28986040-_uy1280_ss1280_– અશ્વિન સાંઘીની આ લેટેસ્ટ બુક ‘ધ સિયાલકોટ સાગા’ વાંચતાં હું જેટલો ફ્રસ્ટ્રેટ થયો છું, એટલો અગાઉ ક્યારેય કોઈ બુકમાં નથી થયો. ખરેખર! જો આગળ-પાછળનાં પેજીસ બાદ કરી નાખો, તો પૂરાં ૫૮૨ પાનાંની આ દળદાર નવલકથામાંથી પસાર થતી વખતે મારી હાલત રીતસર ‘ન નિગલી જાયે ન ઉગલી જાયે’ પ્રકારની જ હતી (કે પૂરી થતી નથી, કરવાની ઇચ્છા નથી અને અધૂરી મૂકીશ તો આખી જિંદગી એ અધૂરી વાર્તા મને હેરાન કર્યા કરશે!).

– અગાઉ મેં ‘ભારતના ડૅન બ્રાઉન’ ગણાતા આ ગોળમટોળ લેખકની ‘ધ ક્રિશ્ના કી’ એક ઝાટકે પૂરી કરેલી. એમાં ડૅન બ્રાઉન પદ્ધતિથી જ ફટાફટ ચૅપ્ટર-સીન બદલાતાં જાય અને વાર્તા ભલે ધીમે પણ સતત આગળ વધતી રહે. એમાં હું સાંઘીના રિસર્ચથી સારો એવો પ્રભાવિત થયેલો. જે રીતે એમણે પૌરાણિક કથાઓ, ઐતિહાસિક તથ્યો, પુરાતત્ત્વીય સંશોધનમાં મળેલા પુરાવા અને કોન્સ્પિરસી થિયરી આ બધાને એક કાલ્પનિક થ્રિલર કથામાં પરોવી દીધેલાં એમાં મને મજા પડેલી. એટલે જ થોડા સમય પહેલાં જ્યારે ‘ટાઇમ્સ’માં ફુલ પેજની ઍડ પબ્લિશ થઈ એટલે રહેવાયું નહીં અને મેં વાંચવાનો ખેલ પાડી દીધો.

– ‘જેમની નવલકથાઓની દસ લાખથી પણ વધુ નકલો વેચાઈ ચૂકી છે તેવા’ અશ્વિન સાંઘીના કહેવા પ્રમાણે આ એમની

ashwin-sanghi-2
અશ્વિન સાંઘી

‘ભારત સિરીઝ’ની નવી ‘બિઝનેસ થ્રિલર’ છે. ફાઇન. ભારતની આઝાદી અને ભાગલા સાથે શરૂ થતી આ કથાનું ફલક છેક ૨૦૧૦ સુધી ફેલાયેલું છે. વચ્ચે વચ્ચે પાછી ઈસવીસન પૂર્વે અને સૈકાઓ પૂર્વેની વાતો પણ આવતી રહે. વાર્તાના મૂળ બે પ્રોટાગનિસ્ટ-નાયકો, એક કોલકાતાના વેપારીનો દીકરોનો અરવિંદ બગડિયા અને એક મુંબઈના ડૉકયાર્ડના મજૂરનો દીકરો ટર્ન્ડ માફિયા ડૉન અરબાઝ શેખ. બંનેનું કામ એક જ, કોઇપણ રીતે પૈસા કમાવા. પહેલો દેશની સિસ્ટમમાં રહીને કરોડો રૂપિયા બનાવે, જ્યારે બીજો સિસ્ટમને પોતાના છરાની અણીએ રાખીને પોતાનું સામ્રાજ્ય ઊભું કરે. સાથોસાથ એકબીજાની પણ ‘બન્ટી-બબલી’ અને ‘સ્પેશિયલ 26’ સ્ટાઇલમાં વાટ લગાવ્યા કરે. આ બધાની સમાંતરે દેશમાં બનેલી તમામ મોટી ઘટનાઓ પણ આવ્યા કરે.

