સ્પેક્ટર (જૅમ્સ બોન્ડ મુવી)

બોન્ડ રતન ન જામ્યો

***

આત્મા વિનાના ખોળિયા જેવી આ નવી જેમ્સ બોન્ડ ફિલ્મ બોરિંગ, લાંબી અને અત્યંત નબળી પુરવાર થાય છે.

***

1$_V?_Job Nameવિશ્વની સૌથી પોપ્યુલર મુવી ફ્રેન્ચાઇઝ ‘જેમ્સ બોન્ડ’ સિરીઝની લેટેસ્ટ ફિલ્મ ‘સ્પેક્ટર’નો વિલન બોન્ડના મગજમાં એવું કંઇક રસાયણ ઇન્જેક્ટ કરી દેવા ટ્રાય કરે છે, જેથી બોન્ડ કોઇનેય ઓળખતો બંધ થઈ જાય. માત્ર તેનું ખોળિયું જ રહે, દિમાગ એકદમ બ્લૅન્ક થઈ જાય. એક્ઝેક્ટ્લી આ ફિલ્મ સાથે પણ એવું જ થયું છે. અહીં બધું જ છે, છતાં બધું વાસી, જોયેલું, ફોર્મ્યુલેટિક અને ઘણે અંશે ક્લિશે લાગે છે. જેમ્સ બોન્ડની ફિલ્મો પર ‘રિફ્રેશ’નું બટન દબાવીને તેને ‘રિસ્ટાર્ટ’ કરવાનો સમય પાકી ગયો છે.

ક્લ્યુ મિલતે ગયે, પ્લાન ખૂલતા ગયા

મૅક્સિકો સિટીમાં ‘ડે ઑફ ધ ડેડ’ની કાર્નિવલ ટાઇપ ઊજવણી ચાલી રહી છે. હજારો લોકો રસ્તાઓ પર ભૂતડાં બનીને ફરી રહ્યા છે. જેમ્સ બોન્ડ (ડેનિયલ ક્રેગ) પણ એમાંનો એક છે. એનું ધ્યાન એક ભાંગફોડિયો પ્લાન બનાવી રહેલા ગુંડાઓ પર છે. પર્ફેક્ટ નિશાન અને દિલધડક એક્શનને અંતે બોન્ડ એ ગુંડાઓનો ખાત્મો બોલાવી દે છે. બોન્ડ આ મિશન પર એની સંસ્થા ‘MI6’ના કહેવાથી નહીં બલકે કોઈ બીજી જ સૂચનાથી આવ્યો છે. પરિણામે બોન્ડને સાઇડમાં બેસાડી દેવાય છે. પરંતુ બોન્ડ એમ પગ વાળીને બેસે ખરો? મૅક્સિકોમાં એણે હણેલા ગુંડાની ખૂબસૂરત વિધવા લુસિઆ (મોનિકા બેલુચી) પાસેથી એને ખબર પડે છે કે એક ખૂનખાર અપરાધી સંગઠન ‘સ્પેક્ટર’ કંઇક મોટી ભાંગફોડ કરવાની ફિરાકમાં છે. અંકોડા મેળવીને બોન્ડ ‘સ્પેક્ટર’ની જાળ પાછળના મુખ્ય કરોળિયા અર્ન્સ્ટ સ્ટાવ્રો બ્લોફેલ્ડ (મસ્ત એક્ટર ક્રિસ્ટોફર વોલ્ટ્ઝ) સુધી પહોંચે છે. આ મિશનમાં એને એક પેટા મિશન પણ મળે છે, સ્પેક્ટરની પેટા ભાંગફોડિયા સંસ્થા ક્વૉન્ટમના અત્યારે મરવા પડેલા સભ્યની યુવાન દીકરી ડૉ. મૅડલિન સ્વૉન (સુપર્બ લિઆ સિડુ)ને બચાવવાનું. હવે જો સ્પેક્ટર પાછળનો વિલન પોતાના પ્લાનમાં સફળ થઈ જાય, તો આખી દુનિયાનો એ અદૃશ્ય ભગવાન બની જાય. તમને શું લાગે છે, બોન્ડ સફળ થશે?

