હેડિંગઃ પ્રોજેક્ટ ટાઇગર

***

ઇન્ટ્રોઃ ટાઇગર શ્રોફના માર્શલ આર્ટ્સ સિવાય કોઈ નવિનતા વિનાની આ ફિલ્મના ખરા બાગીઓ તો તેના મૅકર છે, જેમણે ઉઠાંતરી કરવામાં કશું જ બાકી નથી રાખ્યું.

***

ચવાણા વિશે એવી દંતકથા છે કે ફરસાણની દુકાનમાં તમામ સામગ્રીઓના વધેલા માલને મિક્સ કરીને વેચવાની
સિસ્ટમથી ‘ચવાણા’ શોધ થઈ. ટાઇગર શ્રોફ અને શ્રદ્ધા કપૂર સ્ટારર ‘બાગી’ પણ એક પ્રકારનું ફિલ્મી ચવાણું જ છે, જેમાં જાતભાતની વાનગીઓ ઇમ્પોર્ટ કરીને મિક્સ કરવામાં આવી છે. પહેલાં એ ચવાણાનો ટેસ્ટ કરી લઇએ પછી તેના કંદોઈ વિશે વાત કરીશું.

જમ્પિંગ ટાઇગર સેbaaghi_hindi_film_posterવિંગ કિટન

રોની (ટાઇગર શ્રોફ) નામનો એક જુવાનિયો કેરળ જતી ટ્રેનના સૅકન્ડ ક્લાસમાં ચડી બેઠો છે. એને સીટ મળે તે પહેલાં જ એક સુંદર છોકરી સિયા (શ્રદ્ધા કપૂર) મળી જાય છે. ટ્રેન કેરળ પહોંચે તે પહેલાં આ બંને પ્રેમનગર પહોંચી જાય છે. કેરળમાં રોની ‘કલરીપયટ્ટુ’ નામનું પરંપરાગત માર્શલ આર્ટ શીખવા આવ્યો છે. એના ગુરુજીનો એક માથાભારે દીકરો છે, રાઘવ (સુધીર બાબુ). એ બેંગકોકમાં ગેરકાયદે ફાઇટક્લબ ચલાવે છે. અહીં ઇન્ડિયામાં એ પણ આ સિયાનો રંગરસિયા થઈ જાય છે. બસ, પ્રેમનો એવો ખૂનખાર ત્રિકોણ રચાય છે કે રાઘવ રાવણમાં કન્વર્ટ થઈ જાય છે. એ સિયાને સીધો બેંગકોક ઢસડી જાય છે અને ત્યાં પોતાની બહુમાળી ‘ઍક્શનવાટિકા’માં પૂરી દે છે. તેની પાછળ વાનરસેનાને લીધા વગર રોની પણ કૂદકા મારતો મારતો બેંગકોક પહોંચે છે. ભીષણ રક્તપાત થાય છે અને અંતે સત્યનો વિજય થાય છે.

ટાઇગર આવ્યો રે ટાઇગર

આ ફિલ્મને ચર્ચાસ્પદ બનાવતાં બે પાસાં પૈકીનું પહેલું છે ટાઇગર શ્રોફ. આ જૅકીપુત્રે યુગો યુગો સુધી જિમ્નેશિયમમાં પરસેવો વહાવીને જે પરિશ્રમ કર્યો છે, તે અહીં ચોખ્ખો દેખાય છે. આખા મુંબઈમાં જેટલા સ્પીડબ્રેકરો નહીં હોય એના કરતાં પણ વધારે સ્નાયુઓના ગઠ્ઠા એના શરીર પર છે. સતત ઝીરો ગ્રેવિટીમાં રહેતો હોય એ રીતે તે ઊછળી ઊછળીને લાતો મારે છે. આખી ફિલ્મમાં એ જેટલી કૂદાકૂદ કરે છે, એ જોતાં એનું નામ ટાઇગર નહીં, કાંગારૂ શ્રોફ હોવું જોઇએ. વળી, આ બધી ઍક્શનમાં એ એટલો બધો સ્વાભાવિક લાગે છે કે જાણે ઘોડિયામાંથી જ કૂદકો મારીને માર્શલ આર્ટ્સ કરવા માંડ્યો હશે એવું લાગે. એ પોતાના પગને જ હેલિકોપ્ટરની જેમ ઘુમાવીને બૅંગકોકથી સીધો ઊડીને ઇન્ડિયા લૅન્ડ થઈ શકે. પરંતુ બિચારાનો બધો જ સમય જિમમાં ગયો હશે, એટલે ઍક્ટિંગમાં નીલ બટે સન્નાટા છે. મતલબ કે ડબ્બા ગૂલ છે. નીચે ઊભાં ઊભાં લાત મારીને સૉડિયમ લાઇટ ફોડવાની હોય તો એ કરી દે, પણ ચહેરા પર બે જેન્યુઇન એક્સપ્રેશન લાવવાં હોય તો ટાઇગરમાંથી ટર્ટલ થઇને કોચલામાં પુરાઈ જાય. ટાઇગર ઍક્શનનો અરબી ઘોડો છે, એના માટે ટેલરમૅડ રોલ લખાશે, તો આ ટાઇગર ક્યારેય લુપ્ત નહીં થાય.

