હેડિંગઃ હિટ વિકેટ

***

ઇન્ટ્રોઃ આ ફિલ્મ એટલે બાયોપિકના નામે એ જ ટિપિકલ ફિલ્મી મસાલો અને વધુ એક રસપ્રદ સ્ટોરીનો વેડફાટ.

***

આપણે ત્યાં પાપારાઝીuarfbk1fvuzw1zym-d-0-azhar-movie-poster કલ્ચર લગભગ નથી અને ઇન્વેસ્ટિગેટિવ જર્નલિઝમ પણ મરી પરવાર્યું છે. એટલે જ ફિલ્મસ્ટારો હોય કે રાજકારણીઓ કે પછી સ્પોર્ટ્સપર્સન, એમના પર ખણખોદ કરીને ચારેકોર હાહાકાર મચી જાય એવાં પુસ્તકો પણ ભાગ્યે જ લખા
ય છે. લેકિન આપણી સેલિબ્રિટીઓ પર બાયોપિક બનાવ્યા વિના તો આપણને ચાલે નહીં. એટલે પછી એ જ સેલિબ્રિટી કે તેના પરિવારજનોને સાથે રાખીને અને ન્યુઝ પેપર કટિંગ્સ ભેગાં કરીને એક સ્ટોરી તૈયાર કરી દેવાય. ઉપરથી દસ ફ્લેવરની પાણીપુરીની જેમ બૉલીવુડિયા મસાલા પણ જોઇએ. બધું ભેગું કરીને બાયોપિકના નામે જે ફિલ્મ બને તે કંઇક આ ટૉની ડિસોઝાની ‘અઝહર’ જેવી હોય.

બૅટ, બૅટિંગ અને બિજલાણી

એક હતો અઝહર (ઇમરાન હાશમી). હૈદરાબાદના મિડલ ક્લાસ પરિવારના આ ટેણિયાને એના નાના (કુલભૂષણ ખરબંદા)એ બૅટ પકડાવીને ચિંતનનું એવું ચ્યવનપ્રાશ ચટાડ્યું કે સીધો એ ઇન્ડિયન ક્રિકેટ ટીમનો કૅપ્ટન બની ગયો. અમ્મીજાન (શેરનાઝ પટેલ)એ નૌરીન (પ્રાચી દેસાઈ) નામની ચાંદની ટુકડી સાથે એના નિકાહ પણ પઢાવી દીધા અને અઝહરે એની સાથે ડ્યુએટ પણ ગાઈ લીધાં. લેકિન પબ્લિસિટી કી ચકાચૌંધ મેં અઝહરને બૉલીવુડની ગ્લેમરસ એક્ટ્રેસ સંગીતા (નરગિસ ફખરી) સાથે સેકન્ડ ટાઇમ મેં લવ હો ગયા. બીજી બાજુ અઝહર પર આરોપ લાગ્યો કે એણે મૅચ ફિક્સ કરવા માટૈ પેસા ખાધા છે અને ચારેકોર ‘અઝહર ઇઝ અ ચીટર’નો દેકારો થયો. અઝહર પર આજીવન પ્રતિબંધ મુકાયો અને કૉર્ટમાં લાંબો કેસ ચાલ્યો. કૅસ એના દોસ્તાર રેડ્ડી (કુણાલ રૉય કપૂર)એ લડ્યો. સામે હતી તેજતર્રાર વકીલ મીરાં વર્મા (લારા દત્તા). અંતે ચુકાદો આવ્યો કે અઝહર ઇઝ પાકિઝા, પાકસાફ. ઍન્ડ, ધ એન્ડ.