બોર, જેમ્સ બોર

‘જેમ્સ બોન્ડ’ સિરીઝ પાંચ દાયકા કરતાં પણ વધારે જૂની છે. બોન્ડની પર્સનાલિટી અને એકેએક ચીજથી લોકો વાકેફ છે. એની સુટેડ-બુટેડ સ્ટાઇલ, દર ફિલ્મમાં બે-ત્રણ ‘બોન્ડ ગર્લ’ સાથેના બૅડરૂમ સીન સાથેનો એનો વુમનાઇઝર અપ્રોચ, પોતાની ઓળખ ‘બોન્ડ, જેમ્સ બોન્ડ’ તરીકે આપવાની એની સ્ટાઇલ,  જાતભાતનાં ગેજેટ્સ અને બનાવતો ભેજાબાજ ‘ક્વાર્ટર માસ્ટર-Q’, એની ફેવરિટ કાર ‘એસ્ટન માર્ટિન’, એનું ફેવરિટ ડ્રિંક ‘વોડકા માર્ટિની- શૅકન નૉટ સ્ટર્ડ’, બોન્ડના બોસ ‘M’, બોન્ડની સાથે ફ્લર્ટ કરતી ‘M’ની સેક્રેટરી મનીપેની, જથ્થાબંધ લોકેશનો વગેરે તમામ ચીજો બોન્ડના ચાહકોને જુબાની યાદ છે. લેટેસ્ટ ફિલ્મ ‘સ્પેક્ટર’માં આ બધું જ છે. પરંતુ જાણે પાંચ દાયકાનો થાક કે ભાર લાગ્યો હોય તેમ એકેય ચીજ ફ્રેશ લાગતી નથી. બધું જાણે નાખ્યા વિના છૂટકો નથી એટલા માટે નાખ્યું હોય તેવું લાગે છે. આપણે આશ્ચર્યચકિત થઈ જઇએ એવાં કોઇ ગેજેટ પણ બોન્ડને મળ્યાં નથી.

‘સ્પેક્ટર’ના રાઇટર તરીકે એટલિસ્ટ ચાર નામો છે. પરંતુ સૌથી મોટો દાટ અહીં રાઇટિંગમાં જ વળ્યો છે. એક તો આ ફિલ્મમાં અગાઉની ફિલ્મોના એટલા બધા સંદર્ભો છે કે જાણે આ કોઈ નવી ફિલ્મને બદલે અગાઉની ‘સ્કાયફૉલ’ વગેરેની સિક્વલ હોય તેવું લાગે છે. એમાંય સ્ટોરીમાં કશું ઝીણું કાંત્યું નથી. જુઓ, જેમ્સ બોન્ડ એક સુપરહીરો ટાઇપનો સુપર સ્પાય છે. એટલે એની સામે વિલન પણ એવો જ ખૂનખાર હોવો જોઇએ. નો ડાઉટ, ક્રિસ્ટોફર વૉલ્ટ્ઝ દમદાર એક્ટર છે અને અગાઉ ‘ઇન્ગ્લોરિયસ બાસ્ટર્ડ્સ’ તથા ‘જૅન્ગો અનચેઇન્ડ’માં એમને ખાલી સીનસપાટા માટે જ ઑસ્કર અવૉર્ડ નથી મળ્યો. પરંતુ અહીં એ બોન્ડની સામે ટકી શકે એવા વિકરાળ વિલન નથી લાગતા. જો વિલન ખૂનખાર ન હોય, તો તેને પછાડીને જીતતા હીરોની હીરોગીરી ક્યાંથી દેખાવાની? પરંતુ ચાર લેખકો મળીને પણ જો ‘ડાર્ક નાઇટ’ના ‘જોકર’ ટાઇપનો જોઇને જ બીક લાગે એવો સનકી વિલન પેદા ન કરી શકે તો શું કામનું?

