The Hateful Eight

– ક્વેન્ટિન ટેરેન્ટિનો (આ સાલાનું નામ જ કોઈ કાઉબૉય જેવું છે, જેના માથા પર પાંચ-પચ્ચીસ લાખનું ઇનામ બોલતું હોય!)ની ફિલ્મ રિલીઝ થવાની હોય એટલે બે પ્રકારનાં રિએક્શન અપેક્ષિત હોય. એક, શું કીધું, ટેરેન્ટિનોની ફિલ્મ છે? તો તો જોવી જ પડે ને! ન જોઇએ તો જીવતર લાજે! બીજું, ટેરેન્ટિનોની ફિલ્મ આવે છે, જોવી પડશે (ને ગમાડવીયે પડશે), વર્ના કપૂરસા’બ ક્યા કહેંગે?!

– આ માણસ (એટલે ટેરેન્ટિનો, કપૂર સા’બ નહીં) સિનેમાને બોઘરણામાં વલોવીને પી ગ્યો છે. એ એની જાતને રિપીટ કરે તોય હહરીની આવે મજા જોવાની. જેમ કે, અહીંયે એણે પોતાની ટિપિકલ સ્ટાઇલ પ્રમાણે ફિલ્મના કેકની જેમ ‘ચેપ્ટર’ તરીકે ટુકડા કરી નાખ્યા છે, ને બધા ભાગને નામ પણ આપ્યાં છે. એનાં પાત્રોનાંય પાછાં ઉપનામ છે, ‘ધ હેન્ગમેન’, ‘ધ બાઉન્ટી હન્ટર’, ‘ધ શેરિફ’, ‘ધ પ્રિઝનર’ એવાં. પાછો સીધી લીટીમાં સ્ટોરી કહે તો ટેરેન્ટિનોને વલૂર ઊપડે. એટલે વચ્ચે સ્ટોરીના અમુક ટુકડાને આડાઅવળા પણ ચીપી નાખે. ભલે ને તમે માથું ખંજવાળો. એની દાદાગીરી જુઓ, ફિલ્મના ટાઇટલમાં જ લખે છે, ‘ધ એઇટ્થ ફિલ્મ બાય ક્વેન્ટિન ટેરેન્ટિનો.’ (આ ફિલ્મનું મૅકિંગ વાંચજો, ફિલ્મની સ્ક્રિપ્ટ લીક થઈ ગયેલી ને એનીયે એક ફિલ્મ, ચલો શોર્ટ ફિલ્મ બને એવી સ્ટોરી છે!)

– હવે એ વાક્ય ક્લિશે બનતું જાય છે કે ટેરેન્ટિનોની મુવી જોવી એ એક એક્સપિરિયન્સ હોય છે, પણ લગભગ તૈણ કલાકની આ ફિલ્મ ખરેખર એક એક્સપિરિયન્સ જેવી જ છે. એક તો એણે ફિલ્મને વાઇડેસ્ટ પોસિબલ ફોર્મેટમાં શૂટ કરી છે (જેમાં એક સમયે ‘બેન-હર’ શૂટ થયેલી). આ ફોર્મેટનો તબ્યતથી ફાયદો ઉઠાવવા માટે એણે પોતાના મંજાયેલા ધુરંધર સિનેમેટોગ્રાફર રૉબર્ટ રિચર્ડસનને ધંધે લગાડ્યા. ઓકે ઓકે, આ બધું તો વિકિપીડિયામાંય છે, પણ ત્યાં જે નથી અને મુવીમાં છે, એ છે અરમાન હલી જાય એવા મસ્ત શૉટ્સ. એયને ચારેકોર બરફનું રણ વેરાયેલું હોય, બરફનું તોફાન આવવાનું હોય, ને દૂરથી છ-છ ઘોડા જોતરેલી એક ઘોડાગાડી હાલી આવતી હોય, કાં તો એક ટોપીવાળો ચાલતો આવતો હોય, બરફ પડતો હોય ને સ્લો મોશનમાં ઘોડા દોડતા હોય… ને બૅકગ્રાઉન્ડમાં એન્યો મોરિકોનેનું કમ્પોઝ કરેલું ગીત વાગતું હોય (આ માણસને બાદ કરી નાખો તો ‘સ્પઘેટી વેસ્ટર્ન’ નામની આખી કાઉબોય ફિલ્મ્સની ઝોનરા બહેરી થઈ જાય અને ‘ગુડ બૅડ અગ્લી’ની થીમ પણ ગાયબ થઈ જાય!) આ જોઈને તમેય કહેશો, મારી હાળી આવે છે તો મજા, હોં!

