હેડિંગઃ લોહીનો રંગ કાળો

***

ઇન્ટ્રોઃ લોહીના બ્લૅકમાર્કેટનો બોલ્ડ સબ્જેક્ટ, ઑથેન્ટિક હરિયાણવી ફ્લેવર અને રણદીપ હૂડાનું ઝન્નાટેદાર પર્ફોર્મન્સ. ત્રણ મજબૂત કારણ છે આ ફિલ્મ જોવા માટેનાં.

***

ઑડિયન્સlaal-rang-official તરીકે આપણો મોટો પ્રોબ્લેમ એ છે કે આપણને નવું જોઇએ છે પણ જૂના જેવું જ. સહેજ અલગ વિષય, નોખી ટ્રીટમેન્ટવાળી કે મોટી સ્ટારકાસ્ટ વગરની ફિલ્મ આવે એટલે થિયેટરમાં ઑડિયન્સ કરતાં સ્ટાફની સંખ્યા વધી જાય. ખરેખર તે ફિલ્મ જોવા ઇચ્છતા બે-પાંચ લોકો માંડ નીકળે, જે પબ્લિકના અભાવે શૉ કેન્સલ થવાને કારણે ધોયેલા મૂળાની જેમ પાછા જાય. આ આખા કકળાટનું લેટેસ્ટ ઉદાહરણ છે ગઇકાલે રિલીઝ થયેલી ફિલ્મ ‘લાલ રંગ.’ નામ પરથી લાગે કે આ તો કોઈ નક્સલવાદ પર બનેલી ફિલ્મ હશે, પણ એમાં જે વાત કહેવાઈ છે એ જોઇને ભલભલા લોકો થથરી જાય. કેમ કે, આપણા દેશમાં કંઈ પણ શક્ય છે.

લહૂ કે દો રંગ

ઍસ્ટ્રોનૉટ કલ્પના ચાવલા ફૅમ હરિયાણાના કર્નાલમાં શંકર મલિક (રણદીપ હૂડા) નામનો એક ‘ખૂન ચોર’ પોતાનું લોહીના બ્લેકમાર્કેટિંગનું લોહિયાળ રેકેટ ચલાવે છે. સરકારી દવાખાનાં, બ્લડ બૅન્કો અને બ્લડ ડૉનેશન કૅમ્પોમાંથી લોહીની તસ્કરી કરીને ખાનગી હૉસ્પિટલોને ઊંચા દામે પહોંચાડે. સામે રસ્તે રઝળતા પ્રોફેશનલ બ્લડ ડૉનરોને ચણા-મમરા જેવી રકમ આપીને એનું લોહી નિચોવી લે અને હૉસ્પિટલોને પધરાવી દે. લોહીના આ ધંધામાં રહેલી કાળી કમાણી જોઇને રાજેશ ધીમાન (અક્ષય ઓબેરોય) નામના જુવાનિયાને થયું કે આ તો ચરબીદાર ધંધો છે. વળી, એ લેબ ટેક્નોલોજીનું જ ભણે, એટલે મોસાળમાં જમણ અને મા પીરસનાર જેવો ઘાટ. બસ, બંનેની જોડી જામી ગઈ. સાઇડ ટ્રેકમાં બંનેની લવસ્ટોરી પણ ચાલે. એકની સફળ ને બીજાની ડબ્બાડૂલ. હવે, ઘડો પાપનો હોય કે લોહીનો હોય કે પછી લાલચનો, ભરાયા વિના રહે ખરો?

ખૂન કી કીમ

સૈયદ અહમદ અફઝલ નામના યંગ રાઇટર-ડિરેક્ટરે આ ફિલ્મ બનાવી છે (એણે જ અગાઉ ‘યંગિસ્તાન’ નામે ફિલ્મ બનાવેલી. આ તો જસ્ટ કોઈ પૂછે તો કહેવા માટે.) આ ફિલ્મનો સૌથી મોટો પ્લસ પોઇન્ટ છે તેનું ઑથેન્ટિક હરિયાણવી કલ્ચર. ત્યાંની સરકારી કચેરીઓ, હૉસ્પિટલો, ખાઇબદેલા ક્લર્કો, ચાની ટપરીઓ અને સાઇકલ રિક્ષાઓ, બધી વાતમાં જુગાડ કરતા ફાંદેબાજ લોકો, તોછડાઈથી દમ મારતા તાઉઓ, બટકબોલી છોકરીઓ અને સીધા હરિયાણામાં ટેલિપોર્ટ થઈ ગયા હોઇએ એવી ટિપિકલ હરિયાણવી બોલી.

