝિક્યુશન નથી). મૅટ ડેમન સુપર્બ. એનું ફિઝિક, એની સ્ફૂર્તિ, એનો ચાર્મ! મને દિલથી ઇચ્છા છે કે આ સિરીઝ ચાલુ રહે, પણ સ્ટોરીમાં મજા પડવી જોઇએ. આ લાઇફલૅસ ઇન્સ્ટૉલમેન્ટને અઢી સ્ટાર આપી શકાય.

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s