હેડિંગઃ ચડ્ડી પહન કે બ્યુટિફુલ ખિલા હૈ

***

ઇન્ટ્રોઃ મોટા પડદે ફરીવાર સજીવન થયેલી મોગલી અને એના દોસ્તારોની આ કથા કોઈ કિંમતે ચૂકવા જેવી નથી.

***

આપણા મનમાં દરેક યાદગીરી એની સાથે અમુક તસવીરો, સુગંધ અને અવાજ લઇને જોડાયેલી હોય છે. જેમ કે, નેવુંના junglebooktriptych3દાયકામાં મોટા થયેલાં લોકોના મનમાં રવિવારની યાદ એટલે ઈ.સ. ૧૯૯૩માં ‘દૂરદર્શન’ પર આવેલી એનિમેટેડ ટીવી સિરીઝ ‘ધ જંગલ બુક’નું ટાઇટલ સોંગ અને મોગલીની એના દોસ્તારો સાથેની ઊછળકૂદ. આવી જ યાદ સાથે જોડાયેલી કોઈ ફિલ્મ-સિરિયલ વગેરેની રિમેક બને એટલે પહેલો ધ્રાસ્કો એ પડે કે આપણા મનના ખૂણે સંઘરાયેલી એ યાદગીરીનો ભાંગીને ભુક્કો ન થઈ જાય. પરંતુ ‘આયર્નમૅન’ ફેમ ડિરેક્ટર જોન ફેવરોને બે હાથે સલામ કરવી પડે કે જૂની યાદોને એણે અફલાતૂન રીતે સજીવન કરી છે. આ ફિલ્મના પ્રેમમાં પડવું મુશ્કિલ હી નહીં, નામુમકિન હૈ.

યારી-દોસ્તી મોગલી સ્ટાઇલ

આમ તો મોગલીની વાર્તા કહીએ તો ટાબરિયાંવ પણ ‘અંકલ કા ટીવી ડબ્બા હૈ’ જેવો ડાન્સ કરીને આપણી મજાક ઉડાવે. છતાં શૉર્ટ કટ મેં જાણી લઇએ કે મામલા ક્યા હૈ. માનવબાળ મોગલી મધ્યપ્રદેશના સિઓનીના જંગલમાં ભૂલું પડી ગયું છે. વરુઓનું એક ટોળું અને એક બ્લૅક પૅન્થર બગીરા એનું બૅબી સિટિંગ કરીને મોગલીને મોટો કરે છે. અમેરિકામાં જન્મીને મોટાં થતાં આપણાં દેશી બાળકોની જેમ હવે મોગલી પણ ‘હ્યુમન બોર્ન કન્ફ્યુઝ્ડ વુલ્ફ’ છે. એને બનવું છે સાચો વરુ, પણ છે તો એ માણસ. આ કશમકશમાં ફરતા મોગલી પર વર્ષોથી જંગલના ગબ્બર સિંઘ એવા શેરખાન-ધ ટાઇગરનો ડોળો છે. બસ, એક તરફ મોગલી પર્ફેક્ટ વરુ બનવા ટ્રાય કરે છે, તો બીજી તરફ શેરખાન મોગલીની ગેમ ઓવર કરવા માટે ઉધામા મચાવી રહ્યો છે. પણ વેઇટ, મોગલી માથે બીજું પણ એક જાયન્ટ સાઇઝનું જોખમ છે, એ તો હવે તમે જુઓ ત્યારે ખબર પડે.

જંગલ કે કાયદે પ્લસ કાનૂન

ટકાટક ટેક્નોલોજી, અફલાતૂન ઇમેજિનેશન અને સુપર્બ સ્ટોરીટેલિંગની મદદથી એક ક્લાસિક વાર્તાને કેવી રસાળ રીતે કહી શકાય તેનું આ ‘ધ જંગલ બુક’ પર્ફેક્ટ એક્ઝામ્પલ છે. એક બાજુ જરાય બાલિશ થયા વિના હૉલીવુડવાલે બાબુ બાળકોની બેમિસાલ ફિલ્મો બનાવ્યે જાય છે અને બીજી બાજુ આપણું પ્રાગઐતિહાસિક યુગનું સૅન્સર બૉર્ડ હાસ્યાસ્પદ નિર્ણયોની પરંપરા સર્જ્યે જાય છે. આ ફિલ્મને પણ તેણે ‘U/A’ સર્ટિફિકેટ આપ્યું છે. મતલબ કે ટાબરિયાંવની સાથે એનાં મમ્મીપપ્પાએ પણ ફિલ્મ જોવી પડશે. આ નિર્ણયને પોઝિટિવલી લઇને કહી શકાય કે સૅન્સર બૉર્ડ ન કહે તોય, પેરેન્ટલોગે પોતાના બાળપણમાં ટાઇમટ્રાવેલ કરવા માટે આ ફિલ્મ જોવી જ જોઇએ. બીજું, આ ફિલ્મ માત્ર ટાઇમપાસ મનોરંજન નથી, બલકે એક સરસ એજ્યુકેશનલ અનુભવ પણ છે.

