સૈરાટ

sairat– ક્યારેક સ્થળ-કાળ-સોશ્યલ બૅકગ્રાઉન્ડમાંથી બહાર નીકળીને વિચારીએ તો લાગે કે એક સ્ત્રી છે-એક પુરુષ છે, બંનેને એકબીજા સાથે રહેવું છે, તો દુનિયા શું લેવા વચ્ચે પથરા ફેંકે છે? પણ આપણે કોણ છીએ, આપણી આજુબાજુની સ્થિતિ શું છે એ બધું સતત વાતાવરણ અને ગ્રેવિટીની જેમ આપણી સાથે ચોંટી જ રહે છે. એટલે જ ‘સ્ટાર ક્રોસ્ડ લવર્સ’ અને ‘રોમિયો જુલિયેટ’ ફરી ફરીને જન્મતાં રહે છે. આપણી આસપાસ અને ક્યારેક આપણી અંદર પણ ખરાં. આ જ સ્ટોરી તમે નાગરાજ મંજુળેની લેટેસ્ટ મરાઠી ફિલ્મ ‘સૈરાટ’ (મીનિંગઃ વાઇલ્ડ)માં જુઓ ત્યારે એટલી જ તાજી, ગાલ પર લાફો પડ્યા પછીના ચચરાટ જેવી રિયલ અને હૈયું ચીરી નાખે, સ્તબ્ધ કરી દે એવી ઑરિજિનલ લાગે. આ જ ડિરેક્ટર અગાઉ કંઇક આવા જ વિષય પર ‘ફૅન્ડ્રી’ જેવી અફલાતૂન ફિલ્મ બનાવી ચૂક્યા છે (એ પોતે પણ ફિલ્મમાં એક નાનકડી ભૂમિકામાં છે).

– મહારાષ્ટ્રના એક નાનકડા ગામમાં માછીમારી કરતા ગરીબ દલિતનો છોકરો પ્રશાંત ઉર્ફ પર્શ્યા, ગામના સૌથી મોટા માથા, પોલિટિકલી એક્ટિવ, સુગર માફિયા અને અપર કાસ્ટ-અપર ક્લાસની દીકરી અર્ચના ઉર્ફ આર્ચીના પ્રેમમાં પડે. એમના પ્રેમનો હિંસક વિરોધ થાય, બંને ભાગી છૂટે, પણ પેલી સમાજની ગ્રેવિટી એમ થોડી પીછો છોડે? બસ, આટલી અમથી વાત, પણ એમાં રાઇટર-ડિરેક્ટર નાગરાજ મંજુળેએ જબરદસ્ત ઝીણું કાંત્યું છે અને કોઇનેય-રિપીટ કોઇનેય છોડ્યા નથી.

– ફિલ્મની જુલિયેટ-આર્ચી (ઘઉંવર્ણી-ચબ્બી, વેરી વેરી એક્સપ્રેસિવ અને માત્ર ૧૬ વર્ષની રિન્કુ રાજગુરુ), જેને પિતાનો એટિટ્યુડ વારસામાં મળ્યો છે. ગામની વચ્ચે બુલેટ-ટ્રેક્ટર ચલાવે છે, કૂવામાં નહાતા ‘નીચલા વર્ણ’ના છોકરાઓને હકથી કાઢી મૂકે છે અને પછી પોતે ઊંચેથી કૂદકો મારીને કૂવામાં નહાવા પડે છે, માથાભારે છોકરાને ગામની વચ્ચે ટાલકું તોડી નાખવાની હીરોછાપ ધમકી આપે છે, સાહેબનેય ડોળા દેખાડી દે, વખત આવ્યે બંદૂકડી પણ ચલાવી લે અને પોતાની લાગણીઓને છડેચોક વ્યક્ત કરતા અચકાય નહીં. સામે પક્ષે રોમિયો-પર્શ્યા (આકાશ ઠોસર) ભણવામાં હોંશિયાર, કોહલી જેવો બેટ્સમેન, કવિ અને આર્ચી પાછળ પાગલ.

