My Favorite Rain Songs

Note: અમદાવાદમાં આ સિઝનના વરસાદનો પહેલો છાંટો પડ્યો ત્યારથી લખાવાનું શરૂ થયેલું આ સ્ટેટસ દરેક ગીતની સાથે લંબાતું જ ચાલ્યું (કેમ કે વચ્ચે ગીતની સાથે જોડાયેલી ‘ચલતી કા નામ ગાડી’ જેવી આખી ફિલ્મ આવી ગઈ અને ઇન્ડિ પોપનો આખો યુગ રિવાઇન્ડ થઈ ગયો!) હવે ફાઇનલી પૂરું થયેલું આ સ્ટેટસ વરસાદની હેલીની જેમ ૨૫૩૦ શબ્દ લાંબું છે. એટલે ઉતાવળે નીકળી જવાને બદલે નિરાંતે બાલ્કનીમાં બેસી, હાથમાં તમને જે માફક આવતું હોય તે પ્રવાહીના કપ-ગ્લાસ સાથે ઇત્મિનાનથી વાંચશો તો વધુ લુત્ફ આવશે. એકેએક ગીતને પણ સાથોસાથ પ્લે કરતા જશો તો ક્યા કહેને!
***
ફાઇનલી ગ્રેટેસ્ટ મ્યુઝિશિયન ઑફ ધીસ વર્લ્ડે બારિશનો ઑર્કેસ્ટ્રા શરૂ કરી દીધો છે (અને થેન્કફુલ્લી ઍસીનાં ડબલાંની ઘરઘરાટી શાંત થઈ છે!). છેલ્લા ત્રણેક દિવસ થી નોનસ્ટોપ જાતભાતની રિધમમાં વરસાદના અનોખા સાઉન્ડ સંભળાઈ રહ્યા છેઃ લોકોની અવિરત તાળીઓ જેવાં માટી પર-કોંક્રિટની જમીન પર પડતાં ટીપાં, ઍસીનાં ડબલાં પરથી બાઉન્સ થતો ડીપ બૅઝ સાઉન્ડ, અગાશીમાંથી વછૂટતાં ધધૂડાનો કૅસ્કૅડ સાઉન્ડ, ભરાયેલાં પાણીમાં નાનાં બચ્ચાંનાં છબછબિયાં, પતરાંનાં છાપરાં પર થતો ટૅપ ડૅન્સ જેવો પાણીનો મારો, સાવરણાથી ધકેલાતાં પાણીનો પંચમદાની કમ્પોઝિશન જેવો સાઉન્ડ… ગમે તેવો બોરિંગ માણસ પણ અમથો અમથો રોમેન્ટિક થઈ જાય.
આપણેય તે દર વખતે વિચારીએ કે આ ફેરે પહેલો વરસાદ આવે ત્યારે કાં તો ‘ટુ હેલ વિથ ધ વર્લ્ડ’ કરીને પલળવા નીકળી પડવું છે (અને જોઇએ, પહેલાં કોણ થાકે છે, આપણે કે વરસાદ?), કે પછી ગરમાગરમ આદુ-ફુદીનાવાળી ચા (અથવા તો ચિલ્લ્ડ બીયર, વોડકા વ્હોટેવર) સાથે બાલ્કનીમાં ચિયર્સ કરીએ… ઇન શૉર્ટ, પહેલા વરસાદનો કસ કાઢી લઇએ. પણ વરસાદ એક નંબરનો સૅડિસ્ટ જ નીકળે. એવો ટાઇમ શોધીને જ ત્રાટકશે જ્યારે આપણે ઘાણીના બળદની જેમ નોકરો કૂટવામાં પડ્યા હોઇએ. ઉપરથી આપણે ‘એકલા’ હોઇએ. અને ‘હૉટ કપ્પો’ કે ‘પૅગ’ તો જવા દો, બાલ્કનીમાંથી જે વધ્યું ઘટ્યું આકાશ દેખાતું હોય, ત્યાંય ઉપરવાળાં આન્ટીનો અગરબત્તીનાં કાણાંવાળો સાડલો લટકીને વ્યૂ બ્લૉક કરતો હોય (ને પરવારી ગયેલાં આન્ટીના ઘરે તાળું હોય!). રોમેન્ટિક વાતાવરણમાં ઊભી થયેલી આવી હાડોહાડ અનરોમેન્ટિક સિચ્યુએશનમાં ગણીને બે જ વિકલ્પો બાકી રહે. એક, ‘ચાંદની’ના વિનોદ ખન્નાની જેમ સૅડ સોંગ ગાઇને જીવ બાળ્યા કરો. અથવા તો બે, એવરગ્રીન રેઇન સોંગ્સની સાથે પહેલા વરસાદનાં જે કંઈ થોડાં ટીપાં આપણા ભાગે આવ્યાં છે તેને ઝીલી લઇને ઑગમેન્ટેડ રિયાલિટીવાળા ફૅન્ટેસી લૅન્ડમાં ખોવાઈ જાઓ. અત્યારે મજબુરિયોં કે હાલાત ભલે હોય, પણ આપણે વિનોદ ખન્ના નથી. સો, વિકલ્પ નંબર ટુ.
