દિલવાલે

પૈસેવાલે, દિમાગવાલે, કારવાલે

***

શાહરુખના સ્ટાર પાવર અને માર્કેટિંગના બોમ્બાર્ડિંગની પાછળ આ ફિલ્મ એક કલરફુલ બૉક્સમાં પૅક થયેલો ખાલી ડબ્બો માત્ર છે.

***

dilwale-poster-srk-varun-kajol-kriti‘શાહરુખ-કાજોલની જોડી ફરી આવી રહી છે, રોહિત શેટ્ટીની ફિલ્મ છે, ‘હમ’ની રિમેક છે’ વગેરે પ્રચારના હથોડા છેલ્લાં કેટલાંય અઠવાડિયાંથી આપણી માથે મરાઈ રહ્યા હતા. જાણે થિયેટરમાં સાક્ષાત દેવદર્શન થવાનાં હોય એમ ટિકિટના ભાવ પણ રોકેટની જેમ આસમાને પહોંચાડી દેવાયેલા. લેકિન આખિર જિસકા ડર થા વોહી હુઆ. જમાના જૂની ચપટીક સ્ટોરીને ફૂવડ કોમેડી અને ઘોંઘાટિયા એક્શન સિક્વન્સ સાથે પૅક કરીને ફરીપાછી પિરસી દેવામાં આવી છે.

ગેંગસ્ટરવાલા લવ

રોહિત શેટ્ટીની ફિલ્મ છે એટલે વાર્તા નેચરલી ગોવાથી જ શરૂ થાય છે. અહીં દાઢીવાળો રાજ (શાહરુખ ખાન) કાર મોડિફિકેશન કંપની કમ ગેરેજ ચલાવે છે. એનો એક છોટે ભૈયા છે વીર (વરુણ ધવન). આ ક્યુટ ભૈયાને એક દિવસ ઇશિતા (ક્રીતિ શેનન) નામની ફટાકડી સાથે ઇન્સ્ટન્ટ્લી લવ થઈ જાય છે. બેયને પરણવું તો છે, પણ એ રિશ્તાની વચ્ચે એના વાંઢા બડેભૈયાનો બંદૂકડીવાળો ભૂતકાળ વચ્ચે આવી જાય છે. આ ભૂતકાળના છેડા વીતેલા જમાનાની ક્યુટ ગુંડી મીરાં (કાજોલ) સાથે ટચ થાય છે. બસ, ફ્લેશબૅકવાળી આ ખીચડીમાં ઘી કેવી રીતે ઢોળાય છે એ જોવામાં જ અઢી કલાક કાઢવાના છે.

નો દિમાગ, ઓન્લી બકવાસ

પહેલી વાત તો એ કે શાહરુખ-કાજોલની જોડીને આજે બે દાયકા પછીયે સમયનો કાટ નથી લાગ્યો. આજે ઉંમર છુપાવવા કાજોલને થોડા વધારે મેકઅપની અને શાહરુખને દાઢીની જરૂર પંડે છે, પણ બંને જ્યારે સ્ક્રીન પર આવે ત્યારે મોંમાંથી એક સીટી તો નીકળી જ જાય. પરંતુ બંનેને સાથે બતાવવા માત્રથી સારી ફિલ્મ બની જતી હોત તો રોહિત શેટ્ટીએ ‘દિલવાલે’નું માત્ર પોસ્ટર જ રિલીઝ કર્યું હોત.

