નીલ બટે સન્નાટા

Caution: Very mild, ‘U’ type spoilers!
– મોર ધેન એક દાયકા પહેલાં કમ્યુનિકેશન સ્ટડીઝના ભાગરૂપે અમને એક ડોક્યુમેન્ટરી બતાવવામાં આવેલી. સરકારી પ્રૉપેગન્ડા જેવી એ મહા કંગાળ, બાલિશ અને કાચીપાકી ફિલ્મ જોઇને અમે કપાળ કૂટેલું કે જીવનમાં હવે આવી ફિલ્મો જોવાનું જ બાકી રહી ગયું છે? ત્યારે ‘બાઝીગર’ના દિનેશ હિંગુ સ્ટાઇલમાં એવો જવાબ મળેલો કે, ‘એ તો ડેવલપમેન્ટલ ફિલ્મો તો આવી જ હોય!’ હવે આ ‘નીલ બટે સન્નાટા’ જોઇને રાજસ્થાનીઓના વરઘોડાની જેમ ફુલ વોલ્યુમ પર રસ્તાની વચ્ચોવચ ફરી વળવાની ઈચ્છા થાય છે કે આવડત, નિયત અને હિંમત હોય તો ગર્લ ચાઇલ્ડ એજ્યુકેશન અને વુમન એમ્પાવરમેન્ટ જેવા ‘ડેવલપમેન્ટલ’ ટોપિક પર પણ અફલાતૂન ફિલ્મ બનાવી શકાય.

– રામુ, કશ્યપ આણિ મંડળીની ફિલ્મો જોયા પછી ખિન્ન થઇને એવા જ વિચારો આવે કે બસ હવે તો અમદાવાદના રસ્તાઓ પર ખોદેલા ખાડામાં પડીને આપઘાત જ કરી લઇએ. જ્યારે આવી ફ્રાન્ક કાપરા- હૃષીકેશ મુખર્જી ટાઇપની ફિલ્મ જોઇને થાય કે ના ના, ઘોર કળિયુગ ડાઉનલોડ થવાને હજી એટલિસ્ટ 1%ની તો વાર છે જ. ચાલો, થોડું જીવી નાખીએ!

– દિગ્દર્શિકા અશ્વિની ઐયરે આ ફિલ્મના બધા જ સીનમાં ગાગરે-ગાગરે સંવેદનશીલતા અને ડિટેલિંગ સીંચ્યાં છે. એટલે જ તમને રત્ના પાઠક, પ્રિન્સિપાલ પંકજ ત્રિપાઠી, કલેક્ટર સંજય સૂરી કે હોંશિયાર પ્લસ મસ્તીખોર ક્લાસમેટ પર પણ પ્રેમ ઓવરફ્લો થઈ આવે! ફિલ્મનાં ચાર પાત્રો સ્વરાનાં પાત્ર કરતાં પૈસા-પાવર-પોઝિશન કે નોલેજમાં સુપિરિયર છે, છત્તાં એમનામાં તેનું અભિમાન નથી. આપણી પેલી કહેવત જેવું, કે આંબા પર જેટલી વધુ કેરીઓ આવે એટલો જ તે નીચો નમે!

– ચંદા (સ્વરા) દીકરીને ભણાવવા પારકાં ઘરનાં કામ કરે, જૂતાંની-મસાલાની ફેક્ટરીમાં કે ધોબીઘાટ પર જાત ઘસી નાખે પણ ફિલ્મમાં તમને ક્યાંય એ સહાનુભૂતિની ભીખ માગતી નહીં દેખાય. એના કેરેક્ટરમાં ‘વ્હાય મી’ ટાઇપની કડવાશ નથી એ બેસ્ટ વાત છે.

