અભી ના જાઓ છોડકર, કે દિલ અભી ભરા નહીં

***

મિસ્ટિરિયસ બ્યુટિ, એની ઓળખ બની ગયેલી ‘સાધના કટ’ હેરસ્ટાઇલ, એના પર ફિલ્માવાયેલાં સદાબહાર ગીતો માટે જાણીતી અદાકારા સાધનાએ ગઈકાલે ૭૪ વર્ષની વયે છેલ્લા શ્વાસ લીધા. બૉલીવુડની આ સ્ટાઇલ આઇકન અભિનેત્રી પોતાની પાછળ વાગોળવા જેવી સંખ્યાબંધ મોમેન્ટ્સ છોડતી ગઈ છે.

***

20sld3રાજ કપૂરની ‘શ્રી 420’નું ‘મૂડ મૂડ કે ના દેખ’ ગીત જોઇએ ત્યારે આપણું ધ્યાન મારકણી અદાઓ ફેંકતી નાદિરા અને ગ્લેમરસ લાઇફસ્ટાઇલથી અંજાઈ રહેલા યુવાન રાજ કપૂર પર જ કેન્દ્રિત થયેલું હોય. ઇવન આખા ગીતમાં કેમેરા પણ આ બંનેને જ સેન્ટરમાં રાખીને ફરતો રહે છે. ગીતને જરા સ્લો મોશનમાં ધ્યાનથી જોઇએ તો દેખાશે કે નાદિરાની આસપાસ નાચતી યુવતીઓમાં તાજા ખીલેલા પુષ્પ જેવી દેખાતી એક યુવાન સાધના પણ છે. સાધનાનું એ પહેલું સ્ક્રીન અપિયરન્સ હતું.

એ વખતના બહુ બધા લોકોની જેમ સાધનાની સ્ટોરી પણ આઝાદી, ભારતના ભાગલા અને તેની સાથે જોડાયેલી અંધાધૂંધીથી શરૂ થાય છે. સિંધ કરાંચીના સિંધી પરિવારમાં જન્મેલી સાધના શિવદાસાણીનું નામ તેના પિતાએ એ વખતની મશહૂર એક્ટર સાધના બોઝના નામ પરથી પાડેલું. પાર્ટિશન વખતનાં કોમી રમખાણોથી બચીને શિવદાસાણી પરિવાર ભારત આવ્યો અને જ્યાં ત્યાં ભટકીને આખરે મુંબઈના સાયનમાં સ્થાયી થયો. સાધનાના કાકા હરિ શિવદાસાણી પણ અચ્છા કેરેક્ટર એક્ટર હતા. આ હરિ શિવદાસાણી એટલે અભિનેત્રી બબીતાના પિતા અને કરિના-કરિશ્માના નાના. મતલબ કે સાધના અને બબીતા પિતરાઈ બહેનો. જોકે પાછળથી સાધનાએ સ્વીકારેલું કે એને પોતાની કઝિન બબીતા સાથે ઝાઝો સંબંધ નથી.

