તેરે બિન લાદેનઃ ડેડ ઓર અલાઇવ

લાદેન હણાયોઃ કટાક્ષો વા, કંટાળો વા

***

કેટલાક અફલાતૂન કટાક્ષ અને બ્લૅક કોમેડી ધરાવતી આ ફિલ્મ નવીન સ્ટોરીના અભાવે સ્યુસાઇડ બોમ્બર બની ગઈ છે.

***

terebinladendeadoralivereviewવિશ્વમાં ઘટતી કેટલીક વાતો એટલી બધી ઘૃણાસ્પદ હોય કે તેને કટાક્ષના ચાબખા મારીને હસી કાઢવી જ બહેતર હોય છે. ફોર એક્ઝામ્પલ, ત્રાસવાદ અને કહેવાતી મહાસત્તાઓનો તેના પ્રત્યેનો સ્વાર્થી અપ્રોચ. દાયકાઓ પહેલાં ચાર્લી ચૅપ્લિને પોતાની ‘ધ ગ્રેટ ડિક્ટેટર’માં હિટલરની ઠેકડી ઉડાડેલી. ચાર વર્ષ પહેલાં સાશા બૅરન કોએન નામના એક્ટરની ‘ધ ડિક્ટેટર’માં ગદ્ધાફી જેવા સરમુખત્યારોને અડફેટે લીધેલા. બે વર્ષ પહેલાં આવેલી ‘ધ ઇન્ટરવ્યૂ’ નામે હૉલીવુડ ફિલ્મે તો ઉત્તર કોરિયાના ચક્રમ સરમુખત્યાર કિમ જોંગ ઉનની ખોપડી હટાવી દીધેલી. જ્યારે આપણે ત્યાં છ વર્ષ પહેલાં આવેલી ‘તેરે બિન લાદેન’એ અમેરિકાની કથિત વૉર ઑન ટેરરનાં છોતરાં ફાડ્યાં હતાં. સરપ્રાઇઝ હિટ થઈ ગયેલી એ ફિલ્મની હવે રહી રહીને સિક્વલ બનાવાઈ છે. જોકે સિક્વલ કરતાં અંગ્રેજીમાં વપરાતો ‘સ્પિન ઑફ’ શબ્દ આ ફિલ્મ માટે વધારે યોગ્ય છે. આ ફિલ્મમાં સટાયર તો ચટાકેદાર છે, પણ સ્ટોરી સાવ ફિક્કી ફસ્સ છે.

ઓસામા હાઝિર હો

દિલ્હીના ચાંદની ચૌકમાં શર્મા સાહેબની મિઠાઈની દુકાન છે, પણ એમના દીકરા (મનીષ પૉલ)ને જલેબીઓ નહીં, ફિલ્મો બનાવવી છે. આ છોટે શર્મા મુંબઈમાં પ્રોડ્યુસરોનાં પગથિયાં ઘસી કાઢે છે, પણ એમ ફિલ્મ કોણ બનાવવા દે? અચાનક એને એક નમૂનો ભટકાય છે, જે દેખાવે ડિટ્ટો ઓસામા બિન લાદેન જ દેખાય છે. પદ્દી સિંઘ (પ્રદ્યુમન સિંઘ) નામના એ નમૂનાને લઇને એ ‘તેરે બિન લાદેન’ ફિલ્મ બનાવી કાઢે છે, જેની સુગંધ છેક અમેરિકાથી લઇને અફઘાનિસ્તાન સુધી પહોંચી જાય છે. ફિલ્મની સિક્વલ પ્લાન થાય છે, પણ એ જ અરસામાં ઑરિજિનલ લાદેનની ગેમ ઓવર કરી નખાય છે. હવે ત્રાસવાદી આલમમાં ગ્રેટ ડિપ્રેશનનો માહોલ છે. બીજી બાજુ ઓબામાને પણ આપણા ‘મુન્નાભાઈ’ની જેમ ચારેકોર લાદેન દેખાવા લાગે છે અને ખુરશી બચાવવા મરેલા લાદેનનો ચહેરો બતાવવો ફરજિયાત બની જાય છે. મીન્સ કે અમેરિકા અને આતંકવાદીઓ બંનેને લાદેનનું થોબડું દુનિયાને બતાવવામાં રસ છે. એ સાથે જ પદ્દીનું કાળ ચોઘડિયું શરૂ થાય છે.

