હેટ સ્ટોર-૩

ધિક્કાર કથા, બેક્કાર કથા

***

ઉપરથી ભડકાઉ પેકિંગ અને અંદરથી ડઝનબંધ ટ્વિસ્ટ ધરાવતી ધડ-માથા વિનાની સ્ટોરી એટલે હેટ સ્ટોરી-૩.

***

hate-story-3-poster-image-thriller-trailerરાઇટર-ડિરેક્ટર વિક્રમ ભટ્ટનું નામ હવે ક્રેડિટ તરીકે નહીં, બલકે ચેતવણી તરીકે વપરાય છે. એમની થ્રિલર કે સુપરનેચરલ ફિલ્મોમાં ત્રણ તત્ત્વો લ.સા.અ.ની જેમ કોમન હોય છે. ગલગલિયાં કરાવે તેવું ભડકાઉ બેડરૂમ દૃશ્યોવાળું પેકેજિંગ, કોઈ વિદેશી સુપરહીટ ફિલ્મની વાર્તાનું બીજ અને એકાદું સાંભળવું ગમે તેવું કર્ણપ્રિય ગીત. એમની ધિક્કાર કથાઓની ત્રીજી ફિલ્મ ‘હેટ સ્ટોરી-૩’માં પણ એવું જ છે. બસ, એક દિમાગ જ નથી. ઉપરથી ટેનિસની રમતની જેમ વાર્તા આમથી તેમ ઊછળતી રહે. બહાર નીકળીને તમારે હેડેક એટલે કે માથાનો દુખાવો દૂર કરવા ગોળી જ શોધવાની રહે.

નજર બગાડો સાવધાન

તમે ક્યારેય સાપસીડીની ગેમ રમ્યા છો? (ના, આ તો તેની મોબાઇલ ઍપ ડાઉનલોડ ન કરી હોય તો ન રમ્યા હો એવુંય બની શકે.) હા, તો એ સાપસીડીની ગેમ કરતાંય વધારે ઉથલપાથલ આ ફિલ્મમાં થાય છે. ફરક માત્ર એટલો જ છે કે અહીં બધા સાપ જ છે, સીડી ક્યાંય છે જ નહીં. બધા સાપ એકબીજા સામે બસ, ફૂંફાડા જ મારતા રહે છે. ઠંડાપીણાં બનાવતો મુંબઈનો મોટો ઉદ્યોગપતિ આદિત્ય દીવાન (શર્મન જોશી) એની નાગણ જેવી કમનીય પત્ની સિયા (ઝરીન ખાન) સાથે સુખી છે. બંને ખાનગીમાં જૂનાં ફિલ્મી ગીતો પર ઇરોટિક નાગિન ડાન્સ પણ કરતાં રહે છે.

પરંતુ અચાનક મુંબઈ નગરિયામાં એક નવો કોબ્રા જેવો ઉદ્યોગપતિ આવે છે, સૌરવ સિંઘાનિયા (કરણ સિંહ ગ્રોવર). એ ગ્રોવર વળી શર્મન સામે ગુલશન ગ્રોવર જેવી વલ્ગર પ્રપોઝલ મૂકે છે, કે તું માગે તેટલા પૈસા આપું, પણ તારી નાગણ સાથે મારેય એકવાર નાગિન ડાન્સ કરવો છે. બસ, આ સાંભળીને શર્મનની ફેણ ચડી ગઈ અને બંને મંડ્યા સામસામા એકબીજાને ડંખ મારવા (આ ડંખથી પિક્ચરમાં એક જણાને રીતસર ઝેર પણ ચડે છે, બોલો). હવે સવાલ એ થયો કે એ ગુલશન જેવો કરણ સિંહ ગ્રોવરિયો વળી છે કોણ? અને એ આ શર્મન અને એની કમનીય નાગણ ઝરીનની પાછળ શુંકામ પડી ગયો છે?

