વર્લ્ડ સિનેમાના વ્હાઇટ સ્ક્રીન પર કલરફુલ ક્રાંતિ

આપણને મન ફિલ્મો તો ખાલી હૉલીવુડમાં અને બૉલીવુડમાં બને, બાકી તો બધું પાની કમ ચાય, રાઇટ? રોંગ. આ બધા ‘વુડ’ને તડકે મૂકીને જોઇએ તો ખ્યાલ આવે કે વર્લ્ડ સિનેમામાં બનતી એક સે બઢકર એક ફિલ્મો દાયકાઓથી પરિવર્તનનું બ્યુગલ ફૂંકતી આવી છે.

***

૨૦૧૩માં ગોવા ખાતે ‘ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઑફ ઇન્ડિયા’ ચાલી રહ્યો હતો. એક ફિલ્મનું સ્ક્રીનિંગ થવાને આડે અડધાએક કલાકની વાર હતી. પરંતુ એ ફિલ્મ જોવા માટે બહાર ફિલ્મરસિયાઓની લાઇન લાગી ગઈ હતી. એ લાઇન પણ પાછી બે પ્રકારની, એક ટિકિટવાળાઓની અને બીજી જેમને ટિકિટ મળી શકી નહોતી એવા અમારા જેવા વિધાઉટ ટિકિટિયાઓની. ફિલ્મ ફેસ્ટિવલ માટે આવી લાઇનોની કોઈ નવાઈ નથી. ટિકિટ બુક કરાવ્યા પછી છેલ્લી ઘડીનાં કૅન્સેલેશનની સામે જેમને ટિકિટ ન મળી શકી હોય તેમને વહેલા તે પહેલાના ધોરણે એન્ટ્રી મળી જાય. એટલે અમે પણ એ ટિકિટ વગરનાઓની કતારમાં જોડાવા માટે તેનો છેડો શોધવા આગળ વધ્યા. પરંતુ ‘આઇનોક્સ’ મલ્ટિપ્લેક્સના દરવાજાથી શરૂ થયેલી એ ક્યૂ આખું મેદાન વટાવીને સામેની બિલ્ડિંગની અંદર ઘૂસી ગયેલી. પેટમાં ફાળ તો પડી, પણ બીજો કોઈ વિકલ્પ તો હતો નહીં, એટલે અમે પણ એ બિલ્ડિંગમાં ઘૂસ્યા. એ વિશાળ બિલ્ડિંગનાં પગથિયાં વટાવીને અંદરની લોબીમાં પણ હનુમાનના પૂંછડાની જેમ એ કતાર પૂરી થવાનું નામ જ ન લે. ફાઇનલી એ લાઇનનો છેડો આવ્યો, પણ ત્યાં સુધીમાં પિક્ચર ક્લિયર થઈ ગયેલું કે હવે તો એક સીટમાં બબ્બે જણાને બેસાડે તોય આટલા બધા લોકોનો એ ફિલ્મ જોવા માટે મેળ પડે તેમ નહોતો. થોડી વારે એનાઉન્સમેન્ટ થઈ ગઈ કે ભઈ, ફિલ્મ હાઉસફુલ છે. પરંતુ એ એનાકોન્ડાછાપ ક્યુનો ફાયદો એ થયો કે ફિલ્મ ફેસ્ટિવલના આયોજકોએ વધુ મોટા સ્ક્રીનમાં એ ફિલ્મ ફરી પાછી દેખાડવી પડી. એ ફિલ્મ એટલે ઇરાનિયન ફિલ્મમેકર જાફર પનાહીની ‘ક્લોઝ્ડ કર્ટેન.’

