થઈ જશે!

thai_jashe_ver5_xlg– મભમ વાતઃ ઓલમોસ્ટ દરેક મિડલક્લાસ પર્સન (ઇન્ક્લુડિંગ મી) અનુભવી ચૂક્યો હોય એવી રિલેટેબલ સિંગલ લાઇન સ્ટોરી, લીડ કાસ્ટનાં પર્ફોર્મન્સ સરસ અને સિનેમેટોગ્રાફી- ખાસ કરીને ઍરિયલ શૉટ્સ- પણ સરસ. લેકિન બૉસ, સ્ટોરી જેના પર ઊભી છે એ કારણ જરાય કન્વિન્સિંગ નથી. ઉપરથી અસહ્ય લાંબી, અત્યંત લાઉડ, મૅલોડ્રામેટિક અને હોમોફોબિક! સ્ટ્રિક્ટ્લી વન ટાઇમ વૉચ.
********
હવે પેટ છૂટી વાત (એટલે કે સ્પોઇલર વૉર્નિંગ).

– હાવ પર્સનલ વાત કરું તો હુંય ઈ પપ્પુની જેમ જૂનાગઢથી અમદાવાદ આવેલો. જૂનાગઢ એટલે ઈ જ જેતપુરથી ત્રી’-ચાલી’ કિલોમીટર આગળ. મારા બાપાને એવી કાંય ફેક્ટરિયું નહીં, પણ એમણેય એમનાં ભાયું-બેનુંને પયણાવવાના ને કામ-ધંધે લગાવવાના ખર્ચા કરેલા. એટલે ખાસ કંઈ ખજાનો ભેગો કરેલો નહીં. અમદાવાદ આઇવા પછી અમેય ભાડે મકાનું ગોતેલાં ને લુચ્ચા મકાનમાલિકોની વાયડાયું વેઠેલી. એટલે અમનેય એવું કે ભાય એકાદું ઘરનું ઘર લઈ લઇએ તો હમું પડે, ભાડાં ભરો કે હપ્તા ભરો, બધું ઈનું ઈ જ ને! ઓલો મકાનમાલિક એના બાપની પેઢી હોય એમ આપણા ઘરમાં ગરી જાય તંયે મનેય થઈ આવતું કે આને બરાબરની હોફડાવી (ચોપડાવી!) દઉં ને કહી દઉં કે હુંય ઘર લઇન બતાવી દઇશ, હમજેશ હું તું તારા મનમાં, હેં?! પણ મારાં મમ્મી-પપ્પાએ શીખવાડેલું કે, જો પછેડી હોય એટલી જ હોડ તણાય. બે નંઈ ને પાંચ વરહ પછી ઘર લઇશું, આવડા મોટા શે’રમાં ઘરુંનો ક્યાં દુકાળ પઇડો છે?! પછી તો ઘરેય લીધું, ભર તડકે બૅન્કુના ધક્કાય ખાધા, ને લોનનો આંકડો વધારવા બીપીય વધારેલું. અટાણે બધું હાયક્લાશ છે. જય દ્વારિકાધીશ!

– પણ આવી સલાહ પપ્પુના પપ્પાએ પપ્પુને કેમ ન આપી? મકાનમાલિકો તો બધા એવા જ હોય, પણ કોઈ શાંતિ આન્ટીઓને આપેલી ચેલેન્જ પૂરી કરવા આંધળુકિયાં કરીને લોહીઉકાળા થોડા કરાય? એ થોડી હપ્તા ભરવા આવવાની હતી? ન ગમતું હોય તો પૅકર્સ મુવર્સને બોલાવીને ઘર બદલી નાખો, સિમ્પલ. હવાડે પડે શાંતિ આન્ટી. મીન્સ કે અબ્બી હાલ મકાન લેવાનું શૂળ પેટ ચોળીને જ ઊભું કરેલું છે.

– પપ્પા ચંદ્રકાન્તભાઈ (મનોજ જોશી)ને એક્ઝેક્ટ્લી દીકરા સાથે પ્રોબ્લેમ શું છે? ફિલ્મમાં એમનો એક પણ એવો સીન નથી જેમાં એમણે બરાડા ન પાડ્યા હોય. એમની ફેક્ટરી દીકરાને કારણે બંધ થયેલી? ગામને પૈસાની મદદ કરાય છે, પણ દીકરાને બે સારા શબ્દો કહેવામાં પણ શેના કાંટા વાગે છે, ભાઈ?