લારા લપ્પા હો ગયા

એટલું તો માનવું પડે કે આ ફિલ્મમાં ડુપ્લિકેટ લાદેન બનતા ફિલ્મના ઑરિજિનલ લેખક પ્રદ્યુમન સિંઘ અને ડિરેક્ટર અભિષેક શર્માનાં ઑબ્ઝર્વેશન્સ સુપર્બ છે. ફિલ્મની શરૂઆતથી જ એકેક સીનમાં ખૂણેખાંચરે એમણે કટાક્ષ અને બ્લૅક હ્યુમર કૂટી કૂટીને ભર્યાં છે. જેમ કે, હીરો મનીષ પૉલ ‘કાગઝ કે ફૂલ’ના ગુરુદત્તના પૉઝમાં રૂમમાં એન્ટ્રી મારે અને એ જ રૂમમાં ડિરેક્ટરની આઇકનિક ખુરશી પડેલી હોય. ‘ફ્લિન્ટસ્ટોન્સ’ જેવા કાર્ટૂનની જેમ રહેતા બબૂચક ત્રાસવાદીઓ જન્નતની હૂરોની લાલચે અને ટ્રેનિંગના ભાગરૂપે ‘આતંકનો ઑલિમ્પિક’ રમતા હોય, જેમાં લૅન્ડમાઇન જમ્પિંગ, બોમ્બ રિલે, ગ્રેનેડ થ્રો જેવી ગેમ્સ હોય. આતંકવાદીઓ આરામથી ભારતમાં ઘૂસી જાય અને એમની ખખડધજ ગાડીનો નંબર હોય, ‘POK 1971.’ ઓસામાના દુઃખમાં એ લોકો દારૂ અને કૅન્ડીફ્લોસ સાથે લાદેનની જ વીડિયો ક્લિપિંગ્સનો શૉ માણતા હોય. અમેરિકન ઍજન્ટ ડેવિડ ચઢ્ઢા (સિકંદર ખેર) ત્રાસવાદીઓને હણવાની ‘ગેમ ઑફ ડ્રોન્સ’ રમતો હોય. પોતાના સૈનિક મરી જાય તો પણ અમેરિકાને ઝાઝો ફરક પડતો નથી એ વાત પણ અહીં સુપર્બલી બતાવાઈ છે. અરે, બરાક ઓબામા તરીકે અહીં ઇમાન ક્રોસન નામના અભિનેતાને લઈ આવ્યા છે, જેણે ઓબામાની બોલવાની સ્ટાઇલ અદ્દલ પકડી છે. આપણા ડિરેક્ટરે ઓબામાના ચહેરા પરના નાનકડા મસાનું પણ ધ્યાન રાખ્યું છે. ઓબામાના ‘યસ વી કેન’ સ્લોગન જેવી અમુક મજાકો માણવા માટે તમારું જનરલ નૉલેજ પણ અમુક લેવલથી વધારે હોવું જરૂરી છે, બાય ધ વે.

માત્ર અમેરિકા કે ત્રાસવાદીઓ જ નહીં, આ ફિલ્મે આપણા બૉલીવુડને પણ અડફેટે લીધું છે. એકાદી હીટથી ચગી જતા આપણા સ્ટારલોગ, ભાવ ખાતા પ્રોડ્યુસરોથી લઇને હૉલીવુડમાં રોલ મેળવવા ગાંડા કાઢતા અભિનેતાઓને પણ અહીં સળી કરાઈ છે. એક્ટર મનીષ પૉલના મોઢે એક સુપર્બ લાઇન છેઃ ‘યે બૉલીવુડ વાલે હૈ, હૉલીવુડ મેં એક મિનિટ કે રોલ કે લિયે ભી એક સાલ તક ઢોલ બજાયેંગે.’ બ્રિલિયન્ટ.

તો પછી આ ફિલ્મ સીધી ‘જાને ભી દો યારો’ની જેવી કલ્ટ બ્લૅક કોમેડીની લાઇનમાં જઈને પડવી જોઇએ, રાઇટ? રોંગ. ઑબ્ઝર્વેશન્સ અને ડિટેલિંગને બાદ કરતાં આ ફિલ્મમાં સ્ટોરીના નામે કશું જ નવીન નથી. બલકે અડધી ફિલ્મ પત્યા પછી તો બ્લૅક કોમેડીનું રૂપાંતર સીધું ફારસમાં થઈ જાય છે. અગાઉ ‘વૉર છોડ ના યાર’ અને ‘બૅંગિસ્તાન’ જેવી કટાક્ષિકાઓમાં પણ આવું જ થયેલું. અડધે રસ્તે પહોંચ્યા પછી શું કરવું એ સૂઝે નહીં એટલે જે સૂઝે તે પિરસી દઇને ફિલ્મને પૂરી થયેલી જાહેર કરી દેવામાં આવે. ૧૧૦ મિનિટની આ ફિલ્મમાં ઇન્ટરવલ પછી તો આપણે જાણે કહી ઊઠીએ કે, ‘તમારે જે કરવું હોય તે કરો, હું તો એક ઝોકું ખેંચી લઉં છું. છેલ્લે રિઝલ્ટ શું આવ્યું એ કહી દેજો.’