ધિક્કાર હૈ અપાર

જેવી રીતે સોના-ચાંદી ચ્યવનપ્રાશમાં સોના-ચાંદી કે કેસરવાળા પાનમસાલામાં કેસર માત્ર માલ વેચવા માટે જ હોય, એ જ રીતે આ ‘હેટ સ્ટોરી-૩’માં ઇરોટિક કન્ટેન્ટ ઓન્લી ફિલ્મ વેચવા માટે જ છે. ફિલ્મને તેની સાથે કોઈ જ લેવાદેવા નથી. વળી, આમાંથી મોટાભાગનાં ગલગલિયાં તમે ફિલ્મનાં ગીતોમાં અને ટ્રેલરમાં જોઈ ચૂક્યા છો. એટલે એવાં સસ્તી ગલીપચી માટે તો થિયેટર સુધી લાંબા થવા જેવું છે જ નહીં. તો એ ત્વચા પ્રદર્શન સિવાય ફિલ્મમાં બીજું શું છે અને શું નથી તેની વાત કરીએ.

એક તો ટ્રેલર પરથી જ ક્લિયર છે કે આ ફિલ્મનું બેઝિક પ્રિમાઇસ હૉલીવુડની બે દાયકા જૂની ફિલ્મ ‘ઇનડિસન્ટ પ્રપોઝલ’થી પ્રેરિત છે. અહીં માત્ર એમાં વેરનાં વળામણાંની વાતો નાખી છે એટલું જ. પરંતુ તેની સાથે થોડું લોજિક નાખ્યું હોત તો ફિલ્મ સાવ હાસ્યાસ્પદ ન બની હોત. અહીં તો પચાસ કરોડ રૂપિયા એક ઝાટકે વેરી દેતા ઉદ્યોગપતિની કંપની એક નાનકડા કામદારને ફોડવા માત્રથી બંધ થઈ જાય છે, એનું કોઈ બૅકઅપ સિક્યોરિટી મિકેનિઝમ પણ ન હોય, વાહિયાત માગણી બદલ મોં માગી કિંમત આપવા માગતા મોટા ઇન્ડસ્ટ્રિયાલિસ્ટના બૅકગ્રાઉન્ડની મુંબઈના ઉદ્યોગપતિને ખબર સુધ્ધાં ન હોય, લાશ સાથેની ગાડી દેખાય તેવી રીતે મૂકેલી હોવા છતાં પોલીસને કેટલાય દિવસો પછી મળે કે ઇવન મૃત્યુશૈયા પરથી ઊઠેલો હીરો ફિલ્મી સ્ટાઇલમાં ધબાધબી કરી મૂકે જેવી એકેય વાત ગળે ઊતરે તેમ નથી. ઇવન એક તબક્કે પોલીસની અત્યંત બાલિશ થિયરી કે અત્યંત સિલી સસ્પેન્સ સાંભળીને થિયેટરમાં બેઠેલી પબ્લિક પણ હસી પડે છે. આપણે તો ઠીક મગજને સાઇલન્ટ મોડ પર મૂકી દઇએ, પણ ફિલ્મનાં પાત્રોનાં દિમાગ ક્યાં વેકેશન મનાવવા ઊપડી ગયાં હશે?

ટી-સિરીઝે પોતાનાં જૂનાં સુપરહીટ ગીતોને રિમિક્સ કરીને ફરીથી વેચવાનો ગુલશન કુમારના વખતનો જૂનો ધંધો ફરીથી સ્ટાર્ટ કર્યો છે. આ વખતે મહેશ ભટ્ટની ‘સડક’ ફિલ્મના મસ્ત ગીત ‘તુમ્હેં અપના બનાને કી કસમ ખાઈ હૈ’નો વારો કાઢ્યો છે (જોકે ‘સડક’નું એ સોંગ પણ મૂળ પાકિસ્તાની ગીત ‘ચલે તો કટ હી જાયેગા સફર આહિસ્તા આહિસ્તા’ની કૉપી હતું એ જસ્ટ જાણ સારું). પરંતુ અગાઉના વખતની માસૂમિયતને ઠેકાણે અહીં હળાહળ વલ્ગૅરિટી જ ઠપકારી દેવાઈ છે. એ સિવાય આ ફિલ્મમાં ચચ્ચાર સંગીતકારો હોવા છતાં અરમાન મલિકે ગાયેલું ‘વજહ તુમ હો’ ગીત જ સાંભળવા જેવું બન્યું છે (એનુંય પિક્ચરાઇઝેશન તો ઇરોટિક જ છે). બાકીનાં અત્યંત કંગાળ ગીતો ફિલ્મના કૉફિનમાં ખીલા ખોડવાથી વિશેષ કશું જ કામ નથી કરતાં. એમાંય ‘લવ ટુ હેટ યુ’ ગીતમાં તો એક ઠેકાણે એવા શબ્દો છે કે સ્ક્રીનમાં જઇને ઊંધા હાથની અડબોથ મારવાની ઇચ્છા થઈ આવે.