– સાચી વાત છે, અમદાવાદ જેવા સિટીમાં પૈસાવાળાઓ અડધો ડઝન ફ્લેટો ખરીદીને બેસી ગયા છે અને દર બીજો રહેવાસી જમીન-મકાનની દલાલીનું કરે છે. પણ એ હકીકત બદલાવાની છે? અને આપણે સિટી-મોંઘવારી પ્રમાણે કમાતા ન હોઇએ, બચત હોય નહીં, તો ઉતાવળે મકાન લીધા વિનાના ક્યાં રહી ગયા છીએ? શું પ્રણવે પપ્પાને બતાવી દેવું છે? પણ એણે અમદાવાદમાં ભણીને, સૅટલ થઇને અને એક સરસ છોકરી શોધીને પોતાની યોગ્યતા સાબિત કરી જ દીધી છે. હવે એને બસ થોડા ટાઇમની જ જરૂર છે.

– એ પણ સાચી વાત છે કે બૅન્કો ધક્કા ખવડાવે છે, કાગળિયાંની થપ્પીઓ કરાવે છે, પણ તમે પચ્ચી હજાર કમાતા હો, તો એમાં ત્રીસ લાખની લોન કેવી રીતે આપે? (અમેરિકાની સબ પ્રાઇમ કટોકટી ભૂલી ગયા?!) તમારી ત્રેવડ ન હોય, એટલે બૅન્કનો વાંક કાઢવાનો? (આ તો પેલા ધૂમ-૩ જેવું થયું, લૉન ભરપાઈ ન કરી અને સર્કસ જપ્ત કર્યું એટલે આમિર કહે કે, ‘બૅન્કવાલોં, તુમ્હારી ઐસી કી તૈસી!’) પછી બૅન્કો ઊઠી જશે તો તમે જ ગાળો ભાંડશો, કે ગમે તેને લોન આપતા ફરે છે. (બૅન્કનો પોઇન્ટ ઑફ વ્યૂ જોવાનો જ નહીં?) ચલો, માની લો કે તમને કદાચ લોન આપી પણ દીધી, પણ ૨૫ હજારના પગારમાં ત્રીસ લાખની લોનનો એટલિસ્ટ ૨૭-૨૮ હજારનો હપ્તો ભર્યા પછી ઘર શેમાંથી ચલાવશો? મનોજ જોશી કહે છે એમ, ‘બાપના પૂંછડામાંથી?!’ પ્રણવભાઈની ફિયાન્સી તો ફાઇનાન્સમાં MBA છે ને? તો એણે પણ આ વાત સમજાવી નહીં? (IINમાંથી MBA કર્યું છે?!) અને એનો પગાર ઉમેર્યા પછી માત્ર ચારેક લાખ જ લોન વધે? મીન્સ કે પ્રોટાગનિસ્ટની સામે એઝ સચ એવી સ્ટ્રગલ-ચેલેન્જ છે જ નહીં, જેને લીધે એ લોહી ઉકાળા કરે છે.

– અચ્છા, આ તો ફેમિલી ફિલ્મ છેને? તો પછી એમાં આવું ગૅ ટાઇપનું કેરેક્ટર, ‘લીટી’ જેવો સેક્સિસ્ટ અપશબ્દ અને અશ્લીલ હોમોફોબિક કોમેડી નાખવાની શી જરૂર હતી? ઑવરઍક્ટિંગથી ઇરિટેટ કરવા માટે DDનું કેરેક્ટર પૂરતું નહોતું? પાછળથી ગલીચ ગાળ પણ નાખવાની? દુઃખ ત્યારે થાય જ્યારે પબ્લિક મોટે ભાગે એવા સૉ કૉલ્ડ જોક્સ પર જ હસતી હોય.

– બિલ્ડર સામું જોયા વગર વાત કરે, ટુ વ્હીલરવાળા ગ્રાહકમાં એને રસ ન પડે, જ્યારે જાઓ ત્યારે અમુક જ ફ્લૅટ બચ્યા હોય, અપાર્ટમેન્ટની સ્કીમનું નામ ‘કૉપર સ્ટૉન’ હોય, સ્માર્ટ સિટીની પહેલાં સૅન્સિબલ સિટી બનાવવાની વાત હોય… એ બધા ન્યુઆન્સિસ સરસ પકડ્યા છે.

– મલ્હારના ડાયલોગ્સ કાઠિયાવાડી અને અમદાવાદી બોલી વચ્ચે શટલકૉક થયા કરે છે (અને દર થોડી વારે ‘વિકી’ દેખાઈ જાય છે), પણ અમદાવાદ આવ્યા પછી ભાષાની ભેળપુરી થઈ જાય એ સમજી શકાય. મને સતત ઇચ્છા થતી હતી કે ઇરિટેટિંગ DDના સીન થોડા ઓછા આવે અને મોનલ ગજ્જર થોડી વધુ વાર માટે સ્ક્રીન પર આવે, પણ એના ભાગે ચા-સમોસા સિવાય ખાસ કશું આવ્યું જ નથી. ઍક્ચ્યુઅલી, લીડ પૅર વચ્ચેની કોઈ કૅમિસ્ટ્રી જ ડેવલપ નથી થઈ.