જો આ ફિલ્મમાં રણદીપ હૂડા નામનો બાહુબલિ જેવો મજબૂત એક્ટર ન હોત તો આ ફિલ્મ કદાચ બોરિંગ ડૉક્યુડ્રામા બનીને રહી ગઈ હોત. આ એક્ટર આમ તો હરિયાણાનો જ છોરો છે એટલે એને ‘શંકર મલિક’નું આ પાત્ર ભજવવામાં ઝાઝી મહેનત નહીં પડી હોય. એનું પાત્ર એવું દિલથી લખાયું છે કે તેમાં દોસ્તી, આશિકી, ઉદારતા, લંપટતા, બહાદૂરી, લોહીનો વેપાર કરવાની ક્રિમિનલ વૃત્તિ પરંતુ અંદરથી ૨૪ કેરેટ સોનાનું હૃદય આ બધા જ ભાવ કોકટેલની જેમ પર્ફેક્ટ બ્લૅન્ડ થયા છે. બાઇક પર પીળા ગોગલ્સ, ચળકતાં કપડાં અને રિવોલ્વિંગ બક્કલવાળો બૅલ્ટ પહેરીને ફરતા હૂડાને ઑબ્ઝર્વ કરવા માટે જ આ ફિલ્મ ફરીથી જોવી પડે એવું છે. એની હરિયાણવી બોલી અને એમાં ડૂબાડેલા ‘ઇબ ક્યા તિલક કરાયેગા’, ‘પીસા’ (પૈસા), ‘ખસમ’, ‘કે ખબર હૈ’, ‘ઓ બેટ્ટે’ જેવા શબ્દપ્રયોગો સાંભળવા માત્રથી હરિયાણવી બોલીનો ક્રેશ કોર્સ થઈ જાય.

આ ફિલ્મ સરસ રીતે લખાયેલી તેનો લિટમસ ટેસ્ટ એ છે કે તેનાં નાનાંમાં નાનાં પાત્રો પણ યાદ રહી જાય તેવાં બન્યાં છે. પછી તે કામના સમયે ઑફિસમાં બેસીને ભીંડાં સમારતી લંપટ હૅડક્લર્ક હોય, ખોટું અંગ્રેજી બોલતી ચિબાવલી ગર્લફ્રેન્ડ હોય, રસ્તે રઝળતો બહુરૂપિયો હોય, હૉસ્પિટલનો લૅબ ટેક્નિશિયન હોય કે પછી હૉસ્પિટલનો વૉર્ડબૉય હોય. ફિલ્મના એકદમ શાર્પ ડાયલોગ્સ પણ સૅટાયર, ઑબ્ઝર્વેશન અને ફિલોસોફીથી ભરેલાં છે. જેમ કે, ‘તાઉ, નસબંદી સે બદન મેં કમજોરી ના આવે, દિમાગ મેં આવે’, ‘ડેન્ગી તો ફસલ હૈ, જો બોયી ભગવાન ને હૈ ઔર કાટતે હમ હૈ’, ‘જેલ મૈં ગયા, સુધર તુ ગયા.’

આપણે ત્યાં મોઢા પર મેકઅપના થપેડા લગાવીને રસ્તે રઝળતાં ભૂતપ્રેતવાળી ફિલ્મોને જ ‘હોરર ફિલ્મ’ કહેવાનો રિવાજ છે. પરંતુ જો આ ફિલ્મમાં કહેવાયેલી વાતમાં એક ટીપા જેટલી પણ સચ્ચાઈ હોય, તો તે કોઈ ખોફનાક હોરર ફિલ્મથી કમ નથી. આ ફિલ્મની શરૂઆતમાં જ કહેવાય છે કે, ‘જ્યાં સુધી આપણા કોઈ સ્વજનને લોહીની જરૂર ન હોય ત્યાં સુધી આપણને તેની કિંમત સમજાતી નથી.’ કટોકટીની સ્થિતિમાં કોઇનો જીવ બચી જાય એવી ઉમદા ભાવનાથી આપણે રક્તદાન કરીએ અને દરેક ક્ષેત્રમાં બને છે એમ એ લોહીની સોદાબાજી થવા માંડે તો? આપણા જ કોઈ સ્વજનના શરીરમાં ક્યાંકથી આવેલું ગંદું અને રોગિષ્ઠ લોહી ઘૂસી જાય તો? ઇન્ટરનેટ પર જરાક સર્ચ મારીએ તો આવા કિસ્સાઓથી ન્યૂઝ વેબસાઇટો ઉભરાય છે. ત્યારે આ ફિલ્મનું હોરર વધુ ઘટ્ટ બને છે. ફિલ્મના રાઇટિંગની મૅચ્યોરિટી એવી છે કે લોહી ચોરી લાવતા એક પાત્રનું હુલામણું નામ ‘ડ્રેકુલા’ છે. એ જ પાત્ર જ્યારે લોહી ભરેલી થેલીઓ છૂટ્ટી ફેંકે ત્યારે આપણી આંખો થીજીને સ્ક્રીન પર જ જામ થઈ જાય. અરે, સુભાષબાબુના ‘તુમ મુઝે ખૂન દો’નો આ ફિલ્મ જેવો ખોફનાક અર્થ તો કોઇએ નહીં વિચાર્યો હોય.