***
અત્યારે મારો હાથ બાલ્કનીની બહાર લંબાવેલો છે, વરસાદનાં ટીપાં હાથ પલાળીને મને બહાર ખેંચી જવાનો નિરર્થક પ્રયાસ કરી રહ્યાં છે, પણ એના મૅગ્નેટિઝમને નલીફાય કરવા માટે મેં કાનમાં ઇઅરપ્લગ્સ ખોંસી રાખ્યા છે અને લૂપમાં ‘મારાં ફેવરિટ’ 15 રેઇન સોંગ્સ ચાલે છે. બ્યુટિફુલ્લી કમ્પોઝ્ડ, અમેઝિંગલી પિક્ચરાઇઝ્ડ અને ડીપલી ફૅલ્ટ એવરગ્રીન સોંગ્સ…
– રિમઝિમ ગિરે સાવન (‘મંઝિલ’): વર્ષો સુધી દરજીની દુકાન, હેરકટિંગ સલૂન, રિક્ષા-ટેક્સીઓમાં સાંભળ્યાં પછી જ્યારે પહેલીવાર આ ગીત(ના લતાવાળા વર્ઝન)નું પિક્ચરાઇઝેશન જોયું ત્યારે હું ખરેખર હિપ્નોટાઇઝ થઈ ગયેલો. એક તો સ્ક્રીનને અડીએ તોય હાથ ભીના થઈ જાય એવું ઑથેન્ટિક વરસાદી વાતાવરણ. મુંબઈનાં મરીન ડ્રાઇવ, રાજાબાઈ ટાવર જેવાં ટિપિકલ લૉકેશન્સ પરથી હાથમાં હાથ નાખીને જતાં અમિતાભ-મૌસમી ચૅટર્જી. હમણાં જ્યારે ફરી પાછું આ ગીત જોયું ત્યારે માર્ક કર્યું કે આખા ગીતમાં એક પણ વખત, રિપીટ, એક પણ વખત અમિતાભ મૌસમીનો હાથ છોડતા નથી કે એને પોતાનાથી અળગી થવા દેતા નથી (આદર્શ સ્થિતિ!). બચ્ચનનો લુક જુઓઃ થ્રી પીસ સૂટ, ટાઈ, બૂટ. છતાં લૅધર શૂઝથી પાણીની છોળો ઉડાડે છે. ગીતમાં કોઈ ફૅન્સી કોરિયોગ્રાફી નથી. બસ, વરસતા વરસાદમાં હાથમાં હાથ નાખીને ચાલવાનો આનંદ. દરિયાનાં ઊછળતાં મોજાં સિમ્બોલિક છે, છતાં ગીતમાંથી સૅન્સ્યુઆલિટીને બદલે નકરો રોમેન્સ જ ટપકે છે. હું, તું ને વરસાદ. ચોથી કશી વાત નહીં.