– લગભગ ત્રણ કલાક લાંબી ‘સૈરાટ’માં નાનકડા ગામમાં આકાર લેતો ટીનએજ રોમાન્સ ગજબનો ઑથેન્ટિક છે. ખોખોની રમતમાં, ક્લાસમાં કે કૂવાનાં પગથિયે એકબીજા સામે લુક એક્સચેન્જ કરવા જેવી નાનકડી વાતમાં પણ જે ઇન્ટેન્સિટી છે એનો કરન્ટ સીધો તમને લાગે. માત્ર ચિઠ્ઠીઓની આપ-લે (ના, વાર્તા આજની જ છે, પણ ગરીબ હીરો પાસે મોબાઇલ નથી)માં પણ સતત પૅન થતા કેમેરાની મુવમેન્ટ જેટલી ઑથેન્ટિક લાગે છે, એટલી જ ડિલાઇટફુલ છે. હીરો-હિરોઇનનાં ડ્રીમ સિક્વન્સ જેવાં સ્લો મોશનમાં શૂટ થયેલાં ગીતો અને પછી માથા પર ધડ દઇને અથડાતી ક્રૂર રિયાલિટી.

– વિકસિત ભારતની મહાનતાનાં ચશ્માં પહેરીને જોઇએ તો એવો જ વિચાર આવે કે આજના ડિજિટલ ઇન્ડિયામાં આવું થોડું થતું હશે? (પછી એ જ ડિજિટલ ઇન્ડિયામાં ગૂગલ પર સર્ચ મારીએ એટલે આપણા ભ્રમની વેબસાઇટ ક્રેશ થઈ જાય.) અહીં ગામનું નામ ‘બિટરગાંવ’ (Bittergaon) છે, ટુર્નામેન્ટમાં ભગવાધારી અને ‘મૈથુન’ નામધારી બાપુ આવે છે, ‘દલિત સાહિત્યમાં પણ નામદેવ ઢસાળ જેવા પ્રોગ્રેસિવ કવિ થઈ ગયા છે’ એવી વાત કહેતા શિક્ષકને ઠેબે ચડાવાય છે, સવર્ણની દીકરી દલિતના ઘેર પાણી પીવે થતો ખચકાટ ચોખ્ખો જોઈ શકાય છે, એક બાજુ રેડિયો પર વડાપ્રધાનનું ‘મન કી બાત’ ચાલતું હોય અને સ્ત્રી સશક્તીકરણ-સૅફ્ટી માટેની ચૅરિટી વૉકનાં બૅનરો સાથે મોટી મોટી વાતો થતી હોય, જ્યારે હકીકત તદ્દન ખોખલી હોય, આજેય એકલી સ્ત્રી જોઇને ભૂખ્યા વરુઓ ટાંપીને જ બેઠા હોય છે… ‘સૈરાટ’ બધા જ મુદ્દે એક બોલ્ડ પોલિટિકલ-સોશ્યલ સ્ટેટમેન્ટ છે, કાન ફાડી નાખે એવો ચિત્કાર છે. અરે, કોલેજનો દલિત પ્રિન્સિપાલ પોતાને ત્યાં જ ભણતી સવર્ણની દીકરી વિશે જે કમેન્ટ કરે, એમાં એની અંદર ધરબાયેલો આક્રોશ ચોખ્ખો દેખાઈ આવે.

