P. K. Nair – Obituary

પી. કે. નાયર પર બનેલી ડૉક્યુમેન્ટરી ‘સેલ્યુલોઇડ મેન’
૨૦૧૩માં પુણે FTIIમાં હું ફિલ્મ અપ્રિશિયેશન કોર્સ કરવા ગયેલો, ત્યારે દરરોજ સાંજથી મોડી રાત સુધી ત્યાં બાજુમાં જ આવેલી ‘NFAI’ (નેશનલ ફિલ્મ આર્કાઇવ ઑફ ઇન્ડિયા)માં જાતભાતની ફિલ્મોનાં સ્ક્રીનિંગ્સ યોજાય. ત્યાં એક દાદા દરરોજ આવે. ચાલી શકે નહીં, એટલે સ્ટિકની મદદથી ચાલે. તોય એમને ટેકો આપવા માટે એક વ્યક્તિ સતત હોય. પહેલી ફિલ્મના સ્ક્રીનિંગની પણ પહેલાં તેઓ આવી જાય, ફિલ્મનો ઇન્ટ્રો સાંભળે, ફિલ્મ્સ જુએ, એ પછીની ચર્ચાઓ સાંભળે, ક્યારેક સવાલો પણ પૂછે અને બધી ફિલ્મો પૂરી કરીને પછી વિદાય લે. કોઇપણ ગેસ્ટ ત્યાં પોતાની ફિલ્મ બતાવવા આવે, ત્યારે નાયરસાહેબને અચૂક વંદન કરે.

એક દિવસ અમને ત્યાં ‘સેલ્યુલોઇડ મેન’ નામની ડૉક્યુમેન્ટરી ફિલ્મ બતાવાઈ. અઢી કલાકની એ ડૉક્યુમેન્ટરી પી. કે. નાયર નામના ભાઈ વિશે હતી અને એ ભાઈ મારી આગળની રૉમાં ક્રોસમાં આવેલી સીટ પર બેસીને તદ્દન નિર્લેપ ભાવે પોતાના પરની જ એ ફિલ્મ જોતાં બેઠા હતા! એ પી. કે. નાયર એટલે પુણેની ‘NFAI’ના સ્થાપક-ગૉડફાધર. જેમના લોહીમાં ફિલ્મોનું ઝનૂન છેક DNA સુધી પ્રસરેલું હોય એવા હાડોહાડ સિનેમાના પ્રેમી.

ભારતીય ફિલ્મ ઉદ્યોગમાં એમનું પ્રદાન કેવડું મોટું છે, તે ‘સેલ્યુલોઇડ મેન’માં ગુલઝાર, જયા બચ્ચન, શ્યામ બેનેગલ, બાસુ ચૅટર્જી, દિલીપ કુમાર, સઈદ મિર્ઝા, કમલ હાસન, અદૂર ગોપાલકૃષ્ણન્, વિધુ વિનોદ ચોપરા, રાજકુમાર હિરાણી… ઇવન યશ ચોપરા, મહેશ ભટ્ટ… સરીખી હસ્તીઓ નાયર સાહેબ વિશે જે વાતો કરે છે, એના પરથી ખબર પડે. તે જોઇને આપણને આપણી જાતને ફિલ્મોના રસિયા કહેતા પણ શરમ આવે, કે આવી દિગ્ગજ હસ્તી આપણી વચ્ચે આટલાં વર્ષોથી રહે છે અને આપણને એમનું નામ પણ ખબર નથી.

જો નાયરસાહેબ ન હોત તો ‘દાદાસાહેબ ફાળકે ભારતીય ફિલ્મ ઉદ્યોગના પિતામહ છે’ એવી કોઇને ખબર સુધ્ધાં ન પડી હોત. એમણે જ ‘રાજા હરિશ્ચંદ્ર’ અને એ ઉપરાંત ફાળકેની કેટલીયે ફિલ્મોની રીલ શોધીને રિસ્ટોર કરી હશે. અરે, ફિલ્મ ઇન્ડસ્ટ્રીનાં કેટલાંય ટેલેન્ટ્સને એમણે મદદ કરી હશે.
***
દાયકાઓ પહેલાં અશોક કુમાર પોતાની દીકરીનું FTIIમાં એડમિશન કરાવવા આવ્યા હોય અને એ ખાસ નાયર સાહેબને મળે અને પૂછે કે મારી શરૂઆતની પેલી ફિલ્મ તમારી પાસે છે? અને બીજી જ મિનિટે નાયરસાહેબ એ હાજર કરી આપે. સિનેમાનું એમનું પેશન એવું કે હજારો ફિલ્મોની રીલ્સના ડબ્બા પડ્યા હોય, પણ કઈ ફિલ્મ એક્ઝેક્ટ ક્યાં પડી છે અને કયો સીન કઈ રીલના કયા ભાગમાં હશે એ પણ એમને ખબર હોય (આ વાત ડૉક્યુમેન્ટરીની જ છે).