આખા પેરેગ્રાફને અંતે કોથળામાંથી બિલાડું નીકળ્યાની ફીલિંગ થઈ આવી હોય તો, સોરી! એમાં આપણો વાંક નથી. હૉલીવુડની ફોર્મ્યુલેટિક અને આપણા બૉલીવુડની ચોરીચપાટીવાળી ફિલ્મો જોઈજોઇને ફિલ્મો વિશે આપણો ટેસ્ટ એવો જંકફૂડિયો થઈ ગયો છે કે કોઈ સારી ફિલ્મો હાર્ડડિસ્કમાં ભરીને આપે તોય આપણે જોઇએ નહીં. ઇરાનના એ ફિલ્મમેકર જાફર પનાહીની ફિલ્મો તો પછી આવે, પહેલાં તો એમની લાઇફ ઇટસેલ્ફ કોઈ થ્રિલરથી કમ નથી. છેલ્લા દોઢ દાયકાથી ઇરાનની સરકાર એના નામની સુપારી લઇને પાછળ પડી ગઈ છે. કેટલીયે વાર એને જેલમાં નાખવામાં આવ્યો, ૨૦૧૦માં એને છ વર્ષની કેદની સજા થઈ, ફિલ્મો બનાવવા પર ૨૦ વર્ષનો પ્રતિબંધ ફટકારી દેવાયો, કોઇપણ મીડિયાને ઇન્ટરવ્યૂ નહીં આપવાના, સ્ક્રીનપ્લે નહીં લખવાનો અને દેશ પણ નહીં છોડવાનો. મતલબ કે એના ફિલ્મી કરિયર પર બિગ ફુલસ્ટોપ. જાફર પનાહીનો ગુનો? તો કહે, ફિલ્મો બનાવવાનો. એવી ફિલ્મો જે અત્યારના ઇરાનની સ્થિતિ સામે આયનો ધરતી હોય અને જેને જોઇને નેચરલી ઇરાન સરકારને પેટમાં જબ્બર ચૂંક આવે. આ ચુકાદો આવ્યો તે પહેલાં ૨૦૧૦માં જ પનાહીને ઘરમાં નજરકેદ રખાયેલો. ત્યાં ઘરની અંદર એણે પોતાના એક મિત્ર સાથે મળીને આઇફોન પર એક ડૉક્યુમેન્ટરી ફિલ્મ શૂટ કરી લીધી. એ ડૉક્યુમેન્ટરી ફિલ્મ (‘ધિસ ઇઝ નોટ અ ફિલ્મ’)ને એક પૅનડ્રાઇવમાં નાખીને બર્થડે કેકમાં છુપાવી દેવાઈ અને ઇરાનની બહાર કાઢવામાં આવી. ‘કાન ફિલ્મ ફેસ્ટિવલ’માં સરપ્રાઇઝ એન્ટ્રી તરીકે આવેલી એ ફિલ્મ રાતોરાત છવાઈ ગઈ. પ્રતિબંધો અને સજાની ઐસીતૈસી કરીને પનાહીએ એ પછી એકદમ છૂપી રીતે બીજી બે ફિલ્મો ‘ક્લોઝ્ડ કર્ટેન’ અને લેટેસ્ટમાં ‘ટેક્સી’ બનાવી કાઢી. આ બધી જ ફિલ્મો આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રચંડ આવકાર પામી છે.

ઇરાન એટલે ફિલ્મમૅકિંગની દૃષ્ટિએ તદ્દન ભંગાર દેશ. ત્યાંની કટ્ટરવાદી સરકારે ફિલ્મમેકર્સ પર એટલા બધા પ્રતિબંધો લાદી રાખ્યા છે કે આપણા પહલાજ નિહલાણી પણ એની સામે મોસ્ટ લિબરલ લાગે. તેમ છતાં છેલ્લા ત્રણ દાયકામાં ઇરાનમાં આવેલા ન્યુ વેવમાં પ્રચંડ પ્રતિબંધોની વચ્ચે પણ બેસ્ટ ફિલ્મો બની છે. બાળકોને લઇને કે અન્ય પ્રતીકોની મદદથી ત્યાં જે ફિલ્મો બની છે તે વિશ્વની ફિલ્મ સ્કૂલોમાં ભણાવવામાં આવે છે. અબ્બાસ કિયારોસ્તામી, દરાયસ મેહરુઈ, માજિદ મજિદી, જાફર પનાહી, અસગર ફરહાદી જેવા એકદમ ક્લાસ ફિલ્મમેકરો ઉપસી આવ્યા છે. એક બાળક પોતાના ક્લાસમૅટની નોટબુક પાછી આપવા માટે દોડાદોડ કરે (ફિલ્મઃ ‘વ્હેર ઇઝ ધ ફ્રેન્ડ્સ હોમ’) કે પછી ફૂટબૉલની મૅચ જોવા માટે કેટલીક છોકરીઓ છોકરાના વેશે સ્ટેડિયમમાં ઘૂસવાનો પ્રયત્ન કરે (કારણ કે સ્ટેડિયમમાં સ્ત્રીઓના પ્રવેશ પર ઇરાનમાં પ્રતિબંધ હોય) (ફિલ્મઃ ઑફસાઇડ), આવી એકદમ સિમ્પલ થીમ પર પણ એવી ગ્રિપિંગ ફિલ્મ બને, જે જોઇને રૅન્ચો સ્ટાઇલમાં ‘જહાંપનાહ, તુસ્સી ગ્રેટ હો!’ ટાઇપની સલામ ઠોકવાનું મન થાય. વળી, એ ફિલ્મોને પાછી સિનેમાનાં ચશ્માં પહેરીને જુઓ કે તરત જ તેમાં ત્યાંની સોશિયો-પોલિટિકલ સિચ્યુએશન પર કરાયેલા ધારદાર કટાક્ષ દેખાવા માંડે. એટલે જ ‘માય નેમ ઇઝ ખાન’નો ડાયલોગ ઇરાનના ક્રાંતિકારી સિનેમાને જરા જુદી રીતે લાગુ પડે છે કે, ‘અચ્છી ફિલ્મેં બનાને કે લિયે બજેટ કી નહીં, નિયત કી ઝરૂરત હોતી હૈ.’