આખી ફિલ્મમાં દિમાગ વગરની હરકતો કર્યા કરતાં કલાકારોમાંથી કોઈ જ કન્વિન્સિંગ નથી લાગતું. સૌથી વધુ શર્મન જોશી. બૅડરૂમ સીન વખતે એ બિચારાના ચહેરા પર સતત એવા જ હાવભાવ દેખાય છે જાણે કહેતો હોય કે ‘મુજ સીધાસાદા ગુજરાતી બ્રાહ્મણ પાસે તમે આ કેવું કેવું કરાવો છો?’ હા, જોકે ઇન્ટેન્સ દૃશ્યોમાં શર્મનને જોવો ગમે છે એટલું સ્વીકારવું પડે. બીજી એક ગુજ્જુ ગર્લ ડેઇઝી શાહ પણ એવા બેડરૂમ ચીંધ્યા માર્ગે જ છે. સલમાન ખાનની જૂની ડુપ્લિકેટ કેટરિના એવી ઝરીન ખાનની ફ્લૅટ એક્ટિંગ કરતાં એના છજા જેવા હોઠ વધુ ઇરિટેટ કરે છે. જ્યારે ટેટૂની દુકાન કરણ સિંઘ ગ્રોવર આ ફિલ્મમાં જેટલો દારૂ પીવે છે એટલું તો અત્યારે ચેન્નઈમાં પાણી પણ નહીં ભરાયું હોય (વળી, ફિલ્મમાં એની બીમારી વિશે જાણશો તો કપાળ કૂટશો).

ડિરેક્ટર વિશાલ પંડ્યાની આ ફિલ્મ માત્ર ૧૩૧ મિનિટની છે, પણ ‘પ્રેમ રતન ધન પાયો’ કરતાંય લાંબી લાગે છે. તેનું કારણ છે સ્ટોરી, એક્ટિંગ, ડાયલોગ, શૉટ ટેકિંગ, ક્રિએટિવિટી, પ્રોડક્શન વેલ્યૂ એકેય ડિપાર્ટમેન્ટમાં કશો જ ભલીવાર નથી. ઇવન સ્પેશ્યલ ઇફેક્ટ્સ પણ કોઈ લૉ બજેટ ભોજપુરિયા ફિલ્મ જેવી બોગસ છે.

ફિલ્મને ન્યાય કરવા માટે માત્ર એટલું કહી શકાય કે ગ્રે શૅડ ધરાવતાં ફિલ્મનાં પાત્રો એકબીજાની સામે જે રીતે કાવાદાવા ખેલતાં રહે છે, તે થોડી થ્રિલ જન્માવે છે. વચ્ચે વચ્ચે તમારું દિમાગ સફાળું સક્રિય થઇને પાત્રોની હરકતો પાછળનાં કારણો શોધવા બેસી જાય એટલા પૂરતી જ ફિલ્મ મજા કરાવે છે.

જવા દો ને, યાર

દિમાગ વિના ચમડી બતાવીને દમડી ઊસેટી લેવાના ખેલ જેવી આ ફિલ્મ કોઈ કાળે પૈસા ખર્ચીને થિયેટરમાં જોવાનું સજેસ્ટ કરાય તેમ નથી. એટલા પૈસા બચાવીને શિયાળાનાં વસાણાંમાં ઇન્વેસ્ટ કરવા જેવું છે. DVD બહાર પડે ત્યારે એક કંટાળાજનક સાંજે આ ફિલ્મ જોઈ કાઢજો. ભગવાન ભલું કરે તમારું.

રેટિંગઃ * (એક સ્ટાર)

(Published in Gujarati Mid Day)

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s