Oscars, Spotlight & Media

‘Spotlight’ ફિલ્મની ઑસ્કર વિજેતા ટીમ
‘Spotlight’ ફિલ્મની ઑસ્કર વિજેતા ટીમ

– ઑસ્કર અવૉર્ડ્સ જોવાની મજા (હવે ડૉલ્બી તરીકે ઓળખાતા) કૉડક થિયેટરમાં એના ડિગ્નિટીભર્યા પ્રેઝન્ટેશન, મસ્ત રીતે ઑર્કેસ્ટ્રેડ મ્યુઝિક, શાર્પ સેન્સ ઑફ હ્યુમરથી ભરેલા એન્કરિંગ, ક્વીક અને મુવીંગ ઑસ્કર એક્સેપ્ટન્સ સ્પીચ, કશું જ બોલ્યા વિના સદગત કસબીઓને અપાતી ટ્રિબ્યુટ (જેમાં આ વખતે આપણા સઇદ જાફરી પણ હતા), સ્ટાર્સ દ્વારા એક્સેપ્ટન્સ સ્પીચમાં જ ઉઠાવવામાં આવતા મુદ્દા (જેમ કે, આ વખતે લિયોનાર્ડોએ ગ્લોબલ વૉર્મિંગની વાત કરી, ગયા વર્ષે ‘બૉયહૂડ’ ફેમ પૅટ્રિશિયા આર્કેટે મહિલાઓને ઇક્વલ મહેનતાણાની વાત કરેલી) એ બધા માટે આવે. માત્ર ફિલ્મોની બાબતમાં જ નહીં, પણ અવૉર્ડ સેરિમનીની બાબતમાં પણ આપણે હજી કેટલી મહેનત કરવાની છે એનો પણ રિયાલિટી ચૅક થઈ જાય.

– ફાઇનલી લિયોનાર્ડોને ઑસ્કર મળ્યો (હવે એનાં ‘મીમ્સ’ (Memes) ફરતાં થાય એની રાહ જોઉં છું) એનાં હરખનાં આંસુડાં સુકાય, તો જરા થ્રી ચિયર્સ ‘ધ હેટફુલ એઇટ’ના મ્યુઝિક ડિરેક્ટર એનીઓ મોરિકોને માટે પણ કરી લેજો. જેણે જેણે લાઇફમાં એટલિસ્ટ એક પણ વખત ‘ધ ગુડ, ધ બૅડ એન્ડ ધ અગ્લી’ની કૉલર ટ્યૂન રાખી હોય, એ તો ખાસ!

– એક્ચ્યુઅલી, આ પોસ્ટ ગઇકાલે ‘સ્પોટલાઇટ’ માટે લખવા ધારેલી (એ રહી ગઈ અને એટલે હવે વાત લાંબી થશે!). પંદરેક વર્ષ પહેલાં ‘બોસ્ટન ગ્લોબ’ અખબારે ચર્ચના પાદરીઓએ કરેલા બાળકોના જાતીય શોષણનો સિલસિલેવાર પર્દાફાશ કરીને છોતરાં ફાડી નાખેલાં તેની સત્યઘટના પર ‘સ્પોટલાઇટ’ બન્યું છે એ જાણીતી વાત છે. પરંતુ આ ફિલ્મ જોતી વખતે આપણે તો જાણે કોઈ ફિક્શન જોતા હોઇએ એવી જ ફીલ આવે. જે અખબારના બહુ બધા વાચકો કેથોલિક હોય તે એ જ ધર્મના પાદરીઓને ઉઘાડા પાડે? સર્ક્યુલેશનના ભોગે? (છબી ન ખરડાય? ‘દેશદ્રોહી’નાં લેબલ ન લાગી જાય? બૉયકોટ ન થાય? કપૂર સા’બ ક્યા કહેંગે?) એવું તે કંઈ બનતું હશે? પણ બનેલું.

ખરેખર તો મીડિયાનું કામ જ એ છે, એન્ટિ એસ્ટાબ્લિશમેન્ટ રહીને શાસકોને સતત જાગતા રાખવા અને ક્યાંય પણ-કશું પણ ખોટું થતું હોય તો શાસકો તો ઠીક વાચકોની પણ ખફગી વહોરીને સાચી વાત કહેવી. બોસ્ટન ગ્લોબની એ સ્પોટલાઇટ ટીમમાં રહીને દોડાદોડ કરનારો એક પત્રકાર માઇકલ રેઝેન્ડેસને ‘દેશદ્રોહી’ કે ‘ધર્મદ્રોહી’ કહીને ઉતારી પાડવાને બદલે એને એની ટીમ સાથે પુલિત્ઝરથી સન્માનિત કરાયો અને અત્યારે એ ઑસ્કર લેવા માટે સ્પોટલાઇટની ટીમ સાથે સ્ટેજ પર પણ આવેલો. મીડિયા અરીસો બતાવે અને એમાં આપણો ચહેરો કદરૂપો દેખાય તો અરીસો ન ફોડવાનો હોય, ચહેરો તપાસવાનો હોય. અંગ્રેજીમાં કહે છેને, ‘ડૉન્ટ શૂટ ધ મેસેન્જર.’ અત્યારે ચોખ્ખું દેખાય છે કે છાપેલ કાટલાં તો ઠીક, પરંતુ ઊગીને ઊભા થતાં વછેરાંવ પણ જર્નલિઝમમાં આવીને હળાહળ ડંખીલી,રેસિસ્ટ, ઑબ્જેક્શનેબલ અને અધકચરી માહિતી ભરડતાં ફરે છે. એવા ભૂતને પાછા પીપળા પણ મળી રહે છે. ‘સ્પોટલાઇટ’માં જ કહે છે તેમ આપણને ‘ગુડ જર્મન્સ’ બનવું નહીં પાલવે.