ક્રિકેટ કે અલાવા સબકુછ

એક બાયોપિક તરીકે ‘અઝહર’ ક્યુરિયસ કૅસ છે. તેની શરૂઆતમાં જ મૅઝરટેપથી માપી શકાય તેવું જંગી સાઇઝનું ‘લાગે-બાગે લોહીની ધાર, આપણા ઉપર નામ નહીં’ જેવું ડિસ્ક્લેમર આપી દેવાયું છે. તેનો સાર કંઇક એવો છે કેઃ આ ફિલ્મ બાયોપિક છે ખરી, પણ એક્ઝેક્ટ બાયોપિક નથી. અઝહર નામના એક ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટ કૅપ્ટનની લાઇફની અમુક ઘટનાઓનું નાટ્ય રૂપાંતર ઑન્લી છે, એ પણ ‘મનોરંજનના હેતુસર.’ મતલબ કે આપણે કોન્ટ્રોવર્સિયલ વ્યક્તિત્વ પર ફિલ્મ બનાવવી છે, પણ કોઇને માઠું નથી લગાડવું. સેલિબ્રિટીનાં ગંદાં ચડ્ડી-બનિયન જાહેરમાં ધોવાં છે, એની ઇમેજને પણ ટિનોપાલથી ધોઇને ચમકાવી દેવી છે, એમાંથી કમાણી પણ કરવી છે, પણ વિવાદમાં નથી ઊતરવું. રિયલ લાઇફ ઇવેન્ટ્સને ફિલ્મમાં લેવી છે, પણ એમાં સચ્ચાઈ કેટલી અને ફિક્શનનું અટામણ કેટલું એવી પંચાતમાં નથી ઊતરવું. ટૂંકમાં પોલિટિકલ પ્રોપેગન્ડા ફિલ્મની જેમ આપણે કશા જ સવાલો કર્યા વગર સ્વીકારી લેવાનું કે, ‘ઇસ્ટ ઑર વેસ્ટ, અઝહર ઇઝ ધ બેસ્ટ.’ પરિણામે આ ફિલ્મ ‘જન્નત’ અને ‘વન્સ અપોન અ ટાઇમ ઇન મુંબઈ’ની ૧૫૬મી આવૃત્તિ બનીને રહી ગઈ છે.

‘અઝહર’ ધ ફિલ્મ પર ટીકાનાં નાળિયેર વધેરીએ એ પહેલાં એટલું તો કહેવું જ પડે કે ઇમરાન હાશમી પ્લેઇડ વેલ. અઝહરભાઈ પાસેથી એણે બૉડી લેંગ્વેજની, કૉલર ઊંચો રાખવાની અને બૅટિંગ સ્ટાઇલની સારી એવી ટ્રેનિંગ લીધી છે. ઇવન પિચ્છુ સે તો ખબર જ નથી પડતી કે આ ઑરિજિનલ અઝહર છે કે ફિલ્મી. ગળામાં કાળું માદળિયું પણ એક્ઝેક્ટ સાઇઝનું પહેરાવ્યું છે. હા, અઝહરની બોલવાની સ્ટાઇલ પકડી નથી એ સારું થયું છે. નહીંતર આખી ફિલ્મ સબટાઇટલ્સ સાથે રિલીઝ કરવી પડી હોત. અઝહર ફિલ્મમાં ઇમરાન એની ટ્રેડમાર્ક ચુમ્મી લે, મેદાન પર શોટાબાજી કરે કે કૉર્ટમાં ઇમોશનલ ડાયલોગબાજી કરે, દરેક ઠેકાણે આપણને થાય કે અઝહરને મળે કે ન મળે, ઇમરાનને તો ક્લિન ચીટ મળવી જ જોઇએ.

બહુ ક્રૂર ભાષામાં એવું કહી શકાય કે આ ફિલ્મ એક ક્રિકેટરની કે ભારતના સૌથી સફળતમ કૅપ્ટનોમાંના એકની લાઇફસ્ટોરી લાગતી જ નથી. દેશની મોસ્ટ પોપ્યુલર ગેમનો એકેય સીન કનેક્ટ થતો નથી કે એક ગ્રામ જેટલો પણ રોમાંચ જગાવતો નથી. ગ્રાઉન્ડ પરના સીન કોઈ ક્લબ કક્ષાની મૅચ જેવા અને તદ્દન કૃત્રિમ લાગે છે. જૂનવાણી સ્કોરબોર્ડ કે ભારતીય ટીમનો યુનિફોર્મ ક્રિએટ કરવામાં જેટલી મહેનત કરી છે એના હજારમા ભાગની મહેનત પણ અઝહરના સાથી ક્રિકેટરો પસંદ કરવામાં કરાઈ નથી. પારેવા જેવો બિચારો અઝહર જાણે ભૂખ્યા વરુઓની વચ્ચે આવી ગયો હોય એમ બાકીના ક્રિકેટરોને લુચ્ચા, લફડેબાજ અને માથાકૂટિયા ચીતરવામાં આવ્યા છે. અહીં પણ આ ફિલ્મ જોઇને અન્ય ક્રિકેટરોને પેટમાં ચૂંક ન આવે એનું પૂરેપૂરું ધ્યાન રખાયું છે. એટલે જ મનોજ અહીં પ્રભાકર નથી, રવિ એ શાસ્ત્રી નથી, નવજોત એ સિધુ નથી અને હૅન્સી એ ક્રોનિએ નથી. જ્યારે અજય એ જોકર છે, સચિન છોટુ છે. અબોવ ઑલ, ફિલ્મમાં ભાગ્યે જ ક્યાંય અઝહર એ ‘મોહમ્મદ અઝહરુદ્દીન’ છે.

