રૉકી હેન્ડસમ

હેડિંગઃ લોહિયાળ બૉરડમ

***

ઇન્ટ્રોઃ ‘બજરંગી ભાઇજાન’માંથી નિર્દોષતા કાઢીને એમાં લોહિયાળ હિંસા ભરી દીધી હોત, તો આ ‘રૉકી હેન્ડસમ’ જેવું જ કંઇક બન્યું હોત.

***

ભારતની સરખામણી1453506390_26_rockyhandsome4એ દક્ષિણ કોરિયા સાવ અંગૂઠા જેવડો દેશ છે, પરંતુ તે એકદમ લલ્લનટોપ ફિલ્મો બનાવે છે. ત્યાંની એક્શન થ્રિલર ફિલ્મો એવી ખોફનાક હિંસા બતાવે છે કે જોઇને આપણને સાગમટે હાયકારો નીકળી જાય. બ્લડ બૅન્કમાં પણ ન હોય એટલું બધું લોહી વહાવતી એક ફિલ્મ ૨૦૧૦માં આવેલી, ‘ધ મૅન ફ્રોમ નોવ્હેર.’ એ ફિલ્મને આપણા જ્હોન અબ્રાહમ સાથે હવે ‘રૉકી હેન્ડસમ’ તરીકે હિન્દીમાં ફ્રેમ બાય ફ્રેમ છાપવામાં આવી છે. આ ફિલ્મનું પૂરેપૂરું ફોકસ તેની ચીરફાડથી ભરચક ઍક્શન સિક્વન્સીસ પર જ છે, એમાં જ બાકીની ફિલ્મ અત્યંત બોરિંગ બની ગઈ છે.

યે બજરંગી જરા દુજે કિસમ કે હૈ

ગોવામાં રહેતો કબીર અહલાવત ઉર્ફ રૉકી હેન્ડસમ (જ્હોન અબ્રાહમ) કોઈ જૂના દર્દથી પીડાય છે. એટલે જ એ કશું બોલ્યા વિના સતત તોબરો ચડાવીને ફર્યા કરે છે. ત્યાં એના પાડોશમાં રહેતી નાઓમી (દિયા ચલવાડ) નામની સાતેક વર્ષની ટેણી સાથે એને જબરી દોસ્તી જામી ગઈ છે (એ ટેણી માટે જ ‘કિક’માં સલમાનભાઇએ આખું પૉલેન્ડ માથે લીધેલું). પરંતુ ડેવિલનું કરવું ને એ ટેણી ડ્રગ માફિયાઓ અને હ્યુમન ઑર્ગન ટ્રાફિકર્સની ચુંગાલમાં ફસાઈ જાય છે. પોતાની નજર સામે જ એ માસુમને કિડનેપ થતી જોઇને જ્હોન ચહેરા પર એકેય એક્સપ્રેશન લાવ્યા વિના પણ ઊકળી ઊઠે છે. પોતાની ચપ્પુ-છૂરીઓ તેજ કરીને એ વિલનલોગની ચીરફાડ કરવા નીકળી પડે છે.