– સાવન બરસે તરસે દિલ (‘દહક’): ફિલ્મમાં તો જાણે હિન્દુ યુવાન-મુસ્લિમ યુવતીની-સ્ટારક્રોસ્ડ લવર્સની ટિપિકલ વાત છે, પણ સ્પેશ્યલ છે આ ગીત. ધોધમાર વરસાદ છે, પહેલી ડૅટ છે, પણ પહોંચવું અઘરું છે. એક તો ગીત બંને પ્રેમીઓની સ્થિતિનું વર્ણન કરતી સ્ટાઇલમાં થર્ડ પર્સનમાં લખાયેલું છે. વળી, અક્ષય ખન્ના માટે સાધના સરગમ ગાય અને સોનાલી બેન્દ્રે માટે હરિહરન! છોકરી પહેલી જ વાર ‘કોઇના માટે’ તૈયાર થઈ રહી છે (એટલે જ એ લિપસ્ટિક, આઇલાઇનર લગાડે ત્યારે ‘એ’ કિસ કરતો હોય એવી ફીલ આવે, ડ્રેસ પસંદ કરતી વખતે એને ગમશે કે નહીં એવો વિચાર આવે). આ બાજુ હીરો પણ કદાચ પહેલી વાર ફૂલો, ગિફ્ટ ખરીદે છે અને એનેય તે ‘એને’ ગમશે કે કેમ એવો વિચાર પહેલાં આવે! મળવાનો ઉમળકો એવો કે અમથાં અમથાં કાદવમાં પણ છોકરાંવ સાથે ફૂટબૉલ રમવાની ઇચ્છા થાય. કોઈ કાદવ ઉડાડે તોય ખોટું ન લાગે. અને એ મળવાનુંય કેવું? ‘પ્લેન્સ, ટ્રેઇન્સ, ઑટોમોબાઇલ્સ’ જેવું. વરસતા વરસાદમાં છત્રીનો મહાસાગર ચીરીને જવાનું. હિરોઇન સાઇકલ, ટૅક્સીમાં કે કોઇની પાસે સ્કૂટરના સાઇડકારમાં લિફ્ટ માગીને આવે, જ્યારે હીરો બસ, રિક્ષા, રૉડ રોલર, પુશ કાર્ટ, ઊંટગાડી, કોલ્ડડ્રિંક્સની ટ્રક, દૂધવાળાની સાઇકલમાં આવે. (હિન્દુ-મુસ્લિમ) હીરો-હિરોઇન ચર્ચ સામે મળે ત્યારે એકનો મૅકઅપ ધોવાઈ ગયો હોય, બીજાની હાલત પલળેલી કરન્સી નૉટ જેવી થઈ ગઈ હોય, તોય આનંદ એ જ વાતનો કે મળવાનું મુહૂર્ત સચવાઈ ગયું!
– એક લડકી ભીગી ભાગી સી (‘ચલતી કા નામ ગાડી’): દેખીતી રીતે આ ગીતમાં ક્યાંય વરસાદ નથી. વરસાદના નામે છે ભીંજાયેલી મધુબાલા અને ગીતના શબ્દો. જેને જોતાં જોતાં જ જિંદગી કાઢી નાખવાનું મન થાય એવી મધુબાલા (યાર, એની લટો કપાળ પર આવે છે એ સીનમાં તો…!) અને એનો મૂડ પલ ભર મેં ઠીક કરી દે તેવો સળીબાજ, મસ્તીખોર કિશોર કુમાર. કિશોર કુમારનું પર્ફેક્ટ ટાઇમિંગ અને હળવાશથી જ આ ગીત સ્ટૉકિંગ સોંગ (Stalking Song) બનતાં બચી ગયું છે.
– I am singin’ in the rain (‘Singin’ in the rain’): ‘મંઝિલ’ના અમિતાભ-મૌસમીની જેમ હૉલીવુડની આ આઇકનિક મ્યુઝિકલ ફિલ્મમાં જીન કૅલી-ડૅબી રેનોલ્ડ્સ પણ તાજાં જ પ્રેમમાં પડ્યાં છે. (ફિલ્મમાં સુપરસ્ટાર) જીન કૅલી પણ (એ બચ્ચનની જેમ જ) સૂટ-બૂટમાં છે, તોય ગાડી ઘરે મોકલી દઇને, છત્રી ફગાવી દઇને (સ્ટુડિયોના વરસાદમાં) નિરાંતે પલળે છે. ટૅપ ડૅન્સ કરે છે અને છડેચોક એલાન કરે છે કે, ‘આઇ એમ હેપ્પી અગેઇન!’ પ્યોર ઇનોસન્સ, લાંબા ટૅક્સ અને સુપર્બ પર્ફોર્મન્સ.