– ‘સૈરાટ’ માત્ર કાસ્ટ સિસ્ટમ જ નહીં, જૅન્ડર બાયસ સામે પણ બાંયો ચડાવે છે. દીકરીને ભલે ઘરનું નામ અપાયું હોય, પણ ‘પ્રિન્સ’ તો ઘરનો દીકરો જ હોય, દીકરો ગમે તે કરે કશું નહીં કહેવાનું, દીકરીને ગમે ત્યાં ગમે તેની સામે લાફાવાળી કરી શકાય, પ્રેમ ભલે ફેરીટેલ જેવો કોન્ક્રિટ હોય, પણ શંકાની કાંકરી વાગે કે તરત જ મૅલ ઇગો સળવળી ઊઠે, ફિઝિકલી ચેલેન્જ્ડ લોકો પ્રત્યેની આપણી મેન્ટાલિટી, ભલે અજાણે બોલાતાં સંબોધનોમાંથી નીતરતો તુચ્છકાર… ડિરેક્ટર મંજુળેએ પોતાના હીરોને પણ ક્લિન ચીટ નથી આપી. સવર્ણની દીકરીના પ્રેમમાં પડેલા દીકરાને એના દલિત પિતા એવું કહીને ટીપી નાખે કે, ‘તને શેના માટે ભણાવ્યો હતો?’ (વાંચોઃ ‘તને ભણ્યા પછીયે ભાન ન પડી કે આપણાથી ઊંચા વર્ણના લોકોથી અંતર રાખવું જોઇએ?’)

– ‘બૉબી’, ‘એક દુજે કે લિયે’, ‘QSQT’થી ‘રામલીલા’ અને ‘ઇશકઝાદે’ સુધીનાં વર્ઝનથી શરૂ થઇને ‘સૈરાટ’ સૅકન્ડ હાફમાં દેખીતી રીતે જ મણિ રત્નમની ‘અલાઇપાયુથે’ (હિન્દીમાં ‘સાથિયા’) અને બીજી એક તમિળ ફિલ્મ ‘કાધલ’ (મીનિંગઃ પ્રેમ)ની યાદ અપાવે છે. પરંતુ ટ્રીટમેન્ટની ઑરિજિનાલિટીમાં ક્યાંય પાછી ન પડતી ‘સૈરાટ’ સૅકન્ડ હાફમાં જુલિયેટ-આર્ચીની પણ કમિંગ ઑફ ઍજ સ્ટોરી છે. ગામને પોતાના ચોટલાની ઝટક સાથે ઉડાડતી ફરતી અર્ચના ઘરનું પ્રોટેક્ટેડ વાતાવરણ છોડે એ પછી બસસ્ટેન્ડ પર સૂવા કે ઝૂંપડપટ્ટીમાં રહેવા મજબૂર થાય, અત્યંત વલ્નરેબલ સ્થિતિમાં આવી જાય, ડર-હોમસિકનેસ ઘેરી વળે અને પછી ધીમે ધીમે ફરી પાછી કમાન્ડિંગ સ્થિતિમાં આવે (સ્કૂટર ચલાવતી થાય, સાહેબની ખુરશીમાં બેસે), એનો મૅચ્યોર લુક આવે… એ ટ્રાન્સફર્મેશન જરાય નાટકીય થયા વગર સાહજિક રીતે ઝીલાયું છે. ઇવન પ્રેમમાં પડવું જેટલું સહેલું છે, સાથે મળીને જિંદગી જીવવી એના કરતાં ક્યાંય અઘરી છે એ વાત પણ સરસ રીતે વણી લેવાઈ છે.

– ‘સૈરાટ’માં અજય-અતુલનું મ્યુઝિક તો ઑલરેડી સુપરહીટ છે. ચાર્ટબસ્ટર બની ગયેલું ‘ઝિંગ ઝિંગ ઝિંગાટ’ એક જ નહીં, બાકીનાં ગીતો પણ એટલાં જ દિલકશ છે. ફિલ્મ ક્રિટિક ભારદ્વાજ રંગને ‘સૈરાટ’ના મ્યુઝિક વિશે સરસ નોંધ્યું છે કે, ‘ફિલ્મમાં જ્યારે લવસ્ટોરી ચાલતી હોય, ત્યારે ડ્રીમ સિક્વન્સની જેમ ગીતો આવતાં રહે છે, પણ એકવાર બંને વરવી વાસ્તવિકતાની ધરતી પર પટકાય કે એમની લાઇફમાંથી સંગીત જ ગાયબ થઈ જાય છે.’

