સાલા ખડૂસ

મદ્રાસની મેરી કોમ

***

ટિપિકલ અન્ડરડૉગની સ્ટોરી કહેતી આ ફિલ્મમાં કંઈ કહેતા કંઈ જ નવું નથી.

***

562ac91cd4f68ef5f559332f8b67b4b0આપણે ત્યાં સ્પોર્ટ્સના બૅકડ્રોપમાં કોઈ ફિલ્મ બને એટલે તેમાં સ્વાભાવિક રીતે જ અન્ડરડૉગની વાર્તા આવી જાય છે. અન્ડરડૉગ એટલે એવું પાત્ર જેના સફળ થવાની કોઇએ આશા રાખી ન હોય અને છતાં તે તમામ અવરોધોને ઓળંગીને પણ સફળ થઇને બતાવે. આંગળીને વેઢે ગણવા બેસો એટલે ધડાધડ ‘જો જીતા વોહી સિકંદર’, ‘ચક દે ઇન્ડિયા’, ‘લગાન’, ‘ઇકબાલ’, ‘હવાહવાઈ’, ‘ભાગ મિલ્ખા ભાગ’, ‘મેરી કોમ’ યાદ આવી જાય. આર. માધવન સ્ટારર ‘સાલા ખડૂસ’ પણ આ જ કેટેગરીની ફિલ્મ છે. લોચો એ છે કે દિગ્દર્શિકા સુધા કોંગરાએ જાણે ‘મેરી કોમ’ની રિમેક બનાવી હોય એમ તેમાં કશું જ નવું કરવાનો પ્રયાસ કર્યો નથી.

કડવા લીમડે વઘારેલું કારેલું

એક છે આદિ તોમર (આર. માધવન). વીતેલાં વર્ષોનો બૉક્સર અને અત્યારનો કોચ. એની કરિયરમાં દેવ ખત્રી (ઝાકિર હુસૈન) નામના બીજા એક ખેલાડીએ એવી ફાચર મારી કે આદિ હંમેશ માટે ઇત્યાદિ થઈ ગયો. ત્યારથી એ કાયમ આકરે પાણીએ જ રહે છે. ઇવન એની પત્ની પણ એને છોડીને જતી રહી છે. ફિલ્મી પડદાનો ઝાકિર માધવન પર તબલાની એવી થાપ મારે છે કે માધવન બિચારો હરિયાણાથી સીધો ચેન્નઈ જઇને પડે છે. પરંતુ ત્યાં એને પોતાની જ ઝેરોક્સ કૉપી જેવી એક ટેલેન્ટેડ છોકરી દેખાય છે. એ છોકરી એટલે મદી (રિતિકા સિંઘ). એની મોટી બહેન લક્ષ્મી (મુમતાઝ સરકાર, જાદુગર પી. સી. સરકારની દીકરી) બૉક્સિંગ શીખે અને મદી માછલી વેચે. મદીનો મિજાજ પણ લાલ મરચાં જેવો. એના મુક્કાનો પ્રહાર જોઇને આદિ-ઇત્યાદિને લાગ્યું કે આ છોકરીમાં દમ છે. બસ, બૉક્સિંગનાં ગ્લવ્સ પહેરીને અશક્યને શક્ય બનાવવાની જદ્દો-જહદ શરૂ. પણ ફિલ્મના વિલન એમ કંઈ મંજિરાંની જોડ લઇને થોડાં બેસી રહે?

નયા ક્યા હૈ, બાંગડુ?