હવે આટલાં ઓવારણાં લીધાં પછી ચૂંટિયા ખણવાનો વારો. એક પલ્પ ફિક્શન જેવી આ ડાર્ક થ્રિલર એની ઍનાકોન્ડા છાપ લંબાઈને કારણે આપણને કંટાળાનું ઇન્જેક્શન મારી દે છે. લગભગ અઢી કલાકની આ ફિલ્મ ખાસ કરીને સૅકન્ડ હાફમાં કોઈ દેખીતા કારણ વગર લંબાયા કરે છે. જાણે આપણને જમાડીને ઘરે મોકલવાના હોય એમ ડિરેક્ટરને વાર્તા પતાવવાની કોઈ ઉતાવળ જ દેખાતી નથી. દર થોડીવારે ડ્રૉનથી લીધેલા એરિયલ શૉટ્સ આવ્યા કરે અને ફિલ્મ પૂરી થવાનું નામ ન લે. ‘બાવડી બૂચ કહે દિલ કી’ જેવાં આ ફિલ્મનાં ગીતમાંથી પણ હરિયાણાની માટીની સુગંધ આવે છે, પણ એ સુગંધ ફિલ્મની થ્રિલ મોળી પાડી દે છે. રણદીપ હૂડા સિવાયનાં કલાકારો સરસ છે, પણ તે ફિલ્મને ઊંચકી લે એવા મજબૂત નથી. ઇવન ગલુડિયા જેવો ચહેરો લઇને ફરતા સાઇડ હીરો અક્ષય ઓબેરોયના પાત્રનો ભય, પસ્તાવો પણ આપણા સુધી પહોંચતા નથી.

પરંતુ સૌથી મોટો પ્રોબ્લેમ એ છે કે એક બાજુ આ ફિલ્મ આટલો ગંભીર મુદ્દો ઉઠાવે છે અને બીજી બાજુ આપણને ક્યાંય એવું કહેવાતું નથી કે આ કથા સત્યઘટના પર આધારિત છે કે પછી કાલ્પનિક છે (જોકે ગૂગલ આપણા શકને યકીનમાં બદલી નાખે છે). ક્યાંય કોઈ ઑથેન્ટિક આંકડા, ન્યૂઝ કે બચવાના ઉપાયોની વાત થતી નથી (આની સામે ‘ઉડતા પંજાબ’ના ટ્રેલરમાં જ ડ્રગ એડિક્ટોના આંકડા વેરી દેવાયા છે). ઉપરાંત સૅકન્ડ હાફ પ્રીડિક્ટેબલ પણ એટલો જ છે.

બ્લડ ટેસ્ટ કરાવી આવો

એકદમ ઑફબીટ સબ્જેક્ટ ધરાવતી આ ફિલ્મમાં જાણીતા કલાકારોનું ન હોવું એ આપણે ત્યાં મોટો ‘ગુનો’ છે. પરંતુ તમે જો સ્ટાર કરતાં સબસ્ટન્સને વધુ મહત્ત્વ આપતા હો અને સારી ફિલ્મ જોવી એ જ તમારો એકમાત્ર હેતુ હોય તો આ ફિલ્મ તમારા માટે છે. ફિલ્મ જોઇને બૉલીવુડના અન્ડરરેટેડ એક્ટર એવા રણદીપ હૂડા માટે નવેસરથી માનનું શેર લોહી ચડી જશે.

રેટિંગઃ *** (ત્રણ સ્ટાર)

(Published in Gujarati Mid Day)

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s