FTIIમાં આગલા દિવસે હું જે કઠેડા પર ઊભેલો, બીજા દિવસે ડૉક્યુમેન્ટરીમાં એ જ કઠેડા પર, ઊભા રહીને નાયર સાહેબે કહેલું, ‘અહીં જે રૂમ છે એ મધુબાલાનો મૅકઅપ રૂમ હતો!’ અને મારાં જે રૂંવાડાં ઊભાં થઈ ગયેલાં!

FTIIના છોકરાઓમાં નાયરસાહેબનો કડપ પણ એવો. કોઇને રિસર્ચ માટે કોઈ ફિલ્મની રીલ જોઇતી હોય, તો સાત ગળણે ગાળીને, સ્ટુડન્ટની ગંભીરતા પારખીને પછી જ એ રીલ આપે. ડૉક્યુમેન્ટરીમાં રાજકુમાર હિરાણીએ મસ્ત વાત કરી છે. અગાઉ સેન્સરમાંથી કપાયેલી રીલો પણ NFAI પાસે આવતી. નાયરસાહેબ એને પણ જોઈ તપાસી અને તેનું શું કરવું એ નક્કી કરે. એના સ્ક્રીનિંગમાં મોસ્ટ્લી નાયરસાહેબ એકલા જ હોય. પણ ત્યાંના ડામીસ છોકરાઓને ગમે ત્યાંથી ગંધ આવી જાય અને સવારે છ વાગ્યે એનું સ્ક્રીનિંગ કરવાનું હોય, તો મોઢામાં બ્રશ નાખીને પણ ત્યાં પહોંચી જાય. એ જોઇને નાયરસાહેબ પણ હસે કે, ‘સાલાઓ તમને ક્યાંથી આવી બધી ખબર પડી જાય છે!’
***
ફિલ્મોના શોખીન નાયરસાહેબ પાસે પોતે જોયેલી ફિલ્મોની ટિકિટોનો સંગ્રહ તો હોય જ, પણ એમનો ઝનૂની આગ્રહ એવો કે દુનિયાની બેસ્ટંબેસ્ટ ફિલ્મો NFAIમાં હોવી જ જોઇએ. એટલે તો ફેસ્ટિવલો માટે ભારત આવેલી બેસ્ટ ફિલ્મોની પ્રિન્ટ એ મૅકરને રિક્વેસ્ટ કરીને એક રાત માટે લઈ આવે અને સવાર પડે એ પહેલાં તો એની એક કૉપી કરીને NFAIમાં રાખી પણ દે! પાઇરસી ગણો કે પ્રેમ, એમણે આખી જિંદગી NFAIને નામ કરી દીધી હતી.
***
આપણા દેશમાં ડૉક્યુમેન્ટેશન અને આર્કાઇવિંગની કોઈ પરંપરા જ નથી. મોટે ઉપાડે આપણે ભારતીય સિનેમાની શતાબ્દિ ઊજવી, પણ પહેલી ટૉકી ફિલ્મ ‘આલમઆરા’ કાયમ માટે ખોઈ નાખી. એવું બેધડક કહી શકાય કે જો નાયરસાહેબ ન હોત, તો ભારતીય અને વર્લ્ડ સિનેમાનો કેટલોય ખજાનો કાયમ માટે લુપ્ત થઈ ગયો હોત. ક્યાં ક્યાં રખડીને એમણે આપણા સાઇલન્ટ એરાની ફિલ્મો એકઠી કરી છે અને સારામાં સારી ફિલ્મોને લોકો સુધી પહોંચાડી છે. નાયરસાહેબે NFAI છોડ્યું પછી તો ત્યાં પણ કામકાજ બગડ્યું છે. પેશનને સ્થાને બાબુશાહી આવી છે. તમે માનશો, ખુદ NFAIની વેબસાઇટમાં નાયર સાહેબના અવસાનની એક લાઇનની નોંધ સુધ્ધાં હજી આવી નથી!
***
NFAIના બિલ્ડિંગમાં પ્રવેશીએ એટલે સામેની જ દીવાલ પર અત્યાર સુધીના તમામ દાદાસાહેબ ફાળકે અવૉર્ડ વિજેતાઓની તસવીરો

