કી એન્ડ કા

હેડિંગઃ રિશ્તા નયા, સોચ વહી

***

ઇન્ટ્રોઃ પહેલી નજરે ફેમિનિસ્ટ અને ક્રાંતિકારી લાગતી આ ઠીકઠાક ફિલ્મ અલ્ટિમેટલી તો એ જ જરીપુરાણી માનસિકતાના ખાનામાં જઇને પડે છે.

***

આર. બાલ્કી અને ગૌરી શિંદેનું ડિરેki-and-ka-2016ક્ટર દંપતી અવનવા કન્સેપ્ટ લઈ આવવામાં માહેર છે. ‘જો આમ થાય તો?’ એવો સવાલ પૂછીને તેના પર તે આખી ફિલ્મ રચી કાઢે છે. આ વખતે એમણે ગ્રેટ ઑલ્ડ ક્વેશ્ચન પૂછ્યો છે, કે પત્ની કામ કરે અને પતિ ઘર સંભાળે તો? આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન મહેમાન બન્યા છે, પણ ફિલ્મ ‘કૌન બનેગા કરોડપતિ’ નથી. એટલે સવાલનો ચોખ્ખો જવાબ મળતો નથી. વળી, તેના ચકાચક અર્બન, આધુનિક, ફેમિનિસ્ટ દેખાતા પૅકિંગને જરાક ખોતરીએ તો એ જ જમાનાજૂની પુરુષના ઍન્ગલથી કહેવાયેલી વાત સામે આવીને ઊભી રહે છે. આવો, આપણે પણ ખોતરીએ.

અબલા પતિ વર્સસ વુમન ઑફ ધ હાઉસ

અબજોપતિ બિલ્ડર પપ્પા (રજિત કપૂર)નો IIM, બૅંગલોરનો પાસઆઉટ દીકરો કબીર (અર્જૂન કપૂર) સનાતન કરિયર-વૈરાગ્યથી પીડાય છે અને મમ્મીની જેમ હાઉસ વાઇફ એટલે કે હાઉસ હસબંડ બનવા ઇચ્છે છે. બીજી બાજુ સોશ્યલ ઍક્ટિવિસ્ટ મમ્મી (સ્વરૂપ સંપટ)ની કરિયર ગર્લ કિયા (કરીના કપૂર)ને મન જીવન માત્ર કારકિર્દીને પાત્ર. આ બંનેની જોડી પેલી બ્લોક્સ જોડવાની લેગો ગેમ જેવી છે, તરત જ એકબીજામાં ફિક્સ થઈ જાય છે. પરંતુ વાસણ ભલે ને સ્ત્રી ચડાવે કે પુરુષ, ન ખખડે તો જ નવાઈ. ઇગોની કાંકરી લાગે અને હિંગ્લિશમાં ‘યુયુ-મીમી’ સ્ટાર્ટ. નતીજા? ઑવર ટુ મુવી.

નર, નારી, નોકરી ને નગદ નારાયણ

‘યશરાજ ફિલ્મ્સ’એ ઇન્ટરનેટના જમાનાને અનુરૂપ થવા ‘વાય ફિલ્મ્સ’ નામે ‘યુટ્યૂબ’ પર એક ચેનલ શરૂ કરી છે. તેમાં ‘મૅન્સ વર્લ્ડ’ નામે ચાર હપ્તાની એક વેબ સિરીઝ ચલાવેલી. તેમાં આવો જ સવાલ હતો કે આપણી દુનિયામાં સ્ત્રીઓની જગ્યાએ પુરુષો અને પુરુષોની જગ્યાએ સ્ત્રીઓ ગોઠવાઈ જાય તો? ડિટ્ટો એ જ કન્સેપ્ટને આપણે મોટા પડદે જોતા હોઇએ એવું આ ‘કી ઍન્ડ કા’માં લાગે છે. આ આઇડિયાથી રાઇટર-ડિરેક્ટર આર. બાલ્કી એટલા બધા રોમાંચિત થઈ ગયા હોય તેવું દેખાય છે કે અડધી ફિલ્મ તો જો પુરુષ પત્નીના રોલમાં હોય, તો શું થાય તેના પોસિબલ સિનારિયો વિચારવામાં જ નીકળી જાય છે. તેમાં એ બિલકુલ ભૂલી જાય છે કે પુરુષ ઘર સંભાળે તો જરૂરી નથી એ પણ અન્ય સ્ત્રીઓને ભેગી કરીને કિટ્ટી પાર્ટી જ કરે, ભલે હાથમાં પણ મંગળસૂત્ર પહેરે, પાર્ટી વગેરે સોશ્યલ ગેધરિંગમાં એ સ્ત્રીઓ અને અન્ય પત્નીઓ સાથે જ વાતો કર્યા કરે, એ ઘરજમાઈ જ બને, કૂકરી બુક્સ જ વાંચે.