‘ધ જંગલ બુક’નાં લિટરલી સ્ટાર એટ્રેક્શન છે, તેનાં પાત્રો પાછળ રહેલાં ડબિંગ સ્ટાર્સ. હિન્દી વર્ઝનમાં ઑરિજિનલ શૅરખાન નાના પાટેકર ઉપરાંત ઓમ પુરી, ઇરફાન ખાન, પ્રિયંકા ચોપરા અને ઇંગ્લિશ વર્ઝનમાં બૅન કિંગ્સ્લી, બિલ મરી અને સ્કાર્લેટ જોહાનસન. એટલે હિન્દી વર્ઝન જોવું કે અંગ્રેજી એ ગળકુડી મુંઝવણ થવાની છે. શોખીનો તો દૂધ-દહીં બંનેમાં પગ રાખશે.

લાઇવ ઍક્શન મૉશન કૅપ્ચર ટેક્નિકથી શૂટ થયેલી જંગલ બુક એવી ઝીણવટથી સર્જવામાં આવી છે કે આ બધું કમ્પ્યુટરથી ક્રિએટ થયું છે તેવી ‘ઇત્તુ સી’ શંકા ન થાય. પ્રાણીઓ, જંગલ, વૃક્ષો-પાંદડાં, નદી, ખંડેર ઇવન મધમાખી સુદ્ધાંનું બારીક નકશીકામની અદાથી ધ્યાન રખાયું છે. ઍનિમેટેડ હોવા છતાં પ્રાણીઓના હાવભાવ, એમની મુવમેન્ટ્સમાં પણ ક્યાંય કચાશ રખાઈ નથી. ઉપરથી 3Dનો ટેસ્ટી વઘાર.

આખી જંગલ બુકનું સેન્ટ્રલ કેરેક્ટર એટલે અફ કૉર્સ મોગલી. અહીં મોગલી બનતો NRI નીલ સેઠી જાણે આપણી ઇમેજિનેશનમાંથી જ ડાઉનલોડ કર્યો હોય એવો નૅચરલ લાગે છે. એ અંગૂઠા જેવડો છે પણ એના ચહેરા પર તમે ગુસ્સો, દુઃખ, રાહત, પ્રેમ, ડર, ફ્રસ્ટ્રેશન જેવાં તમામ એક્સપ્રેશન્સની રૅન્જ જોઈ શકો. એની ક્યુટનેસ જોઇને આપણને ઇચ્છા થઈ આવે કે જમ્પ મારીને શેરખાનની આગળ જઇને ઊભા રહી જઇએ અને ડાયલોગ ફટકારી દઇએ કે, ‘મોગલી તક પહૂંચને સે પહલે તુમ્હે મેરી લાશ પર સે ગુઝરના હોગા.’ બસ, અહીં મોગલીના ફેવરિટ હથિયાર બૂમરેંગની ખોટ વર્તાય છે.

આ ફિલ્મ જંગલનો અને તેના પરથી લાઇફ લેસન્સ શીખવાનો ગોલ્ડન ચાન્સ પણ છે. મમ્મી-પપ્પા સાથે હોય, તો બાળકોને વરુ, વાઘ, બ્લૅક પૅન્થર, રીંછ, વાંદરાં, અજગરથી લઇને શાહુડી, આર્મડિલો, ફ્લાઇંગ સ્ક્વિરલ, મીરકેટ જેવાં પ્રાણીઓનો પણ પરિચય કરાવી શકે (જો પેરેન્ટ્સને ખબર હોય તો).