– ફિલ્મમાં જ્યાં પણ તમે ‘બાઈ’ને બદલે ‘મિસરાની’ કે ‘મેથ્સ’ને બદલે ‘મેસ’ સાંભળો, દીકરીને ખાટલા પર સૂવડાવીને પોતાને નીચે ગોદડા પર સૂતી જુઓ, એક ઘટના પછી પોતાના લંચબોક્સમાંથી (દીકરીનું ફેવરિટ બટાકાનું) શાક કાઢીને એકલી ચટણી ભરી દેતી જુઓ, ગેસ પર મૂકેલી ચા ઊભરાયા પહેલાં અને પછીના એના અવાજના બદલાયેલા ટોન સાંભળો, ચંદા જ્યારે કલેક્ટરના ઘરમાં પ્રવેશે ત્યારે લો એંગલે મુકાયેલો કેમેરા કહેતો હોય કે હમણાં એ નીચે બેસશે… ત્યારે ડિરેક્ટર સાહિબાની આઈ ફોર ડિટેલિંગ માટે માન થાય. થેન્ક ગોડ, ઝોયા, ગૌરી, રીમા પછી બોલિવૂડમાં થોડી, પણ ક્વોલિટી દિગ્દર્શિકાઓ આવતી થઈ છે. બોલ્યા વિના કહી દેવાની અશ્વિનીની આવડત માટે ફિલ્મનો એક જ સીન કાફી છે, જ્યાં સ્કૂલમાં હાજરી પુરાતી હોય અને ચંદા અલગ અલગ જગ્યાઓએ કામ કરીને શેઠને હા જી હા કરતી હોય.

– પરફેક્ટ કાસ્ટિંગ. સ્વરા તો આમેય બોલિવૂડની રેર સ્પિસિસ એવી થિન્કિંગ બ્યુટી છે, જે JNU જેવા કેસોમાં નીડરતાથી પોતાનું સ્ટેન્ડ લે છે. (‘રાંઝણા’ પછી એ ફિલ્મમાં રહેલા મેલ શોવિનિઝમ, સ્ટોકિંગ જેવા મુદ્દાઓને લઈને એણે ‘ધ હિંદુ’માં ફિલ્મનાં પાત્રોનું એનાલિસિસ કરતો મસ્ત લેખ લખેલો. તેની લિંક પહેલી કમેન્ટમાં છે. એ લેખ વાંચીને મેં સ્વરાને વાયા સોશિયલ મીડિયા મેસેજ કરેલો, જેના જવાબમાં એના બ્લશિંગ ચિક્સ ચોખ્ખા જોઈ શકાતા હતા!)

– અપેક્ષા (મસ્ત સિમ્બોલિક નામ) બનતી બટકબોલી રિયા શુક્લા પણ ગજબ ડિસ્કવરી છે. આ બંનેને મીટી રોલ મળવા જ જોઇએ.

– પંકજ ત્રિપાઠી જેવા કલાકાર ફિલ્મમાં હોય તો ફિલ્મ કેટલી રિચ બની જાય એનું આ ફિલ્મ પરફેક્ટ એક્ઝામ્પલ છે.

– ‘લિસન અમાયા’ (જોઈ છે ને?!) સ્વરાની કમિંગ ઓફ એજ સ્ટોરી હતી, તો આ ‘નીલ બટે…’ રિયાની એવી સ્ટોરી છે. પણ સાથોસાથ આ ફિલ્મ એની મમ્મીની પણ સેલ્ફ ડિસ્કવરી છે.

– સેકન્ડ હાફમાં થોડી પ્રીચી કે ઓવરઓલ સિમ્પલિસ્ટિક લાગી શકે, પણ જરાય એસ્કેપિસ્ટ નથી. ફિલ્મમાં કહેવાયું છે, “ગરીબોને સપનાં ન હોય એ નહીં, જીવનમાં કોઈ સપનું જ ન હોવું એ ખરી ગરીબી છે.”

– ભક્તો-વિરોધીઓ કેજરીવાલને ભલે ગાળો ભાંડતા, પણ એણે સામે ચાલીને આ ફિલ્મને ટેક્સ ફ્રી કરી આપી છે. આપણે ત્યાં તો ‘બેટી પઢાઓ’વાળા પક્ષની જ સરકાર છે, મહિલા અને એમાંય શિક્ષિકા મુખ્યમંત્રી છે. હજી ટેક્સ ફ્રી કરવાની વાત સંભળાઈ નથી. એની વે, ટેક્સ ફ્રી કરશે તો મલ્ટિપ્લેસવાળા ઝોલઝાલ કરીને ભાવ વધારી દેશે. હેતુ એ છે કે આવી નખશિખ સુંદર ફિલ્મ વધુ ને વધુ લોકો સુધી પહોંચે. અને આ ફિલ્મને ચલાવવાની જવાબદારી દર્શક તરીકે આપણી છે, કેમકે યથા ઓડિયન્સ તથા ફિલ્મ્સ.

– બહુ ટાઇમે એવી ફિલ્મ આવી છે, જે જોયા પછી એનો ખુમાર રહે અને બીજાને સમ આપીને બતાવવાની ઈચ્છા થાય. રેટિંગઃ ***1/2 (સાડા ત્રણ સ્ટાર)

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s