– ‘સૈરાટ’માં કૂવો-નદીમાં ઝંપલાવતાં, સૂકાયેલા ઝાડ પર-મંદિરની ટોચે બેસતાં, સળગતાં ખેતરોની વચ્ચેથી દોડતાં આર્ચી-પર્શ્યા જેવા આઇકૅન્ડી શૉટ્સ ઉપરાંત ઠેકઠેકાણે થયેલું વિઝ્યુઅલ જક્સ્ટાપોઝિશન પણ એટલું જ પાવરફુલ છે (સૅમ્પલઃ હીરો-હિરોઇનને બસસ્ટેન્ડ સૂવું પડ્યું હોય અને કેમેરા ટિલ્ટ અપ થઇને આપણને બતાવે કે પાછળ વજન કરવાના મશીન પર લખ્યું છે, ‘નૉ યૉર ફ્યુચર!’).

– દેશના સંસ્કારોનો હોલસેલ કોન્ટ્રાક્ટ લઇને ફરતા ભગવા ઝંડાધારીઓ જાહેરમાં બેસતા પ્રેમીઓને ફટકારતા હોય એવું દૃશ્ય જોઇને પ્રોપેગન્ડાની દુકાન ચલાવતા ઍજન્ટોને મરચાં લાગે એ સ્વાભાવિક છે, પણ ‘આઈ શપ્પથ’ ખાઇને કહો કે આ ફિલ્મમાં બતાવ્યું છે એમાંનું કશુંય આપણા દેશમાં નથી થતું? સર્જકે ફિલ્મમાં ક્યાંય કાલ્પનિકતાનો કે સિનેમેટિક લિબર્ટીનો મસાલો નાખ્યો નથી (એટલે જ હીરો-હિરોઇન સુલભ શૌચાલયમાં સવારની ક્રિયાઓ પતાવતાં હોય અને ઊંચી કાસ્ટવાળા હીરોને સતત મારતા રહે, પણ સામે પેલો ક્યારેય એક થપ્પડ પણ ન મારી શકે). કમર્શિયલ ફિલ્મ હોવા છતાં અહીં ક્યાંય એસ્કેપિઝમ નથી.

– પહેલા જ સીનથી ‘સૈરાટ’ તમને સીધા બોચીએથી જ પકડે છે અને (પ્રીડિક્ટેબલ હોવા છતાં) છેક છેલ્લા સીન સુધી છોડતી નથી. સતત એક ફડકો આપણો પીછો કરતો રહે, જેની ચરમસીમા છેલ્લા સીનમાં આવે. આપણા ગાલે કચકચાવીને લાફો મારવા, ચેતાતંત્રના એકેએક કોષને હચમચાવી નાખવા, કોઇપણ સાઉન્ડ વિનાનો છેલ્લો સીન ડિરેક્ટરે એવી રીતે મૂક્યો છે, જે જોઇને તમે સીટ પર જ થીજી જાઓ. બહાર નીકળ્યા પછી પણ ફિલ્મ તમારો પીછો છોડે નહીં.

– માત્ર મરાઠી સિનેમા જ નહીં, વર્લ્ડ સિનેમામાં ‘સૈરાટ’ જેવી ફિલ્મો બહુ ઓછી આવે છે. ભલે લાંબી લાગે, પણ ગમે ત્યાંથી મેળ પાડીને આ ફિલ્મ જોઈ નાખો. ફેમિલી સાથે જુઓ, ખુલ્લા દિલે જુઓ, ચર્ચા કરો અને વિચારો. ફિલ્મ અંગ્રેજી સબટાઇટલ્સ સાથે છે એટલે સમજવામાં જરાય અઘરી નહીં પડે. જોજો, મિસ ન કરતા.

– સૈરાટમાં અંગ્રેજી ઉપરાંત મરાઠી લિપિમાં પણ ટાઇટલ અને ઍન્ડ ક્રેડિટ જોઇને સહેજે વિચાર આવે કે ફિલ્મોએ ‘અર્બન’ થવાની નહીં, પ્રામાણિક થવાની જરૂર છે.

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

Advertisements

One comment

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s