 

– પ્રોબ્લેમ એ છે કે એક તો મને સાંઘીની ભાષા જરાય અપીલ કરતી નથી. જાણે હૉસ્પિટલનું ફિક્કું ખાવાનું ખાતા હોઇએ એવી ફ્લૅર વિનાની બોરિંગ ભાષા, જેમાં ન તો વાક્યરચનામાં કશું મજા પડે એવું હોય કે ન એમાં વાતને બહેલાવીને કહેવાનો કોઈ કસબ હોય. એમના એકના એક ‘He digested the information’ જેવાં કોરાકટ વાક્યો વારંવાર રિપીટ થયા કરે (આ વાક્યનો તો ‘ધ ક્રિશ્ના કી’માં પણ ત્રાસ હતો).

– અશ્વિન સાંઘી પોતાની નવલકથાને છેડે સંદર્ભ ગ્રંથોની જે તોતિંગ લાંબી યાદી આપે છે તે તમામ એમણે વાંચી નાખ્યા છે તે માની લઇએ તો એમણે એમાંનું બધું જ અહીં ઠાલવી દીધું હોય એવું લાગે છે. પરિણામ એ આવે કે આપણે ભારતના પાછલા છ દાયકાનાં વિકિપીડિયા પેજ વાંચતા હોઇએ એવી ફીલ આવવા લાગે. ભાગલા પછી થયેલી હિંસા, ભારત-પાક યુદ્ધ, ભારત-ચીન યુદ્ધ, બદલાતા પ્રધાનમંત્રીઓ, ઇમર્જન્સી, ઍશિયન ગેમ્સ, ઇન્દિરા-રાજીવ ગાંધીની હત્યા, શીખહિંસાનો ખૂની ખેલ, લિબરલાઇઝેશન, ભારતમાં સેટેલાઇટ ટેલિવિઝનનું આગમન, ૧૯૯૩ના મુંબઈ બ્લાસ્ટ, 9/11-26/11ના આતંકવાદી હુમલા… આ બધું એમણે બાલટીઓ ભરી ભરીને ઠાલવ્યું છે (અછડતો ઉલ્લેખ કરીને છોડી દે તો લોકોને ખબર કેવી રીતે પડે કે સાંઘીસાહેબે કેટલું રિસર્ચ કર્યું છે?!). આ તમામે તમામ ઘટનાઓને મારી-મચડીને મુખ્ય પાત્રો સાથે જોડવાની જિદ્દમાં તમે ૧૦૦-૨૦૦ પૅજીસ પહેલાં જ કળી શકો કે હવે શું થશે એ હદે બધું પ્રીડિક્ટેબલ.

– અરબાઝ-અરવિંદ એ બે મુખ્ય પાત્રો સિવાયના કોઈ પાત્રમાં કશું ઊંડાણ નહીં, તદ્દન સપાટ-કૅરિકેચરિશ. ઇવન બંને પ્રોટાગનિસ્ટની સાઇકોલોજીની પણ કોઈ વાત નહીં. હરામ જો તમે એકેય પાત્ર સાથે ઇમોશનલી કનેક્ટ થાઓ તો! ખરેખર તો અશ્વિન સાંઘીને ભારતની આઝાદી પછી બનેલી ઘટનાઓ અને જુદા જુદા બિઝનેસમેનની સ્ટ્રેટેજી વિશે એક નોનફિક્શન બુક જ લખવી હશે, પરંતુ છેલ્લી ઘડીએ વિચાર બદલીને તેને ફિક્શનમાં કન્વર્ટ કરી નાખી હશે. કારણ કે એક તો ૯૯ ટકા કિસ્સામાં બેમાંથી એક પ્રોટાગનિસ્ટના જ સીન ચાલતા હોય. બાકીનાં પાત્રો ત્યાં માત્ર એટલા માટે જ હાજર હોય કે જેથી તે જાતભાતના સવાલો પૂછી શકે અને તેના જવાબમાં સાંઘીસાહેબ પોતાના પ્રોટાગનિસ્ટના મુખેથી માહિતીલેખની ધારા વહાવી શકે. (વળી, આ માહિતીમાં પણ કેટલાય ઠેકાણે વિકિપીડિયા જેવા જ લોચા છે!)

