– એક વર્ષથી જેના વિશે લખવાનું રહી જતું’તું, તેનો મેળ હવે પડ્યો. રીઝન? ગઈ કાલે જોયેલી મલયાલમ ફિલ્મ ‘કલિ.’ રીઝન? એનો સુપર હૉટ ડુપર ક્યુટ હેન્ડસમ હીરો દુલ્કર સલમાન. આપણા સલીમપુત્ર વાંઢા સલમાનનો તો હું જરાય ફૅન નથી, પણ આ મમૂટીપુત્ર દુલ્કર સલમાન માટે મારા દિલમાં એક સ્પેશ્યલ વેલ્વેટ કોર્નર છે. અગેઇન, રીઝન? કરો રિવાઇન્ડ અને ચાલો, મણિ રત્નમની એક્ઝેક્ટ એક વર્ષ પહેલાં આવેલી તમિળ ફિલ્મ ‘ઓકે કન્મની’ જોવા.

મણિ રત્નમની દુલ્કર સલમાન-નિત્યા મેનન સ્ટારર ‘ઓ કાધલ કન્મની’નું પોસ્ટર. હવે આ ફિલ્મની આદિત્ય રોય કપૂર-શ્રદ્ધા કપૂર સ્ટારર હિન્દી રિમેક ‘ઓકે જાનુ’ના નામે બની રહી છે.

– મણિસરની ૨૦૧૩ની મુવી ‘કડલ’ (મીનિંગઃ દરિયો) મેં મિસ કરેલી (ધિક્કાર હૈ!). એટલે પ્રાયશ્ચિત માટે જેવી ‘ઓ કાધલ કન્મની’ (મીનિંગઃ ઓ=O, કાધલ= પ્રેમ, કન્મની= આંખ જેવી અણમોલ) રિલીઝ થઈ એટલે સ્લોમોશનમાં ફાસ્ટ દોડ મૂકી અને PVRમાં હું ને વાઇફી સજોડે થપ્પો કરી આવ્યાં. બૉસ, એ માણસ નામે મણિ રત્નમની એ ૨૪મી ફિલ્મ હતી એ, પણ જરાય ક્રિએટિવ ફટીગ નહીં. એવી યુથફુલ કે આપણા ચેતન ભગત, અયાન મુખર્જી કે અભિષેક કપૂર માથે બબ્બે બેડાં મૂકીને રીતસર પાણી ભરે. મણિસરની ફિલ્મમાં હિરોઇન હોય એના કરતાંય વધુ બ્યુટિફુલ લાગે (ફિલ્મોગ્રાફી જોઈ લો). અહીં હતી નિત્યા મેનન. ‘ક્રાઇમ માસ્ટર ગોગો’નેય રમવાનું મન થઈ જાય એવી મસ્ત ગોળમટોળ લખોટી જેવી આંખો અને દેશી ગોળના દડબા જેવી મીઠડી પર્સનાલિટી. સાથે હતો દુલ્કર સલમાન. આ મારા કીબૉર્ડ કી કસમ, અત્યારે હિન્દીમાં પણ આના જેવો સુપરહૉટ યંગ એક્ટર એકેય નથી. મતલબ કે હિલ સ્ટેશનની સવારની ઠંડક જેવી ફ્રેશ જોડી. આમેય મણિસરની ફિલ્મોની પૅરને જોઇને ઑડિયન્સને એનાં પ્રેમમાં પડવાનું મન થાય, થાય ને થાય જ! (અંગૂઠા લગવા લો!)

અને સ્ટોરી? કમ્પ્લિટલી મુંબઈમાં બૅઝ્ડ. મુંબઈ આ ફિલ્મ જેટલું રોમેન્ટિક છેલ્લે ક્યારે લાગેલું એ મને યાદ નથી. આર્કિટેક્ટ છોકરી અને વીડિયોગેમ ડિઝાઇનર છોકરો. આપણા મોહનિશ બહલે કહેલું કે ‘લડકા-લડકી દોસ્ત નહીં હો સકતે’, એટલે આ બંનેય પ્રેમમાં પડે. લેકિન લગન જેવી ચિપકુ સિસ્ટમમાં કોણ પડે? એટલે ઑવર ટુ લિવ-ઇન. પણ જે ઘરમાં એ બંને PG તરીકે રહે એના માલિક પ્રકાશ રાજ અને (સૅન્સર બૉર્ડ ફેમ) લીલા સૅમ્સનનો પ્રેમ એમની રિલેશનશિપમાં F5 પ્રેસ કરી દે! (આ પ્રકાશ રાજ એકદમ લુચ્ચો છે, પૈસા કમાવા માટે જંક ફૂડ જેવા જોકરિયા રોલ અહીં કરશે અને ખરેખરા ઝન્નાટેદાર-સૅન્સિટિવ-પર્ફોર્મન્સ ઑરિએન્ટેડ રોલ એ ત્યાંની ફિલ્મો માટે અનામત રાખશે!) અહીં એ આધેડ કપલની મૅચ્યોર લવ સ્ટોરી પણ એટલી જ ઇફેક્ટિવ છે.