હમણાં શુક્રવારે જ ‘આજતક’માં અલીગઢ યુનિવર્સિટીની અંદર જ થોડા લોકોને એકઠા કરીને ‘અલીગઢ’ ફિલ્મ વિશે એક ડિસ્કશન કરાવાયેલું. ચોખ્ખી ખબર પડતી હતી કે એ પ્રોગ્રામનો ઉદ્દેશ વિવાદ ઊભો કરવાનો જ હતો. ચર્ચામાં સામેલ એકાદ-બેને બાદ કરતાં મોટા ભાગના લોકો લિબરલ અપ્રોચથી વાત કરતા હતા, પણ પેલા એન્કરને એ પસંદ નહોતું. ત્યાં જ ભણતા એક યુવાને કહ્યું પણ ખરું કે, ‘ભઈ, હજી ફિલ્મ રિલીઝ થઈ નથી, કોઇએ જોઈ નથી, સત્યઘટના પર બનેલી હોવાનું ડિરેક્ટર કહે છે, તો પછી તમે પરાણે વિવાદ ઊભો થાય એ રીતે ‘અલીગઢનું ને યુનિવર્સિટીનું નામ બદનામ થાય છે કે કેમ’ એવા સવાલ શું કામ પૂછો છો?’ ત્યારે પેલા એન્કરે એકદમ ઉદ્ધતાઈથી કહી દીધું કે, ‘હું પૂછું એનો જવાબ આપો, સામા આરોપો ન લગાડો.’ ગ્રેટ! અને હવે શું થયું, તો કહે કે અલીગઢમાં જ અલીગઢ ફિલ્મનું ‘પરઝાનિયા-કરણ’ થઈ ગયું. અને હોમો સેક્સ્યુઆલિટી વિશે આપણો અને આપણા દેશનો કેવો અપ્રોચ છે એ તો આપણને ખબર જ છે (અને એ વિશે આપણે ઓલરેડી ‘ગુડ જર્મન’ છીએ).

– ‘સ્પોટલાઇટ’ જોતી વખતે એક ગુજરાતી તરીકે આજથી દોઢસો વર્ષ પહેલાં ચાલેલો મહારાજા લાઇબલ કૅસ યાદ આવ્યા વિના રહે નહીં. આ જ પ્રકારના શોષણ સામે કરસનદાસ મૂળજીએ એકલે હાથે સફળ લડત ચલાવેલી. ગુજરાતી સિનેમા પાસેથી મારી તો કરસનદાસ મૂળજી, નર્મદ, મેઘાણી, અમૃતલાલ શેઠ જેવા ખરેખરા સિંહોનાં બાયોપિકની છે. વિચાર તો કરો, આપણો જ એક જર્નલિસ્ટ ઘોડા પર બેસીને ‘છ ભડકાની’ બંદૂક લઇને રિપોર્ટિંગ કરતો હોય!

બીજું યાદ આવે, ‘ઑલ ધ પ્રેસિડન્ટ્સ મેન’ મુવી. બે પત્રકારોએ ‘વૉટરગેટ’ કૌભાંડ બહાર લાવીને અમેરિકન પ્રમુખની ખુરશી ઊથલાવી નાખેલી. સ્પોટલાઇટમાં તો એ ફિલ્મને અંજલિ આપતા કેમેરા એન્ગલ્સ પણ છે. જર્નલિઝમના વિદ્યાર્થીઓએ આ બંને ફિલ્મો અભ્યાસક્રમના ભાગરૂપે પણ જોવી જોઇએ (એમને બોરિંગ સરકારી ડૉક્યુમેન્ટરીઓ નહીં, આવી ફિલ્મો બતાવો અને ફરજિયાતપણે તેના પર રિપોર્ટ-પ્રેઝન્ટેશન કરાવડાવો). ઇવન, કલિકાલસર્વજ્ઞના વહેમમાં ફરતા પત્રકારો માટે પણ આ ફિલ્મોના સ્પેશ્યલ શૉ રાખવા જોઇએ.

– આમ જુઓ તો સ્પોટલાઇટમાં કોઈ જ આર્ટિફિશ્યલ તામસિક મસાલા નથી. તોય તમને મરેલા ઉંદરની વાસ વચ્ચે દળદાર થોથાં ઉથલાવતા, રાતોની રાતો જાગીને ઘાસમાંથી સોય શોધતા, અપમાનો વેઠીને પણ રિપોર્ટિંગ કરતા, એક ક્લ્યુ મળે તોય દોડાદોડી કરી મૂકતા પત્રકારોને જોઇને શેર લોહી ચડી જાય. સ્પીકર ફોન પર સામે છેડેથી કોઈ આંકડો પાડે, કોઈ માણસ દોષિતોના લિસ્ટ પર પેનથી રાઉન્ડ કરે, ફોન રણકે, કૌભાંડનો રેલો ઘર સુધી આવેલો માલુમ પડે અને આપણા રૂંવાડા ઊભા થઈ જાય તે આ ફિલ્મની સફળતા છે. બેસ્ટ ફિલ્મનો ઑસ્કર ન જીતી શકેલી આ વખતની બધી ફિલ્મો સુપર્બ જ છે, પણ આ ‘સ્પોટલાઇટ’ વધુ સ્પેશ્યલ એટલા માટે છે કેમકે તે ક્યાંક આપણને પણ ટચ કરે છે. વેપારીઓની માલિકીના કે પાર્ટી બની ગયેલાં મીડિયા હાઉસો અને કહેવાતા પત્રકારોને છોડો, આ ફિલ્મ આપણને એકાદ વાર પણ વિચારતા કરે તોય ઘણું છે.

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s