મને આળસ આવી જાય અને સાવ રહી જાય તે પહેલાં આ વખતના IFFI એટલે કે ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઑફ ઇન્ડિયાનાં મારાં ઑબ્ઝર્વેશન્સ અને મેં જોયેલી કેટલીક ફિલ્મોની વાત.

– આ વખતે ડેલિગેટ ફી ૩૦૦ રૂપિયાથી વધારીને સીધી ૧૦૦૦ કરી દેવાઈ. કદાચ તેને લીધે પણ ત્યાં આવેલા ડેલિગેટ્સની સંખ્યા પણ થોડી ઓછી દેખાતી હતી.

– ખાનગી કંપનીઓને કોન્ટ્રાક્ટ આપ્યા હોવા છતાં ૨૦૧૩ કરતાં આ વખતે ડેકોરેશનમાં પણ ખાસ્સી ઉદાસીનતા દેખાતી હતી. ઇવન ગોવાના લોકો પણ કહેતા હતા કે હવે તો ઇફ્ફી ક્યારે આવે છે અને ક્યારે જાય છે તે અમને જ ખબર પડતી નથી.

– મૅગી તો કેમ્પસમાંથી ગાયબ હતી, પણ હમણાં સુધી વીસેક રૂપિયામાં મળતાં ચા-કૉફી સીધાં ૬૦-૭૦થી શરૂ થતાં હતાં. જેની સામે એ જ કૅમ્પસમાં કિંગફિશરના સ્ટૉલમાંથી ૪૦ રૂપિયામાં બીયર મળી જાય. ટૂંકમાં ચા-કૉફીને બદલે દારૂ પીઓ!

– સવારે સાડા આઠ વાગ્યાથી શરૂ કરીને રાત્રે એક-દોઢ વાગ્યા સુધીના સમયગાળામાં અમે રોજની સરેરાશ છ ફિલ્મો જોઈ. કોઈ શૉર્ટફિલ્મ

We @ IFFI, 2015
We @ IFFI, 2015

હોય તો સંખ્યા વધી જાય. ૧૧:૩૦-૧૧:૪૫ના લેટનાઇટ શૉને બાદ કરતાં ઓલમોસ્ટ બધા જ શૉઝ હાઉસફુલ રહેતા હતા. ડૅલિગેટ્સને રોજની મૅક્સિમમ ત્રણ જ મુવી જોવા મળે. તેમ છતાં આંટાફેરામાં ટાઇમ બરબાદ કર્યા વિના ટિકિટ વિનાનાઓની ‘રશ ક્યૂ’માં વહેલાસર ઊભા રહી જાઓ તો તમને શક્ય તેટલી બધી જ ફિલ્મો જોવા મળી જાય.

– શિડ્યુલ તૈયાર કરનારાઓએ વખણાયેલી ફિલ્મોને નાનાં ઑડિટોરિયમ આપ્યાં, બીજી સારી ફિલ્મોની સામે ક્લૅશ થાય તે રીતે ગોઠવી અને રિપીટ શૉઝ પણ ન રાખ્યા. તેને લીધે પણ ઘણી મસ્ત ફિલ્મો જોવાની રહી ગઈ.

– આ વખતે એક જ ફિલ્મમાં એવું બન્યું કે ક્યૂમાં ઊભા રહેવા છતાં વારો ન આવ્યો હોય. તે હતી ફ્રેન્ચ ફિલ્મ ‘તાજ મહલ.’ મુંબઈ પરના ૨૬/૧૧ના હુમલામાં તાજ મહલ હૉટેલમાં એક યુવતી ફસાઈ જાય અને એને કેવા અનુભવ થાય તેની એકદમ ગ્રિપિંગ-હૉન્ટિંગ સ્ટોરી આ ફિલ્મમાં હતી. (આપણે રામુની ફિલ્મને બાદ કરતાં આ ઘટના પર એકેય સારી ફિલ્મ બનાવી શક્યા નથી એ જસ્ટ જાણ સારુ. રામુની ફિલ્મ પણ હુમલા પર નહીં, બલકે કસાબ પર હતી.)

– આખા ફેસ્ટમાં જોયેલી બેસ્ટંબેસ્ટ ફિલ્મ હતી ટર્કિશ ફિલ્મ ‘મશ્ટેંગ.’ મા-બાપ વિનાની અને કાકા-દાદીની સાથે રહેતી પાંચ ટીનએજર બહેનોની વાત. એમની તોફાન મસ્તી, બળવાખોર મિજાજ, સ્વતંત્રતાની ઝંખના, એમની વચ્ચેની કેમિસ્ટ્રી, સ્ત્રીઓને કેદ કરીને રાખવાની વાહિયાત રૂઢિચુસ્તતા સામે બંડ પોકારવાની આ ફિલ્મ એકેય તબક્કે પોતાની હાર્ટવૉર્મિંગનેસ અને હળવાશ ગુમાવતી નથી. આ ફિલ્મ પતી ત્યારે પહેલી વાર ઇફ્ફીમાં સળંગ તાળીઓ અને સીટીઓનો સિલસિલો જોયો. આ પાંચેય છોકરીઓને સહિયારો બેસ્ટ એક્ટર ફીમેલનો અવૉર્ડ મળ્યો. જો તમે આ ફિલ્મ જોયા વિના મરશો તો તમારા આત્માને શાંતિ નહીં મળે, જાવ શાપ આપ્યો!

