X-Men: Apocalyspe

(આ લખાણમાં ઇત્તુ સા સ્પોઇલર કદાચ હોઈ શકે. હઇમજા હવે, વાંચી નાખો ને, યાર!)

mv5bmju1odm1mzyxn15bml5banbnxkftztgwota4nde2ode-_v1_uy1200_cr9106301200_al_– ‘કૅપ્ટન અમેરિકાઃ સિવિલ વૉર’ની વાત જ્યાંથી શરૂ કરેલી ત્યાંથી જ આનાં પણ શ્રીગણેશ કરીએ. ‘એક્સ મૅનઃ અપોકલિપ્સ’માં સ્ટૅન લીનો કૅમિયો માર્ક કર્યો? ન કર્યો હોય અને જોવાની બાકી હોય, તો લોકેશન છેલ્લે આપ્યું છે.

– એક્ચ્યુઅલી, મારા જેવા આ સુપરહીરો મુવીઝની ગાડીમાં મોડેથી ચડ્યા હોય એમની હાલત પ્રૌઢશિક્ષણના વર્ગના વિદ્યાર્થી જેવી હોય છે. ફિલ્મ જોતી વખતે એવુંય પૂછી ન શકીએ કે આ ટનાટન ‘મિસ્ટિક’ને ‘ઉજાલા’ ગળીથી નવડાવી હોય એવી બ્લુ બ્લુ કેમ લાગે છે? આ ‘ક્વિકસિલ્વર’ આપણી ઇન્ડિયન ફિલ્મી પુલિસથી એક્સ્ટ્રીમ અપોઝિટ કોઇપણ મૌકા-એ-વારદાત પર એડ્વાન્સમાં કેવી રીતે પહોંચી જાય છે અને સંસદની જેમ બધું પૉઝ કેમ કરી દે છે? પેલા મોટી સાઇડબર્નવાળા ભાઇના હાથમાંથી ખીલા કેમ નીકળે છે (બરડો વલુરવા)? અહીંયા મોબાઇલના ટાવર પકડાતા નથી, ને પેલો વ્હીલચેરવાળો આખી દુનિયાના મ્યુટન્ટ-લોકો સાથે એક ઘામાં કઈ રીતે કનેક્ટ થઈ જાય છે? પણ ટાણે સવાલો નહીં પૂછવાના, ઘરે આવીને ‘વિકિપીડિયા’ની હિટ્સ વધારવાની, બીજું શું?! એમાંય પાછું આપણે ઇંગ્લિશ વર્ઝનમાં ગુડાણા હોઇએ, એટલે મોઢે આંગળી ને કાન ખુલ્લા.

– એક્ચ્યુઅલી, ઑરિજિનલ ‘મહાભારત’ સિરિયલની જેમ આમાંય ફિલ્મના સ્ટાર્ટિંગમાં હરીશ ભીમાણી સ્ટાઇલમાં કમેન્ટ્રી આવવી જોઇએ, કેઃ ‘મૈં માર્વેલ યુનિવર્સ હૂં. પિછલી કડી મેં આપને દેખા કિ કૈસે નુકીલે ચાકુવાલે વુલ્વરિન બીતે હુએ સમય મેં યાત્રા કરકે સન 1973 મેં જાતે હૈ ઔર સમગ્ર માનવ સભ્યતા કો બચા લેતે હૈ…’ એક્ચ્યુઅલી, જે રીતે સ્ટૅન લી બધી માર્વેલની ફિલ્મોમાં હિચકોક જેવી હાઉકલી કરી જાય છે, એ રીતે ફિલ્મના એન્ડમાંય એમને અશોક કુમાર સ્ટાઇલમાં પોસ્ટ ક્રેડિટ સીન સમજાવવા બેસાડવા જોઇએઃ ‘ઇસ બાર, અપોકલિપ્સ કો તો એક્સ મૅન ને ચિત્ત કર દિયા, લેકિન યે ક્યા? યે લોગ કૌન હૈ? યે કૌન સી ચીઝ ચુરા રહે હૈ? ક્યા યે માનવ સભ્યતા કે વિરુદ્ધ કોઈ ઔર ખતરનાક યુદ્ધ છેડનેવાલે હૈ? યે સબ દેખેંગે… હમલોગ!’