– રૂપ તેરા મસ્તાના (‘આરાધના’), ભીગી ભીગી રાતોં મેં (‘અજનબી’), અબ કે સાવન મેં જી ડરે (‘જૈસે કો તૈસા’): પહેલો વરસાદ નિરાંતે વરસી જાય, પગથી માથા સુધી પલળવાનો વિધિ પણ પતી જાય, પછી? ભજિયાં-દાળવડાં-ચા-વ્હિસ્કી? ના, ઘણા લોકો એમાં ટાઇમ બગાડતા નથી. ઉનાળાના ક્લાઇમૅક્સ જેવા ચોમાસાનો ક્લાઇમેક્સ એટલે કૂલ વાતાવરણમાં હૉટ સૅક્સ. લેકિન અત્યારે પણ જો પહેલાજ સર બધું સૅન્સર કરી નાખતા હોય, ત્યારે આજથી ત્રીસ-ચાલીસ વર્ષ પહેલાંના સમયમાં તો આખો જમાનો જ પહલાજ નિહલાણી હતો (આમ તો અત્યારે પણ એવું જ છે)! પણ તો પછી કહેવું કઈ રીતે કે આઈ એમ ઇન અ મૂડ ફોર સૅક્સ? ઍન્ટર આનંદ બક્ષી અને S.D.-R.D. બર્મન. એક તો આખું ગીત ફોરપ્લેમાં જ પતી જાય. ગીતના અંતે જ્યારે કેમેરા આગના તાપણા પર, વરસતા વરસાદ પર ફોકસ થાય ત્યારે આપણે આપણું ઇમેજિનેશન ચલાવી લેવાનું કે આગળ કયો ‘ક્લાઇમૅક્સ’ આવ્યો હશે!
સૅક્સની એક જ ક્રિયા માટે ગ્રેટ આનંદ બક્ષી કેવા જબરદસ્ત સિમ્બોલિક શબ્દ પ્રયોગો લઈ આવ્યા એ જુઓઃ ‘ભૂલ કોઈ હમસે ના હો જાયે’, ‘મન મેં લગે આગ સી’, ‘ઐસા લગતા હૈ તુ બનકે બાદલ મેરે બદન કો ભીગો કે મુઝે છેડ રહે હો’, ‘ઐસા લગતા હૈ કુછ હો જાયેગા…’ તમને તરત જ સમજાઈ જાય કે કઈ ‘ભૂલ’, કઈ ‘આગ’, કેવી રીતે ‘ભીગોવવા’ની વાત ચાલી રહી છે અને ક્યા ‘હો જાયેગા!’ ‘’અનઇન્ટરપ્ટેડ લવ મૅકિંગની જેમ ‘રૂપ તેરા મસ્તાના’ સિંગલ ટૅક ગીત છે. મલતબ કે એમાં ક્યાંય એક પણ કટ વાગ્યો નથી. વહેતા પાણીની જેમ કેમેરા પણ સતત ફરતો રહે છે. એટલે જ રાજેશ ખન્ના-શર્મિલા ટાગોર પ્રત્યે માન વધી જાય. કેમેરાની સામે કપડાં ઉતારવાં તો છોડો, ઑન સ્ક્રીન કિસિંગની પણ પહેલાંના એ સમયમાં માત્ર કેઝ્યુઅલ હગ-ટચથી જ કામ ચલાવવાનું. પણ એનાથીયે આગળ આ બંનેએ જે રીતે સૅન્સ્યુઅસ નજરોથી કામ લીધું છે, એની સામે ત્રણ દિવસમાં ૧૦૦ કરોડના કલેક્શનવાળા હીરા પણ દંડ પીલે! ઉપરથી કિશોરદાએ જે વ્હિસ્પરિંગ અવાજ સાથે આ ગીત ગાયું છે, શુભાનઅલ્લાહ!
ઝીનત અમાન જેવી સૅક્સ અપીલ ભાગ્યે જ કોઈ અભિનેત્રીમાં હશે. ‘ભીગી ભીગી રાતોં મેં’ ગીતમાં એ નાઇટીમાં છે, પણ પૂરેપૂરી ઢંકાયેલી છે. છતાં એની કામુકતામાં એક ગ્રામ પણ ઘટાડો થતો નથી. આમેય શૃંગારરસ અને સૉફ્ટપૉર્નમાં પાંપણના વાળ જેટલો બારીક ફરક હોય છે. RDએ કમ્પોઝ કરેલું આ ગીત તો એટલું ઍડ્વાન્સ્ડ હતું કે આજે પણ એની મ્યુઝિકલ ઍરેન્જમેન્ટ જૂની લાગતી નથી. તેમ છતાં એનું તો ઑરિજિનલ ગીતની ડિગ્નિટીને હર્ટ કર્યા વિના કરાયેલું લેઝલી લુઇસવાળું રિમિક્સ પણ માઇન્ડબ્લોઇંગ હતું. એમાંય તે એના મ્યુઝિક વીડિયોમાં મૉડલ અનુપમા વર્માને જુઓ એટલે ખબર પડશે કે આપણે ઇન્ડિ પોપની સાથે કેટલું બધું ગુમાવ્યું છે!