ચોરી નહીં હેરાફેરી

જેવી રીતે દોસ્તીનો હોય છે, એમ ઉઠાંતરીનો પણ એક ઉસૂલ હોય છેઃ આખા ગામને ખબર હોય એવી જગ્યાએ ક્યારેય હાથ ન મરાય. તરત જ પકડાઈ જઇએ. પાંચ વર્ષ પહેલાં એક ઇન્ડોનેશિયન ફિલ્મ આવેલી ‘રેઇડઃ રિડેમ્પશન.’ મારકાપથી ફાટફાટ થતી એ ફિલ્મને આખા દેશના જુવાનિયાંવ મૅગી નૂડલ્સની જેમ ઘપાઘપ ગળચી ગયેલા. એ ફિલ્મની રિમેકના રાઇટ ભારતના અન્ય એક પ્રોડ્યુસર પાસે હતા, પણ ‘બાગી’ના મૅકરે વચ્ચેથી હાથ મારીને તે આઇડિયા તફડાવી લીધો અને ‘બાગી’ ફિલ્મના સૅકન્ડ હાફમાં ઠૂંસી દીધો. ક્રિએટિવિટીની ગરીબીન હદ જુઓ કે એક વિદેશી ફિલ્મ પરથી આપણે ત્યાં હિન્દી વર્ઝન બનાવવા માટે પણ મૅકરો કૉર્ટની માલીપા ઝૂંટાઝૂંટ કરી રહ્યા છે.

પરંતુ એકલી ધબાધબીથી શું થાય? લોકોને કંઇક પોચીપોચી લવસ્ટોરી તો જોઇએ ને. એટલે ઈ.સ. ૨૦૦૪માં આવેલી તેલુગુ ફિલ્મ ‘વર્ષમ’ (યાને કે વરસાદ) પર તરાપ મારવામાં આવી. ‘યુટ્યૂબ’ પર પડેલી એ તેલુગુ ફિલ્મ જોઇએ ત્યારે ખ્યાલ આવે કે ‘બાગી’ના ફર્સ્ટ હાફમાં સીન બાય સીન હિન્દીમાં છાપી મારવામાં આવી છે. તે ઉપરાંત આ ફિલ્મના ફાઇટ અને ટ્રેનિંગના કેટલાય સીનમાં જૅકી ચૅનની ફિલ્મોનાં દૃશ્યો ઠૂંસવામાં આવ્યા છે. કોઈ કહેશે, હશે હવે. આપણને તો ચવાણાથી મતલબ, તેને કયા તેલમાં તળ્યું છે એ જાણીને આપણને શું કરવું છે? પરંતુ તાજાના નામે આપણને વાસી ચવાણું પધરાવવામાં આવે ત્યારે જાંચ-પડતાલ કરીને પડીકું બંધાવ્યું હોય તો જરા સમું પડે.