***

ફિલ્મો સમાજમાં ક્રાંતિનું ટ્રિગર દબાવી શકે કે કેમ તે વિશે તો અર્બન ગોસ્વામીને બોલાવીને ચર્ચા કરાવવી પડે, પણ ફિલ્મોના વિષયો, ટ્રીટમેન્ટ, ટેક્નિક ગમે ત્યારે ગમે તેના દિમાગમાં કેમિકલ લોચો પેદા કરી શકે. એક જ એક્ઝામ્પલ કાફી છે કે ઇટાલિયન ડિરેક્ટર વિટ્ટોરિયો દા સિકાની ‘બાઇસિકલ થિવ્સ’ ફિલ્મ જોઇને આપણા સત્યજિત રાયને ફિલ્મો બનાવવાની પ્રેરણા મળેલી.

આજના ફિલ્મી કીડાઓ જાણે છે કે દુનિયાની લગભગ કોઇપણ ફિલ્મ તમને ‘ટોરેન્ટ’ પરથી એકદમ મખ્ખન કે માફિક મળી જાય. તોય આપણે વર્લ્ડ સિનેમાની કેટલી ઓછી ફિલ્મો જોઇએ છીએ તેનો સેમ્પલ સર્વે આપણે ત્યાં બનતી ઉઠાંતરીવાળી ફિલ્મોને જોઇને થઈ જાય. હિન્દીમાં બનતી દર બીજી-ત્રીજી ફિલ્મ કાં તો હૉલીવુડની અથવા તો દક્ષિણ કોરિયન કે દક્ષિણ ભારતની ફિલ્મોની રિમેક જ હોય છે. હવે તો ગુજરાતી સિનેમામાં આવેલા નવા વૅવમાં પણ આ જ ચાલ્યું છે. આપણા અર્બન ફિલ્મમૅકર્સ ‘ચટ્ ફિલ્મ અને પટ્ કમાણી’ના લોજિકથી પંજાબીથી લઇને કોઇપણ ફિલ્મ પર હાથ મારવા લાગ્યા છે. ગમે ત્યાંથી મસાલો ભેગો કરીને પિરસી દો, આપણી પબ્લિક બધું જ ચાટી જશે. આપણું દિમાગ બંધ કરીને અક્કલ વગરની નકલ કરવા માંડીએ તેનું સૌથી મોટું નુકસાન એ થાય છે કે સ્ટોરી અને સ્ટોરી ટેલિંગમાં ઇનોવેશન થતાં અટકી જાય છે. જેમણે આવું નથી કર્યું તેઓ જ વર્લ્ડ સિનેમાના સ્ક્રીન પર ક્રાંતિનાં વાવાઝોડાં લાવ્યાં છે. એની વાત માંડતા પહેલાં કેલેન્ડરનાં પાનાં નવ દાયકા પાછળ ફેરવો અને ચાલો બીજા વિશ્વયુદ્ધ પછીના સોવિયેત રશિયામાં.

potemkin_pram_stairs
એક સૈકા પહેલાંની સાઇલન્ટ રશિયન ફિલ્મ ‘બૅટલશિપ પોટેમકિન’ની આ ‘ઑડેસા સ્ટેપ્સ’ સિક્વન્સને આપણી ‘તેઝાબ’ સહિતની સંખ્યાબંધ ફિલ્મોએ અંજલિ આપી છે.