(‘ભીગી ભીગી રાતોં મેં’ની લિંકઃ https://www.youtube.com/watch?v=msiA4H3GzDw)
(રિમિક્સ વર્ઝનઃ https://www.youtube.com/watch?v=dbVE5st4c34)
ફીમેલ પોઇન્ટ ઑફ વ્યૂથી જોઇએ તો ‘અબ કે સાવન મેં જી ડરે’ ખાસ્સું બોલ્ડ સોંગ છે. રીના રૉયનાં એક્સપ્રેશન્સ અને એકદમ વોકલ બૉડી મુવમેન્ટ્સ જોશો એટલે એ વાત સમજાઈ જશે. મારા મતે ઑનસ્ક્રીન આ ગીત રીના રૉયનું જ છે, જીતેન્દ્ર ડબ્બુ જ લાગે છે. આ ત્રણેય સોંગ્સમાં (સ્ટુડિયો) રેઇન કરતાં એને લીધે અંદર મચેલા ફીલિંગ્સના ખળભળાટની વાત છે, એટલે જ દિલના માહોલ પર ફોકસ છે.
(‘અબ કે સાવન મેં જી ડરે’ની લિંકઃ https://www.youtube.com/watch?v=pc-r5PtqPz0)
– Raindrops keep fallin’ on my head (‘બુચ કૅસિડી એન્ડ સનડાન્સ કિડ’): ફિલ્મમાં આ ગીતમાં વરસાદનું એક ટીપુંય નથી. બલકે ગોગલ્સ પહેરીને જોવાનું મન એવો તડકો છે. પિક્ચરાઇઝેશનમાં તો અમેઝિંગ પૉલ ન્યુમૅન ગોર્જિયસ કૅથરિન રોસને ઇમ્પ્રેસ કરવા માટે બ્રેક વગરની સાઇકલ પર અવનવા ખેલ કરે છે. મને ગમતાં રેઇન સોંગ્સના લિસ્ટમાં આ ગીત હોવાનું કારણ છે એના શબ્દો. બી. જે. થોમસના ઘેઘૂર અવાજમાં આ ગીત એના અનપ્લગ્ડ વર્ઝનમાં કે લાઇવ પર્ફોર્મન્સમાં સાંભળો એટલે તમારા ડાન્સિંગ પાર્ટનરને બોલાવવા માટે હાથ લંબાઈ જશે. (ગીતની લિંક (મુવી) https://www.youtube.com/watch?v=zKDfOQCo5tM)
(બી. જે. થોમસ લાઇવઃ https://www.youtube.com/watch?v=t30cX6OGO0U)
આવું જ બીજું એક મસ્ત ગિટાર સોંગ છે, ‘Listen to the pouring rain.’ સંદર્ભ બેસાડવા માટે કહી શકાય કે આપણા મહાન ફનકાર જનાબ અનુ મલિક સાહેબે આ ગીત પરથી ‘સર’ ફિલ્મ માટે ‘સૂન સૂન સૂન બરસાત કી ધૂન’ ગીત બનાવેલું. હોઝે ફેલિસિઆનોના ઑરિજિનલ ગીતના શબ્દો કોઇપણ સીઝનમાં રોમેન્ટિક બનાવી દેવા માટે પૂરતા છે. પહેલી બે કડીઃ
Listen to the pouring rain
Listen to it pour,
And with every drop of rain
You know I love you more
Let it rain all night long,
Let my love for you go strong,
As long as we’re together
Who cares about the weather?
(ગીતની લિંકઃ https://www.youtube.com/watch?v=l145cg01O4k)
– તાલ સે તાલ મિલા, નહીં સામને તૂ (‘તાલ’): ૧૯૯૯માં આ મુવી રિલીઝ થયું ત્યારે એનું ટીઝર જોઇને જ પૉકેટ મનીમાંથી બચાવેલા પૈસાથી તેની ઑરિજિનલ કૅસેટ ખરીદી લીધેલી. પણ થોડા જ સમયમાં ઘરમાંથી ભેદી રીતે એ કૅસેટ ગાયબ થઈ ગઈ. પછી જેટલી વાર ટીવી પર ‘તાલ’નાં સોંગ્સ આવે એટલી વાર ગુસ્સો આવે. એક દિવસ પાની સર સે ઉપર ચલા ગયા અને પૉકેટ મનીમાં 55 રૂપિયાનું ભવ્ય ભંગાણ પાડીને ફરી પાછી નવી કૅસેટ ખરીદી (અલબત્ત, નવી ઍડિશનની જમ્પ કરતી ઐશ્વર્યાની ઇમેજ મને નહોતી ગમી!). ફિલ્મ તો ઠીક છે, પણ રહેમાને જે દિલથી એનાં ગીતો કમ્પોઝ કર્યાં છે! વરસાદી હિમાચલમાં મોરની જેમ ડાન્સ કરતી ઐશ્વર્યાવાળું બ્યુટિફુલ્લી કોરિયોગ્રાફ્ડ ‘તાલ સે તાલ મિલા’ વર્ઝન વર્ષો સુધી યુથ ફેસ્ટિવલોમાં છવાયેલું રહેલું. આ ફિલ્મ જેટલી સુંદર ઐશ્વર્યા બીજી એકેય ફિલ્મમાં લાગી નથી, ટચવૂડ!
