હેડિંગઃ થ્રિલ રાઇડ
***
ઇન્ટ્રોઃ આ ઇમોશનલ થ્રિલર નખ ચાવતા રહીએ એવો રોમાંચ અને આંખના ખૂણા પલાળી દે તેવી સંવેદનશીલ સ્ટોરીનું મસ્ત કોમ્બિનેશન છે.
***
ધારો કે આપણે બમ્પર ટુ બમ્પર ટ્રાફિક જામમાં ફસાયેલા છીએ. ગાડીઓના એ થપ્પાની પાછળ સાઇરનો વગાડતી કોઈ એમ્બ્યુલન્સ આવે છે, પરંતુ તે જરાય આગળ જઈ શકે એવી સ્થિતિ નથી. ત્યારે આપણને તે એમ્બ્યુલન્સની દીવાલો વચ્ચે રહેલા દર્દીની કે એનાં પરિવારજનોની હાલતનો વિચાર આવે છે ખરો? મલયાલમ ફિલ્મોના ડિરેક્ટર (અને હવે સ્વર્ગસ્થ) રાજેશ પિલ્લઈની ફિલ્મ ‘ટ્રાફિક’ એક તો આપણને આ પ્રશ્ન પૂછે છે અને સાથોસાથ ઘડિયાળના કાંટે દોડતી જીવન-મરણ વચ્ચેની અત્યંત રોમાંચક રેસ અગેઇન્સ્ટ ટાઇમ પર લઈ જાય છે.
દિલ ધડકને દો
મુંબઈમાં એક યુવાન રોડ એક્સિડન્ટ થાય છે અને ડૉક્ટરો તેને બ્રેઇનડેડ જાહેર કરી દે છે. બીજી તરફ પુણેમાં એક ટીનેજર છોકરીને જો સાંજ સુધીમાં પ્રત્યારોપણ માટે નવું હૃદય ન મળે તો તેના બચવાના કોઈ ચાન્સ નથી. હૃદયના દાતા તૈયાર છે, છોકરીનાં માતાપિતા (દિવ્યા દત્તા અને પ્રોસેનજિત ચેટર્જી) પણ રાહ જોઈ રહ્યાં છે. ત્યાં ઈશ્વર કસોટી કરે છે, પ્રચંડ વરસાદમાં પ્લેન કે હેલિકોપ્ટર ઊડી શકે તેમ નથી. હવે એક જ રસ્તો છે, મુંબઈથી પુણેનું ૧૬૦ કિલોમીટરનું અંતર અઢી કલાકમાં કાપવાનું. ટ્રાફિક જોઇન્ટ કમિશનર (જિમી શેરગિલ) આખા રસ્તે ટ્રાફિક બ્લોક કરાવે છે. જ્યારે માનવહૃદય લઇને ટ્રાફિક કોન્સ્ટેબલ રામદાસ ગોડબોલે (મનોજ બાજપાઈ) પુરપાટ સ્પીડે ગાડી મારી મૂકે છે. કામ અશક્યવત્ છે, પરંતુ તેમાં જોડાયેલી દરેક વ્યક્તિ તેને પૂરું કરવા કટિબદ્ધ છે.
હામ, હૈયું અને હાઇવે
૨૦૦૮માં સાચેસાચ બનેલું, કે એક યુવાનનો અકસ્માત થયો અને તેને બ્રેઇનડેડ ઘોષિત કરવામાં આવ્યો. માતાપિતાએ ભારે હૈયે દીકરાનાં આંખો, કિડની અને હૃદયનું દાન કરવાનું નક્કી કર્યું. તે હૉસ્પિટલથી ૩૦ કિલોમીટર છેટે બીજી એક હૉસ્પિટલમાં નવ વર્ષની બાળકી તંદુરસ્ત હૃદય માટે તરસી રહી હતી. કાર્ડિયાક સર્જન પોતાના હાથમાં આઇસબૉક્સમાં હૃદય મૂકીને દોડતા નીકળ્યા. રસ્તે આવતાં તમામ સિગ્નલો પર ટ્રાફિક થંભાવી દેવાયેલો. આખરે ૩૦ કિલોમીટરનું અંતર ૧૫ મિનિટમાં કાપીને તે બાળકની જિંદગી બચાવી લેવાઈ. આ સત્યઘટના પરથી ડિરેક્ટર રાજેશ પિલ્લઈએ ૨૦૧૧માં ‘ટ્રાફિક’ નામની સુપરહીટ મલયાલમ ફિલ્મ બનાવેલી. તેની તમિળ અને કન્નડ આવૃત્તિ પછી હવે હિન્દીનો વારો આવ્યો છે. કલાકારોનો જબરદસ્ત કાફલો ધરાવતી આ ફિલ્મના બે સ્પષ્ટ ભાગ પડે છે, માનવીય સંવેદનશીલ પાસું અને સીટનો ટેકો છોડીને ટટ્ટાર થઈ જઇએ એવી જબરદસ્ત થ્રિલ.