હસતાં હસાવતાં આ ફિલ્મ એવા મસ્ત મેસેજીસ આપી જાય છે, જે કદાચ દળદાર પુસ્તકો વાંચવાથી પણ ન મળે. જેમ કે, પ્રાણી જીવતા રહેવા માટે શિકાર કરે એ સ્વીકાર્ય છે, પણ શેરખાનની જેમ માત્ર આનંદ ખાતર કે પોતાનો પાવર બતાવવા ખાતર શિકાર કરવો એ તદ્દન ખોટું છે. મતલબ કે સ્પાઇડર મેન કહી ગયો છે તેમ, મહાન શક્તિની સાથે જવાબદારી પણ આવે. એવું જ અગ્નિનું છે. અગ્નિ એટલે કે ટેક્નોલોજી કે પછી કોઇપણ આવડત તમને ટોચે પહોંચાડી શકે, પણ તેનો બેજવાબદારીથી ઉપયોગ કરો તો આખું જંગલ ખાખ થઈ જતાં વાર ન લાગે. જાઇજેન્ટોપિથેકસ પ્રકારનો પ્રચંડ વાનર અન્ડરવર્લ્ડના માફિયાની જેમ તે અગ્નિને જંગલમાં લાવવા મોગલીને લાલચ આપે છે, પણ મોગલી જાણે છે કે એક વખતનું લાલચ આખું જંગલ તબાહ કરી શકે છે. કશું જ બોલ્યા વિના મહેનતથી જંગલ સંભાળતા હાથીઓ એટલે કે સમાજના મહેનતકશ લોકોને પૂરેપૂરું માન આપવું જોઇએ. કટોકટી વખતે કોનો સાથ આપવો એ પણ માણસને ખબર પડવી જોઇએ. જ્યારે સવાલ અસ્તિત્વનો હોય, ત્યારે સૌએ દુશ્મની ભૂલી જઇને પણ જંગલને (વાંચો, પૃથ્વીને) બચાવવાને પ્રાયોરિટી આપવી જોઇએ. કોઇએ બીજા જેવા બનવાને બદલે પોતાની આવડતો શોધીને તે વિકસાવવી જોઇએ. અહીં શેરખાન માત્ર ખૂનખાર જ નથી, બલકે બ્રેઇનવૉશિંગ કરતો આતંકવાદી જેવો ખતરનાક વિલન છે. બાળકોને એ પણ શીખવવું પડે કે હકીકતમાં વાઘ આપણા મિત્રો છે, પણ ‘બૅડ પીપલ’ ક્યારેય જીતે નહીં. આ બધી વાતો ભલે કિન્ડરગાર્ટન છાપ સિમ્પલ લાગે, પરંતુ મોટેરાંએ પણ શીખવા માટે જરાય મોડું થયું નથી.

સેન્સિટિવ રાઇનો, પાણીથી અકળાઈ જતાં દેડકાં કે પોતાના જ કાંટા સંભાળી ન શકતી શાહુડી જેવી એકદમ હાર્ટવૉર્મિંગ કોમિક સિચ્યુએશન્સ આ ફિલ્મમાં સતત આવતી રહે છે. આપણી ઉંમર ભલે ગમે તે હોય, પણ લાઇફમાં મોજિલા બલુ અને બગીરા જેવા ફ્રેન્ડ ફિલોસોફર એન્ડ ગાઇડની જરૂર તો હંમેશાં રહેવાની. હા, અહીં અજગર એવા ‘કા’નું જાતિપરિવર્તન કરીને તેને સ્ત્રી શા માટે બનાવી દેવાયો છે અને તેને માત્ર એક જ સીન શા માટે અપાયો છે તે સમજાયું નહીં. ઇવન ફિલ્મના પ્રમોશનમાં વપરાયેલું આઇકનિક ‘જંગલ જંગલ બાત ચલી હૈ’ ગીત પણ ફિલ્મમાં નથી. અફસોસ.

ચલો જંગલ

જંગલ બુકની ટીવી સિરીઝે આપણે ત્યાં સાબિત કરેલું કે એનિમેટેડ કાર્યક્રમ એટલે માત્ર બાળકોનું જ મનોરંજન નહીં. હવે આ નવી ‘ધ જંગલ બુક’એ ફરીવાર મત્તું માર્યું છે કે તે પર્ફેક્ટ ફેમિલી વેકેશન એન્ટરટેનર છે. એ જોયા પછી તમને વાંદરાંની કે પછી ખુદ માણસોની બીક લાગવા માંડે તો નવાઈ નહીં. તેમ છતાં મોગલીની જેમ તમને આ જંગલ છોડીને જવાની ઇચ્છા નહીં થાય. હવે આશા રાખીએ કે ‘ડિઝની’ મોગલીની આખી સિરીઝ ચલાવે અને આમ જ જલસો કરાવતા રહે.

રેટિંગઃ **** (ચાર સ્ટાર)

(Published in Gujarati Mid Day)

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s