– ટેરેન્ટિનોને લોહીના ફુવારા ને ક્રૂર હિંસા પ્રત્યે કંઇક વિકૃત કહી શકાય એવું આકર્ષણ છે. અહીંયે કેટલાંય ખૂન થાય છે, મોઢામાંથી લોહીના ફુવારા છૂટે છે, માથાં છૂંદાય છે, ને આપણને તો ‘હાય હાય’ થઈ જાય એવી હિંંસા સ્ત્રીઓ સાથે આચરવામાં આવી છે (ફેમિનિસ્ટોએ તો તસ્દી લેવી જ નહીં!). ઉપરથી આખી ફિલ્મમાં એટલી વાર ‘નિગર નિગર’ બોલ્યા છે કે એમ થાય કે બસ કરો તો હવે, બાકી અમેય ડામચિયામાંથી બે જોટાળી કાઢીએ છીએ!

– એક તબક્કે આ ફિલ્મ તખ્તા પર ભજવાતા કોઈ નાટકમાં કન્વર્ટ થઈ જાય છે. ફિલ્મનો એક મોટો ભાગ ‘મિનીઝ હેબરડેશરી’ કહેવાતી લાકડાની કોટડીમાં જ શૂટ થયેલો છે. થોડીક અકળામણેય થાય અને કંઇક આપણે એ માહોલમાં ટેલિપોર્ટ પણ થઈ જઇએ. એ બરફનું તોફાન જોતાં આપણનેય ટાઢ ચડવા માંડે ને એ ગરમ ખાણું ખાતાં ને બાટલીમાંથી કંઇક ભરતા જોઇને આપણનેય હાથ લંબાવવાની ઇચ્છા થઈ આવે. પાછી ચીવટ એવી રાખી હોય કે સ્નોફોલમાં બેઠેલા સેમ્યુઅલ એલ. જેક્સનની હૅટ પર બરફ જામ્યો હોય તો એય એકદમ કુદરતી લાગે એવો જ હોય (દાળઢોકળીની જેમ પાથરી ન દીધો હોય!).

– હજી તો આપણે કંટાળવાનું વિચારતા હોઇએ ત્યાં જ કહાની મેં ટ્વિસ્ટ આવે, સૂક્ષ્મદેહે ખુદ ટેરેન્ટિનો પ્રગટે અને કાઉબોય મુવી અચાનક કોઈ ‘હુ ડન ઈટ’ ટાઇપની મિસ્ટ્રી ફિલ્મમાં કન્વર્ટ થઈ જાય. પાછા બધા લુચ્ચા-લબાડ લોકો ભર્યા હોય એટલે કોઈની દયાય ન આવે. એવું જ થાય કે મરવા દો સાલાઓને!

– તેમ છતાં આ કંઈ સાવ ફુલડે વધાવીએ અને ટચાકા ફૂટે એવાં ઓવરાણાં લઇએ એવું મહાન પિક્ચર નથી. ભયંકર ધીમું છે. દૂરથી ઘોડાગાડી કે માણસ ચાલ્યાં આવતાં હોય, તો તે નજીક આવે ત્યાં સુધી તમારે શાંતિ રાખવાની. ઉચ્ચારો અમેરિકન સિવિલ વૉર વખતના રાખ્યા હોય કે કેમ, પણ સમજવા અઘરા પડે છે. ઉપરથી થિયેટરમાં સબટાઇટલ્સ પણ નથી. ને સાલાવ, એટલી વાતો કરે એટલી વાતો કરે એટલી વાતો કરે એટલી…..

– એટલે જો તમે ટેરેન્ટિનોના ચરસી હો, તો તો તમે ઓલરેડી હડી કાઢવાનું નક્કી કરી જ લીધું હશે. પણ જો ઇન જનરલ જાતભાતની ફિલ્મો ગમતી હોય, તોય આ ફિલ્મ જોવા જેવી છે, કેમ કે આનું મ્યુઝિક, સિનેમેટોગ્રાફી, સેમ્યુઅલ એલ. જેક્સન-કર્ટ રસેલ-જેનિફર જૅસન લીની એક્ટિંગ અને ફિલ્મમાં ઠેકઠેકાણે વેરાયેલી જથ્થાબંધ વાયડાઇઓ… આ બધું જ ઉમદા શરાબની જેમ ધીમે ધીમે ચડે છે. ચડ્યા પછી તમેય કહેશો, ‘એક ઔર, રિપીટ!’ (બાકી તમને શું લાગે છે, રાતે દોઢ વાગે આ લખવા અમને ટેરેન્ટિનોના પપ્પાએ બેહાડ્યા છે?!)
***
– ટેરેન્ટિનોને મૂકો તડકે, આપણે ત્યાં કો’ક બનાવો ને યાર આપણા ઑરિજિનલ કાઉબૉય, બહારવટિયા ઉપર આવી ક્લાસિક વાયડાઇઓથી ભરેલી, ચકાચક સ્પઘેટી વેસ્ટર્ન (આમેય આપણું રાજ્ય પણ વેસ્ટમાં જ છેને!–ઓકે, બૅડ જોક!) ‘હારો, નઠારો ને ભૂંડો’ ટાઇપ! હમજી ગ્યા ને!

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s