ફની દેઓલ વર્સસ બિગબ્રધર

***

ઢાઈ કિલો કા હાથને કાટ ચડ્યો છે અને ફિલ્મમાં પેશ થયેલું બાકીનું બધું જ હવે એક્સપાયરી ડેટ વટાવી ચૂક્યું છે.

***deeaae54ab33d8710d0780460c393761

રાજકુમાર સંતોષીની ‘ઘાયલ’નો સની દેઓલ આપણો નવો એન્ગ્રી યંગ મેન હતો, સ્વદેશી ‘રેમ્બો’ હતો. એણે કાયદાના નામનું નાહી નાખેલું, એટલે પોતે જ કાયદો હાથમાં લઈને ન્યાય તોળી નાખતો. ૧૯૯૦ના એ ‘ઘાયલ’ યાને કે અજય મહેરાની કથા જ્યાં પૂરી થયેલી ત્યાંથી જ વન્સ અગેઇન સ્ટાર્ટ થઈ છે. પરંતુ આ વખતે ન તો એ રાજ કુમાર સંતોષી છે, ન ગળે ઊતરે એવી સ્ટોરી છે, ન સીટીઓ વગાડવા મજબૂર કરે એવા ડાયલોગ્સ છે, ન સનીની ત્રાડમાં દમ છે કે ન એને કાંટે કી ટક્કર આપે એવું અમરીશ પુરી ટાઇપનું કોઈ પાત્ર છે. છે તો બસ, હાસ્યાસ્પદ બની જતો મેલોડ્રામા અને ટીવી પર આવતી ડબ થયેલી સાઉથ ઇન્ડિયન ફિલ્મો જેવી અતિશયોક્તિથી ફાટફાટ થતી ચૅઝ અને ફાઇટ સિક્વન્સ.

અબ વો ઝમાના નહીં રહા

૧૯૯૦માં ભાઈ કી મૌત કા બદલા લઇને ૧૪ વર્ષની જેલની સજા કાપી ચૂકેલો અજય મહેરા (સની દેઓલ) આજે એકલો છે. ભૂતકાળની ભૂતાવળોથી બચવા સકાએટ્રિસ્ટ ડૉ. રિયા (સોહા અલી ખાન)એ આપેલી એન્ટિ ડિપ્રેશનની ગોળીઓ ગળતો રહે છે. લેકિન એણે સચ્ચાઈનું દામન નથી છોડ્યું. હવે એ ‘સત્યકામ’ નામની ઇન્વેસ્ટિગેટિવ જર્નલિઝમની વેબસાઇટ ચલાવે છે. સાઇડમાં પોતાની પ્રાઇવેટ જસ્ટિસ લીગ પણ ચલાવે છે. જેમાં ગુનેગારોને પોતાના ઢાઈ કિલો કા હાથનો પરચો બતાવીને અદાલતની આબરૂ બચાવે છે.

એક દિવસ ચાર જુવાનિયાંવ પાસે અકસ્માતે જ એક ગુનાનો વીડિયો પુરાવો આવી જાય છે. એ પુરાવા જો બહાર આવી જાય, તો મુંબઈમાં બાન્દ્રા-વરલી સી લિંકની પડખે હૅલિપેડવાળો વિશાળકાય ટાવર બનાવીને રહેતા મારવાડી ઉદ્યોગપતિ રાજ બંસલ (નરેન્દ્ર ઝા)ના એમ્પાયરના કાંગરા હલી જાય. નેતાઓ, પોલીસ, મીડિયા, ટેક્નોલોજી બધું જ આ બંસલના ખિસ્સામાં છે. હવે એક જ આશા છે, વન એન્ડ ઑન્લી ‘ધ સની દેઓલ’.