ફિલ્મ શરૂ થાય કે તરત જ ATMમાંથી પૈસા બહાર આવતા હોય એ સ્પીડે ધડાધડ નવાં નવાં પાત્રો ઇન્ટ્રોડ્યુસ થવા માંડે. એકસાથે પાંચેક મોરચે અલગ અલગ વાર્તાઓ સમાંતરે ચાલતી રહે. એમાંથી કોઇને એકબીજા સાથે દેખીતો સંબંધ હોય એવું ન લાગે. જેવું આપણે માથું ખંજવાળવાનું સ્ટાર્ટ કરીએ કે તરત જ વાર્તા ફટ્ દઇને હાઇવે પર ચડી જાય. કન્ફ્યુઝન દૂર કરવા માટે અંગ્રેજી ટીવી સિરિયલ ‘24’ની જેમ બધાં દૃશ્યોને એકસાથે સ્ક્રીન પર મૂકી દેવામાં આવે. ત્યારે ખબર પડે કે આ વાર્તાઓ એકબીજા સાથે કયા તાંતણે જોડાયેલી છે. સરી જતી એકેક સેકન્ડ કીમતી છે તે દર્શાવતી ઘડિયાળ પણ સાથોસાથ ડિસ્પ્લે થતી રહે અને બૅકગ્રાઉન્ડમાં હૃદયના ધબકારા પણ સંભળાય.
મિનિમમ સમયમાં મૅક્સિમમ અંતર કાપીને અને મુંબઈનો એનાકોન્ડાછાપ ટ્રાફિક ચીરીને હૃદય પહોંચાડવાનું છે એ ટાસ્ક પોતે જ આપણું બ્લડપ્રેશર ઊંચું કરી દેવા માટે પૂરતું છે. ફટાફટ દોડતો કેમેરા, એરિયલ શૉટ્સ, રોકી રખાયેલા લોકોનો વધતો ગુસ્સો, રસ્તામાં આવતી અણધારી મુશ્કેલીઓ અને ઉપરથી વરસતા વરસાદનું વિઘ્ન. ૧૦૦ મિનિટની આ ફિલ્મનો અડધોઅડધ હિસ્સો આવી જ પ્યોર થ્રિલથી ભરચક છે.
પરંતુ રાઇટર-ડિરેક્ટર માત્ર એક થ્રિલર ફિલ્મ બનાવીને અટકી ગયા નથી. એમણે દરેક પાત્રને એક આગવો હ્યુમન એન્ગલ આપ્યો છે. ફિલ્મનું એકેક પાત્ર સખત માનસિક સંઘર્ષ કરી રહ્યું છે. એક માતાપિતા પર પોતાના એકના એક દીકરાના જીવન પર પૂર્ણવિરામ મૂકીને કોઇકની જિંદગી બચાવવાનું દબાણ છે, એક હવાલદાર પોતાના પર લાગેલું ભ્રષ્ટાચારનું કલંક દૂર કરવા અને દીકરીની નજરમાં ફરીથી માનભર્યું સ્થાન મેળવવા મથી રહ્યો છે, એક સ્ત્રી પોતાનું પ્રિયપાત્ર ગુમાવી રહી છે, એક પુરુષ પોતાના લગ્નજીવનના ઝંઝાવાત સામે ઝઝૂમી રહ્યો છે, એક પોલીસ કમિશનર પ્રેક્ટિકલ થવું કે ઇમોશનલ તે દુવિધામાં છે, તો એક પિતા પોતાની દીકરીને પૂરતો સમય ન આપી શક્યાના ગિલ્ટમાં છે. દરેક દ્વંદ્વને અંતે માણસાઈનો વિજય થાય છે. લેખકોએ એવી ખૂબીથી વાર્તાને વળાંક આપ્યા છે, કે લોકો ધર્મ-રાજકીય સ્વાર્થને બાજુએ મૂકીને માત્ર કોઇને જીવાડવાના હેતુથી, માણસ તરીકેની પોતાની ફરજ બજાવવા માટે નીકળી પડે છે.