એ વખતે ત્યાં સ્ટાલિનના રાજમાં સર્ગેઈ આઇઝેન્સ્ટાઇન નામના યંગ અને ભારોભાર ટેલેન્ટેડ ફિલ્મમેકરનો સિક્કો વાગતો હતો. જ્યારે આખેઆખું વર્લ્ડ સિનેમા ભાંખોડિયાં ભરતું હતું અને સાઇલન્ટ ફિલ્મોનો જમાનો હતો, એ વખતે એણે ‘મોન્ટાજ’ તરીકે ઓળખાતી ફિલ્મ એડિટિંગની એક ટેક્નિક વિકસાવી. સાદા શબ્દોમાં કહીએ તો ફિલ્મના કોઇપણ સીનમાં દૃશ્યોને એક પછી એક એવી રીતે ગોઠવવા જેથી એક નવો જ અર્થ કે અસર પેદા થાય. આજે આ ટેક્નિક ફિલ્મ મૅકિંગમાં એ હદે વણાઈ ગઈ છે કે વિશ્વના બધા જ દર્શકો ક્યાંક ને ક્યાંક તો તેને જોઈ જ ચૂક્યા હોય છે. એ જ ધૂની ફિલ્મમૅકરે ઈ.સ. ૧૯૨૫માં એક સાઇલન્ટ ફિલ્મ બનાવેલી, ‘બૅટલશિપ પોટેમકિન.’ એ ફિલ્મ વિશે તો નિરાંતે રસ-પુરી ખાતાં ખાતાં ચર્ચા થઈ શકે, પણ અત્યારે તેની ‘ધ ઑડેસા સ્ટેપ્સ’ નામની અતિપ્રસિદ્ધ સિક્વન્સની વાત. દરિયાકિનારે આવેલા વિશાળ દાદર પર સેંકડો સ્ત્રી-પુરુષો ખુશખુશાલ ચહેરે વહાણમાં જઈ રહેલા પોતાનાં સ્વજનોને વિદાય આપી રહ્યાં છે. ત્યાં જ ઉપરથી હથિયારબંધ સૈનિકો ઊતરી આવે છે અને આપણા જલિયાંવાલા બાગની યાદ અપાવે તેવો હત્યાકાંડ ચલાવે છે. તેમાં એક નવજાત બાળક સાથેનું પ્રામ (પૈડાંવાળી ટ્રોલી) પણ સીડીઓ પરથી પડે છે. આજે નેવું વર્ષ પછીયે આ સિક્વન્સ જોઇએ તોય આપણાં રૂંવાડાં અટેન્શનમાં ઊભાં થઈ જાય. આ ફેમસ સિક્વન્સને અલ્ફ્રેડ હિચકોક, ફ્રાન્સિસ ફોર્ડ કપોલા, વૂડી એલન, બ્રાયન દ પામા જેવા અઢળક ફિલ્મમૅકર્સ અંજલિ આપી ચૂક્યા છે. એમણે પોતાની ફિલ્મોમાં એક્ઝેક્ટ એવા જ સીન મૂક્યા છે. ઇવન આપણી અનિલ કપૂર-માધુરી દીક્ષિત સ્ટારર ફિલ્મ ‘તેઝાબ’માં પણ એ જ સીન મૂકવામાં આવ્યો હતો.

 

સાઇલન્ટ ફિલ્મોની વાત નીકળે એટલે આપણી પાસે એક હાથવગું નામ છે, ચાર્લી ચૅપ્લિન. કોઈ વળી પાછલી બૅન્ચેથી

general
બસ્ટર કીટન પોતાની આઇકનિક સાઇલન્ટ ફિલ્મ ‘ધ જનરલ’ના સિગ્નેચર પૉઝમાં.

આંગળી ઊંચી કરીને આપણને લૉરેલ એન્ડ હાર્ડી કે ‘થ્રી સ્ટૂજીસ’નાં નામ પણ યાદ કરાવે. એ જગપ્રસિદ્ધ ફિલ્મમૅકર-અદાકારો વિશે ગોડાઉન ભરાઇને લખાઈ-ચર્ચાઈ ચૂક્યું છે. પરંતુ જેની ભાગ્યે જ ચર્ચા થાય છે તેવાં બીજાં બે સાઇલન્ટ ફિલ્મોના શાઇનિંગ સ્ટાર્સ હતા બસ્ટર કીટન અને હેરોલ્ડ લોઇડ. આ તમામ કલાકારો ‘સ્લૅપસ્ટિક’ કહેવાતી કોમેડીના ગુરુ આદમીઓ. એક જમાનામાં સર્કસના જોકરો એકબીજાની પૂંઠે ફટકારવા માટે ખાસ પ્રકારની લાકડી વાપરતા, જે વાગે નહીં, પણ ‘પટ્ટ’ જેવો અવાજ કરતી. ઇટાલિયન ભાષામાં ‘બટાચિયો’ કહેવાતી એ લાકડીનું અંગ્રેજી થયું ‘સ્લૅપ સ્ટિક.’ ખાસ કરીને બસ્ટર કીટન અને હેરોલ્ડ લોઇડે સ્લૅપ સ્ટિક કોમેડી કરવા માટે જે હદે જોખમો લીધેલાં એ આજે એક સૈકા બાદ પણ આશ્ચર્યમાં મૂકી દે છે. ચાલુ ગાડીએ ચડી જવું, ગમે તેટલી અશક્ય લાગતી ઊંચાઇએથી કૂદી જવું, મકાનનો એક આખો હિસ્સો માથા પર પાડવો, એકેય કટ વગર દોડતા-કૂદતા જવું અને એની સૌથી ફેમસ ફિલ્મ ‘ધ જનરલ’માં હતું તેમ ટ્રેનના ચાલુ ઍન્જિનની

girard-perregaux-gives-life-to-a-unique-collection-of-images
હેરોલ્ડ લોઇડની ‘સેફ્ટી લાસ્ટ’ ફિલ્મની ચિરંજીવ ક્લૉક ટાવર સિક્વન્સ, જેને જૅકી ચૅને પોતાની ‘પ્રોજેક્ટ A’ ફિલ્મમાં અંજલિ આપેલી.

