સનમ રે

ખોસલા કા ખોખલા

***

દિવ્યા ખોસલા કુમારની આ ફિલ્મ તદ્દન ખોખલી છે અને તમારી જિંદગીની એક મિનિટ પણ તેને આપવા જેવી નથી.

***

sanam-re-pos-2016ગુલશન કુમાર પરિવારની પુત્રવધૂ દિવ્યા ખોસલા કુમારે બે વર્ષ પહેલાં ‘યારિયાં’ નામની કોલેજ મુવી બનાવેલી. એનાં ગીતો અને ‘સ્ટુડન્ટ ઑફ ધ યર’ ટાઇપની સ્ટોરીને કારણે એ ફિલ્મ કંગાળ હોવા છતાં યુવાનોમાં ક્લિક થઈ ગઈ અને ૧૦૦ કરોડ રૂપિયાની કમાણીની ક્લબમાં સામેલ થઈ ગઈ. એ પછી દિવ્યાબેનની હિંમત ખૂલી છે અને હવે તેઓ વેલેન્ટાઇન્સ ડેમાં કમાણી કરવા એવી જ બીજી યુવાનો માટેની ફિલ્મ ‘સનમ રે’ લઇને પધાર્યાં છે. મ્યુઝિક અને લોકેશન્સને બાદ કરતાં આ ફિલ્મ ખાલી ખોખાથી વિશેષ કશું જ નથી.

દિલ, દોસ્તી, એટસેટરા

મુંબઈમાં બોસ (મનોજ જોશી)ની ગાળો ખાતા આકાશ (પુલકિત સમ્રાટ)ને હિમાલય કી ગોદમાં વસેલા એના ગામ ટનકપુરથી તેડું આવે છે. ત્યાં પગ મૂકતાં જ અતીતરાગ એને વીંટળાઈ વળે છે. એને યાદ આવે છે કે નાનપણમાં એ પોતાના દદ્દુ (રિશિ કપૂર) સાથે પ્રેમની વાતો કરતો અને શ્રુતિ (યામી ગૌતમ) નામની ફેર એન્ડ લવલી છોકરી સાથે પ્રેમનાં પ્રેક્ટિકલ પણ કરતો. એ શ્રુતિને મૂકીને શહેર જતો રહ્યો અને હવે શ્રુતિ ગાયબ છે. મુંબઈથી ફરી પાછું એને બોસનું તેડું આવે છે. ફરમાન છૂટે છે કે કેનેડાના એક યોગ કૅમ્પમાં સામેલ કોઈ મિસિસ પાબ્લો પાસેથી કંપની માટે એક કોન્ટ્રાક્ટ લઇને આવ, નહીંતર તારી નોકરી ગઈ. કેનેડાના એ કૅમ્પમાં એને કોમેડિયન ભારતી ઉપરાંત આકાંક્ષા (ઉર્વશી રૌતેલા) નામે કમનીય કન્યા મળે છે, જે ત્યાં મિસિસ પાબ્લો બનીને આવી છે. ઉર્વશી સાથે પ્રેમ પ્રેમ રમ્યા બાદ કોઈ ચમત્કારિક રીતે શ્રુતિ પણ ત્યાં પ્રગટે છે. એ બંને પણ પ્રેમ પ્રેમ રમવા માંડે છે. કૅમ્પ ખતમ અને શ્રુતિ ફરી પાછી ગાયબ. પણ એ શું કામ ગાયબ થઈ ગઈ? અને પેલી રૌતેલા સાથે પ્રેમ કા ગેમ ખેલ્યો એનું શું? ધીરજ હોય તો તમે ક્લાઇમૅક્સની રાહ જોઈ શકો.

પ્રેમના નામે કુછ ભી

એક્ઝેક્ટ બે કલાકની આ ફિલ્મનો સૌથી મોટો પ્રોબ્લેમ એ છે કે આ દિવ્યાબેન બે મિલતા-બિછડતા પ્રેમીઓની વાર્તા કરવા માગે છે કે પ્રેમના નામે વલ્ગર ગલગલિયાં કરાવવા માગે છે કે ખાલી હિલસ્ટેશનોનું સાઇટ સીઇંગ કરાવવા માગે છે એમાંનું કશું જ ક્લિયર થતું નથી. એક તો આ વાર્તા કોઈ પણ જાતના દેખીતા કારણ વગર મુંબઈ, ટનકપુર, લદ્દાખ, કેનેડા, ચંદીગઢ વગેરે સ્થળોએ કૂદાકૂદ કર્યા કરે છે. નો ડાઉટ, આ એમની હોમ પ્રોડક્શન ફિલ્મ છે એટલે એમણે શૂટિંગના ખર્ચામાં કોઈ કસર છોડી નથી. એ રીતે જોતાં પડદા પર આ બધાં જ લોકેશન કોઈ ટુરિઝમ વિભાગનાં કૅટલોગ જેવાં નયનરમ્ય લાગે છે. પરંતુ ખાલી લોકેશનથી શું થાય? અરે, એક તબક્કે આ ફિલ્મ ઇમ્તિયાઝ અલીની ‘તમાશા’ના અત્યંત કંગાળ વર્ઝન જેવી પણ લાગે છે.