એક ઇન્ટરવ્યૂમાં સાધનાએ કહેલું કે, ‘આમારાં રહેવાનાં કશાં ઠેકાણાં નહોતાં, એટલે હું આઠ વર્ષની થઈ ત્યાં સુધી મારી મમ્મીએ મને ઘરે જ ભણાવી.’ સાધનાની મમ્મી મોન્ટેસરી સ્કૂલમાં ટીચર રહી ચૂકી હતી. આખરે સાધનાને વડાલાની ઑક્સિલિયમ કોન્વેન્ટ સ્કૂલમાં બેસાડવામાં આવી. એના પ્રવેશનો ટેસ્ટ લઇને પ્રિન્સિપાલે સાધનાની મમ્મીને કહ્યું કે આ છોકરીને તમે ઘરે પણ એટલું સરસ ભણાવ્યું છે કે અમે એને ચોથામાં નહીં, બલકે સીધું પાંચમા ધોરણમાં જ એડમિશન આપીએ છીએ. આખરે મધમીઠા ગોલા ખાતાં, ફેવરિટ એક્ટર્સ દેવ આનંદ અને નૂતનની ફિલ્મો જોતાં સાધનાનું બાળપણ વીત્યું. સ્કૂલ પૂરી કરીને સાધનાએ જયહિન્દ કોલેજમાં આર્ટ્સમાં એડમિશન લીધું. ઈ.સ. ૧૯૫૭-૫૮ના એ ગાળામાં સાધના કોલેજનાં નાટકોમાં પણ ભાગ લેતી. એક વખત એની કોલેજમાં પાર્ટિશનના વિષય પર બની રહેલી એક સિંધી ફિલ્મ ‘અબાના’માં કામ કરવા માટે કેટલાંક યુવક-યુવતીઓની પસંદગી માટે ફિલ્મમૅકર્સ આવ્યા. એમણે સાધનાનું નાટક જોયું અને ફટ્ દઇને ‘અબાના’માં અભિનેત્રી શીલા રામાણીની નાની બહેનનો રોલ આપી દીધો. ફિલ્મના શૂટિંગ વખતે સાધનાએ શીલા રામાણીનો ઓટોગ્રાફ માગેલો. ત્યારે શીલા રામાણીએ સાધનાને કહેલું કે એક દિવસ હું તારો ઑટોગ્રાફ લેવા આવીશ. એ ફિલ્મ હિટ થઈ ગઈ અને સાધનાની બોલીવુડમાં એન્ટ્રી પણ. એ ફિલ્મ રિલીઝ થઈ એ દિવસે ‘સ્ક્રીન’ મેગેઝિને સાધનાનો ફોટોગ્રાફ ફ્રન્ટ પેજ પર છાપેલો. એ ફોટો ફિલ્મ નિર્માતા શશધર મુખર્જીએ જોયો અને પોતાની ફિલ્મ નિર્માણ કંપની ‘ફિલ્માલય’ માટે બની રહેલી ફિલ્મ ‘લવ ઇન શિમલા’માં સાધાનાને મુખ્ય અભિનેત્રીનો રોલ પણ ઑફર કરી દીધો. ઇવન તેમણે પોતાની એક્ટિંગ સ્કૂલમાં સાધનાને એક્ટિંગ પણ શીખવી.

‘લવ ઇન શિમલા’ નવોદિતોની ફિલ્મ હતી. સાધના અને શશધર મુખર્જીના દીકરા જૉય મુખર્જીની તે પહેલી ફિલ્મ હતી. તો બીજી બાજુ ડિરેક્ટર આર. કે. નૈયરની પણ તે પહેલી ફિલ્મ હતી. એ જમાનો હોલીવુડની મશહૂર એક્ટ્રેસ ઑડ્રી હેપબર્ન જેવાં લુક્સનો હતો. સાધનાનું વિશાળ એવું વિશાળ હતું કે એના આગળના વાળ કેમેય કરીને બંધાતા નહોતા. આખરે ડિરેક્ટર રામ કૃષ્ણ નૈયર સાધનાને કેમ્પ્સ કોર્નરમાં આવેલા એક બ્યુટિ પાર્લરમાં લઈ ગયા અને ત્યાં હેરસ્ટાઇલિસ્ટ લેડીને કહ્યું કે આને ઑડ્રી હેપબર્ન સ્ટાઇલના વાળ કરી આપો. આ જ આર. કે. નૈયર સાથે સાધનાએ પછીથી લગ્ન કરેલાં. સાધનાએ એકવાર કહેલું કે, ‘મારા પતિ (નૈયર)ને મારું લાંબું નાક એવું ગમતું કે એ કહેતા કે આ નાક પર હું હેલિકોપ્ટર પણ લૅન્ડ કરાવી શકું.’ મધુબાલા, મીનાકુમારી અને નૂતનના એ જમાનામાં એકદમ ફ્રેશ એવી સાધના લોકોને ગમી ગઈ. એક તરફ ‘લવ ઇન શિમલા’ કરતાં કરતાં જૉય અને સાધના પ્રેમમાં પડ્યાં, તો બીજી બાજુ પબ્લિક સિન્ડ્રેલા જેવી સ્ટોરી ધરાવતી આ ફિલ્મના પ્રેમમાં પડી ગઈ.