બાગીના ગોબા

યંગસ્ટર્સને ધ્યાનમાં રાખીને બનેલી આ ફિલ્મમાં પહેલો સવાલ એ થાય કે આ ફિલ્મનું નામ ‘બાગી’ યાને કે બળવાખોર શા માટે રખાયું છે? ટાઇગરથી લઇને હિરોઇન શ્રદ્ધા કે ઇવન વિલન સુદ્ધાં અહીં બળવાખોર નથી. એ લોકો માત્ર પોતાને બાગી ગણાવે છે, બાકી બાગીવેડામાં ખપે એવું કશું એ લોકો કરતાં નથી. એકથી વધુ ફિલ્મોની ખીચડી કરવામાં એવું કાચું કપાયું છે કે ક્યાંય કશું જ કન્વિન્સિંગ લાગતું નથી. સડેલા જરીપુરાણા જોક્સ અને એવી જ તદ્દન ચપ્પટ જતી સુનીલ ગ્રોવર અને સંજય મિશ્રાની કોમેડી. બંને કોમેડી શૉમાંથી ભૂલા પડી ગયેલા કલાકારોની જેમ ગાંડા કાઢ્યા કરે છે. ક્યાંક આખા સીન જ બિનજરૂરી લાગે છે, તો ઠેકઠેકાણે બે દૃશ્યોની વચ્ચે થીગડાં મારેલાં દેખાઈ આવે છે. ઑરિજિનલ ફિલ્મ ‘રેઇડઃ રિડેમ્પ્શન’માં જે ખોફનો માહોલ હતો, તેવું અહીં ક્યાંય અનુભવાતું નથી. ખામી એક્ટિંગની ગણો કે રાઇટિંગની, પરંતુ શ્રદ્ધા અને ટાઇગરની લવસ્ટોરીમાં એકેય ઇમોશન આપણા સુધી પહોંચતું નથી. ફિલ્મમાં એ બંને જ્યારે મળે છે ત્યારે વરસાદ આવે છે, એ લોજિકથી તો બંનેને તાકીદે મહારાષ્ટ્રની કંડક્ટેડ ટૂર કરાવવી જોઇએ. લોજિકનાં ચશ્માંમાંથી જોઇએ તો મંગળ કરતાંય વધુ ખાડા આ ફિલ્મમાં દેખાય. જેમ કે, અંધ વ્યક્તિ ટેક્સી કઈ રીતે ચલાવી શકે? હાથ-પગ, હથોડા, ચાકુ-છરા, લાકડી બધાથી ઝઘડો, પણ પિસ્તોલ કેમ ન વાપરો ભઈ? લિસ્ટ લાંબું છે, જગ્યા ઓછી છે.

ટાઇગર સિવાયના રણકાર

આ ફિલ્મમાં ટાઇગરની મારફાડ ઍક્શન ઉપરાંત પણ જોવા જેવું તો છેજ. જેમ કે, કેરળનાં બૅકવૉટર્સનાં આંખને ઠંડક આપે એવાં લોકેશન. દરવર્ષે કેરળમાં યોજાતી દિલધડક સ્નૅક બોટ રેસ ‘વલ્લમ કલી’ હિન્દી ફિલ્મમાં ભાગ્યે જ જોવા મળી છે. એવું જ આપ
ણા સ્વદેશી માર્શલ આર્ટ કલરીપયટ્ટુનું છે. રૂંવાડા ઊભા કરી દે તેવા આ યુદ્ધકૌશલ્યને આપણા હિન્દી ફિલ્મમૅકરે હજી હાથ કેમ નથી લગાડ્યો તે જ આશ્ચર્ય છે. અહીં એ કલરીપયટ્ટુને પણ જોવા જેવું છે. જોકે કેરળ ફરી આવેલા વાચકોને ખ્યાલ હશે જ કે આ કળા શીખવતી શાળાનું ભોંયતળિયું વૂડન નહીં બલકે માટીનું હોય.

શ્રદ્ધા કપૂરના ચહેરા પર ક્યુટનેસનો સ્થાયી ભાવ છે. અહીં એ થોડી કૃત્રિમ લાગે છે, પણ તોય જોવી તો ગમે જ છે. આ ફિલ્મથી સુધીર બાબુ નામના ડૅશિંગ તેલુગુ એક્ટરની હિન્દીમાં એન્ટ્રી થઈ છે. ઓળખાણ કાઢીએ તો એ બીજા એક તેલુગુ સુપરસ્ટાર મહેશ બાબુના સાલેસાહબ થાય. હવે, ફિલ્મમાં હીરો કરતાં વિલન વધુ ડૅશિંગ હોય ત્યારે એ ફિલ્મના ભગવાન જ માલિક હોય.

આ ટાઇગર સફારી કરાય?

અરીસા સામે જોઇને તમારી જાતને સવાલ પૂછો કે તમને જૅકી ચૅન, બ્રુસ લી ટાઇપની ફાઇટિંગ ગમે? કેરળની ક્વિક કંડક્ટેડ ટુર કરવી ગમે? અઢી કલાક ટાઇગર શ્રોફને જોઈ શકો? તેની મહેનતને માન આપી શકો? શ્રદ્ધા કપૂરના ફોટા મોબાઇલમાં સેવ કરેલા છે? જો જવાબ ‘હા’માં હોય તો પૈસા ખર્ચીને ટાઢાબોળ થઈ આવો.

રેટિંગઃ ** (બે સ્ટાર)

(Published in Gujarati Mid Day)

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s