આગળ બેસીને સ્ટન્ટ કરવાં. બસ્ટર કીટનની જેમ સાઇલન્ટ યુગના હેરોલ્ડ લોઇડ પણ પોતાનાં જોખમી સ્ટન્ટ જાતે જ કરતા. એમની ‘સેફ્ટી લાસ્ટ’ નામની સાઇલન્ટ ફિલ્મની ક્લોક ટાવર સિક્વન્સ જોશો તો રૂંવાડાં ઊભાં થઈ જશે. હેરોલ્ડ લોઇડે એવો જ એક જોખમી સ્ટન્ટ કરવા જતાં પોતાની આંગળીઓ ગુમાવેલી, તેમ છતાં હાથમાં મોજું પહેરીને પણ એવાં સ્ટન્ટ કરવાનું ચાલુ રાખેલું. આ બધાં સ્ટન્ટની વર્લ્ડ સિનેમાએ એટલી બધી કૉપીઓ મારી છે કે ગણાવતાં થાકીએ. ઇવન જૅકી ચૅન (પડતું છાપરું કે ક્લૉક ટાવર)થી લઇને ક્રિસ્ટોફર નોલાન (રોટેટિંગ હાઉસ, ફિલ્મઃ ‘ઇન્સેપ્શન’) જેવા સર્જકોએ બસ્ટર કીટનને અંજલિ પણ આપી છે. આ દિગ્ગજોની જેમ ચાર અમેરિકન ભાઇઓ ‘માર્ક્સ બ્રધર્સ’ પણ અત્યંત ફેમસ હતા. એમની ઈ.સ. ૧૯૩૩માં આવેલી સાઇલન્ટ કોમેડી ફિલ્મ ‘ડક સુપ’માં એક અરીસાવાળો સીન હતો, જે અરીસાની ગેરહાજરીમાં બે કલાકાર સામસામે ઊભીને એકસરખી રીતે વર્તતા હોય. એ સીનને દિલીપ કુમારની ‘કોહિનૂર’માં અને અમિતાભની ‘મર્દ’માં બેઠ્ઠા લઈ લેવામાં આવેલા.

 

ઈ.સ. ૧૯૨૭માં આવેલી ‘ધ જૅઝ સિંગર’ પછી ટૉકી એટલે કે બોલતી ફિલ્મોનો યુગ આવ્યો. એ પછી સાઇલન્ટ ફિલ્મો અને તેના સિતારાઓ પણ આથમી ગયેલા. ત્યારે આજના જમાનામાં કોઈ મૂંગી ફિલ્મ બનાવે ખરું? વેલ, છૂટાછવાયાં એક્ઝામ્પલ સામે આવતાં રહે છે. જેમ કે, આપણી ૧૯૮૮માં આવેલી કમલ હાસન સ્ટારર ‘પુષ્પક.’ સૌથી નોંધપાત્ર

20024873
પાંચ ઑસ્કર જીતી લાવેલી 2011ની સાઇલન્ટ ફિલ્મ ‘ધ આર્ટિસ્ટ’

ઉદાહરણ હોય તો ૨૦૧૧માં આવેલી ફ્રેન્ચ ફિલ્મ ‘ધ આર્ટિસ્ટ.’ ઈ.સ. ૧૯૨૭થી ૧૯૩૨ના ગાળામાં આકાર લેતી આ ફિલ્મમાં સાઇલન્ટ સિનેમામાંથી ટૉકી સિનેમાનું ટ્રાન્ઝિશન અને સમય સાથે બદલાવની અદભુત વાત કહેલી. એ બ્લેક એન્ડ વ્હાઇટ ફિલ્મ કુલ દસ ઑસ્કર માટે નોમિનેટ થયેલી અને પાંચ અવૉર્ડ્સ જીતી લાવી હતી. શૉટ ટેકિંગ, એડિટિંગ, મ્યુઝિક, ઍક્ટિંગ જેવા દરેક પાસા માટે અચૂક જોવા જેવી એ ફિલ્મમાં હીરો ઝાં દુઝાર્દેંની સાથે એક્ટિંગમાં ટક્કર લીધેલી ઉગી નામના એક ક્યુટ ડૉગીએ. આજે હૉલીવુડ વૉક ઑફ ફેમમાં એ ડૉગીનો એક સ્ટાર પણ છે. બાય ધ વે, આપણે ભારતીય સિનેમાની પહેલી બોલતી ફિલ્મ ‘આલમઆરા’ની પ્રિન્ટ કાયમ માટે ખોઈ નાખી છે એ જસ્ટ રડવા સારુ.

