ઢિશૂમ

ધવન કરેંગે ધવન કરેંગે
***
ટિપિકલ બડ્ડી કૉપ ફિલ્મોની ફોર્મ્યૂલા પર ચાલતી ધવનપુત્રોની આ ફિલ્મ ફાસ્ટફૂડિયું મનોરંજન માત્ર છે.
***
dishoom-movie-posterએક જગ્યાએ ક્રાઇમ બને. તેને સોલ્વ કરવા માટે બે હીરો આયાત કરવામાં આવે. એમાં એક હાથેથી નાળિયેર વધેરી નાખે એવો કડક હોય. જ્યારે બીજો થોડો પાવલી કમ અથવા તો ડેઢ શાણો હોય. એમની લૉરલ એન્ડ હાર્ડી જેવી નોકઝોક આપણને હસાવે પણ ખરી અને વિલનની પાછળ જિંજર પુડિંગ ખાઈને પડી જાય એમાં આપણને બે ઘડી પેટમાં પતંગિયાં પણ ઊડવા માંડે. છેવટે ખાધું પીધું ને ફ્રેન્ડશિપ બૅન્ડ બાંધીને રાજ કીધું જેવો ઍન્ડ આવે. ‘બડ્ડી કૉપ’ એટલે કે ‘દોસ્તાર પોલીસવાળા’ પ્રકારની ફિલ્મોની આ સ્ટાન્ડર્ડ રૅસિપી જૅપનીઝ ડિરેક્ટર અકીરા કુરોસાવાએ છેક ઈ.સ. ૧૯૪૯માં ‘સ્ટ્રે ડૉગ’ નામની ફિલ્મમાં તૈયાર કરેલી. તેનો ઉપયોગ કરીને હૉલીવુડમાં ‘લીથલ વૅપન’, ‘રશ અવર’ કે આપણે ત્યાં ‘મૈં ખિલાડી તુ અનાડી’થી લઇને ‘ધૂમ’ જેવી અનેક વાનગીઓ બની ચૂકી છે. હવે દાદી અમ્માના વખતની આ રૅસિપી પર બડે પાપા ડૅવિડ ધવનના દીકરા ફિલ્મ બનાવે એ કેવી હોય? વેલ, એ ડિશ ‘ઢિશૂમ’ જેવી હોય. બસ, એમાં સ્વાદાનુસાર પણ લોજિક નામનું તત્ત્વ નહીં નાખવાનું.

હિટવિકેટ ક્રિકેટર, રનર પોલીસ
અબુ ધાબીમાં ભારત-પાકિસ્તાનની ફાઇનલ મૅચની પહેલાં ક્રિકેટર વિરાટ, સોરી, વિરાજ શર્મા (શાકિબ સલીમ) કિડનૅપ થઈ ગયો છે. જો કિડનૅપરની માગ પૂરી ન થાય, તો વિરાજનું બોટીકબાબ બનવાનું નક્કી. સુષમા સ્વરાજ જેવું સ્વેટર પહેરીને ફરતાં ભારતનાં વિદેશ મંત્રિણી (મોના અંબેગાંવકર) સિગારેટથી ચાલતા એક કડક પોલીસવાળાને પાર્સલ કરી આપે છે. એ પોલીસવાળો એટલે કબીર શેરગિલ (જૉન અબ્રાહમ). કબીરનો પનારો પડે છે ખોવાયેલો ડૉગી શોધવામાં પણ ફેલ થતા જુનિયર ઇન્સ્પેક્ટર જુનૈદ અન્સારી (વરુણ ધવન) સાથે. એક પછી એક અંકોડા મેળવતાં આ બંને જણા ઇશિકા (જૅકલિન ફર્નાન્ડિઝ) નામની પૉકેટમારની મદદથી વિલન વાઘા (અક્ષય ખન્ના) સુધી પહોંચે છે. પણ એક મિનિટ, એ વાઘો પેલા ક્રિકેટર વિરાજને ક્લિન બોલ્ડ કરી નાખશે તો? આ ‘તો’નો જવાબ મેળવવા તમારે શું કરવાનું છે એ તમે જાણો છો.