ફેમિનિઝમ કહો કે વિમેન્સ લિબરેશન, તેનો મૂળભૂત મુદ્દો એ છે અથવા તો હોવો જોઇએ કે સ્ત્રી-પુરુષ એકસમાન છે. બેમાંથી કોઈ ઊતરતું કે સૅકન્ડ સૅક્સ નથી. પરંતુ આ ‘કી-કા’માંથી એવું જ સંભળાય છે કે સ્ત્રી પુરુષને ઠેકાણે આવે તો એ પણ હુકમ ચલાવવા માંડે અને એનામાં પણ કમાતા હોવાનો ‘ફીમેલ ઇગો’ ખખડવા માંડે. હકીકત આ બંને અંતિમોની વચ્ચે છે, જે આ ફિલ્મનો સૂર હોવો જોઇતો હતો કે સ્ત્રી-પુરુષ પોતાનું મનગમતું કામ કરે અને સાથે મળીને ઘર ચલાવે, ઘરની જવાબદારીઓ વહેંચી લે. પરંતુ અહીં ડાયલોગ્સથી લઇને ઍક્શન સુધી એ જ કહેવાયું છે કે સ્ત્રી હોય કે પુરુષ, જે ઘર ચલાવે અને જે પૈસા કમાઈને લાવે તે આવી જ રીતે વર્તે. બની શકે કે બાલ્કી સ્ત્રી-પુરુષ સમાનતાની વાત કરવા માગતા હશે, પરંતુ એ મેસેજ કાન દઇને સાંભળવા ટ્રાય કરીએ તો પણ સંભળાતો નથી. જો એવું જ હોત, તો નોકરી કરીને આવતી પત્ની થાકેલા પતિ સાથે સૅક્સનું દબાણ ન કરતી હોત, સાસુ-વહુ ખાવાપીવાના હુકમો ન છોડતાં હોત અને જ્યારે મવાલીઓ પત્નીની છેડતી કરે ત્યારે તેને પતિ એટલે કે એક પુરુષ જ ‘ધર્મેન્દ્ર બનીને’ ન બચાવતો હોત (કેમ ત્યાં સ્ત્રી પોતાનું રક્ષણ જાતે કરી શકે છે એવો મેસેજ ન આપી શકાયો હોત?).

આજથી ચાર દાયકા પહેલાં હૃષિકેશ મુખર્જી પોતાની ‘અભિમાન’ ફિલ્મમાં બતાવી ગયા છે કે પત્ની સહેજ વધુ પોપ્યુલર થાય, તો પતિ ઇર્ષ્યામાં બળી મરે છે. આજે કહેવાતી આધુનિક ફિલ્મમાં રોલ રિવર્સલ થાય, તો પણ એવું જ થાય? ઇવન બંનેનાં ફીલ્ડ અલગ હોય, મહત્ત્વાકાંક્ષાઓ અલગ હોય અને બંને એકબીજાની સ્પર્ધામાં ન હોય ત્યારે પણ? એ રીતે તો આ ફિલ્મ એવાં કેટલાંય વર્તમાન દંપતીનાં જીવનસાથીઓને પણ અન્યાય કરે છે, જે સ્પાઉસની સફળતાથી અસલામતી અનુભવવાને બદલે ગૌરવ અનુભવે છે.

આ તો થઈ વૈચારિક સ્તરની માથાપચ્ચી. શહેરી, સ્વતંત્ર મિજાજવાળાં, શક્તિશાળી સ્ત્રીપાત્રો રચવામાં આર. બાલ્કીને ખરેખર હથોટી છે. જમાના સામે ઝીંક ઝીલતી એમની હિરોઇનોને જોઇને શેર લોહી ચડી જાય. પરંતુ એ ઉત્સાહમાં ક્યારેક અતિરેક પણ થઈ જાય. જેમ કે, અહીં કરીના જાહેરમાં પોતાના મેન્સ્ટ્રુએશનની વાત કરે, સાસુ જમાઈ સાથે પોતાના બૉયફ્રેન્ડ્સની અને દીકરીના પ્રિ મૅરિટલ સૅક્સની જરૂરિયાતની વાત કરે, ઇવન સૌની હાજરીમાં દીકરો બાપને ઉદ્ધતાઈથી એમની મર્દાનગી ચૅક કરવાની વાત કરે, યે બાત કુછ હઝમ નહીં હુઈ. આધુનિકતા એટલે બિલો ધ બૅલ્ટ વાત જાહેરમાં બેધડક કહેતા ફરવું એવું જ થોડું હોય?