NFAIના ફૉયરમાં ઊભેલા પી. કે. નાયર. એમની પાછળ દીવાલ પર દાદાસાહેબ ફાળકે પુરસ્કાર વિજેતાઓની તસવીરો દેખાય છે. ખબર નહીં, નાયરસાહેબની તસવીર એ દીવાલ પર ક્યારે લાગશે?
NFAIના ફૉયરમાં ઊભેલા પી. કે. નાયર. એમની પાછળની દીવાલ પર દાદાસાહેબ ફાળકે પુરસ્કાર વિજેતાઓની તસવીરો દેખાય છે. ખબર નહીં, નાયરસાહેબની તસવીર એ દીવાલ પર ક્યારે લાગશે?

ટાંગેલી દેખાય (હવે ત્યાં મનોજ કુમારનો પણ ફોટો આવશે). પણ સાલું, ક્યારેક તો થાય કે આપણો દેશ અને આપણે સૌ કેવા અહેસાન ફરામોશ છીએ! કેવા કેવા લોકો કંદોરાની જેમ પદ્મ પુરસ્કારો લટકાવતાં ફરે છે અને પી. કે. નાયર સાહેબને સમ ખાવા પૂરતો એક પદ્મ પુરસ્કાર પણ અપાયો નથી. જોકે હકીકતે દાદા સાહેબ ફાળકે અવૉર્ડથી નીચેનો કોઈ પુરસ્કાર એમને લાયક જ નથી.
***
મને ગર્વ છે કે મેં એ જ નાયર સાહેબ સાથે બેસીને એક મહિના સુધી ફિલ્મો જોઈ છે. મેં એ જ હવામાં શ્વાસ લીધો છે, જ્યાં નાયર સાહેબ બેઠા હોય, જેમણે ભારતીય સિનેમાને ઑક્સિજન આપ્યો હોય, લાઇફ સપોર્ટ આપ્યો હોય. છેલ્લે મેં એમને ૨૦૧૩ના ‘IFFI-ગોવા’માં જોયેલા. અહીં મેં એમના વિશે જે લખ્યું છે તે એમના પ્રદાનને વર્ણવવા માટે એક તણખલા જેટલું પણ નથી. મને અત્યારે ખરેખર ક્યાંય કોલમ ન લખતો હોવાનો અફસોસ થાય છે.
***
જિંદગીમાં હવે મને બીજો એક મોટો અફસોસ પણ કાયમ માટે પજવશે. FTIIમાં મેં નાયર સાહેબ સાથે બેસીને ફોટા પડાવેલા, અને કમનસીબે ત્યાં પુણેમાં મારો થેલો ચોરાઈ ગયો. એમાં એ કેમેરા અને ખાસ તો એ તસવીરો પણ ગઈ. જિંદગીમાં જો ચમત્કાર જેવું થતું હોય, ઈશ્વર જેવું કોઈ હોય, અને મારી એ તસવીરો મને પાછી મળી જાય, તો હું એનાં પગથિયાં ધોઈને પાણી પીઉં.
***
મિત્રો, જો તમને સોયની અણી જેટલો પણ ફિલ્મોનો શોખ હોય, તો ગમે ત્યાંથી મેળવીને પણ ‘સેલ્યુલોઇડ મેન’ (ડિરેક્ટરઃ શિવેન્દ્ર સિંહ ડુંગરપુર) મેળવીને જોજો. બને એટલા મિત્રોને બતાવજો અને મૂંગા મોંએ ભારતીય સિનેમાને ન્યાલ કરી દેનારા એ ઋષિને એક સલામ આપજો.
***
અલવિદા, નાયર સાહેબ! જ્યાં સુધી એક પણ ફિલ્મ આ દેશમાં-દુનિયામાં બનતી રહેશે, ત્યાં સુધી તમારું પ્રદાન યાદ રહેશે.
એટલિસ્ટ હું તો કાયમ માટે યાદ રાખીશ જ.

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s