વરસાદમાં કંઈ મકાન, વૃક્ષો ધોવાઈને ચોખ્ખાં જ થઈ જાય એટલેથી અટકતું નથી. જૂના જખમો પણ ધોવાઇને ફરી પાછા તાજા થઈ જાય છે. કાર, બાઇક, બાટલી, બુક્સ બધું જ હોય, પણ પાછળની-બાજુની સીટ, સામેની ખુરશી, બીજો ગ્લાસ ખાલી હોય એના જેવી ટ્રેજિક-ફ્ર્સ્ટ્રેટિંગ સિચ્યુએશન બીજી એકેય નથી. અગેઇન, કાં તો ‘ચાંદની’ના વેવલા વિનોદ ખન્ના બની જાઓ અથવા તો ‘તાલ’ના ‘મૉડર્ન’ માનવની જેમ વરસાદી શહેરમાં નીકળી પડો. અંદરથી ભલે હાઉસિંગ બૉર્ડના મકાન જવી કે ભૂવો પડેલા રસ્તા જેવી હાલત હોય, પણ એવું કહીને જ મન મનાવવાનું કે, ‘નહીં સામને યે અલગ બાત હૈ, મેરે પાસ હૈ તૂ મેરે સાથ હૈ’…‘બિછડકે ભી મુઝસે જુદા તો નહીં, ખફા હૈ મગર બેવફા તો નહીં’… અને તમે આનંદ બક્ષીની રૅન્જ જુઓ, સાહેબ!
(ગીતની લિંકઃ https://www.youtube.com/watch?v=-8tojQ18w08)
– કોઈ લડકી હૈ (‘દિલ તો પાગલ હૈ’): આ પણ તાલની જેમ જ આખું રિચ આલ્બમ હતું! અને અગેઇન, ધ ગ્રેટ આનંદ બક્ષી! પર્ફેક્ટ રેઇન ડાન્સ સોંગના શબ્દો પણ કેટલા સિમ્પલ છેઃ ‘એક છોકરી, હસે તો વરસાદ વરસે; એક છોકરો, ગાય તો ચોમાસું જામે!’ બક્ષી ખરેખર કોમન મૅનના પોએટ હતા. આ ગીતની મજા એ છે કે એક તો એમાં ઑરિજિનલ લવર બૉય શાહરુખ એની પૂરી ઍનર્જીથી નાચ્યો છે. માધુરી ને કરિશ્મા બેય ક્યાંકથી આંજણ માગીને ટપકું કરવાની ઇચ્છા થઈ આવે એવાં સુંદર દેખાય છે. ફિલ્મની સ્ટોરીથી વાકેફ ન હોઇએ તોય ગીતના અંતે એટલું તો સમજાય કે છોકરા-છોકરી (શાહરુખ-માધુરી)ને પહેલીવાર રિયલાઇઝ થયું છે કે બંનેને ક્યુપિડનું તીર બરાબર વાગી ચૂક્યું છે!