– બંને નાયકોની રૅગ્સ ટુ રિચીઝની દાસ્તાન સિત્તેરના દાયકાની પોટબોઇલર ફિલ્મ કે પછી અત્યારના ટાઇમની ‘વન્સ અપોન અ ટાઇમ ઇન મુંબઈ’ જોતા હોઇએ એવી જ ફીલ આપે છે. એમાંય નવીનતાનું થર્મોમીટર ડુબાડો તો ટેમ્પરેચર ઝીરો ડિગ્રી સેલ્સિયસ બતાવે! આખા પુસ્તકનો લગભગ ૮૫-૯૦ ટકા હિસ્સો આ કથા રોકી લે છે, જે એ હદે બોરિંગ છે કે કોઈ વાયડાઈ કરતું હોય કે ‘આપણને તો કોઈ’દી ગુસ્સો આવે જ નંઈ’ એને પરાણે વંચાવીને ‘ઍન્ગર ટેસ્ટ’ કરાવવાના કામમાં આવી શકે! અરબાઝ-અરવિંદ જાતભાતની @#$%&* જેવી બિઝનેસ ડીલ કર્યા કરે, લોકોને (અને આપણને પણ) @#$%&* બનાવ્યા કરે. આમાંથી અડધો અડધ સ્ટોરી તમે ઉપાડીને પુસ્તકની બહાર ફેંકી દો, તોય મૂળ વાર્તાને ટાંકણીની અણી જેટલો પણ ફરક ન પડે.

– અને ખબર નહીં, અશ્વિન સાંઘીને ઍનાગ્રામનું એવું તે શું વળગણ છે, કે ગમે ત્યારે ગમે તે શબ્દમાં ‘ફલાણાનું ઊંધું કરીએ તો આવો અર્થ થાય ને આને નવેસરથી ગોઠવીએ તો આવું થાય’ એ પ્રકારની જ શબ્દરમત આવ્યા કરે. (બાય ધ વે, ‘ઍનાગ્રામ’ અને ‘ઍનાસિન’ બંને શબ્દોની શરૂઆત એકસરખી છે એ માર્ક કર્યું?!)

– માત્ર એક મફતિયા ગિમિક તરીકે આ આખી બુકમાં ઠેકઠેકાણે અટલ બિહારી વાજપાઈ, રાજીવ ગાંધી, સ્ટિવ જોબ્સ જેવી રિયલ લાઇફ પર્સનાલિટીઝનાં ગેસ્ટ અપિયરન્સ કરાવ્યાં છે (એ પણ મોટેભાગે એવી જ વ્યક્તિઓ છે જે અત્યારે આ બુકમાં પોતાની હાજરી વિશે વાંધો ઉઠાવી શકે તેવી સ્થિતિમાં નથી!).

– જે ખરેખર પુસ્તકનું ટાઇટલ છે તે ‘સિયાલકોટની સાગા’તો માંડ છેલ્લાં ચપટીક ભાગમાં જ છે. એમાંય કોઈ મહાન પૌરાણિક સિક્રેટની વાતનો ઉલ્લેખ લાવીને સસ્પેન્સ ઊભું કરવું અને પછી એનું સલમાન ખાનના કૅસના ચુકાદાઓની સ્ટાઇલમાં પડીકું વાળી દેવું એ કદાચ અશ્વિન સાંઘીની ખાસિયત છે. એ સિક્રેટ સમ્રાટ અશોકના યુગથી શરૂ કરીને અત્યાર સુધી ખેંચે અને પછી તેને ‘યુ નૉ, તમારામાં આસ્થા જોઇએ, શ્રદ્ધા જોઇએ’ એવું કહીને વાત પૂરી કરી નાખે. (આ વખતે એટલું સારું છે કે એમણે પૌરાણિક વાર્તાનું વર્તમાન સાથે કનેક્શન જોડ્યું છે, નહીંતર અગાઉ ‘ધ ક્રિશ્ના કી’માં તો દરેક ચૅપ્ટરની પહેલાં મહાભારતની કથાની રામાયણ શા માટે કરી છે એ છેલ્લે સુધી ક્લિયર જ ન થયું!)

– ઇન શૉર્ટ, માંડ અઢીસો-ત્રણસો પાનાંમાં પૂરી થઈ શકતી આ નવલકથાને પરાણે ચ્યુઇંગમની જેમ ખેંચી છે, જેણે મારા દિમાગની તમામ નસો ખેંચી નાખી. જોકે ખોટું ન બોલાય, એક રાત્રે પોણા બે વાગ્યે ફાઇનલી જ્યારે આ બુક પૂરી થઈ ત્યારે મને જે આનંદ થયેલો, આહાહાહાહા…!!!

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s