 

સાઇલન્ટ ફિલ્મો એટલે માત્ર કોમેડી ફિલ્મો એવી એક તદ્દન ખોટી છાપ છે. વર્લ્ડ સિનેમાના તખ્તા પર બનેલી મોસ્ટ ફેમસ ફિલ્મોનું માત્ર લિસ્ટ તપાસશો એટલે આ ભ્રમનો ભાંગીને પાઉડર થઈ જશે. ‘સનરાઇઝઃ ધ સોંગ ઑફ ટુ હ્યુમન્સ’ (૧૯૨૭) એકદમ મસ્ત લવસ્ટોરી હતી, જર્મન ફિલ્મો ‘નોસ્ફેરાતુ’ (૧૯૨૨) અને ‘કેબિનેટ ઑફ ડૉ. કેલિગરી’ ખોફનાક હોરર હતી, ‘મૅટ્રોપોલિસ’ સાયન્સ ફિક્શન, ‘ઇટ’ (૧૯૨૭) રોમકોમ હતી. લિસ્ટ લાંબું છે, જગ્યા ઓછી છે. જો આ સાઇલન્ટ ફિલ્મોનો ટેસ્ટ કરવાની ઇચ્છા થાય તો તે તમામ ‘યુટ્યૂબ’ પર છે જ.

પોતાના સ્ટન્ટ ગીતોની જેમ સ્ટેપ બાય સ્ટેપ કોરિયોગ્રાફ કરીને જાતે જ નિભાવતા બસ્ટર કીટન કે હેરોલ્ડ લોઇડ જેવા સાઇલન્ટ મુવી સ્ટાર્સની વાત આવે એટલે હોંગકોંગની ફિલ્મ ઇન્ડસ્ટ્રીને એકલે હાથે વર્લ્ડ મૅપ પર મૂકી દેનારા બે સ્ટાર બ્રુસ લી અને જૅકી ચૅનની વાત માંડ્યા વિના પણ ચાલે જ નહીં. લી અને ચૅન બંને સ્ટન્ટની બાબતમાં આમિર ખાન કરતાં હજાર ગણા વધારે પર્ફેક્શનિસ્ટ. ઈ.સ. ૧૯૭૩માં માત્ર ૩૨ જ વર્ષની ઉંમરે અવસાન પામેલા બ્રુસ લીની સૌથી પ્રસિદ્ધ ફિલ્મ ‘એન્ટર ધ ડ્રેગન’ એના મૃત્યુ પછી રિલીઝ થયેલી. બ્રુસ લીએ માર્શલ આર્ટ વિશે પોતાની ફિલોસોફી સમજાવવા ‘ગેમ ઑફ ડેથ’ નામની એક ફિલ્મ બનાવવી શરૂ કરેલી. પરંતુ તે કાયમ માટે અધૂરી જ રહી. એ ફિલ્મનો પ્રોડ્યુસર, ડિરેક્ટર, એક્ટર, સ્ટન્ટ કોરિયોગ્રાફર, રાઇટર બધું જ એ પોતે હતો. એ ફિલ્મનું મૅકિંગ સમજાવતી ડૉક્યુમેન્ટરી ફિલ્મ ‘બ્રુસ લીઃ અ વૉરિયર્સ જર્ની’ જોતાં સમજાય છે કે એણે એકદમ ડિટેઇલ્ડ નૉટ્સ બનાવીને ગ્રાફિક સાથે પોતાની ફિલ્મ ડિઝાઇન કરી હતી. લીએ એક જ વર્ષમાં હોંગ કોંગ ફિલ્મઉદ્યોગની કાયાપલટ કરી નાખેલી.

jackie-chan-my-stunts-1999એવું જ કામકાજ જૅકી ચૅનનું છે. બબ્બે પેઢીઓ ચૅનની ફિલ્મો જોઇને મોટી થઈ છે. પચાસ વર્ષમાં દોઢસો ફિલ્મો કરી ચૂકેલો જૅકી ચૅન પોતાનાં સ્ટન્ટ જાતે જ કરે છે એટલું જ નહીં, ફિલ્મમાં પણ એની સાથે પોતાની ટીમ હોય છે. સૌથી વધુ સ્ટન્ટ કરવા બદલ એનું નામ ‘ગિનેસ બુક ઑફ વર્લ્ડ રેકોર્ડ્સ’માં પણ નોંધાયેલું છે. હાજર સો હથિયારની ટેક્નિકથી વિઝ્યુઅલ કોમેડીવાળી ફાઇટ કરતા ચૅનની ફાઇટિંગ સ્ટાઇલ અને આગળ કહ્યું તે બસ્ટર કીટનમાં ભારે સામ્યતા જોઈ શકાય છે. જૅકી ચૅન પોતાનાં સ્ટન્ટ કેવી રીતે ડિઝાઇન કરે છે એ જાણવું હોય, તો ‘માય સ્ટન્ટ્સ’ નામની સુપર ઇન્ટરેસ્ટિંગ ડૉક્યુમેન્ટરી ફિલ્મ વહેલી તકે જોઈ નાખો. બાય ધ વે, આઠ વર્ષ પહેલાં આવેલી અને લેબેનોન વૉર પર બનેલી ઇઝરાયેલી ડૉક્યુમેન્ટરી ફિલ્મ ‘વૉલ્ટ્ઝ વિથ બશીરે’ દુનિયાને શીખવ્યું કે ડૉક્યુમેન્ટરી ફિલ્મ પણ એનિમેટેડ હોઈ શકે. લેબેનોનને આ ફિલ્મથી એવાં મરચાં લાગ્યાં કે એણે ફિલ્મ પર સમૂળગો પ્રતિબંધ મૂકી દીધો. એનિમેટેડ હોવા છતાં એ ફિલ્મનાં દૃશ્યો જોઇને આપણે ધ્રુજી ઊઠીએ.