બે બાવડે ન્યાય

‘અર્જુન’, ‘ઘાયલ’થી લઇને ‘ઘાતક’, ‘ઝિદ્દી’ અને ઘાયલની આ સિક્વલ, એ બધી ફિલ્મો કંઇક અંશે ડિસ્ટોપિયન કથાઓ છે. ધારો કે રાજતંત્ર-ન્યાયતંત્ર ઊઠીને સાવ છેલ્લી પાટલીએ બેસે અને કોમનમેન કાયદો પોતાના હાથમાં લેવા માંડે તો? અંગ્રેજીમાં એને ‘વિજિલાન્ટે જસ્ટિસ’ પણ કહે છે. હીરો ‘તારીખ પે તારીખ’ની પળોજણમાં પડ્યા વિના માર બૂધું અને કર સીધુંની જેમ તાબડતોબ ફેંસલો આણી દે તે પબ્લિકને બહુ ગમે. આ ફિલ્મમાં તો આપણને જ્યોર્જ ઑરવેલની મશહૂર ડિસ્ટોપિયન કથા ‘બિગબ્રધર’ની યાદ અપાવી દે તેવા એક ઉદ્યોગપતિ પણ છે. દેશનું તમામ મિકેનિઝમ એમના ખિસ્સામાં છે. એટલું જ નહીં, પોતાના આલિશાન ટાવરમાં બેસીને એ શહેરના ચપ્પેચપ્પા પર નજર રાખે છે, ઓબામાની જેમ કોઇપણ ઘટનાનું લાઇવ ટેલિકાસ્ટ જુએ છે, કોઇના પણ ફોન ટૅપ કરે છે, ગમે તેની વેબસાઇટો હૅક કરી લે છે. શહેરમાં બસ એમનું જ રાજ ચાલે. ગયા જમાનાના બલવંતરાય (અમરીશ પુરી) તો આ બિગબ્રધર ઇન્ડસ્ટ્રિયાલિસ્ટના પાવરની સામે બચોળિયું લાગે.

સામે આપણા સનીપાજી ‘હલ્ક’ની જેમ ગુસ્સે થયા તો કોઇના નહીં. એકસાથે ‘બાહુબલી’ અને ‘કટપ્પા’ને પણ ઊંચકીને વસઈની ખાડીમાં ફેંકી આવે. એ સિસ્ટમમાં રહીને સિસ્ટમ બદલવામાં નથી માનતો, બલકે એ પોતે જ ન્યાયની એક પેરેલલ સિસ્ટમ છે. પરંતુ જૂની ઘાયલ જો માત્ર સની દેઓલના કરિશ્માને લીધે હિટ થયેલી એવું માનતા હો તો રસોડામાં જઇને બે ચમચી ખાંડના ફાકડા મારી આવો. અગાઉ જે સુપર્બ ડાયલોગ્સ હતા એ અહીં કમ્પ્લિટલી મિસિંગ છે. ફિલ્મમાં સમ ખાવા પૂરતો એકેય ચિયરવર્ધી ડાયલોગ નથી (અને એટલે જ પબ્લિકને મનોજ જોશીના મુખે બોલાયેલી એક વલ્ગર લાઇન પર ચિયર કરવું પડે છે). એને બદલે ‘અગર હમ સચ કે સાથ હૈ તો જીતને તક હમેં હાર નહીં માનની ચાહિયે’ જેવા કોઈ બાબાજીના પ્રવચન ટાઇપનો ફિલોસોફિકલ સંવાદથી સંતોષ માનવો પડે છે.

બીજું, અહીં બિગબ્રધર ટાઇપનો પાવરફુલ વિલન હોવા છતાં બલવંતરાય જેવો ખોફ વર્તાતો નથી. (અગાઉ ‘હૈદર’ના પપ્પા બનેલા) નરેન્દ્ર ઝા સરસ એક્ટર છે, પરંતુ નબળા રાઇટિંગ નીચે એમની એક્ટિંગ દબાઈ ગઈ છે. આમ જુઓ તો ફિલ્મમાં ટેલેન્ટેડ એક્ટરોની કમી નથી. ઓમ પુરી, મનોજ જોશી, ટિસ્કા ચોપરા, સચિન ખેડેકર, ઝાકિર હુસૈન, રમેશ દેવ, હર્ષ છાયા સરીખાં કલાકારો છે, પણ કોણ જાણે કેમ રાઇટર-ડિરેક્ટર સની દેઓલે બધાં પાસે એકદમ લાઉડ મેલોડ્રામા જ કરાવ્યો છે. (ગલુડિયાં જેવાં પાંચ જુવાનિયાંવ અને એક સોહા પણ છે. એ માત્ર ‘પ્રેઝન્ટ ટીચર’ બોલવા ખાતર.) શેક્સપિયરને પણ લઘુતાગ્રંથિ થઈ જાય એટલો બધો ડ્રામો ધરાવતી આ ફિલ્મનાં દર બીજા સીનમાં બધા રાડારાડી જ કરે છે. જે વાત શાંતિથી કહી શકાય એના માટે પણ ફાઇલો ફેંકશે, કાચ ફોડશે, દરવાજા-ટેબલ-ખુરશી પછાડશે, આંગળીઓ ચીંધીને આંખોના ડોળા કાઢશે. ટૂંકમાં લગભગ અર્નબ ગોસ્વામીનો શૉ જોતા હોઇએ એવી ફીલિંગ સતત આવ્યા કરે છે.