ફિલ્મમાં અતીતરાગ જન્માવવા માટે ક્યુટ રિશિ કપૂર અને ક્યુટ ટાબરિયાંવની મદદ લીધી છે, પણ એ આખો નોસ્ટેલ્જિક ટ્રેક તદ્દન પ્લાસ્ટિકિયો છે. ઇવન જે ઝડપે યામી-પુલકિત પ્રેમમાં પડે, અજાણી જગ્યા પર પહોંચીને અચાનક બાલિશ વર્તન કરવા માંડે એ પણ હિંગાસ્ટક ખાતાં ખાતાં જુઓ તોય પચે તેમ નથી.

આ ફિલ્મના મૅકર્સે કદાચ વિચાર્યું હશે કે આપણે ગમે તેમ કરીને યંગસ્ટર્સને ખુશ કરવાના. એટલે બેશરમ બનીને ગમે તેવો કચરો ઠૂંસવામાં આવ્યો છે. કારણ વિનાના ન્યુડ સીન, ગૅ જોક્સ, ફાર્ટ જોક્સ, કોમેડિયન ભારતી દ્વારા બોલાતા ડબલ મીનિંગ ડાયલોગ્સ વગેરે બધું જ છે. કરુણતા એ છે કે પોતાની જ જાણ બહાર આ ફિલ્મ હોમોફોબિક, રૅસિસ્ટ અને સૅક્સિસ્ટ પણ બની ગઈ છે. વિચાર કરો, એક ડિવોર્સી સ્ત્રી સાથે લગ્ન કરવા માટે તેમાં હીરોને એવું કહેવાય છે કે, ‘કેમ આપણે યુઝ્ડ કાર નથી ખરીદતા?’

એવી એક માન્યતા છે કે ભેળની ઉપર કોથમીરની જેમ ફિલ્મમાં પણ ફાલતુ ફિલોસોફીઓ ભભરાવી દો એટલે પબ્લિક ખુશ થઈ જાય. એવું જ કંઇક વિચારીને આ ફિલ્મમાં કોઇપણ પાત્ર ગમે ત્યારે ફિલોસોફિકલ વાક્યોની ફેંકાફેંક કર્યા કરે છે, ‘હમ અપના અધૂરા પ્યાર પૂરા કરને કે લિયે બાર બાર જનમ લેતે હૈ’, ‘શહરોં મેં શોર ઇસલિયે હોતા હૈ તા કિ હમ અપને દિલ કી આવાઝ ન સૂન સકે’ વગેરે વગેરે. આવા સેંકડો મેસેજ રોજ ક્વિન્ટલના હિસાબે આપણા વ્હોટ્સએપમાં ઠલવાય છે.

પુલકિત સમ્રાટ કે યામી ગૌતમનું તો સમજ્યા, પરંતુ રિશિ કપૂર અને મનોજ જોશી જેવા સશક્ત અદાકારોને આવા ઑવરએક્ટિંગથી ભરેલા લાઉડ રોલમાં વેડફાતા જોઇને કરોડરજ્જુમાંથી એક સણકો નીકળી જાય. ફિલ્મમાં ડિરેક્ટર તરીકેની કુલ ત્રણ વખત ક્રેડિટ લેનારાં દિવ્યા ખોસલા જાતે-પોતે પણ ‘હમને પી રખ્ખી હૈ’ ટાઇપના પાર્ટી સોંગમાં દેખાય છે. એમણે ઢેકાં ઉલાળવાને બદલે જો ફિલ્મ પર સરખું ધ્યાન આપ્યું હોત તો બધાં જ પાત્રોની એક્ટિંગ આટલી હદે બાલિશ ન બની ગઈ હોત. આ ફિલ્મ દરમ્યાન આપણું મગજ ભૂલેચૂકેય ચાલુ રહી ગયું હોય, તો તેનો લોજિક વિનાનો ક્લાઇમૅક્સ જોઇને કે એક જ સમયે લદ્દાખમાં શિયાળો અને ઉત્તરાખંડમાં ઉનાળો કેવી રીતે ચાલતો હોઈ શકે તેવા પ્રશ્નોનો ધોધ વછૂટવા લાગે.

‘સનમ રે’નું એકમાત્ર સ્ટ્રોંગ પાસું એટલે તેનું મ્યુઝિક. મિથૂન, અમાલ મલિક તથા જીત ગાંગુલીનાં સોંગ્સ ખરેખર સરસ છે અને ક્યારનાયે હિટ થઈ ચૂક્યાં છે. નવાં નવાં જુવાન થયેલાં છોકરાંવને ફિલ્મમાં વાગતા ‘તુમ બિન’ ગીતનું મૂળ ખબર ન હોય તે સમજી શકાય. આજથી દોઢ દાયકા પહેલાં આવેલી એ ફિલ્મનું મ્યુઝિક આ બહાને ફરી પાછું સાંભળવા જેવું છે.

છેટા રહો રે

જુવાનિયાંવ પોતાનાં વેલેન્ટાઇન સાથે આ ફિલ્મ જોવા જાય તો તેમનાં બ્રેકઅપ થવાના ચાન્સિસ વધી જાય તેવું છે (હા, ખાલી થિયેટરનો લાભ લેવો હોય તો વાત અલગ છે). નહીંતર આ ફિલ્મનું મ્યુઝિક બૅકગ્રાઉન્ડમાં ચલાવીને એક શાંત ડિનર લેવું વધુ હિતાવહ છે. બેસ્ટ આઇડિયા તો એ છે કે આ બહાને આજના વેલેન્ટાઇનના દિવસે ‘તુમ બિન’ ફિલ્મ DVD પર સજોડે જોઈ નાખો.

રેટિંગઃ * (એક સ્ટાર)

(Published in Gujarati Mid Day)

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s