ફિલ્મ કા ચાર્જર
ટીવી પર વરુણ ધવન ભલે ‘ફેસ કા ચાર્જર’ જેવો ફેરનેસ ક્રીમ વેચતો હોય, પણ અહીં એ આખી ફિલ્મનું ચાર્જર છે. એની એન્ટ્રી સાથે જ પાર્ટીમાં રોનક આવી જાય છે. જૉન અબ્રાહમે તો જાણે હવે ઍક્ટિંગ ન કરવાની અને ચહેરા પર કોઈ એક્સપ્રેશન ન આપવાની બાધા લીધી છે. એનો પૂરેપૂરો ફાયદો વરુણ ધવનને મળ્યો છે. એનો ચોકલેટી ચાર્મ, ચેપ લાગી જાય એવું સ્માઇલ, પ્લીઝિંગ પર્સનાલિટી, વિટ્ટી વનલાઇનર્સ અને પર્ફેક્ટ કોમિક ટાઇમિંગ ફિલ્મને સતત હળવીફુલ રાખે છે. એક્ચ્યુઅલી, જૉનના પાત્રને થોડું ઓર આકર્ષક બનાવવાની જરૂર હતી. અહીં તો બિચારો વરુણ કાળમીંઢના પથ્થર સાથે માથું પછાડતો હોય એવું જ લાગે છે.

દિમાગ કી બત્તી બુઝા દે
‘ધૂમ’ સ્ટાઇલમાં લખાયેલું ફિલ્મનું નામ અને એ નામ સાથેના પાર્ટી સોંગ સાથે ફિલ્મ સ્ટાર્ટ થાય. એ સાથે જ ‘મૅન્ટોસ’ ખાધા વગર પણ આપણા દિમાગમાં બત્તી થઈ જાય કે અહીં દિમાગ ચલાવવાનું નથી. બસ, બે કલાક આનંદ કરવાનો છે. છતાંય તમારું દિમાગ ક્યારેક સળવળી ઊઠે તો આવા સવાલો વરસાદી દેડકાંની જેમ કૂદાકૂદ કરવા માંડે કે, વાત વાતમાં લોકોને ભડાકે દેતા પોલીસ અધિકારીને કૅસ સોલ્વ કરવા વિદેશ મોકલાય? વિદેશ ગયા પછી એ એવી તે કઈ મોટી કારીગરી કરે છે જે ત્યાંની પોલીસ ન કરી શકે? વિલન કહે અને બીજી જ સૅકન્ડે સરકાર ૫૦૦ કરોડ રૂપિયા આપી પણ દે? એ પણ સલામતીની ખાતરી કર્યા વગર? ક્રિકેટરનો ખભો ફોલ્ડિંગ છે? જો સેવમમરા ખાતા હોય એવી આસાનીથી બોમ્બ ડિફ્યુઝ થઈ શકતો હોય તો વિલનને પૈસા આપવાની જરૂર ખરી? માત્ર 36 કલાકમાં આટલું બધું થઈ શકતું હોય, તો શું અબુ ધાબીમાં સમય અટકી ગયો હશે? આવું બધું વિચારવા માંડો એટલે તરત તમારે દિમાગની બત્તી બંધ કરવી પડે.

પાપા ધવન પાસેથી ટ્યુશન લીધા પ્રમાણે ડિરેક્ટર રોહિત ધવનનો ફન્ડા ક્લિયર છે, પબ્લિક ખુશ હોની ચાહિયે, બસ. એક તો ફિલ્મની વાર્તા રેસ અગેન્સ્ટ ટાઇમ પ્રકારની છે, એટલે કે સતત માથા પર ઘડિયાળ ચાલતી રહે છે. તેને કારણે જ ઇન્ટરવલ પહેલાં ફિલ્મ ફૂટબૉલની મૅચની જેમ ફટાફટ ભાગતી રહે છે. ધડાધડ પાત્રો ઇન્ટ્રોડ્યુસ થાય અને સ્ટોરી આગળ વધતી રહે. લેકિન ઇન્ટરવલ પછી સ્ટૉરી કોઈ અજાણ્યા મુલકમાં પહોંચે અને ફિલ્મની બૅટરી ડાઉન થવાનું શરૂ થાય. ફિલ્મનું સૌથી બેસ્ટ ગીત ‘સૌ તરહ કે’ એટલા ભંગાર પોઇન્ટ પર મુકાયું છે ગીતની ફીલ અને ફિલ્મની થ્રિલ બંનેનું ઢિશૂમ થઈ જાય છે.