‘દિલવાલે’નો સૌથી મોટો પ્રોબ્લેમ એ છે કે તેમાં રાઇટરો અને ડિરેક્ટર પાસે કહેવા માટે કંઇ જ નવું નથી. કદાચ રોહિતે વિચાર્યું હોય કે પડદા પર શાહરુખ બે હાથ પહોળા કરી દે એટલે સો-બસ્સો કરોડ તો આમ ભેગા થઈ જશે. એટલે જ બે ગેંગસ્ટર વચ્ચેની દુશ્મનીની દાયકાઓ જૂની દાસ્તાનને ઊભડક રીતે બતાવી દેવા સિવાય ફિલ્મની મુખ્ય વાર્તામાં કશું જ નથી. ઇવન, ઇન્ટરવલ પછી તો વાર્તામાં કોઇ પણ પ્રકારનો કોન્ફ્લિક્ટ જ રહેતો નથી. બસ, એક પછી એક સીન-ગીત આવ્યા કરે અને ફિલ્મ ખેંચાયે રાખે. જાણે પબ્લિકને ઠીક મારા ભૈની જેમ ગણતા હોય એમ ટિપિકલ કાર સ્ટન્ટથી હીરોની એન્ટ્રી, એક હીરોનો મારફાડ એટિટ્યૂડ જસ્ટિફાય કરવા એક વણજોઇતી ફાઇટ, એકાદું પાર્ટી સોંગ, એકાદ જોડી લવ સોંગ્સ અને આર્ટિફિશ્યલ ફ્લેવર નાખી હોય એવા ઇમોશન્સ. પરંતુ આ બધાથી એક મસાલા પોટબોઇલર ફિલ્મ ન બને. એટલે કાર્ટૂન જેવાં અડધો ડઝન પાત્રો લઇને એમની પાસે કોમેડી સર્કસ ટાઇપના લાંબા લાંબા સીન કરાવવાના. અહીં આ કાર્ટૂન નેટવર્કનાં પાત્રોમાં જ્હોની લીવર, વરુણ શર્મા (ઉર્ફ ચૂચો), મુકેશ તિવારી, સંજય મિશ્રાને લેવામાં આવ્યા છે. સંજય મિશ્રા જેવા ટેલેન્ટેડ એક્ટરનો તો અહીં રોહિત શેટ્ટીએ પોતાની જ જૂની ફિલ્મ ‘ઑલ ધ બેસ્ટ’નો રોલ વિથ ડાયલોગ ડિલિવરી રિપીટ કરાવ્યો છે. સૌથી કરુણ હાલત બોમન ઇરાનીની છે. કાર્ટૂન ગેંગસ્ટર બનેલા બોમનની ફિલ્મમાં કારના સ્પેરવ્હીલ જેવી જ હાલત છે.

અઢી કલાક લાંબી આ ફિલ્મમાં એક્ચ્યુઅલ સ્ટોરી લગભગ પોણો કલાક પછી જ સ્ટાર્ટ થાય છે. તેમાં શાહરુખ-કાજોલની ઓલ્ડવાઇન જેવી લવસ્ટોરી જોવા મળે છે. તેમાં એક સીનમાં શાહરુખ કાજોલને માત્ર પાંચ મિનિટની ડૅટમાં આખી ઇવનિંગની મજા કરાવી દે છે. આ સીન લોકોને હસાવવામાં સફળ થાય છે. પરંતુ જો તમે અંગ્રેજી કોમેડી સિરિયલો જોવાના શોખીન હશો તો ‘હાઉ આઈ મૅટ યૉર મધર’ નામની પ્રખ્યાત સિરિયલનો ‘ટુ મિનિટ ડૅટ’ નામનો પ્રખ્યાત સીન યાદ હશે (ન હોય તો ઇન્ટરનેટ પર છે જ). આ સીન અહીં બેઠ્ઠો લઈ લેવાયો છે. ઓકે, બડી બડી ફિલ્મોં મેં ઐસી છોટી છોટી ઉઠાંતરી હોતી રહતી હૈ. શાહરુખ-કાજોલની જોડી સરસ દેખાતી હોવા છતાં અગાઉ તેમાં જે સાચો પ્રેમ ફીલ થતો હતો તે હવે અહીં અનુભવાતો નથી.

શાહરુખ પાસે છૂટક ઢીકાપાટુ સિવાય, કાજોલ પાસે દુપટ્ટો લહેરાવવા સિવાય અને વરુણ ધવન પાસે કાલુ કાલુ બોલવા સિવાય ખાસ કશું કામ રહ્યું નથી એટલે રોહિતે ટાઇમપાસ કરવાનું કામ અગેઇન કોમેડિયનોને સોંપી દીધું છે. ફિલ્મનો સારો એવો ટાઇમ કોમેડિયનો જ પાસ કરે છે. આમ તો સાજિદ-ફરહાદે લખેલા ‘નીચે સે બ્લેકબેરી ઉપર સે બપ્પી લહેરી’ જેવા ડાયલોગ હોય એટલે સેન્સિબલ કોમેડીના ગ્રાહકો દૂર જ રહે, પરંતુ આ ફૂવડ કોમેડી પણ ઘણે ઠેકાણે હસાવી દે છે એટલું ખરું.