આ ફિલ્મની દિગ્દર્શિકા સુધા કોંગરાએ એક ઇન્ટરવ્યૂમાં કહેલું કે ૨૦૦૬માં જ્યારે ભારતની ટીમ ‘વર્લ્ડ બૉક્સિંગ ચેમ્પિયનશિપ’માં ચાર ગોલ્ડ સહિત આઠ મૅડલ જીત્યું ત્યારથી આ વાર્તા એમના મગજમાં ચામાચીડિયાની જેમ ઘુમરાતી હતી. ફાઇન, પરંતુ લોચો એ છે કે એ પછી તો પ્રિયંકા ચોપરાએ પણ બૉક્સિંગ ગ્લવ્સ પહેરીને ‘મેરી કોમ’ બનીને મુક્કાબાજી કરી લીધી. તેનાં માંડ દોઢ વર્ષ પછી જ તમે ફરી પાછી બૉક્સિંગ પર જ અન્ડરડૉગ ફિલ્મ બનાવો અને તેમાં કશું જ નવું ન હોય, તો તમારો પ્રયાસ ગમે તેટલો પ્રામાણિક હોય, પણ વેજિટેરિયન લોકોય તમારા પર માછલાં જ ધુએ. આર. માધવને આ ફિલ્મ માટે બૉડી બનાવવામાં જેટલો પરસેવો પાડ્યો છે, એટલો જો સુધાબહેને વાર્તા પાછળ પાડ્યો હોત તો આ ફિલ્મ એકદમ નૉકઆઉટ પંચવાળી બની શકી હોત.

હા, એક વાત બંને કાનની બુટ પકડીને સ્વીકારવી પડે કે આ ફિલ્મનો આત્મા એની જગ્યાએ યથાવત્ છે. એટલે જ કૉચ માધવન હોય કે એની શિષ્યા રિતિકા હોય, બધાં જ પાત્રો આપણને ફિલ્મી નહીં બલકે વાસ્તવિક લાગે છે. ઇવન ફિલ્મમાં ‘મેરી કોમ’ જેવો લાર્જર ધેન લાઇફ બનવાનો ભાર પણ વર્તાતો નથી. લાંબા વાળ-દાઢી અને ગઠ્ઠેદાર બૉડીવાળા માધવનનો ક્યુટનેસ ક્વૉશન્ટ દિવસે ને દિવસે વધતો જાય છે. પ્રોબ્લેમ માત્ર એટલો જ છે કે માધવન જ્યારે ગુસ્સામાં આવીને ધાણીફૂટ હિન્દી બોલે છે ત્યારે કેટલાય સંવાદો કાગળના વિમાનની જેમ ઉપરથી જતા રહે છે.

saala-khadoos-unveils-actress-ritika-singh-71ફિલ્મમાં ‘મદી’ બનતી રિતિકા સિંઘને માધવને ફિલ્મમાં શોધી કાઢી હોય, પણ એ રિયલ ટેલેન્ટ છે. એક તો રિતિકા સાચુકલી મિક્સ્ડ માર્શલ આર્ટ્સની ખેલાડી છે, એટલે એ જ્યારે દોડે છે, પંચ મારે છે, ત્યારે તે એકદમ જેન્યુઇન લાગે છે. ફિલ્મમાં તેનો બિનધાસ્ત એટિટ્યૂડ પણ જોવો ગમે છે. આ છોકરીમાં એક રૉ સેક્સઅપીલ છે. આ કોમ્બિનેશન એને ઍક્શનપૅક્ડ રોલ માટે પર્ફેક્ટ કેન્ડિડેટ બનાવી દે છે. બશર્તે એને કોઈ સારો રોલ ઑફર થાય.

ફિલ્મની મોટા ભાગની સ્ટોરી તેના ટ્રેલરમાં જ બતાવી દેવાનું સૌથી મોટું જોખમ એ છે કે તેમાં ખૂટતી કડીઓ સ્માર્ટ દર્શકો જાતે જ જોડી લે છે અને મૅકર્સે પછી તેમાં કંઇક નવું આપવું અનિવાર્ય બની જાય છે. અનફોર્ચ્યુનેટલી, ‘ચક દે ઇન્ડિયા’ અને ‘મૅરી કોમ’એ જે લીટી તાણી છે, તેનાથી બહારનું અનએક્સપેક્ટેડ કશું જ આ ફિલ્મ આપતી નથી. માત્ર બે બહેનો વચ્ચેનો સિબલિંગ રાઇવલરીનો એકમાત્ર ટ્વિસ્ટ અહીં નવો છે (જે અગેઇન આપણે ‘બ્રધર્સ’માં જોયેલો). ઇવન જેમણે બૉક્સિંગ પર જ બનેલી હૉલીવુડની ‘મિલ્યન ડૉલર બૅબી’ ફિલ્મ જોઈ હશે, તેમને અહીં ‘સાલા ખડૂસ’માં માધવન-રિતિકાના આલિંગનના સીનમાં પણ તેની છાયા દેખાશે.