***

આપણી ફિલ્મોનો એક મૅજર પ્રોબ્લેમ એ છે કે તે વાર્તા કે પાત્રોની આસપાસ નહીં, બલકે સ્ટારની ફરતે ગરબે રમ્યા કરે

battle_of_sevastopol_2015
રશિયન-યુક્રેનિયન‘બૅટલ ફોર સેવાસ્તોપોલ’

છે. એટલે જ ખરા સોના જેવી પરદેશી ફિલ્મો જોવાનું હવે સરળ બન્યું હોવા છતાં માંડ મુઠ્ઠીભર લોકો તેનો સ્વાદ માણે છે. બહુ પાછળ ન જઇએ અને છેલ્લાં થોડાં વર્ષમાં જ આવીને પોતાનાં પરચમ લહેરાવનારી ફિલ્મોની ક્વિક વાત કરીએ. આપણે હૉલીવુડની ‘અમેરિકન સ્નાઇપર’ના દીવાના છીએ, પરંતુ રશિયન-યુક્રેનિયન ફિલ્મ ‘બૅટલ ફોર સેવાસ્તોપોલ’ જોઇએ તો બીજા વિશ્વયુદ્ધની અને મોસ્ટ ડેન્જરસ રશિયન મહિલા સ્નાઇપરની ખોફનાક વાત જાણવા મળે. પ્રતિબંધોની વચ્ચે પિસાતી પાંચ ટીનએજ છોકરીઓની બળવાખોર વાત માંડતી ટર્કીશ ફિલ્મ ‘મસ્ટેન્ગ’ તો ગમે ત્યાંથી જોઈ નાખવા જેવી છે (‘મસ્ટેન્ગ’ એટલે ઊછળકૂદકરતો અલમસ્ત ઘોડો). સ્ત્રી સ્વાતંત્ર્યની વાત હળવાશથી છતાં જનોઈવઢ જેવી અસરકારક રીતે કહી શકાય તે આ ફિલ્મે દુનિયાને બતાવ્યું છે. આ ‘મસ્ટેન્ગ’ ફિલ્મ બનાવીને તેની મહિલા ડિરેક્ટર ડેનિઝ એર્ગુવેને તુર્કીના લોકોને સજ્જડ મેસેજ આપ્યો છે કે અત્યારની યુવતીઓ વિશેના તમારા ખ્યાલો બદલી નાખો એમાં જ ભલાઈ છે.

 

છેલ્લા એક દાયકાથી હિન્દી ફિલ્મમૅકર્સ દક્ષિણ કોરિયન ફિલ્મોમાંથી ઉઠાંતરી કરવાના રવાડે ચડ્યા છે. આમ તો મ્યુઝિક અને કલર્સની મદદથી સુપર સંવેદનશીલ સ્ટોરી કઈ રીતે કહી શકાય તે માટે કોરિયન ફિલ્મકાર વૉંગ કાર વાઈના નામના સિક્કા પડે છે. તેમ છતાં થોડાં વર્ષથી સહેજ પણ દયા-માયા વગરની અતિશય ક્રૂર હિંસા અને પ્યોર રોમેન્ટિક એવી મોટા ભાગની હિટ દક્ષિણ કોરિયન ફિલ્મોની રિમેક આપણે ત્યાં બની ચૂકી છે. હજી એ સિલસિલો ચાલુ જ છે.

માત્ર કોરિયન જ શું કામ, બે ઇન્ડોનેશિયન એક્શન ફિલ્મો વર્લ્ડ સિનેમાને નવો રાહ ચીંધી રહી છે. ‘ધ રેઇડઃ રિડેમ્પ્શન’ અને ‘રેઇડ-૨’ની ભારતીય રિમેક બનાવવા માટે આપણે ત્યાં ઝૂંટાઝૂંટ ચાલી રહી છે. સુપર્બ રીતે કોરિયોગ્રાફ થયેલી આ ફિલ્મની ફાઇટ સિક્વન્સ જોઇને આંખો પહોળી થાય, તો તેની ક્રૂરતા જોઇને આંખો મિંચાઈ જાય. વૉર હોય કે તેની હિંસા, ઑડિયન્સ તરીકે આપણે હજી ક્યાંય વધુ મૅચ્યોર થવાનું બાકી છે.