(ગીતની લિંકઃ https://www.youtube.com/watch?v=gipFt4QNRh4)
– ભાગે રે મન કહીં (‘ચમેલી’): મનીષ મલ્હોત્રાની ડિઝાઇન કરેલી ભડક સાડી, ગૉડી મૅકઅપમાં રહેલી ‘ચમેલી’ની કરીનાના આ ગીતમાં ‘જબ વી મૅટ’ની ગીતના ચમકારા ચોખ્ખા દેખાય છે. એ આમ તો ‘પ્લુવિઓફાઇલ’ (Pluviophile-વરસાદઘેલી) તો છે જ, પણ આજે જરા વિશેષ ખુશ છે. એક પ્રોસ્ટિટ્યુટ તરીકે પુરુષને કાયમ એના શરીરમાં જ રસ પડ્યો છે. પરંતુ આજે કદાચ પહેલીવાર કોઈ (રાહુલ બોઝ) એઝ અ પર્સન, એઝ અ બબલી ગર્લ, એઝ અ વુમન એને અટેન્શન આપી રહ્યું છે. ઇવન એનો સ્કૅચ પણ બનાવી રહ્યું છે. એટલે જ દબાયેલી બધી ઇચ્છાઓ સ્પ્રિંગની જેમ ઊછળી છે. ‘ગજગામિની’ કરીના આ ગીતમાં હેવનલી બ્યુટિફુલ લાગે છે. એમાંય સંદેશ શાંડિલ્યનું મ્યુઝિક, ઇર્શાદ કામિલના શબ્દો અને સુનિધિ ચૌહાણનો મસ્ત માદક અવાજ. આ કોમ્બિનેશન ખરેખર અફલાતૂન બન્યું છે. એમાંય ઇલેક્ટ્રોનિક બૅઝ ગિટાર અને વાંસળીના ઉપયોગથી આખી ફીલ અલગ જ લૅવલ પર જતી રહી છે. હા, ગીતની શરૂઆતમાં કરીના કારની બહાર નીકળે છે ત્યારે જે રીતે કેમેરા પણ એની સાથે અંગડાઈ લે છે એ ખાસ માર્ક કરજો! (https://www.youtube.com/watch?v=dCosqNGw2ck)
– અબ કે સાવન (‘અબ કે સાવન’, શુભા મુદગલ): આમ તો શુભા મુદગલનો અવાજ જ એવો દમદાર છે કે એ બહાર ખુલ્લામાં ગાવાનું શરૂ કરે તો એમના અવાજથી જ ધ્રુજીને વાદળ વરસી જાય. ઇન્ડિપોપના સુવર્ણ યુગમાં આવેલા આ સુપરફાસ્ટ રેઇન ડાન્સ સોંગમાં પણ કેવાં કેવાં નામ એકસાથે આવ્યાં છેઃ શુભા મુદગલ, શાંતનુ મોઇત્રા, પ્રસૂન જોશી, ડિરેક્ટર પ્રદીપ સરકાર, કોરિયોગ્રાફર-એક્ટર હોવાર્ડ રોઝમૅયર (ગીતમાં જે કીબોર્ડ વગાડે છે એ) અને (મરઘીની બાંગથી ઊઠે છે અને છેલ્લે ફરી પાછા પકડે છે એ) એક્ટર ગજરાજ રાવ. વરસાદની પહેલાં, દરમ્યાન અને પછીના વાતાવરણના મસ્ત ડિટેલિંગ સાથેના આ ગીતના વીડિયોમાં પાછી નાની નાની કેટલી બધી શૉર્ટ સ્ટોરીઝ પણ છે. આ ગીત વગર મારું તો ચોમાસું અધૂરું જ રહે છે.
– લેજા લેજા રે (‘ઉસ્તાદ એન્ડ ધ દિવાસ’): આજે તો કલ્પના પણ નથી આવતી કે હજુ માંડ એક દાયકા પહેલાં જ આવું અફલાતૂન આલ્બમ આવેલું? અને ઓ. હેનરીની કોઈ વાર્તા વાંચતા હોઇએ એવો એનો નવેસરથી પ્રેમમાં પડવાનું મન થાય એવો વીડિયો! ઇન્ડિ પોપના યુગમાં જેવા મ્યુઝિક વીડિયો બનતા એવી તો અત્યારે ફિલ્મો પણ નથી બનતી. આ ‘લેજા લેજા’ સોંગના વીડિયોમાં કોઈ ક્લબ કે ડાન્સ બારમાં નાચતી યુવતી લાઇફથી ફ્રસ્ટ્રેટ થઇને બસ સ્ટૉપની ઍડમાં બાંકડા પર બેઠેલી યુવતીના પોસ્ટર પર સ્કૅચપેનથી ઈશ્વરે આપેલી મુશ્કેલીઓની સામે ફરિયાદોનો વરસાદ વરસાવે છે. એ જોઇને એ સ્ટૉપની પાછળની બિલ્ડિંગમાં કામ કરતો યુવક એ મુશ્કેલીઓના વરસાદમાં પોતાના ઑપ્ટિમિઝમ અને સપોર્ટની છત્રી ધરે. તો યુવતી એ ચિત્રમાં દુનિયા બસની જેમ આવીને પાણી ઉડાડતી હોય એવો ઉમેરો કરે. તો છોકરો બસ અને યુવતીની વચ્ચે આવી જઇને ‘હું છું ને’ ટાઇપની ધરપત આપે! જસ્ટ બ્યુટિફુલ! ડિરેક્ટર બેલડી રાધિકા રાવ અને વિનય સપ્રુએ ડિરેક્ટ કરેલાં આવા વીડિયોઝની પણ એક અલગ સ્ટોરી છે. આ ગીતમાં પણ ઇર્શાદ કામિલ, સંદેશ શાંડિલ્ય, શ્રેયા ઘોષાલ, ઉસ્તાદ સુલતાન ખાન જેવાં નામો (આખા આલબમની વાત તો પછી આવે)!