‘લવ ઇન શિમલા’ની ગ્લેમરસ સાધનાને જોઇને તેને બીજી ફિલ્મ ‘પરખ’માં લેનારા બિમલ રૉય ભારે ખફા થઈ ગયેલા. એમને સિમ્પલ છોકરી જોઇતી હતી. આખરે સાધનાએ હેરસ્પ્રેથી વાળ ચોંટાડીને બિમલદાને મનાવ્યા. પછી તો આખી કરિયરમાં જ્યાં જ્યાં સાધનાકટ વાળની જરૂર ન હોય, ત્યાં હેરસ્પ્રે સાધનાને બહુ કામમાં આવેલો. લુક્સની જ વાત નીકળી છે, તો સાધનાએ પોતે જ કહ્યું છે કે એકદમ ચપોચપ ચોંટેલાં કુર્તા-ચુડીદાર અને નીચે મોજડીનો ટ્રેન્ડ પણ એણે જ સ્ટાર્ટ કરેલો. યશ ચોપરાની ‘વક્ત’માં નવા ડિફરન્ટ લુક માટે સાધનાએ મુસ્લિમ સલવાર-કુર્તાને સ્લિવલેસ બનાવીને એકદમ મૉડર્ન લુક આપ્યો. પહેલા પ્રયત્ને તો યશ ચોપરાને એ આઇડિયા ગમ્યો નહીં, પણ પછી સાધનાએ (‘ગાંધી’ ફિલ્મ માટે ઑસ્કર જીતનારાં) ડ્રેસ ડિઝાઇનર ભાનુ અથૈયાને મનાવ્યાં અને પોતાની ડિમાન્ડ પ્રમાણેનો ડ્રેસ તૈયાર કરાવ્યો. હવે યશ ચોપરાને ઇમ્પ્રેસ થયા વિના છૂટકો નહોતો. સાથોસાથ સાધનાના નામે નવો ટ્રેન્ડ પણ લખાઈ ગયો.

સાધનાની ટેલેન્ટનું કે એની બ્યુટિનું પરિણામ કહો કે એનું નસીબ, એક પછી એક એને ધાંસુ દિગ્દર્શકો સાથે જ કામ કરવાનો મોકો મળતો ગયો. બીજી ફિલ્મ બિમલ રૉય સાથે ‘પરખ’ તરીકે કરી, તો ત્રીજી ફિલ્મ ઈ.સ. ૧૯૬૨માં હૃષિકેશ મુખર્જી સાથે ‘અસલી નકલી’ કરી. ‘અસલી નકલી’માં સાધના દેવ આનંદની અપોઝિટ હતી. આ ફિલ્મનાં ગીતો અને અનોખી સ્ટોરીએ નવેસરથી ધૂમ મચાવી. તે પછી બિમલદાએ સાધનાને ફરી પાછી ‘પ્રેમપત્ર’માં રિપીટ કરી. એ જ વર્ષે શશધર મુખર્જીની પ્રોડ્યુસ કરેલી વધુ એક ફિલ્મ ‘એક મુસાફિર એક હસીના’થી ફરી પાછી પડદા પર સાધના-જૉય મુખર્જીની જોડી જોવા મળી. આ મ્યુઝિકલ ફિલ્મનાં ઓ. પી. નૈયરે કમ્પોઝ કરેલાં અને રફી-આશાએ ગાયેલાં ગીતોને આજે પણ સમયની ઝાંખપ લાગી નથી. ‘એક મુસાફિર એક હસીના’થી સાધના અને રાજ ખોસલાની જોડીનો પણ આરંભ થયો. રાજ ખોસલા પછીથી સાધના સાથે એમની ત્રણ ફેમસ સસ્પેન્સ ફિલ્મો બનાવવાના હતા.

એક જૂના ઇન્ટરવ્યૂમાં સાધનાએ કહેલું કે, ‘મારા ફૅન્સ મને રાજેન્દ્ર કુમારની સામે જોવાનું પસંદ કરતા, જેમની સાથે મેં ત્રણ ફિલ્મો કરી, પણ મને શમ્મી કપૂર અને સુનીલ દત્ત સાથે કામ કરવાની બહુ મજા આવતી. અમે લોકો સેટ પર બહુ મસ્તી મજાક કરતા. જ્યારે મનોજ કુમાર બહુ શાંત માણસ. એ પોતાનો શોટ પતે એટલે શાંતિથી ખૂણામાં જઇને બેસી જાય.’ રાજ કપૂર વિશે રસપ્રદ વાત કરતાં સાધનાએ કહેલું કે, ‘મારી હાઇટ એમના કરતાં વધારે હતી અને એ વિશે એ બહુ સભાન હતા. ‘દુલ્હા દુલ્હન’ ફિલ્મ કરતી વખતે એમણે મને પૂછેલું પણ ખરું કે તારા સેન્ડલની હીલ કેટલા ઇંચની છે, પણ એ વખતે મેં ફ્લૅટ ચપ્પલ જ પહેર્યાં હતાં.’ રાજ કપૂરે સાધનાનું નામ ‘ટોય ટોય’ પાડેલું.