– મારા મતે સેકન્ડ બૅસ્ટ ફિલ્મ એટલે પાકિસ્તાનની ‘મૂર’ (જેનું સ્ટેટસ અગાઉ મૂકી ગયો છું). મેં જોયેલી બેસ્ટ નોન-ઇંગ્લિશ ટ્રેન મુવી. મ્યુઝિક, મેસેજ, સિનેમેટોગ્રાફી, એક્ટિંગ, લોકેશન્સ બધું જ લાજવાબ. ભારતને ભાંડવાની તક હોવા છતાં કડવાશ ઘોળી નથી. ઉપરથી માતા-પત્ની-માશુકા ગાઇડિંગ સ્ટાર-ધ્રુવ તારો બની હોય તેવી આલા દરજ્જાની વાત પણ તેના કેન્દ્રસ્થાને છે.

– એ સિવાય એક મસ્ત ફિલ્મ હતી જૅપનીસ ‘સ્વીટ રેડ બીન પેસ્ટ.’ એક વૃદ્ધ સ્ત્રીના હાથમાં એવો જાદુ છે કે વર્લ્ડ બેસ્ટ સ્વીટ રેડ બીન પેસ્ટ બનાવી શકે છે, પણ એના એ જ હાથે એને નાનપણથી જ એકલવાયી બનાવી દીધી છે. ખોરાક સાથે વાત કરવાની, અબોલ પક્ષીઓનાં મન જાણવાની કુમાશ અને આપણી નિષ્ઠુરતાની ગલીઓમાંથી લઈ જતી આ ફિલ્મ પતે એટલે તમારે ગળે બાઝેલો ડુમો ઊતારવા પાણી પીવું પડે.

– ત્યારપછી મને ગમી ઇન્ડોનેશિયન ફિલ્મ ‘ફિલોસોફી કૉપી.’ આ યુથફુલ ફિલ્મની એકેએક ફ્રેમમાંથી કૉફીપ્રેમ છલકે છે. બાય ધ વે, આપણે ત્યાં ચાનું આટલું બધું ઉત્પાદન થાય છે, પણ ચાને કેન્દ્રમાં રાખીને કોઈ ઝક્કાસ ફિલ્મ બની છે ખરી?

– વધુ એક સુપર્બ ફિલ્મ ‘ધ સૅકન્ડ મધર.’ એક ફીમેલ સેલિબ્રિટીના ઘરની આધેડ કામવાળીની જુવાન દીકરી ત્યાં રહેવા આવે છે અને એનો બિનધાસ્ત એટિટ્યૂડ બધું ઉથલપાથલ કરી નાખે છે. સુપર્બ એક્ટિંગ, સ્ક્રિપ્ટ અને સોશ્યલ કમેન્ટ.

– જોઇને મોંમાંથી ‘વાહ! મસ્ત ફિલ્મ હતી!’ એવું નીકળી ગયું હોય તેવી અન્ય ફિલ્મો હતી બૅટલ ફોર સેવાસ્તોપોલ (અમેરિકન સ્નાઇપરનું એનાથીયે મસ્ત રશિયન ફીમેલ વર્ઝન), ફેન્સર (ભૂતપૂર્વ જર્મનોને ખતમ કરતા સોવિયેત રશિયનોની વચ્ચે પણ બાળકોને ફેન્સિંગ શીખવતા ટીચરની વાત કહેતી પૉલિશ ફિલ્મ), લૅન્ડ ઑફ માઇન (બીજા વિશ્વયુદ્ધ પછી જર્મન યુદ્ધકેદીઓ પાસે લાખો જીવતી લૅન્ડમાઇન ડિફ્યુઝ કરાવતા ડૅનિશ સૈનિકોની એકદમ હૉન્ટિંગ દાસ્તાન) {આ ત્રણેય ફિલ્મો ટ્રુ સ્ટોરી પરથી બનેલી છે}, ધ બ્રૅન્ડ ન્યુ ટેસ્ટામેન્ટ (ધારો કે ઇશ્વરની રચેલી દુનિયાની તમામ વાયડાઇઓ કોઈ દૂર કરી દે તો?), વર્જિન માઉન્ટેન (ચાલીસ વર્ષના મેન-ચાઇલ્ડની મસ્ત રોમકોમ), કોતી (ટ્રાન્સજેન્ડર બાળક સાથે આપણો સમાજ કેવી રીતે વર્તે છે એની વાત કહેતી મરાઠી ફિલ્મ), લાસ્ટ રીલ (આ કમ્બોડિયન મુવી ‘ફિલ્મ વિધિન ફિલ્મ’ છે. એક ફિલ્મની છેલ્લી રીલ ગાયબ છે અને તે રીલ પાછળ યુદ્ધનો અત્યંત ખોફનાક ઇતિહાસ છુપાયેલો છે), રેડિયોપેટ્ટી (એક દાદાને અચાનક કાનમાં જૂના જમાનાના રેડિયો પ્રોગ્રામ સંભળાવા લાગે છે. શું કામ?) વગેરે ઇત્યાદિ એટસેટરા.