બીજો એક પ્રોબ્લેમ એ છે કે લાદેન હણાયો એ પછી ત્રાસવાદની ગટરમાં ઘણું લોહી વહી ચૂક્યું છે. હવે તો એનાથીયે ખતરનાક એવા ISIS જેવા કાળી બુકાનીધારી આતંકવાદીઓ ખોફ વર્તાવી રહ્યા છે. એટલે આ ફિલ્મમાં ત્રાસવાદીઓની ક્લિશે ઇમેજ પેશ કરવાને બદલે તેના લેટેસ્ટ ચહેરાની મજાક ઉડાવાઈ હોત તો ફિલ્મ વધુ રિલેવન્ટ બની હોત.

ક્યુટ મનીષ પૉલનું કોમિક ટાઇમિંગ સરસ છે અને એને જોકરવેડા કરતો જોવો ગમે છે. પીયૂષ મિશ્રા પોતાની દર બીજી ફિલ્મમાં અસ્થમાના દર્દીની જેમ હાંફતાં હાંફતાં બોલીને હવે બોર કરે છે. આ ફિલ્મની અજબ જેવી વાત એ છેકે એમાં સિકંદર ખેરની એક્ટિંગ જોવા જેવી છે. નવા જ લુકમા પેશ થયેલા સિકંદરે જે રીતે અમેરિકન અને પંજાબી બોલી વચ્ચે વોઇસ મૉડ્યુલેશન કર્યું છે એ જોઇને પહેલી વાર લાગ્યું કે એ અનુપમ ખેરનો દીકરો છે. બાય ધ વે, આ સિકંદરની હવે ‘ખેર’ નથી, કારણ કે આ ફિલ્મમાં એણે પોતાના નામમાંથી ‘ખેર’ હટાવી લીધું છે. ખેર, હશે હવે. લાદેન બનતો પ્રદ્યુમન સિંઘ તો એક્ટિંગ અને રાઇટિંગ બંનેમાં પાવરધો છે (ખાલી સ્ટોરીમાં જ અહીં લોચો માર્યો). બીજી હળવી મજાઓ એ છે કે ફિલ્મમાં ઘણાં કલાકારો પોતાનાં ઑરિજિનલ નામ સાથે જ પેશ થયાં છે. જેમ કે, અલી ઝફર, આપણા ગુજરાતી ચિરાગ વોરા, સુગંધા ગર્ગ, રાહુલ સિંઘ વગેરે. ઇવન ફિલ્મની પ્રોડ્યુસર બહેનો પૂજા અને આરતી શેટ્ટી પણ અહીં સદેહે પેશ થાય છે. મતલબ કે ફિલ્મમાં બધાને એક જ પાણીએ સાબુ-સોડા વગર ધોવામાં આવ્યા છે.

જાને ભી દો યારો

એક બાજુ હરખ થાય કે આપણે ત્યાં સાવ ફૂવડને બદલે દારૂ અને કૅન્ડીફ્લોસ સાથે સટલ્ટી, સટાયર અને બ્લૅક કોમેડી ધરાવતી ફિલ્મો પણ બને છે. લેકિન દુઃખ એ છે કે એક તો આમેય તેને ઑડિયન્સ ઓછું મળતું હોય, ઉપરથી ફારસ થઈ જતી સ્ટોરીને કારણે ફિલ્મ સાવ ઢબી જાય. થિયેટરમાં લાંબા થવા જેવી આ ફિલ્મ હરગિઝ નથી (હા, અડધી ફિલ્મ અડધા પૈસે જોવા મળતી હોય તો વાત અલગ છે). DVD આવે ત્યારે વાત.

રેટિંગઃ **1/2 (અઢી સ્ટાર)

(Published in Gujarati Mid Day)

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s