– મલ્હાર ઇઝ અમૅઝિંગ. વિરાટની જેમ એકલે હાથે ફિલ્મ ઉપાડવાનું કૌવત તો એનામાં છે જ. ભાવિની જાની ઇરિટેટિંગલી સુપર્બ. ભગવાન એવા મકાનમાલિકોથી ભાડુઆતોને બચાવે (પરંતુ બે વર્ષ એના મકાનમાં રહ્યા પછીયે કોઈ પોતાનાં પેરેન્ટ્સને ત્યાં શા માટે લઈ આવે?!).

– અને યાર, જેતપુરથી અમદાવાદ જવા વિઝા બેસે છે કે બધા વારેવારે સૅન્ટી થઈ જાય છે?

– થિયેટરમાં મારી રૉમાં આગળ એક બહેનનું ટાબરિયું સતત કહેતું હતું, ‘મમ્મી, ઘલે જવું છે.’ અને મમ્મી દર વખતે ફિલ્મની જેમ જ કહે, ‘જઈ જશે હં બેટા, હમણાં ફિલ્મ પૂરી થઈ જશે ને એટલે આપણે જઇએ!’ રેતીના પાયા પર ઊભેલી આ ફિલ્મ અઢી કલાક લાંબી? વારંવાર આવતા બૅન્કના સીન, અજાણ્યા ઇન્વેસ્ટમેન્ટ ઍક્ઝિક્યુટિવનો સીન, ચા-સમોસાના સીન, ચાની કીટલી પરનો સીન, મને ગમતા એક્ટર શરદ વ્યાસના ચક્રમ બૉસ તરીકેના સીન, મકાન જોવાનો સીન… બધા જ મોટે ભાગે બિનજરૂરી અને પ્રચંડ લાંબા છે.

– પાછળની રૉમાં બેઠેલા યંગસ્ટર્સના એક ગ્રૂપની પીન પ્રણવ ઉર્ફ પપ્પુના નવા ફ્લૅટની દીવાલમાં લાગેલા ટીવીના સ્ટૅન્ડ પર ચોંટી ગયેલી. એક કહે કે, ‘નવું ઘર છે તો ટીવીનું સ્ટેન્ડ, પડદાના પાઇપો, દીવાલમાં ડાઘા-ડુઘી ક્યાંથી આવ્યા?’ તો બીજો કહે કે, ‘લ્યા, સૅમ્પલ હાઉસ હશે!’ ત્યાં છેલ્લે વળી કહે કે, ‘લો બોલો, હમણાં લોન લેવાના પૈસા નહોતા ને હવે નવી ઍનફિલ્ડ, બંને પાસે લેટેસ્ટ આઇફોન, મૉડ્યુલર કિચન, અવન, મોટ્ટું ફ્રિજ અને પેલા ટીવીના સ્ટૅન્ડ પર જાયન્ટ LED ટીવી પણ આઈ ગ્યું? ખરેખર, સૅમ્પલ હાઉસ જ લાગે છે!’ એમાં બેઠેલી એક ચિબાવલી કહે કે, ‘પપ્પા ભાસ્કર વાંચે છે, ને ટીવી પર દૂરદર્શન ચાલે છે! ડબ્બા હૈ ડબ્બા, અંકલ કા ટીવી ડબ્બા!’

– બાય ધ વે, સમજુ છોકરો-છોકરી રજિસ્ટર્ડ મૅરેજ કરે છે. ગ્રેટ! (સેઇમ પિંચ!) પણ લગનમાં મમ્મી-પપ્પા કેમ ન આવ્યાં?! હશે, ચલો (ટૅક્સી કરવા ગયા હશે). પરંતુ મને વાંધો પડ્યો એ પછી. લગ્ન પહેલાં કાજલ પોતાના ફિયાન્સૅને તુંકારે બોલાવે છે અને લગ્ન થયા પછી ફોન પર પૂછે છે, ‘કેટલે પહોંચ્યા?!’ રિયલી? હાઉ રિગ્રેસિવ ધેન!

– છતાં આનંદ એ વાતનો છે કે કોમેડીની એકધારી એસેમ્બલી લાઇન ફિલ્મોમાંથી થોડો બ્રેક તો મળ્યો. ‘થઈ જશે!’ને ** (બે સ્ટાર).

– હવે લાગે છે કે આ ફિલ્મની સિક્વલ ‘પાર્કિંગ થઈ જશે!’ના નામે આવશે, રાઇટ?!

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s