તમામ મોરચે ચાલતા આ સંઘર્ષોને જોવાની મજામાં ઉમેરો કરે છે ફિલ્મની ધરખમ અને સુરતી માંજા જેવી ધારદાર કાસ્ટ. મનોજ બાજપાઈ તો કેમેરા સામે કાન ખોતરે તોય જોવો ગમે એવો દમદાર એક્ટર છે એ આપણને ખબર છે જ. ‘અ વેન્સડે’ના અનુપમ ખેરની સ્ટાઇલમાં કંટ્રોલ રૂમમાંથી રૂઆબભેર હુકમો છોડતો જિમી શેરગિલ પણ હાફુસ કેરી જેવો સ્વીટ લાગે છે. પરંતુ તે ઉપરાંત કિટુ ગિડવાણી, સચિન ખેડેકર, વિક્રમ ગોખલે, પરંબ્રત ચેટર્જી, પ્રોસેનજિત ચેટર્જી, દિવ્યા દત્તા સરીખા અદાકારોની એક્ટિંગમાંથી પણ પ્રામાણિકતા ટપકે છે. સંવેદના અને રોમાંચના તાણાવાણા ડિરેક્ટર રાજેશ પિલ્લઈએ માત્ર ૧૦૦ મિનિટમાં જ ગૂંથી લીધા છે. એટલે ફિલ્મમાં ક્યાંય ખોટી ચરબી દેખાતી નથી. ઇવન સાવ સિંગલ લાઇનની લાગતી સ્ટોરીમાં પણ વચ્ચે અણધાર્યા ટ્વિસ્ટ નાખીને રોમાંચ વધારી દીધો છે.
જોકે ઘણાં દૃશ્યોમાં પ્રોડક્શન ક્વૉલિટી ખાસ્સી નબળી લાગે છે. આપણે ફિલ્મનાં પાત્રો સાથે ઇમોશનલી જોડાઇએ, તેમ છતાં ઘણાં બધાં રડારોળનાં દૃશ્યો ફિલ્મને લાઉડ મૅલોડ્રામાની બાઉન્ડરી તરફ ધકેલતા હોય તેવું ફીલ થઈ આવે છે. થોડું એવું થાય કે જો બૅકગ્રાઉન્ડ મ્યુઝિક અને એડિટિંગને થોડાં વધારે પૉલિશ કર્યાં હોત તો ફિલ્મ ઓર નિખરી આવત. ઘણા ફિલ્મ રસિયાઓ કહે છે કે આ હિન્દી વર્ઝન કરતાં ઑરિજિનલ મલયાલમ ફિલ્મ ક્યાંય વધુ સારી રીતે બની હતી. જો ખરેખર ફિલ્મો જોવાનો શોખ હોય, તો મલયાલમને પહેલી પસંદગી આપી શકાય.
થોભો, જુઓ, જાઓ
દુઃખની વાત એ છે કે ડિરેક્ટર રાજેશ પિલ્લઈ પોતાની આ ફિલ્મની રિલીઝ જોઈ શક્યા નહીં. આ વર્ષે ફેબ્રુઆરીમાં તેઓ લિવરની બીમારીને કારણે ૪૧ વર્ષની ભરયુવાન વયે ગુજરી ગયા. તમને ઇમોશનલ-થ્રિલર ફિલ્મો ગમતી હોય કે નહીં, પરંતુ રિયલ લાઇફમાંથી આવી સરસ વાર્તા શોધીને પ્રામાણિકતાથી પેશ કરવા માટે ડિરેક્ટરને અંજલિરૂપે પણ આ ફિલ્મ જોવી જોઇએ. ફિલ્મ જોયા પછી ક્યારેય કોઈ એમ્બ્યુલન્સનો રસ્તો રોકતા જીવ નહીં ચાલે.
રેટિંગઃ ***1/2 (સાડા ત્રણ સ્ટાર)
(Published in Gujarati Mid Day)
Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.