રાજેન્દ્ર કુમાર સાથે કરેલી ‘મેરે મહેબૂબ’ ૧૯૬૩ના વર્ષની તો સૌથી હિટ ફિલ્મ તો હતી જ, પણ સાધનાની તે પહેલી રંગીન ફિલ્મ પણ હતી. તેનાં નૌશાદે સર્જેલાં અમર ગીતો ઉપરાંત હીરો અને બુરખાધારી હિરોઇનનું ટકરાવું, હાથમાંથી પુસ્તકો પડવાં, હિરોઇનનો બુરખો ઉપર કરવો, પહેલીવાર બંનેની આંખો મળવી અને પહેલી નજરનો પ્રેમ થવો, આ આખી સિચ્યુએશન હિન્દી ફિલ્મોના ઇતિહાસમાં અમર થઈ ગઈ છે. આજની તારીખે પણ તેની કૉપી થતી રહે છે.

પછીના વર્ષે ૧૯૬૪માં રોમેન્ટિક ફિલ્મોમાંથી સાધનાએ સીધી જ રાજ ખોસલાની સસ્પેન્સ થ્રિલર ફિલ્મ ‘વોહ કૌન થી?’ કરી. અલબત્ત, આ ફિલ્મ અલ્ફ્રેડ હિચકોકની ‘વર્ટિગો’ની જ અનઑફિશ્યલ રિમેક હતી. ‘વોહ કૌન થી?’ વખતનો એક કિસ્સો ભારે રસપ્રદ છે. તેનું લતા મંગેશકરે ગાયેલું ટાઇટલ સોંગ ‘નૈના બરસે રિમઝિમ’ ગીત ફિલ્મમાં સાત અલગ અલગ લોકેશન પર શૂટ કરવાનું હતું. પરંતુ લતાજીની તબિયત ખરાબ હોવાને કારણે ગીતનું રેકોર્ડિંગ સમયસર થઈ શક્યું નહીં અને ગીતના શિમલા ખાતેના શૂટિંગનો સમય આવી ગયેલો. ત્યારે મદન મોહને રસ્તો કાઢ્યો કે આ ગીત એમના અવાજમાં ડબ કરીને શિમલાનું શૂટ પતાવી લેવું, પછી પાછળથી લતા રેકોર્ડ કરી લેશે. શિમલામાં લોકોની ભારે ભીડની વચ્ચે સાધનાએ આ ગીતની કડી ગાઈ ત્યારે બૅકગ્રાઉન્ડમાં મદન મોહનનો અવાજ ગૂંજતો હતો. ત્યારે શૂટિંગ જોઈ રહેલા એક સરદારજીએ મોટેથી કમેન્ટ કરેલી કે, ‘લે, કમાલ હૈ. આ તે કેવિ ફિલ્મ બનાવે છે આ લોકો? છોકરી છોકરાના અવાજમાં ગાય છે. આ ફિલ્મ તો ફ્લોપ જ જવાની.’ પરંતુ આ ફિલ્મનું મદન મોહનનું અમર સંગીત, સ્પાઇન ચિલિંગ સસ્પેન્સ અને સાધનાની મિસ્ટિરિયસ ભૂમિકા ઇન્સ્ટન્ટ્લી હિટ થઈ ગઈ.

આ ફિલ્મ પછી રાજ ખોસલાએ સાધના સાથે બીજી સસ્પેન્સ થ્રિલર ફિલ્મ ‘મેરા સાયા’ બનાવી, જેમાં સાધનાની અપોઝિટ સુનીલ દત્ત હતા. આ ફિલ્મ પણ તેના કલર, સ્ટોરી, એક્ટિંગ અને ખાસ તો મ્યુઝિકને લીધે સુપર હીટ ગઈ. ત્રણ વર્ષ બાદ રાજ ખોસલાએ અગેઇન મનોજ કુમાર અને સાધનાને લઇને ‘અનિતા’ બનાવી અને પોતાની સસ્પેન્સ થ્રિલર ટ્રિલજી પૂરી કરી.