– મારી લાખ ઇચ્છા છતાં ગૂંગા પહલવાન, ધ સાઇલન્સ (મરાઠી), વાઇલ્ડ ટેલ્સ, એમ્બ્રેસ ઑફ ધ સર્પન્ટ, ધ ડાર્ક હૉર્સ, ધ ક્લાન, નવાઝુદ્દીનની અનવર કા અજબ કિસ્સા, મારી ફિલ્મ અપ્રિશિયેશન કોર્સની ક્લાસમેટ નિહારિકા સિંઘની બંગાળી ફિલ્મ સોહરા બ્રિજ, સિનેમાવાલા (બંગાળી) હું જોઈ ન શક્યો. ગમે ત્યાંથી ખેલ તો પાડવાનો જ છું!

– એક ઑબ્ઝર્વેશનઃ ઘણી ફિલ્મોમાં હોમોસેક્સ્યુઆલિટીની થીમ/સબ થીમ હતી. જેમ કે, ડૅનિશ ગર્લ, કોતી, ડેમિમોન્ડ, બૅડ એજ્યુકેશન, આઇઝેન્સ્ટાઇન ઇન ગ્વાનાજુઆટો વગેરે. સામે પક્ષે આપણા દેશનો હોમોસેક્સ્યુઆલિટી તરફનો અભિગમ આપણે જાણીએ છીએ. દંભ?

– શંકર મહાદેવન અને એક્ટર સચિન જેના પ્રમોશન માટે ત્યાં આવેલા એવી તેમની અને સચિન પિલગાંવકરની એક્ટિંગવાળી મરાઠી ફિલ્મ ‘કટ્યાર કાળજાત ઘુસલી’ અત્યારે ચાલી રહી છે.

– એક થ્રીડી હાર્ડકોર ફ્રેન્ચ પૉર્ન ફિલ્મ ‘લવ’ જોવા માટે પ્રચંડ લાંબી લાઇનો લાગેલી. કાન ફિલ્મ ફેસ્ટિવલની જેમ જ આ ફિલ્મનો પણ અહીં રાત્રે બાર વાગ્યે ‘મિડનાઇટ મૅડનેસ’ સેગમેન્ટમાં શૉ હતો. ના, મેં હજુ નથી જોઈ!

– સંખ્યાબંધ ફિલ્મો ‘કાન’ અને ‘ટોરોન્ટો’ ફિલ્મ ફેસ્ટ્સમાં સિલેક્ટ થયેલી કે જીતેલી હતી. શૉર્ટકટ?

– પાર વિનાની ફિલ્મોમાં વર્લ્ડ વૉર, સિવિલ વૉર, કૉલ્ડ વૉરની જ પૃષ્ઠભૂ હતી.

– ઓલમોસ્ટ બધી જ ફિલ્મો બ્લુ રે ફોર્મેટમાં અને પલ્ઝ ઑડિયો સિસ્ટમથી રજૂ થતી હતી. તેની પિક્ચર ક્વૉલિટી, બ્રાઇટનેસ અને સાઉન્ડની ક્લૅરિટી જુઓ તો અહીંની પીવીઆર કે સિનેપોલિસ જેવી ચેઇન પણ પાની કમ ચાય લાગે!

– ઘણા લોકોને ફિલ્મ ફેસ્ટ અટેન્ડ કરવા એ કચરાપટ્ટી, સમય-પૈસાનો બગાડ, ગાંડપણ કે ફોગટની શૉબાજી લાગે છે. પરંતુ જેમને ખરેખર ફિલ્મો જોવાનું પૅશન હોય, હૉલીવુડ-બૉલીવુડની વાડાબંધીમાંથી બહાર નીકળીને માઇન્ડસૅટ બ્રોડ કરવા હોય, દેશ-વિદેશના સિનેફાઇલ્સ-સર્જકોને મળવું હોય એમણે સ્વાનુભવ માટે પણ એકવાર પૂરી શિસ્તથી સારી ક્વૉલિટીના ફિલ્મ ફેસ્ટિવલ અટેન્ડ કરવા જોઇએ.

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s