છેલ્લાં પાંચ વર્ષમાં આવેલી તમામ રોમકોમ નોવેલ્સની હિટલર સ્ટાઇલમાં હોળી કરવાનું મન થાય એવી ફ્રેશ આ ‘ઓ કાધલ કન્મની’માં એક ટ્રેક આપણા અમદાવાદનો પણ છે. એમાં બાલકૃષ્ણ દોશી (યસ, ધ B V Doshi હિમસેલ્ફ) હિરોઇનને અમદાવાદની ગુફા બતાવીને તેનું સ્ટ્રક્ચર સમજાવતા હોય, હિરો-હિરોઇન અડાલજની વાવમાં લોંગ ડિસ્ટન્સ વાતો કરતાં હોય અને રાતે માણેકચોકની પાઉંભાજી ખાતાં હોય… અને બૅકગ્રાઉન્ડમાં રહેમાનનું મ્યુઝિક! ઔર જીને કો ક્યા ચાહિયે?!

– એઝ એક્સપેક્ટેડ હમણાં જ મેં વાંચ્યું કે આ ‘ઓકે કન્મની’ની હિન્દી રિમેક બની રહી છે, આદિત્ય રૉય કપૂર અને શ્રદ્ધા કપૂરને લઇને. બિલિવ મી, મારો જીવ બળીને ઍશટ્રે થઈ ગયો. એક તો એ ઑવરએક્સપોઝ્ડ પૅરને બદલે કોઈ નવા ચહેરા લેવા જેવા હતા, અને બીજું એનું ડિરેક્શન શાદ અલીને અપાયું છે (મને હજી સપનામાં ક્યારેક વિવેક ઓબેરોય પીળો શર્ટ પહેરીને ‘સાથિયાઆઆઆ’ સાથે કૂદતો દેખાય છે ને હું ઝબકીને જાગી જાઉં છું!). ત્યારથી મેં તો એક્સ્ટ્રા બે દીવા કરવાના ચાલુ કરી દીધા છે કે એ હિન્દી રિમેક અભેરાઈ પર ચડી જાય. જોવી હોય તો ઑરિજિનલ જ જુઓ, આવી ઝેરોક્સ કૉપીઓમાં પછી રાતની ઠંડી ખીચડી સવારે વઘારીને ખાતા હોઇએ એવી જ ફીલ આવે છે.

– હવે એક વર્ષનો જમ્પ અને વાત ગઈકાલે (રાજહંસ મલ્ટિપ્લેક્સમાં) જોયેલી દુલ્કર સલમાનની ગરમા ગરમ રિલીઝ ‘કલિ’ (મીનિંગઃ કંટ્રોલ ન થાય એવો કાળઝાળ ગુસ્સાનો જ્વાળામુખી). લોચો શું થયો ખબર છે? એ મલયાલમ ફિલ્મમાં ઇંગ્લિશ સબટાઇટલ્સ જ નહોતાં! અને મજા શું આવી ખબર છે? ક્યાંય કશું મિસ થયું હોય એવું ન લાગ્યું! આ પણ છે તો લવ સ્ટોરી, લેકિન સેન્ટરમાં છે દુલ્કરના હાઇપર એન્ગરનો જ્વાળામુખી. પળવારમાં હિંસક થઈ જતો અતિશય શૉર્ટટેમ્પર્ડ હિરો અને એના પ્રેમમાં પડીને પરણેલી પારેવા જેવી હિરોઇન સાઈ પલ્લવી. આ મલયાલમ ફિલ્મ ‘કલિ’ અંગ્રેજી ‘ઍન્ગર મેનેજમેન્ટ’થી શરૂ થઇને હિન્દી ‘NH10’ને અડીને પસાર થઈ જાય છે. પણ અહીં એકેએક સીનમાંથી પોતીકી ઑથેન્ટિસિટીનો રણકાર સંભળાય છે. આ ફિલ્મની લીડ પૅર પણ ‘પૅર નેક્સ્ટ ડૉર’ જેટલી રિયલિસ્ટિક અને એ બંને જે પણ સિચ્યુએશન્સમાંથી પસાર થાય એય ATMમાંથી નીકળેલી નવી નોટ જેવી ફ્રેશ, ઑથેન્ટિક. અહીં હિરોઇન સાઈ પલ્લવીને બંને ગાલે એકદમ રિયલ લાગે તેવાં પિમ્પલ્સ પણ બતાવાયાં છે, માનશો? (એવી એકાદી હિન્દી ફિલ્મની હિરોઇન યાદ કરો તો?) ઍક્ટિંગ, સિનેમેટોગ્રાફી અને સૂધિંગ મ્યુઝિક ઉપરાંત આ કલિનું બૅકગ્રાઉન્ડ મ્યુઝિક અને સાઉન્ડ ડિઝાઇન ખરેખર ગજ્જબ છે!

– હવે તમે આ બંને ફિલ્મો જુઓ, ન જુઓ, ઇટ્સ અપ ટુ યુ. પણ અસલી ફિલ્મો તો બાકી મરાઠી, બંગાળી ને સાઉથની ચાર ભાષાઓમાં બને છે, બાકી તો…! (અતિશયોક્તિ? હઇમ્જા હવે!)

– હા, ગયા વર્ષે ‘ઓકે કન્મની’ ને ગઇકાલે ‘કલિ’ (રિસ્પેક્ટિવલી, તમિળ અને મલયાલમ ઑડિયન્સ સાથે) જોયાં ત્યારે એક વાત નૉટિસ કરી. બચ્ચાં-કચ્ચાં સાથે આવ્યાં હોવા છતાં એક પણ માણસે વચ્ચે અવાજ નહોતો કર્યો, ફોન પર વાત નહોતી કરી. ઑડિયન્સ તરીકે અને કળાની કદરદાનીમાં પણ આપણે હજી ઘણું શીખવાનું બાકી છે.

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

One thought on “Kali (Malayalam)

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s