આ વૉર શબ્દ આવ્યો એટલે પાકિસ્તાન યાદ આવી ગયું. આટલાં વર્ષમાં આપણે પાકિસ્તાનને ધિક્કાર સિવાયનાં એકેય ચશ્માંમાંથી જોયું જ નથી. એટલે જ છેલ્લા એક દાયકામાં ઇસ્લામોફોબિયા, ટેરરિઝમ, કરપ્શન, સ્ત્રીઓની સ્થિતિ વગેરે વિષયો પર ત્યાં બનેલી એકદમ મૅચ્યોર ફિલ્મો વિશે પણ આપણે ત્યાં મુઠ્ઠીભર લોકો જ જાણે છે. જેમ કે, ‘ખુદા કે લિયે’માં 9/11 પછી વિશ્વમાં પ્રસરેલા ઇસ્લામોફોબિયાની વાત હતી, તો અને ‘બોલ’માં આપણેય હજી જેના વિશે વાત કરતા ડરીએ છીએ તેવા ટ્રાન્સજેન્ડરના વિષયને સ્પર્શવામાં આવ્યો હતો. અરે, ગયા વર્ષે આવેલી ‘મૂર’ (એટલે કે માતા) ફિલ્મ જોઇએ તો લાગે કે ગાંધીજીને આપણા કરતાં પાકિસ્તાનીઓએ વધુ આત્મસાત્ કર્યા છે. સ્ટ્રિંગ્સ ગ્રૂપના દિલકશ મ્યુઝિકથી ભરચક એ ફિલ્મનાં બલૂચિસ્તાનનાં લોકેશન પણ આંખ ઠારે એવાં છે. એ જ રીતે ત્રણ વર્ષ પહેલાંની ‘વાર’ ફિલ્મ જોઇને આપણા રામ ગોપાલ વર્માએ ટ્વીટ કરેલી કે, ‘મને થાય છે કે ફિલ્મો બનાવવાનું છોડીને આ વાર ફિલ્મના ડિરેક્ટરનો આસિસ્ટન્ટ બની જાઉં.’

વર્લ્ડ સિનેમાને ‘સમુરાઈ’ ફિલ્મોની ભેટ આપનારા જૅપનીઝ સિનેમાની વાત ન કરીએ તો આખી ચર્ચા જ નિરર્થક ઠરે. 9914_frontદિગ્ગજ જૅપનીઝ ફિલ્મ સર્જક અકિરા કુરોસાવાએ ‘ધ સેવન સમુરાઈ’ ફિલ્મ બનાવી તે આપણી ‘શોલે’ અને હૉલીવુડની ‘ધ મેગ્નિફિસન્ટ સેવન’નો પ્રેરણાસ્રોત બની, તે જગજાહેર વાત છે. પરંતુ અન્ય એક સર્જક યસુજિરો ઓઝુની ‘ટૉક્યો સ્ટોરી’માં આપણા ‘અવતાર’, ‘બાગબાન’ વગેરેનાં બીજ પડ્યાં છે. જોકે અત્યંત સંવેદનશીલ એવી ‘ટૉક્યો સ્ટોરી’ વધુ મૅચ્યોર છે અને વૃદ્ધ માતાપિતાની કફોડી સ્થિતિ માટે ક્યાંય સંતાનોને જવાબદાર ઠેરવતી નથી. જપાનની ચીલો ચાતરતી હોરર ફિલ્મોની તો હૉલીવુડ પણ રિમેક બનાવે છે. ફોર એક્ઝામ્પલ, ‘રિંગ’ સિરીઝની બે ફિલ્મો સ્ટોરી, લાઇટિંગ, મૅકઅપ, મ્યુઝિક વગેરે તમામ મુદ્દે ધોળે દિવસે પણ આપણને ડરાવવા માટે પૂરતી છે.

***

કોઈ ને કોઈ મુદ્દે ચીલો ચાતરતી ફિલ્મોની વાતો તો હરિકથાની જેમ અનંત છે. એકવાર તેના કામણના કળણમાં કેદ થઇએ પછી છટકવું નામુમકિન છે. ભાષા અને સ્ટારના મોહમાંથી છૂટીએ અને ઇન્ટરનેટનો કસ કાઢીને વર્લ્ડ સિનેમાની નમૂનેદાર ફિલ્મો જોવાની ટેવ પાડીએ તો ફિલ્મોના પ્રવાહોની રોમાંચક થ્રિલ રાઇડ માણી શકીએ અને આપણી થાળીમાં પિરસાતી હિન્દી ફિલ્મો પણ વિશ્વકક્ષાએ ક્યાં ઊભી છે તેય પામી શકીએ.

(Published in ‘Abhiyaan’ magazine)

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s