– અમદાવાદના ઉનાળા કરતાંય લાંબી આ ફિલ્મમાં એટલા બધા સુપરહીરો છે કે મસ્ટર લઇને જવું પડે એમ છે. [મિસ્ટિક? ‘યસ ટીચર’. પ્રોફેસર એક્સ? ‘યસ મિસ્ટર’. (હંમમમ, લુકિંગ યંગ!) સાઇક્લોપ્સ? તું આંખે ડાબલાં પહેરેલાં જ રાખ, ભાઈ! ખાલી ખોટાં ઝાડવાં બાળતો ફરે છે. વુલ્વરિન? ‘સર, એની પ્રોક્સિ પૂરવાની છે!’]

– લેકિન માનના પડે, સ્ટાર્ટિંગનો પ્રાચીન ઇજિપ્તનો હિસ્સો ખરેખર સુપર્બ છે. વિથ જબરદસ્ત વિઝ્યુઅલ ઇફેક્ટ્સ. આ ફિલ્મમાં છુપાયેલાં ઇસ્ટર ઍગ્સવાળો વીડિયો કહે છે કે નવું શરીર મેળવીને અમરત્વ મેળવવાની એ ઇજિપ્શિયન સિક્વન્સ 1955ની ફિલ્મ ‘લૅન્ડ ઑફ ફારોહ’થી ઇન્સ્પાયર્ડ છે. એમાંય પિરામિડની અંદર એવા જ લંબચોરસ પથ્થરો લપસતા હતા. પણ મને તો માત્ર એ જ નહીં, અપોકલિપ્સનો આખો ટ્રેક ‘ધ મમી’ની યાદ અપાવી ગયો. સતત થયા કરતું’તું કે હમણાં ક્યાંકથી ‘જ્યોર્જ ઑફ ધ જંગલ’ની જેમ બ્રેન્ડન ફ્રેઝર કૂદકો મારીને આવી જશે! ખાલી એ જ નહીં, મને તો સ્કૂલ ફોર ગિફ્ટેડમાં ‘હેરી પોટર’, CIA ઍજન્ટના ખાંખાખોળામાં ‘ઇન્ડિયાના જોન્સ’, મ્યુટન્ટ્સના એસેમ્બલિંગમાં ‘એવેન્જર્સ’, એક મ્યુટન્ટ પોતાના સુપર પાવર્સ છુપાવીને સામાન્ય માણસની જેમ મજૂરી કરતો હોય એ જોઇને ‘ધ ઇન્ક્રેડિબલ્સ’ અને ઑબ્વિયસ રેફરન્સથી ‘સ્ટાર વૉર્સ’ યાદ આવી ગઈ. આ આખી ફિલ્મ 1983માં આકાર લે છે, એટલે એક સીનમાં જુવાનડાઓ ‘સ્ટાર વૉર્સઃ રિટર્ન ઑફ ધ જેડાઈ’ જોઇને નીકળે છે, ને પાછા પોતાની ને એવી જ બધી સિક્વલોની વાતુંય કરે કે, ‘દરેક ફ્રેન્ચાઇઝમાં ત્રીજી ફિલ્મ સૌથી ડાર્ક અને સૌથી ભંગાર હોય!’ (હરિ હરિ!) ઉપરથી ડાર્ક સાઇડ તરફ આકર્ષાવાનો ‘ધ ફોર્સ અવેકન્સ’વાળો રેફરન્સ પણ ખરો.