– ગારવા (મિલિંદ ઇંગળે): રાજશ્રી પ્રોડક્શન્સનું, (‘હમ તુમ’વાળા) કુણાલ કોહલીએ ડિરેક્ટ કરેલું અને (‘દુનિયા દિલવાલોં કી’વાળા) અબ્બાસ, (‘મોહબ્બતેં’વાળી) પ્રીતિ જ્હાંગિયાની, (‘નાચે મયૂરી’વાળી) સુધા ચંદ્રન અને આપણા (‘ખીચડી’, ‘સારાભાઈ’, ‘દરિયા છોરુ’વાળા) જે.ડી. મજિઠિયા જેવી ધરખમ સ્ટારકાસ્ટ ધરાવતું સુપરહીટ ‘યે હે પ્રેમ’ આલ્બમ યાદ છેને? જેમાં પેલું ‘છુઈમુઈ સી તુમ લગતી હો’ ગીત હતું! (એ ગીતમાં પ્રીતિને જોઇને મારા જેવા કેટલાયને રાતોરાત એના પર હ્યુજ ક્રશ થઈ ગયો હશે!)
સુપર ડુપર સફળ આલ્બમનું ઑરિજિનલ મરાઠી વર્ઝન પણ છે, ‘ગારવા.’ મરાઠીમાં ‘ગારવા’ એટલે વરસાદ પછીની સૂધિંગ ઠંડક. ગાયક અને સંગીતકાર છે ખુદ મિલિંદ ઇંગળે. આ આખું જ આલ્બમ નખશિખ પોએટ્રી છે. વરસાદનો, વર્ષાઋતુના ઉત્સવનું સેલિબ્રેશન છે. ગીતોના શબ્દો અને બે ગીતની વચ્ચે આવતી કવિ કિશોર કદમની કોમેન્ટ્રી બેય એવાં શાસ્ત્રીય છે કે જાણે ‘મેઘદૂત’નું આધુનિક વર્ઝન વંચાતું હોય એવું લાગે! ‘યે હૈ પ્રેમ’ આલ્બમનાં બે ગીત પણ અહીં છે. ‘છુઈમુઈ સી તુમ લગતી હો’ અહીં ‘ઝાડાખાલી બસલેલે’ [(વરસાદમાં) વૃક્ષ નીચે બેસવું] તરીકે છે અને ‘ઓ પ્રિયા’ એ ટાઇટલ સોંગ ‘ગારવા’ તરીકે છે. આમ તો મરાઠી સિમ્પલ ભાષા છે એટલે ઘણું ખરું સમજાઈ જાય છે, છતાં કોઈ મરાઠી ભાષાના જાણકાર મળી જાય અને આખા આલ્બમનું ટ્રાન્સલેશન કરી આપે તો કાચા સોનામાં માટીની ખુશબુ ભળે! એવું ન થાય તોય મિલિંદ ઇંગળેનો અવાજ અને બધી જ કમ્પોઝિશન એવી સૂધિંગ છે કે લોંગ ડ્રાઇવમાં બૅકગ્રાઉન્ડમાં વાગતી હશે તો આપોઆપ માહોલ રોમેન્ટિક થઈ જશે!
(ગારવા સોંગઃ https://www.youtube.com/watch?v=fZ5Z1pn3HTs)
(આખું ગારવા આલ્બમ, કોમેન્ટ્રી સાથે બધાં જ ગીતોઃ https://www.youtube.com/watch?v=Fa2zvUTn9lU)
***
હૅપ્પી મોન્સૂન! ઍન્જોય મોન્સૂન!
© Jayesh Adhyaru, Please share with due credits only.
Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s