સાધનાની બ્યુટિ એ હતી કે એ ચુલબુલી બબલી ગર્લની ભૂમિકા જેટલી સહેલાઈથી કરી શકતી, એટલી જ સહેલાઈથી એ સસ્પેન્સફુલ ભૂમિકાઓ પણ કરી શકતી. સાથોસાથ એ ‘રાજકુમાર’ કે ‘મેરે મહેબૂબ’ જેવાં જાજરમાન પાત્રો પણ નિભાવી શકતી. સાધનાનો જાદૂ ‘એક ફૂલ દો માલી’ જેવી ફેમિલી ડ્રામા અને ‘દિલ દૌલત દુનિયા’ જેવી કોમેડી ફિલ્મોમાં પણ ચાલુ રહ્યો. ઇવન એણે કરેલી બીજી સિંધી ફિલ્મ ‘સ્ત્રી’ પણ આજે ક્લાસિક ગણાય છે. ૧૯૭૪માં સાધનાએ લોસ્ટ એન્ડ ફાઉન્ડ ફોર્મ્યુલાવાળી ‘ગીતા મેરા નામ’માં એક્ટિંગ ઉપરાંત ડિરેક્શન પર પણ હાથ અજમાવેલો. ખુદ સાધનાએ જ કહેલું છે કે ૧૯૫૯થી ૧૯૭૪ સુધીમાં એણે ૩૩ ફિલ્મોમાં કામ કરેલું અને તેમાંથી ૨૭ ફિલ્મો સુપરહીટ ગયેલી.

ડિરેક્ટર રામ કૃષ્ણ નૈયર સાથે પરિવારના વિરોધ છતાં લગ્ન કરનારી સાધનાએ ક્યારેય પોતાની ટર્મ્સ સાથે સમાધાન કર્યું હોય એવું જડતું નથી. ફેમસ વાત છે કે સાધનાને હાઇપર થાઇરોઇડિઝમની બીમારી લાગુ પડી. પછીથી આંખોને અસર પહોંચી, જેથી તેના સૌંદર્યમાં ભારે ઓટ આવી. આ બીમારીને કારણે જ સાધનાના હાથમાંથી ‘સંઘર્ષ’ અને ‘અરાઉન્ડ ધ વર્લ્ડ’ જેવી ફિલ્મો સરી ગઈ, જે અનુક્રમે વૈજ્યંતીમાલા અને રાજશ્રીના હાથમાં ગઈ. પોપ્યુલર થિયરી એવી છે કે સાધનાએ આ બીમારીને કારણે એક્ટિંગમાંથી સંન્યાસ લઈ લીધો (૧૯૭૫માં આવેલી ‘અમાનત’ એની અભિનેત્રી તરીકેની છેલ્લી ફિલ્મ હતી). પરંતુ સાધનાએ એ વાતને ક્યારેય સ્વીકારી નથી. એણે કહ્યું છે, ‘એ વાત સાચી કે મને થાઇરોઇડ ગ્રંથિની બીમારી હતી, પણ એના માટે મેં બોસ્ટન (અમેરિકા) જઇને સારવાર કરાવી લીધેલી. એમાંથી સાજા થઇને પછી જ મેં ‘ઇન્તેકામ’ અને ‘ગીતા મેરા નામ’ કરેલી.’ પરંતુ પાછળથી એમને આંખોમાં યુવાઇટિસ નામની બીમારી લાગુ પડી અને જેને લીધે ૨-૩ મહિના એમને સંપૂર્ણ અંધાપો આવી ગયેલો. કોર્ટિઝોન નામની દવાથી એમની એક આંખની દૃષ્ટિ પાછી આવી, પણ એક આંખ કાયમ માટે નકામી બની.

પરંતુ સાધનાએ પોતાની સમકાલીન આશા પારેખ કે વહીદા રહેમાનની જેમ ક્યારેય ચરિત્ર ભૂમિકાઓ કેમ ભજવી નહીં? સાધનાએ કહેલું, ‘મારે હંમેશાં હિરોઇન તરીકે જ ઓળખાવું હતું. એટલે જ હું જ્યારે ટૉપ પર હતી અને મને લાગ્યું કે હવે મને હિરોઇન તરીકેની ભૂમિકાઓ નહીં મળે ત્યારે મેં જાતે જ ફિલ્મો છોડી દીધી. મારે માતા, ભાભી કે બહેનના રોલ નહોતા કરવા.’ ચાહકોના મનમાં કંડારાયેલી સૌંદર્યમૂર્તિ હિરોઇન તરીકેની છબી ખરડાય નહીં એટલા માટે સાધનાએ પછીથી ક્યારેય ઇન્ટરવ્યૂ કે ફોટોસેશન કરાવ્યાં જ નહીં. સાધનાએ કહ્યું છે, ‘મારી પાસે મારી બધી જ ફિલ્મો છે, પણ હું ક્યારેય મારી જૂની ફિલ્મો જોતી નથી.’

