abh01291-621x414ક્યારેક મને આશ્ચર્ય થાય કે ફેસબુક પર કાયમ બધા હૅપ્પી હૅપ્પી જ કેમ રહેતા હશે? જાણે બધા ‘ઉડતા પંજાબ’થી લાવેલા કોઈ ડ્રગ્સમાં હાઈ હોય એ રીતે ‘ફીલિંગ હૅપ્પી’, ‘એક્સાઇટેડ’, ‘ઑસ્સમ’, ‘કૂલ’, ‘વન્ડરફુલ’, ‘ગ્રેટ’ એવું જ પોસ્ટ કરતા હોય. એટલે ક્યારેક સવાલ થાય કે આ લોકોને ખરેખર ક્યારેય ગુસ્સો નહીં આવતો હોય? જોકે સાવ એવુંય નથી. લોકોને ગુસ્સો તો આવે, પણ ઢાકા, ઓર્લેન્ડો, દાદરી, મુઝફ્ફરપુર, પૅરિસ, FTII વગેરે મોટી ઘટનાઓ પર આવે. પણ ડેઇલી લાઇફમાં તો આપણી સાથે જોડાયેલી બાબતોને લીધે જ ગુસ્સો આવતો હોય ને? ઑફિસે જવાનું મોડું થતું હોય ને કોઇક આપણા વાહનની હવા કાઢી ગયું હોય અથવા તો મ્યુનિસિપાલિટી કૃપાથી ટાયરમાં પંક્ચર પડે, મહેમાનો આવ્યા હોય ત્યારે જ કામવાળા ખાડો પાડે કે સોસાયટીની પાણીની મૉટર બગડે, બહાર જતી વખતે ઘરનો દરવાજો બંધ કરો એ જ સૅકન્ડે યાદ આવે કે લૅચની ચાવી તો ઘરમાં જ રહી ગઈ, ટાણે જ રેલવેનું ફાટક બંધ થાય અને ઑફિસે અંકે સવા ચાર મિનિટ મોડા પહોંચો એમાંય હિટલરની સરોગેટ ઓલાદો જેવા લોકો તમારો હાફ ડૅ ગણી લે, નવાં કપડાં ધોવાનું માંડ મુહૂર્ત નીકળ્યું હોય અને સૂકવ્યાં હોય, બરાબર એ જ વખતે તમારી ઉપરના ફ્લૅટવાળાઓને બાલ્કની ધોવાનું ચોઘડિયું આવે… આવું કશું કોઈ ફેસબુક પર સતત ‘ઑસ્સમ’ લાઇફ જીવતા લોકો સાથે થતું જ નહીં હોય? હું નથી માનતો. રાધર, પોસિબલ જ નથી. જો દુઃખી અને ફ્રસ્ટ્રેટેડ આત્માઓ આ જગતમાં ભટકતા ન હોત, તો ‘દર્દભરે નગ્મે’ની જથ્થાબંધ સીડીઓ ક્યાંથી વેચાતી હોત?!

જ્યારે તમારી અપેક્ષા મુજબનું ન થાય, કોઈ એ મુજબ ન વર્તે, કશા વાંક વગર તમારી વાટ લાગે અથવા તો વાટ લાગેલી હોય અને તમે એમાં કશું જ ન કરી શકો, ત્યારે ગુસ્સાનું વાદળ ફાટે. સિચ્યુએશન ગબ્બરની જેમ અટ્ટહાસ્ય કરીને કહેતી હોય, ‘અબ આયા સસુરા પહાડ કે નીચે! ચિલ્લા, ઔર ચિલ્લા!’ અને તમે ઠાકુરની જેમ બંધાયેલી હાલતમાં ‘ફડફડાવા’ સિવાય કશું જ ન કરી શકો.

હું એવા કેટલાય લોકોને ઓળખું છું, જેમને મેં લિટરલી ક્યારેય ગુસ્સે થતા જોયા જ નથી. કદાચ ગુસ્સે થયા હોય તોય ટીવી ચેનલ ફેરવવાની સ્પીડે એમના ગુસ્સાની ચેનલ ફરી પાછી ‘સબ ટીવી’માં ચેન્જ થઈ જાય. ઢગલો ડૅટા સાથેની હાર્ડડિસ્ક સાથે આખું લૅપટોપ પતી જાય કે ઇમ્પોર્ટન્ટ ડૉક્યુમેન્ટ ખોવાઈ જાય, તોય જાણે ખાતામાં પેલા પંદર લાખ જમા થઈ ગયા હોય એ રીતે વાત કરતા હોય. એવા સુખી લોકોની મને કાયમ અદેખાઈ આવે. કેમ કે હું એ કેટેગરીથી પચાસ પચાસ કોસ દૂરનો માણસ છું. કંઇક અંશે દુર્વાસા ઋષિને સેઇમ પિંચ કહેવું પડે એવો. બસ, ખાલી હોલસેલમાં શ્રાપ ન દઇએ એટલું જ (અને દઇએ તોય નક્કી જ હોય કે એની હાલત કસ્ટમર કૅરમાં કરેલા કૉલ જેવી જ થવાની છે)! એમાં પાછી મારાં મમ્મીની ફેવરિટ કહેવત યાદ આવે, ‘પ્રાણ ને પ્રકૃતિ લાકડાં હારે જ જાય!’ પત્યું?!