બસ, મારો અને કાપો

આપણે દક્ષિણ કોરિયન સ્ટાઇલની હિંસા પર પાછા આવીએ. ત્યાંના ફિલ્મમૅકર્સ કશું છુપાવવામાં માનતા જ નથી. ગળું ચીરવું હોય, માથું કાપવું હોય, આંગળીઓને મૂળાની જેમ સમારી નાખવી હોય, તો એ લોકો નિરાંતે લોહીના ફૂવારા સાથે એ બધું આપણને બતાવશે. એક્ટર-પ્રોડ્યુસર જ્હોન અબ્રાહમ અને ડિરેક્ટર નિશિકાંત કામત એ કોરિયન એક્શનથી જ પ્રભાવિત થયા હોય એ ચોખ્ખું દેખાઈ આવે છે. અત્યંત તીક્ષ્ણ ચપ્પુથી શરીર પર જાણે શૂન-ચોકડીની રમત રમતા હોય એમ ત્રણ ઠેકાણે ભોંક્યા પછી ત્રણેયને જોડતો એક લાંબો-ઊંડો સળંગ કાપો પણ પાડે. માથા પર કુહાડી ફટકારે તો કૅક પર મીણબત્તી ગોઠવી હોય એમ કુહાડી માથાની વચ્ચોવચ ફિક્સ કરવામાં આવે. જો તમને આવી હાડોહાડ હિંસક ખૂનામરકી જોવામાં મજા પડતી હોય, તો ‘એ’ સર્ટિફિકેટવાળી રૉકી હેન્ડસમના સૅકન્ડ હાફમાં મજા પડશે.

અત્યંત ફાસ્ટ કેમેરાવર્ક, સરસ રીતે કોરિયોગ્રાફ થયેલી એક્શન સિક્વન્સીસ અને કેમેરા સતત હવામાં તરતો હોય એવી સિનેમેટોગ્રાફીનું શ્રેય જોકે ઑરિજિનલ ફિલ્મને આપવું પડે. જોકે ઇન્ટરવલ પહેલાં ફિલ્મમાં સ્ક્રીનને એટલો બધો લીલો-પીળો કરી દીધો છે કે સંજય ગુપ્તાની ફિલ્મ જોતા હોઇએ એવી બીક લાગવા માંડે છે. તેમ છતાં એક જ સ્ક્રીનને બે ભાગમાં વહેંચીને અલગ અલગ ઍન્ગલથી બતાવાતાં દૃશ્યો અને અધવચ્ચે સીન કટ કરીને પાછળથી તેનું સિક્રેટ છત્તું કરવાની સ્ટાઇલિશ પેશકશ થોડી મજા કરાવે છે.

પરંતુ આ મજા શહેરી શિયાળાની જેમ ઝાઝું ટકતી નથી અને ફિલ્મના લોચા રસ્તા પરના ખાડાઓની જેમ ઠેરઠેર દેખાવા લાગે છે. એક તો જેના માટે જ્હોન લિટરલી ખૂન કી નદિયાં બહાવી નાખે છે, એ ટેણી સાથે એનું બાપ-દીકરી જેવું ઇમોશનલ બોન્ડિંગ દેખાતું જ નથી. એમાં સતત સનમાયકા જેવો ચહેરો લઇને મૂંગામૂંગા ફર્યા કરતા જ્હોનનો વાંક છે. સામેપક્ષે ટેણી એટલું બધું બોલે છે કે અમુક ઠેકાણે તો રીતસર ઑવરસ્માર્ટ લાગવા માંડે છે.

બે કલાક ઉપરની આ ફિલ્મમાં એટલા મોરચે મગજમારી ચાલે છે કે કયું લશ્કર ક્યાં લડે છે એ જ કન્ફ્યુઝન થઈ જાય છે. ડ્રગ માફિયાઓ અંદરોઅંદર ઝઘડે છે, એમની પાછળ પોલીસ પડી છે અને એમાં પાછો જ્હોન એનાં ચપ્પાં લઇને ઝુકાવે છે. જો ફિલ્મના વિલનો માપમાં રહ્યા હોત તો આ ભાંજગડ અસહ્ય ન બની હોત. ટકલુ વિલન બનતા ડિરેક્ટર નિશિકાંત કામત, એનો ભાઈ બનતો (‘જબ વી મેટ’ની ‘હૉટેલ ડિસન્ટ’નો મેનેજર) ટેડી મૌર્ય ને ત્રીજો એક ગુંડો, આ ત્રણેયે મળીને એ હદના ગાંડા કાઢ્યા છે કે એમને તાત્કાલિક અસરથી ઇલેક્ટ્રિક શૉક આપવાની ઇચ્છા થઈ આવે. ઑવરએક્ટિંગની તમામ બાઉ
ન્ડરીઓ એ લોકોએ કુદાવી દીધી છે. મજાની વાત એ છે કે આખી ફિલ્મમાં એકેક ફ્રેમ સહિત ઑરિજિનલ કોરિયન ફિલ્મને વફાદાર રહેલા ડિરેક્ટરે આ વિલનનાં પાત્રોમાં જ ક્રિએટિવિટી વાપરી છે અને એ જ માથા પર શારડી ફરતી હોય એવો ત્રાસ આપે છે.