આર. કે. નૈયર સાથેનાં ત્રણ દાયકાનાં લગ્નજીવનમાં સાધનાને ક્યારેય સંતાનસુખ મળ્યું નહીં. એમના જીવનનો એકમાત્ર ખાલીપો સંતાનનો જ હતો. અલબત્ત, નિઃસંતાનપણાને એમણે ઈશ્વરની ઇચ્છા તરીકે સ્વીકારી લીધેલું. સાધના એક સમયની સૌથી વધુ મહેનતાણું મેળવતી અભિનેત્રી હતી. પરંતુ શરૂઆતમાં જ્યારે શશધર મુખર્જીએ તેની સાથે ત્રણ વર્ષનો કોન્ટ્રેક્ટ કર્યો ત્યારે પહેલા વર્ષે એને દર મહિને ૭૫૦ રૂપિયા, બીજા વર્ષે મહિને ૧૫૦૦ રૂપિયા અને ત્રીજા વર્ષે ૩૦૦૦ રૂપિયાનો પગાર મળતો હતો.

હિન્દી ફિલ્મ મ્યુઝિકનાં કેટલાંય અમર ગીતો સાધના પર જ ફિલ્માવાયાં છે. જેમ કે, ‘ઓ સજના બરખા બહાર આયી’ (પરખ), ‘અભી ન જાઓ છોડ કર’ (હમ દોનો), ‘આપ યૂંહી અગર હમ સે મિલતે રહે’ (એક મુસાફિર એક હસીના), ‘નૈના બરસે અને લગ જા ગલે’ (વોહ કૌન થી), ‘આજા આયી બહાર’ (રાજકુમાર), ‘અજી રૂઠકર અબ કહાં જાઇયેગા’ (આરઝૂ), ‘તુ જહાં જહાં ચલેગા’ અને ‘ઝુમકા ગિરા રે’ (મેરા સાયા), ‘મેરે મહેબૂબ તુઝે’ (મેરે મહેબૂબ), ‘તેરા મેરા પ્યાર અમર હૈ’ (અસલી નકલી), ‘આગે ભી જાને ના તૂ’ (વક્ત) વગેરે.

શાંતાક્રુઝના રામ કૃષ્ણ મિશન રોડ પર આવેલા સંગીતા બંગલોમાં આશા ભોંસલેની ભાડુઆત તરીકે સાધનાએ સાડાપાંચ દાયકા વીતાવી નાખ્યા હતા. આશા ભોંસલેની માલિકીની આ બે માળની બિલ્ડિંગમાં સાધના ગ્રાઉન્ડ ફ્લૉર પર ૩૦૦૦ સ્ક્વેર ફીટના ઘરમાં રહેતી હતી. પહેલે માળે બેબી નાઝ તરીકે જાણીતી અભિનેત્રીનો પરિવાર અને બીજા માળે બિલ્ડર યુનુસ લાકડાવાલાનાં સાસુનો પરિવાર રહેતો હતો. પાંચ વર્ષ પહેલાં સાધનાએ લેખિતમાં પોલીસ ફરિયાદ કરેલી કે લાકડાવાલાએ એને ઘર ખાલી કરી આપવા માટે મારી નાખવાની ધમકી આપેલી.

ગયા વર્ષે સાધનાએ રણબીર કપૂર સાથે રૅમ્પ પર વૉક પણ કરેલી. ખેર, સાધના ભલે ૭૪ વર્ષની વયે કેન્સર સામેની લડાઈ હારી ગયાં હોય, પણ એમની ઇચ્છા પ્રમાણે ચાહકોની નજરમાં તો એ કાયમ સાધના કટ વાળ ધરાવતી સ્ટાઇલિશ હિરોઇનનું સ્થાન બરકરાર રાખશે. ભારતીય સિનેમાના ઇતિહાસમાં એમની છાપ અમીટ જ રહેશે. ઈશ્વર એમના આત્માને શાંતિ અર્પે.

(Published in Gujarati Mid Day)

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s