– પોતાના જ સુપરપાવર્સ સાથે સ્ટ્રગલ કરતા સુપરહીરોઝ-મ્યુટન્ટ્સને જોવાની તો ઓબ્વિયસલી મજા પડે જ. આમેય અત્યાર સુધી જે થિયરીમાં જ હોય એને પ્રેક્ટિકલમાં જોવું કોને ન ગમે? એય ને ક્વિકસિલ્વર સરકારી ફાઇલોની જેમ બધું જામ કરી દ્યે (ને એમાં પોતાના લોકોને બચાવવા માટે બધું આઘુંપાછુંય કરી નાખે), માલ્યાની જેમ ગમે ત્યાંથી લોકો સૅફ જગ્યાએ ટેલિપોર્ટ થઈ જાય, પહોંચેલા માથાભારે માણસની જેમ ટેલિકાઇનેસિસથી ગમે તેને ઊંચકી લે, ધાણાદાળ આપતા હોય એમ ગમે એને એમ્નેશિયા આપી દ્યે, બસની સીટમાં ચ્યુઇંગમ ચોડતા હોય એમ આખેઆખો માણસ દીવાલમાં ધરબી દે, પહલાજ નિહલાની ફિલ્મોને કાપતા હોય એમ લોકોના મુંડાં વધેરી નાખે… ટૂ મચ ફન, આઇ સૅ!

– લેકિન પ્રોબ્લેમ એ છે કે આ લંબુસ ફિલ્મ એકદમ જાડી ગુડ વર્સસ ઇવિલ બનીને રહી ગઈ છે. ફિલોસોફિકલ મગજમારીમાં રાઇટર-ડિરેક્ટર પડ્યા જ નથી. પેલો જોરદાર ટકલુ વિલન આપણા ‘પીકે’ની જેમ ટીવી પર હાથ મૂકીને આખી દુનિયાની બધી જ ઘટનાઓ જાણી લે છે, પણ એમાં એને ન્યુક્લિયર વેપન્સની સામે શું વાંધો પડ્યો એ સમજાયું નહીં. ભલે દિવાળીનાં રૉકેટોની જેમ એ મિસાઇલો ફાયર થઈ, પણ પછી એનાં રેડિયેશનનું શું? અને ‘ડેડપૂલિયા’એ જે સુપરહીરો મુવીઝની બૅન્ડ બજાવેલી એવી જ ‘TMT સરિયા’ની ઍડ જેવી ડિમોલિશન ફાઇટો છે, પણ એમાં લોકો ક્યાં? બંને બાજુ યોદ્ધાઓની ભરતી થઈ, પણ છેલ્લો જંગ જોઇએ તેવો જામ્યો નહીં. હા, હ્યુમર હતી ફિલ્મમાં સારી એવી.

– પરંતુ સચ્ચી બોલું? લોકો ભલે કંટાળ્યા હોય, આપણને તો મજા આવી. રાઇટ ફ્રોમ ધ ફર્સ્ટ સીન, ટુ છે…એ…ક છેલ્લે આવતા પોસ્ટ ક્રેડિટ સીન સુધી. રાત્રે પોણા બે વાગ્યે અડધું થિયેટર પોસ્ટ ક્રેડિટ સીનની રાહમાં બેસી રહેલું, કૅન યુ બિલીવ?!

– આપણે તો હવે વીરપ્પન, ફોબિયા અને ઍન્ગ્રી બર્ડ્સનાં ચાકાં સજાવી લીધાં છે. બોલો, સ્ટૅન લી બાબા કી… જય!

{સ્પોઇલર અલર્ટઃ
ફિલ્મમાં સ્ટૅન લીના કૅમિયોનું લોકેશનઃ જે સીનમાં એકસાથે સંખ્યાબંધ ન્યુક્લિયર મિસાઇલો વછૂટે છે, અને લોકો ડરીને આકાશ તરફ જુએ છે, ત્યારે સ્ટૅન લી પત્ની જૉન લીને વળગીને ઊભેલા દેખાય છે. (એક ડોસો ડોસીને હજુયે…!)}

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s