ઍન્ગર મેનેજમેન્ટવાળા ભલે ગમે તે ટ્રિકો બતાવે, ગુસ્સાનું ટ્રિગર દબાય એટલે માણસમાંથી ‘વૅપન ઑફ માસ ડિસ્ટ્રક્શન’ જ બની જઇએ. મારા કિસ્સામાં તો રનિંગ, વૉકિંગ, મ્યુઝિક કશું જ કામ કરતું નથી. ઊલટું જે ગીતો સાંભળીને, ફિલ્મો જોઇને ડિપ્રેશન દૂર થયું હોય એ જ ઘોંઘાટ લાગવા માંડે. અને બીજું કે, આપણે કંઈ રોબિન્સન ક્રૂસો તો છીએ નહીં, એટલે ઍન્ગ્રી બર્ડની જેમ લાલચોળ થઇને જ્યાં ને ત્યાં લોકો સાથે અથડાતા ફરીએઃ ‘મારું આ રબર પ્રિન્ટવાળું ટીશર્ટ લૉન્ડ્રીમાં શું કામ આપ્યું?’, ‘ફરી પાછું આ જ શાક? આઈ એમ ડન!’, ‘અરે યાર, આ અડધી રાત્રે કારને રિવર્સ લેવામાં આખું ગામ સાંભળે એમ સારે જહાં સે અચ્છા શું કામ વગાડે છે? એટલી જ દેશભક્તિ ઊભરાઈ પડતી હોય તો કાશ્મીર જા ને!’, ‘આ મોટે ઉપાડે થિયેટર ખોલીને બેઠા છો તો પાર્કિંગ સ્પૅસ આપવાની તમારી ફરજ નથી? ક્યાં છે તમારો મેનેજર?’, ‘આ ટુ વ્હીલર પાર્કિંગમાં કાર શું કામ પાર્ક કરવા દીધી?’, ‘મહિને હજાર રૂપિયા ઇન્ટરનેટના ઠોકી લો છો, તો કનેક્ટિવિટી આપવામાં તમારા ચોક્કસ ભાગ પર કાંટા શેના વાગે છે?’ આવી અનેક (અ)હિંસક અથડામણો થવા માંડે. એકવાર તો S.G. હાઇવે પર આગળ જતી રિક્ષામાંથી એક નમૂનાએ પાનની પિચકારી મારી અને પવનને લીધે બે કથ્થઈ છાંટા મારા આઠસો રૂપિયાના નવેનવા પર્ફેક્ટ્લી વ્હાઇટ ટીશર્ટ પર પડ્યા ને મારો દિમાગ લાલ. હું ગુજરાતી મીડિયામાં છું અને મારા પપ્પાને સાઉદીમાં એકેય તેલનો કૂવો નથી, તોય મેં પોણો કિલોમીટર સુધી એ રિક્ષાનો પીછો કર્યો અને રિક્ષા રોકાવી. એ ખેંખલી નમૂનો કાનમાં ભૂંગળાં ભરાવીને ડ્રાઇવરની બાજુમાં બેઠેલો. ના, બે ઊંધા હાથની લગાવી તો નહીં, પણ એના બેય ઇયરફોન સહિત કાન ખરી પડે એવી (માઇનસ ગાલી-ગલોચ) સંભળાવી ખરી. આઈ નૉ, એ જડભરત સુધરશે નહીં, પણ બીજીવાર ચાલુ વાહને થૂંકતાં પહેલાં એને આ બનાવ યાદ આવે તોય ઘણું.