અક્ષય ખન્ના લાંબા સમયે પડદા પર દેખાયો છે. અત્યારે હૉલીવુડના એક્ટર જૅસન સ્ટેધામ જેવા લુકમાં આવેલા અક્ષયનું પાત્ર સખત ભેદી લાગે છે. પરંતુ જેમ જેમ એની આડેનાં આવરણો હટતાં જાય, તેમ આપણને તેનો ખોફ લાગવાનું બંધ થઈ જાય. ક્લાઇમેક્સ આવતાં સુધીમાં તો એના ઉદ્દેશમાં પણ ખાસ કશો ભલીવાર નથી એ પરખાઈ આવે. એમાંય રાઇટર-ડિરેક્ટર રોહિતે સ્ટોરીમાં એવાં સગવડિયાં લાકડે-માંકડાં વળગાડ્યાં છે કે ફિલ્મ બાળ-થ્રિલર લાગવા માંડે. આમેય ફિલ્મનું ઑડિયન્સ ટીનેજર-યંગસ્ટર્સ જ છે. એટલેસ્તો ફિલ્મમાં વનલાઇનર્સ પણ એવા જ રખાયાં છે, અને ચકાચક ગાડીઓ, બાઇક, હૅલિકૉપ્ટર, લક્ઝરી બૉટ, ફોર્મ્યૂલા વન રૅસિંગ સર્કિટ વગેરેનો ઉદારતાથી છંટકાવ કરાયો છે.

ક્યુટ જૅકલિનના ભાગે ટૂંકાં કે ફાટેલાં કપડાં પહેરીને ફરવા સિવાય ખાસ કશું આવ્યું નથી. એ જ રીતે ‘અઝહર’ જેવી ક્રિકેટિંગ ફિલ્મનો અનુભવ ધરાવતી હોવાને નાતે નરગિસ ફખરીને પણ બિકિનીની મૉડલની જેમ લીધી છે. જાણે ‘ધવન ટ્રાવેલ્સ’ની ‘ચોક્કસ ઊપડે છે’ પ્રકારની બસ કરી હોય એમ અહીં જથ્થાબંધ લોકોનાં ગેસ્ટ અપિયરન્સ છે. અંબોડાવાળો અક્ષય કુમાર, ઝીરો ફિગરવાળી પરિણીતી ચોપરા, મોટી ઝુલ્ફોવાળા વિજય રાઝ, માત્ર સાઉન્ડવાળા સતીષ કૌશિક, ક્રિકેટવાળા મોહિન્દર અમરનાથ, આકાશ ચોપરા, રમીઝ રાજા વગેરે. સંગીતકાર પ્રીતમે માત્ર એક જ ગીતમાં મહેનત કરી છે. જ્યારે બાકીનાં ગીતો માત્ર સ્ટાઇલ મારવા અને કૂલ દેખાવા સિવાય ખાસ કશા ખપનાં નથી. ફિલ્મમાં અમુક ઠેકાણે બેકગ્રાઉન્ડ મ્યુઝિક તરીકે ‘ABBA’ના વિખ્યાત ગીત ‘મામા મિયા’ના (જેના પરથી આપણે ત્યાં તેરે લિયે, ઝમાના તેરે લિયે’ ગીત બનેલું) સ્ટાર્ટિંગની ટ્યૂનનો ઉપયોગ કરાયો છે.

સોચો મત, બસ દેખતે જાઓ
આ બડ્ડી કૉપ મુવીમાં નવું કહી શકાય તેવું એક ગ્રામ મટિરિયલ પણ નથી. તેમ છતાં આ ફિલ્મ લગભગ ક્યાંય બોર કરતી નથી. ઇન ફૅક્ટ, ‘ધૂમ’ જેવી સિરીઝ બનાવી શકાય એવો મસાલો પણ આમાં છે. બસ, માત્ર રાઇટિંગમાં મહેનત કરવાની જરૂર છે. આ ‘ઢિશૂમ’ને કોઇપણ જાતની અપેક્ષા વિના માત્ર ફાસ્ટફૂડિયા મનોરંજનાર્થે એકાદ વખત જોઈ શકાય.

રેટિંગઃ **1/2 (અઢી સ્ટાર)

(Published in Gujarati Mid Day)

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s