આ બધું જ અત્યારની સ્માર્ટ જનરેશન માટે અનઇન્ટેન્શનલ લાફટર બની જાય છે. પડદા પર સની દેઓલ પીલુડાં પાડતો હોય, કે મનોજ જોશી સતત બીવડાવતા હોય કે ‘આ ફાટેલ મગજનાને વતાવવા જેવો નથી’, ત્યારે પબ્લિક કપિલ શર્માનો શો જોતી હોય એમ ખિખિયાટા કાઢે. કહેવાનું તાત્પર્ય એ છે કે ફિલ્મનું રાઇટિંગ અને ટ્રીટમેન્ટ ખાસ્સાં આઉટડેટેડ છે.

સચ્ચાઈ માટે સની દેઓલ કુછ ભી કરેગા. એ કાર, ટ્રક, ટ્રેન ગમે તેની સામે જમ્પ મારી શકે છે. એ  હેલિકોપ્ટર પણ ઉડાડી શકે છે અને લાદેન સ્ટાઇલમાં બિલ્ડિંગમાં ઘુસાડી પણ શકે છે. પરંતુ ‘અપના લક પહન કે’ ચાલતા સની દેઓલને એક ખરોંચ પણ આવતી નથી. મીન્સ કે ઑલ્ડ ફેશન્ડ અને ટીવી પર આવતી ડબ થયેલી સાઉથ ઇન્ડિયન ફિલ્મો જેવી એક્શનના રસિયાઓ માટે અહીં લિટરલી સાઇકલથી લઇને હેલિકોપ્ટર સુધીનો વેરાયટીવાળો મસાલો છે. ફિલ્મમાં બે ખતમ થવાનું નામ જ ન લેતી લાંબી ચૅઝ સિક્વન્સ છે. જેમને મજા પડે એ ટટ્ટાર થઇને જોશે અને બાકીના કહેશે, ‘પતાવો યાર હવે.’

ફિલ્મની શરૂઆતમાં અને વચ્ચે ઑરિજિનલ ‘ઘાયલ’નો ફ્લૅશબૅક છે, જે અઢી દાયકા પહેલાં મોટા પડદે એ ફિલ્મ જોનારાઓને નોસ્ટેલ્જિક કરી દેશે. જોકે એમાં મીનાક્ષી શેષાદ્રીના ક્યુટ અવાજને બદલે કર્કશ ડબિંગ સાંભળીને ઘણા ડચકારા પણ બોલાવશે. એમ તો સની દેઓલની ‘તહલકા’ સ્ટાઇલની વેબસાઇટનું ‘સત્યકામ’ નામ સાંભળીને પણ ઘણા હૃષિકેશ મુખરજીને યાદ કરીને બે કાનની બૂટને અડકી લેશે.

આ નવી ‘ઘાયલ’ના નામનાં થોડાં વધુ ફટાણાં ગાવાં હોય તો કહી શકાય કે સ્પેશ્યલ ઇફેક્ટ્સ બાલિશ છે, એકાદું ગીત છે જે તદ્દન સમયની બરબાદી છે (એના કરતાં જૂની ફિલ્મનો સાઉન્ડટ્રેક વાપર્યો હોત તો?), ક્લાઇમેક્સમાં ખરાખરીની સ્થિતિમાં અચાનક એક નવો ટ્રેક ફૂટી નીકળે છે અને ‘એક્શન ટીવી’માંથી એકાએક ‘સ્ટાર પ્લસ’ શરૂ થઈ જાય છે.

ઘાયલ, ફિર ભી શેર

થોડો ઉંમરનો ભાર વર્તાય છે, પણ સની દેઓલ આજે પણ ઘણો ફિટ લાગે છે. ભલે એમના હાથ ઢાઈ ગુણ્યા બે એમ પાંચ કિલોના હોય, પણ એમણે આખી ફિલ્મનો ભાર એકલા ઉપાડવાને બદલે કોઈ સારા રાઇટરની અને ડિરેક્ટરની મદદ લેવી જોઇએ. ‘પોટ બૉઇલર’ બની રહેલી આ ફિલ્મને એના નોસ્ટાલ્જિઆ માટે, એક્શન સિક્વન્સીસ માટે અને સમાજ કેવો ન હોવો જોઇએ તેનો મેસેજ લેવા માટે જોઈ શકાય. બાકી, સની દેઓલનો સાચો પરચો બતાવવા માટે વડીલોએ પોતાનાં યુવાન સંતાનોને ઑરિજિનલ ‘ઘાયલ’ (અને પછી ‘અર્જુન’, ‘ઘાતક’, ‘દામિની’ પણ) બતાવવી જોઇએ.

રેટિંગઃ ** (બે સ્ટાર)

(Published in Gujarati Mid Day)

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s