પાછા આપણા ગુસ્સાનાય પ્રકાર હોય. અમુક ગુસ્સા સૂતળીબોમ્બની જેમ ફાટીને શાંત થઈ જાય. જ્યારે કેટલાક પેલા ‘ધીમી બળે અને વધુ લિજ્જત આપે’ની જેમ દિવસો સુધી ફાંસની પેઠે હેરાન કર્યા કરે. વીકડેય્ઝમાં તો કામની મજૂરીમાં ગુસ્સે થવાનો ટાઇમ ન મળે, પણ સન્ડે એ ગુસ્સો અને આપણે બેય નવરા હોઇએ. એટલે સ્લોમોશનમાં હીરો-હિરોઇન સામસામાં દોડીને ભેટતાં હોય એમ આપણી અનિચ્છા છતાં એ ગુસ્સો પ્રેતાત્માની જેમ વળગી પડે. એકના એક સવાલ ચામાચીડિયાની જેમ ઘુમરા માર્યા કરે, ‘હાઉ કૅન યુ બિહેવ લાઇક ધેટ? હાઉ કૅન યુ ડુ ધેટ? વ્હાઇટ આર વી સો હેલ્પલેસ? વ્હાય શુડ વી સફર બિકોઝ ઑફ અધર પીપલ્સ મિસ્ટેક્સ?’ વર્ષોના એવા લા-ઇલાજ ગુસ્સાની ‘પ્રૅક્ટિસ’ પછી એક દવા લાગુ પડી છે, અને તે છે ‘ક્રોસવર્ડ.’ ઑનલાઇન શૉપિંગના વાવાઝોડા સામે ટકી રહેલો બુક સ્ટોર.

એક બુક ખરીદવાની અને ત્રણ-ચાર કલાક સુધી જાતભાતની બુક્સ વીખતા રહેવાનું. ઘડીક ન્યુ અરાઇવલમાં ડોકિયું કાઢવાનું, તો ઘડીક સિનેમા સેક્શનમાં નવી આવેલી બુક્સ ફેંદવાની. ક્યાંક ટ્રાવેલ સેક્શનમાં ખૂંપી જઇએ તો ક્યાંક બાયોગ્રાફી, ક્રાઇમ, નોનફિક્શનમાં કલાકો નીકળી જાય. રસ પડે તો કોઇક બુક્સનાં ચૅપ્ટરો ઉલાળી નાખવાનાં. ટેબલ ન મળે તો શાંત ખૂણામાં પલાંઠી વાળીને જામી પડવાનું. બૅકગ્રાઉન્ડમાં કોઈ હળવું મ્યુઝિક વાગતું હોય અને નાનાં બચ્ચાં ‘મમ્મા, યે બુક લેની હૈ’ કરતાં દોડાદોડ કરતાં હોય. ઍસ્કેપિઝમ કહો કે ગમે તે, પણ કલાકો સુધી આ રીતે ક્રોસવર્ડમાં બુક-મૅડિટેશન કરવામાં જાણે આપણી ભંગાર દુનિયામાંથી કોઈ શાંત, સુખદ, રિલેક્સ્ડ દુનિયામાં પહોંચી ગયા હોઇએ એવી ફીલિંગ આવે. શબ્દોથી સર્જાયેલી એ વર્ચ્યુઅલ દુનિયા સાચુકલી લાગવા માંડે અને એક્ચ્યુઅલ વર્લ્ડનો ત્રાસ કરોડો પ્રકાશવર્ષ દૂર લાગવા માંડે. જ્યાં આપણને ગુસ્સે કરવા માટે કોઈ ન હોય, આપણે પણ નહીં. ચાર-પાંચ કલાકે દિમાગમાં એ ખુમાર સાથે બહાર નીકળીએ, ત્યારે પેલો ગુસ્સો તો દૂર ન થયો હોય, પણ એના પર શબ્દોનો મલમ જરૂર લાગી ગયો હોય.

ત્યાં આપણને એક કહેતાં પચાસ બુક્સ ગમે અને બધી ખરીદી લેવાનું મન થાય. પણ પછી મિડલક્લાસ આત્મા ‘એમેઝોન’માં ક્રોસચેક કરવાનું કહે અને ભાવમાં જેટલો ડિફરન્સ દેખાય એટલામાં તો બીજી નવી બુક આવી જાય. ત્યાં નજર સામે બુકનાં બૅક કવર પરની પ્રાઇસ જોયા વગર ખરીદી રહેલા પૈસાવાળાઓ દેખાય ત્યારે મનોમન પ્રાર્થના થઈ જાય કે આ લોકોનાં ખિસ્સાં ભરેલાં રાખજો અને એમની પાસે આમ જ પુસ્તકો પાછળ પૈસા ખર્ચાવતા રહેજો, જેથી આવા સ્ટોર અને અમારા જેવાઓનું ઍન્ગર મેનેજમેન્ટ ચાલતું રહે!

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s