રાજકુમાર હિરાણી અને આર. માધવને મળીને પ્રોડ્યુસ કરેલી ‘સાલા ખડૂસ’ એક અંગ્રેજી ફિલ્મને પણ લઘુતાગ્રંથિ લાવી દે તેવી માત્ર ૧૦૯ મિનિટની જ છે. તેનો ફાયદો એ થયો છે કે આપણે કંટાળીએ ત્યાં તો ફિલ્મ પૂરી થયેલી જાહેર કરી દેવાય છે. વળી, ક્લાઇમૅક્સમાં શું થવાનું છે એ વિશે પણ ઝાઝો વિચારવાને અવકાશ રહેતો નથી (અગેઇન, પ્રીડિક્ટેબલ). હા, અહીં દર બીજી-ત્રીજી ફિલ્મોમાં જોવા મળતાં ટિપિકલ લૉકેશનોને બદલે ચેન્નઈના દરિયાકિનારે આવેલી મચ્છી માર્કેટ, હિમાચલના ધરમશાલાનાં લોકેશન જોવાં ગમે ખરાં.

‘સાલા ખડૂસ’ એકસાથે તમિળ અને હિન્દીમાં બનાવવામાં આવી છે. એટલે જ તેમાં નાસિર જેવા દક્ષિણના સિનિયર કેરેક્ટર એક્ટર દેખાયા છે. ફિલ્મમાં ઝાકિર હુસૈન, એમ. કે. રૈના જેવા મંજાયેલા અને સ્વાનંદ કિરકિરે જેવા શૌકિયા અભિનેતાઓ છે, પરંતુ ફિલ્મ જોઇને જેના નામે પાર્ટી આપી શકાય એવું પર્ફોર્મન્સ એકેયનું નથી. એક તો આ ફિલ્મ એક્સાઇટમેન્ટના લેવલે સરેરાશથી ઉપર જઈ શકતી નથી, ત્યાં ગ્રહણ ટાણે સાપ કાઢતા હોય તેમ દલા તરવાડી સ્ટાઇલમાં એક પછી એક પાંચેક ગીતો ઠપકારી દીધાં છે. તેને કારણે ફિલ્મ સાવ શિયાળાના પાણી જેવી થઈ જાય છે.

ફાઇનલ પંચ

કહે છે કે દરેક વ્યક્તિની અંદર એક અન્ડરડૉગ પડેલો જ હોય છે. એટલે જ આવી લાખ અવરોધોને પાર કરીને સફળ થવાની વાર્તા કહેતી ફિલ્મ નસ નસમાં પ્રેરણાનાં ઇન્જેક્શન આપે તેવી હોવી જોઇએ. અફસોસ કે આવું કોઈ પ્રોત્સાહન કે રોમાંચ આ ફિલ્મ આપી શકી નથી. ફિલ્મના ટ્રેલરમાં સ્પોર્ટ્સમાંથી પોલિટિક્સ હટાવવાની જે વાત કરેલી, તેને પણ માત્ર અડકીને ભૂલી જવામાં આવી છે. આખી ફિલ્મનાં બે જબ્બર પ્લસ પોઇન્ટ હોય તો તે છે કે માધવન અને રિતિકાનાં પર્ફોર્મન્સ. જોકે તેના માટે કંઈ થિયેટર સુધી લાંબા ન થઇએ તો ચાલે.

રેટિંગઃ **1/2 (અઢી સ્ટાર)

(Published in Gujarati Mid Day)

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s