આગળ કહ્યું તેમ જ્હોને આ ફિલ્મમાં માત્ર ચપ્પુ ચલાવવા અને તોબરો ચડાવવા પર જ ધ્યાન આપ્યું છે. એટલે એના ચહેરા કરતાં એના હાથની એક્ટિંગ ક્યાંય વધુ પાવરફુલ લાગે છે. અગાઉ ‘મુંબઈ મેરી જાન’, ‘ડેમ્બિવલી ફાસ્ટ’ અને તાજેતરમાં જ ‘દૃશ્યમ્’ જેવી સરસ ફિલ્મો આપી ચૂકેલા નિશિકાંત કામત કાબેલ ડિરેક્ટર છે. ઇવન એક્ટિંગમાં પણ એમને ધોનીના સ્ટમ્પિંગ જેવી હથોટી છે, પણ પછી વધુ પડતું ડહાપણ કરવામાં જ વટાણા વેરાઈ જાય છે. માનો કે ન માનો, અમુક સીનમાં શરદ કેલકરને પણ જોવાની મજા પડે છે. બાકી તો આ ફિલ્મમાં શ્રુતિ હાસન અને સુહાસિની મૂળે જેવી અદાકારાઓને તો માત્ર હાજરી પૂરવા જ હાજર રખાઈ છે.

રાહત ફતેહ અલી ખાને ગાયેલું ‘અય ખુદા’ ગીત વાગતું હોય, તો સાંભળવાની મજા પડે એવું બન્યું છે, પરંતુ ખરું પૂછો તો વણજોઇતાં ગીતોએ આ ફિલ્મની ગતિમાં પણ ખંજર ભોંક્યાં છે. આ ફિલ્મમાં એક નાનકડું સસ્પેન્સ પણ છે, પણ એ ઉકેલવાની રીત અને સિક્રેટ જાણ્યા પછી તમે કહેશો, ‘ચલ ચલ, હવા આને દે.’

વાયોલન્સ પ્રેમીઓ માટે

હીરો બે માળ ઉપરથી કૂદે અને કેમેરા પણ એની સાથે જમ્પ મારે એ દૃશ્ય સહિત કેટલાંય સિક્વન્સ મૂળ કોરિયન ફિલ્મમાં અફલાતૂન રીતે ઝીલાયા છે. આ રૉકી હેન્ડસમમાં છે એવી સાઇકોગીરી ટાઇપની નૌટંકી તેમાં નથી. ઇવન આપણા રૉકી કરતાં કોરિયન ફિલ્મનો હીરો પણ વધુ હેન્ડસમ છે. એટલે જો તમને હવામાં નૂડલ્સ તરતા હોય એવી કોરિયન ભાષાની ઍલર્જી ન હોય અને ક્યાંય વધુ ગ્રાફિક છતાં ક્રિએટિવ વાયોલન્સથી અરેરાટી ન થતી હોય, તો ‘યુટ્યૂબ’ પર જઇને ઑરિજિનલ ફિલ્મ જોવી વધુ ઇચ્છનીય છે. રહી વાત આપણા રૉકીની, તો માત્ર ઍક્શનના રસિયાઓએ જ તેમાં તસ્દી લેવી.

રેટિંગઃ ** (બે સ્ટાર)

(Published in Gujarati Mid Day)

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s