આ ફિલ્મમાં ઘણા લાંબા સમયે કબીર બેદી અને વિનોદ ખન્ના પણ સ્ક્રીન પર દેખાયા છે. પરંતુ એ બંનેના ખરાબ થઈ ગયેલા અવાજ તરત જ આપણા મગજમાં ખટકે છે. એ બંનેની ભૂમિકા પણ દૂધમાં મેળવણથી વધારે નથી.

પ્રચંડ માર્કેટિંગ અને ટિકિટના ભાવો વધારીને એટલું તો ક્લિયર છે કે આ ફિલ્મ પ્યોર પૈસાના પોઇન્ટ ઓફ વ્યૂથી બનાવાઈ છે. એટલે તમે તમારા પૈસા વસૂલ કરવા માટે થિયેટરમાં આટલું કરી શકોઃ શાહરુખની દરેક અદા અને બંને ભાઈના બ્રોમાન્સવાળા ડાયલોગ્સ પર સીટીઓ મારી શકો, શાહરુખ કેટલી વાર હાથ પહોળા કરે છે, કુલ કેટલા ગોગલ્સ પહેરે અને કાજોલ કેટલીવાર દુપટ્ટો લહેરાવે છે એ ગણી શકો, ‘રાષ્ટ્રીય ભાઈ’ એવો વરુણ શર્મા ટોટલ કેટલી વાર ‘ભાઈ’ અને ‘ભૈયા’ બોલે છે એ ગણી શકો, સ્ક્રીન પર કુલ કેટલી વાર વિન્ટેજ ટાઇપની રંગબેરંગી વિચિત્ર મૉડલની ગાડીઓ દેખાય છે એ કાઉન્ટ કરી શકો અને ક્રીતિ સેનનના ડ્રેસની ડિઝાઇન પણ ડિસ્કસ કરી શકો. ટૂંકમાં આ ફિલ્મમાં તમને બિઝી રાખવાનો પૂરો મસાલો છે. કદાચ સવાલ થાય કે અહીં તો બધાં મુખ્ય પાત્રો ખૂનખાર ગેંગસ્ટર છે, તોય આવી પોલીસના અસ્તિત્વ વિનાની પાવિત્ર્ય ઔર ભક્તિરસ સે ભરપુર લાઇફ કઈ રીતે જીવે છે? તો ચૅક કરજો તમારું સાઇલન્ટ મોડ પર મૂકેલું દિમાગ ભૂલથી એક્ટિવેટ થઈ ગયું હશે.

ધારો કે છતાંય તમને આ લાંબી ફિલ્મમાં કંટાળો આવે તો છ ગીતો આપીને એકી-પાણી-નાસ્તાનો પૂરો પ્રબંધ પણ રોહિતભાઈએ કર્યો છે. પણ હા, ખબરદાર. ‘ગેરુઆ’, ‘જનમ જનમ’ અને ‘દાયરે’માં અરિજિત સિંઘે મસ્ત ગળું ખંખેર્યું છે. એ ન ચૂકશો. એમાંય ‘ગેરુઆ’ના પિક્ચરાઇઝેશનમાંથી તો તમે પંચમહાભૂતની મહાન ફિલોસોફી પણ તારવી શકો.

ફૅન્સ ઓન્લી પ્લીઝ

એટલું તો ક્લિયર છે કે જેમણે દિલ પર શાહરુખના નામનું ટેટૂ ચીતરાવ્યું હોય એ લોકો જ સૌથી પહેલી હડી કાઢવાના છે. પરંતુ તમેય આ ફિલ્મના મૅકર્સની જેમ ગણતરીવાલા હો તો પ્લીઝ થાંબા. બૉક્સઑફિસ પરથી દિલવાલે મૅનિયા ઊતરે અને ટિકિટના ભાવો નોર્મલ થાય પછી જાઓ તો વધારે સારું. ન જાઓ અને ઘેર DVD પર નિરાંતે જ જોઈ કાઢો તો સૌથી સારું.

રેટિંગઃ ** (બે સ્ટાર)

(Published in Gujarati Mid Day)

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s