ફિલ્મના અન્ય કેટલાક પ્રોબ્લેમ્સ પણ ક્વિક્લી જોઈ લઇએ. કરીના એકદમ ‘સુપ્પક’ લાગે છે, લેકિન આ લીડ જોડી વચ્ચે પ્રેમ જેવું જરાય લાગતું નથી. બંને વચ્ચે માત્ર મેરેજ ઑફ કન્વિનિયન્સ હોય એવું સતત લાગ્યા કરે છે. તોતિંગ પગારવાળાં મા-દીકરી પાસે નવું ઘર લેવાનાં કે ભાડે રાખવાનાં પૈસા ન હોય, કે હીરોને ટ્રેનનો શોખ હોય, તો એ ભાડાના આખા ઘરને રેલવે સ્ટેશનમાં ફેરવી નાખે, કે પિતા સાથે વૈચારિક મતભેદ હોવા માત્રથી બંને ઠાકુર-ગબ્બરની જેમ વડચકાં ભર્યાં કરે, આમાંનું કશું જ ભારતની સૅમીફાઇનલની હારની જેમ ગળે ઊતરે એવું નથી.

મજા પડે એવુંય આ ફિલ્મમાં વેરાયેલું છે, પણ એ વીણવું પડે એમ છે. જેમ કે, આ ફિલ્મનો બેસ્ટ સીન છે, અમિતાભ અને જયા બચ્ચનનું ગૅસ્ટ અપિયરન્સ. ‘પ્રતીક્ષા’ બંગલોના દરવાજા બંધ થયા પછી અને સ્ટારનું માસ્ક ઉતાર્યા પછી અમિતાભ-જયા એક પતિ-પત્ની તરીકે કેવાં હશે એની એક ઝલક અહીં મળે છે. અહીં અમુક ઝલકમાં પણ અમિતાભ માત્ર ચહેરાના હાવભાવથી પણ પોતે શા માટે મસ્ત ઍક્ટર છે એ સાબિત કરી જાય છે. જોકે અહીં પણ બેજવાબદાર રાઇટિંગને લીધે બિગ બી પણ ક્યાંક મૅલશોવિનિઝમના શિકાર બન્યા હોય એવું લાગે છે. અર્જુનને જોવો ગમે છે, પણ ‘2 સ્ટેટ્સ’ પછી આ બીજી ફિલ્મમાં IIMમાંથી પાસઆઉટ થયો છે. કંટ્રોલ યાર.

‘ચીની કમ’માં બાલ્કીએ કહેલું કે રસોઈ બનાવવી તે આર્ટ છે, તેમ અહીં કહેવાયું છે કે ‘ઘર બનાવવું’ એ પણ એક આર્ટ છે. આવા અનકન્વેન્શનલ અને રાઇટિંગની રીતે મૅચ્યોર ડાયલોગ્સ આ ફિલ્મને થોડી ફ્રેશ ફીલ પણ આપે છે. ફોર એક્ઝામ્પલ, ‘વુમન્સ ડૅ પર ખરેખર તો પુરુષોએ સ્ત્રીઓ માટે અન્ય પુરુષો સાથે વાત કરવી જોઇએ.’ બ્રાવો. મ્યુઝિક ડિપાર્ટમેન્ટમાં બે પાર્ટી સોંગ, ઇલૈયારાજાનું એક સૂધિંગ સોંગ અને એકાદા લવસોંગ ‘જી હુઝૂરી’એ આ ફિલ્મને ઉનાળા જેવી ડ્રાય બનતી બચાવી લીધી છે.

જોડે જજો રાજ

ઑવરઑલ સરસ રીતે પૅક થયેલી ‘કી એન્ડ કા’ આધુનિક થવાની ફિલ્મતોડ મહેનત કરે છે, પરંતુ ડચકાં ખાઇને ઊંધેકાંધ પડે છે. ઍડમૅન બાલ્કીએ ફિલ્મને બડી ચાલાકીથી અન્ય બ્રૅન્ડ્સ સાથે વણી લઇને ખર્ચો કાઢી લીધો છે, પણ વણજોઇતી જાહેરખબરો આપણા માથે મારી છે. એટલે આપણા પક્ષે વાત એવી આવે છે કે આજે, કાલે કે સો વર્ષ પછી ગમે ત્યારે જુઓ, પણ આ ફિલ્મ સજોડે જોજો.

રેટિંગઃ ** (બે સ્ટાર)

(Published in Gujarati Mid Day)

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s