એક લોઅર મિડલક્લાસ પરિવારના ફરજંદમાંથી ભારતીયમાં સિલેક્શન અને કૅપ્ટન બનવા સુધીની અઝહરની જર્ની કેવી રહી, સાથી ખેલાડીઓ સાથેના એના સંબંધો કેવા હતા, વિવિધ ટૂર પર જાય ત્યારે અને ડ્રેસિંગ રૂમમાં કેવી ધમાલો થતી, શું કામ અઝહરના ક્રિકેટવિશ્વમાં કોઈ પાક્કા દોસ્તાર નહોતા, અઝહરની પર્સનાલિટીના બીજાં પાસાં કયાં હતાં એવા કોઈ પ્રશ્નોના જવાબ આ ફિલ્મમાંથી આપણને મળતા નથી. અરે, બિજલાણી નહીં એવી સંગીતા સાથે અઝહર અહીં જે સ્પીડે પ્રેમમાં પડે છે એટલી ઝડપથી તો મૅગી પણ ન બને.  અચાનક એ પ્રેમનું ઝરણું ક્યાંથી ફૂટી નીકળ્યું ને સલમાન સાથે એને ક્યારે કિટ્ટા થઈ ગયા એવુંય કંઈ નહીં નથી. બસ, મળ્યાં, કિસ કરી, ગીત ગાયું અને ફિટ્ટુસ.

બાકી હતું તે ચીઝી વનલાઇનરોના બેતાજ બાદશાહ રજત અરોરાએ પૂરું કર્યું છે. ‘તીન તરહ કી જંગ વર્લ્ડફેમસ હૈ, પતિ-પત્ની, પાની-પેટ્રોલ ઔર ઇન્ડિયા-પાકિસ્તાન’, ‘જબ છાતી પે ઇન્ડિયા લિખા હો તો દિલ નહીં ભરતા’, ‘ફર્ક નહીં પડતા ઝિંદગી મેં, ફર્ક તભી પડતા હૈ’… આવા સડકછાપ વનલાઇનરોએ ફિલ્મની ગંભીરતાનો ડૂચો વાળી નાખ્યો છે. ઉપરથી સંગીતા બિજલાણી તરીકે ચીપિયા ઓષ્ઠવતી નરગિસ ફખરીને અને કપિલ દેવ તરીકે વરુણ બડોલા જોઇને માથું કૂટીએ. (ઑરિજિનલ સંગીતા બિજલાણી ક્યાંય સારી દેખાય છે.) હા, લારા દત્તાનું કામ ઢીનચાક છે. ફિલ્મમાં પોતે રહી ગયાની લાગણી ન અનુભવાય એટલા માટે સંગીતકારોએ પણ ‘ઑયે ઑયે’ ગીતને ખોટા શબ્દો સાથે રિમિક્સ નામનો બોથડ પદાર્થ ઝીંકી દઇને મરણતોલ ફટકો માર્યો છે.

આ ફિલ્મમાં અઝહરનો કૅસ એક્ઝેક્ટ્લી કઈ કૉર્ટમાં ચાલે છે તે તો બાલાજી જાણે, પણ અહીં સૌથી હાસ્યાસ્પદ અને ભંગાર કૉર્ટરૂમ ડ્રામા પેશ થયો છે. ફિલ્મના એક સીનમાં અઝહરની બૅગમાં એક ડઝન સ્પોન્સર્ડ ચડ્ડીઓ પૅક થયેલી બતાવાય છે અને અઝહરના બાપા (વીરેન્દ્ર સક્સેના) પણ ચડ્ડી-ચડ્ડી જપ્યા કરે છે? શું કામ? બાલાજી જાણે. ખર્ચો કાઢવા માટે જ્યાં ને ત્યાં ગંદું પ્રોડક્ટ પ્લેસમેન્ટ છે. કારણ? એ તો સૌ જાણે છે!

મૅચ કેન્સલ

બાયોપિકના નામે આ ફિલ્મ અઝહરને ક્લિન ચીટ અપાવવાની અને એ કેટલો બિચારો છે એ સાબિત કરવાની જ ક્વાયત છે એ ચોખ્ખું દેખાઈ આવે છે. પરંતુ એક ફિલ્મ તરીકે પણ આ ‘અઝહર’ તદ્દન કંગાળ છે. એના કરતાં ઘરે બેસીને IPLની એકાદી મૅચ જોઈ નાખો, ખુદ અઝહર પણ એ જ કરતો હશે.

રેટિંગઃ *1/2 (દોઢ સ્ટાર)

(Published in Gujarati Mid Day)

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s