વળી, ‘સ્પેક્ટર’ સહિત છેલ્લી ઘણી ફિલ્મોથી જેમ્સ બોન્ડની પર્સનાલિટી જ બદલાઈ ગઈ છે. એ રમતિયાળને બદલે હદ બહારનો સિરિયસ થઈ ગયો છે. ‘સ્પેક્ટર’માં તો ભાગ્યે જ કોઈ શાર્પ-હ્યુમરસ પંચલાઇન છે. અગાઉ એ ‘મનીપેની’ સાથે ફ્લર્ટિંગ કરતો. જ્યારે હવે બોન્ડ શાહરુખ ટાઇપ ઑવર રોમેન્ટિક બની રહ્યો છે. ‘M’ સાથેની બોન્ડની લવ-હૅટ રિલેશનશિપમાંથી હવે માત્ર હૅટ બચ્યો હોય એવું જ લાગે છે. આ ફિલ્મથી નવા આવેલા ‘M’ પણ અગાઉનાં જુડી ડૅન્ચ જેવા મોભાદારને બદલે વિલનના હૅન્ચમેન લાગે છે. બૉન્ડ અને એના સંબંધોમાં ગઈ ફિલ્મ સુધી રહેલી હૂંફ જરાય વર્તાતી નથી. અધૂરામાં પૂરું આપણા સૅન્સર બૉર્ડે ‘સંસ્કાર’નું પૂછડું પકડીને બૉન્ડની વુમનાઇઝર તરીકેની પર્સનાલિટી પણ બગાડી નાખી છે. આ કાપકૂપમાં નમણી મોનિકા બેલુચીનો એકમાત્ર સીન હતો એના પર પણ કાતર ચાલી ગઈ છે. ફાંકડી ફ્રેન્ચ અભિનેત્રી લિઆ સિડુ એની ખોફનાક એક્ટિંગ માટે જાણીતી છે, પણ અહીં એ બિચારી ગભરુ બનીને રહી ગઈ છે. ઇવન એના ભાગે સારા સંવાદો પણ નથી આવ્યા.

જોકે ફિલ્મને સાવ ડબ્બો બનતાં બચાવી છે તેની દિલધડક એક્શન સિક્વન્સે. સ્ટાર્ટિંગમાં આવતી હૅલિકોપ્ટરવાળી સિક્વન્સ હોય કે વચ્ચે આવતો પ્રચંડ મોટો બ્લાસ્ટ, બે ઘડી તમે આંખો પટપટાવવાનું ભૂલી જશો એ નક્કી વાત છે. પરંતુ મુઠ્ઠીભર એક્શનને બાદ કરતાં બાકીની ફિલ્મ અત્યંત લાંબી, બોરિંગ અને ડ્રામેટિક પુરવાર થાય છે. આ મહદંશે થ્રિલવિહોણી ‘સ્પેક્ટર’ જાણે ‘પ્રેમ રતન ધન પાયો’ની સામે હરિફાઇમાં ઊતરી હોય એટલી લાંબી છે. ખાલી ગીત નથી એટલું જ. મોટા પડદે ‘સ્પેક્ટર’ની સિનેમેટોગ્રાફી પણ અત્યંત ગ્રેસફુલ લાગે છે. જોકે લંડનની એસ્ટન માર્ટિન તાત્કાલિક ધોરણે રોમના રસ્તાઓ પર કેવી રીતે પહોંચી જાય એ સિક્રેટ તો જેમ્સ બોન્ડ જ કહી શકે.

મોઢા પર એકેય એક્સપ્રેશન ન લાવતા ડેનિયલ ક્રેગ પર હવે જેમ્સ બોન્ડનો ભાર વર્તાય છે. આમેય ‘જેમ્સ બોન્ડ’ ભલે વિશ્વસિનેમાની સૌથી સફળ અને લાંબી ફ્રેન્ચાઇઝ રહી, પરંતુ એય માત્ર જૂની ગુડવિલ પર ન ચાલી શકે. આવી પ્રીડિક્ટેબલ, બીબાંઢાળ અને જૂની સ્ટાઇલની બોન્ડ ફિલ્મ આપવાને બદલે ડેનિયલ ક્રેગને સ્થાને હવે નવો બોન્ડ લાવીને આખી સિરીઝને ‘રિબૂટ’ કે ‘રિલૉન્ચ’ કરવાનો સમય પાકી ગયો છે.

ઑન્લી ફોર બોન્ડ ફૅન્સ

‘સ્પેક્ટર’ સાપ ગયા ને લિસોટા રહ્યા જેવી એક એવરેજ થ્રિલર ફિલ્મ બનીને રહી ગઈ છે. એટલે જો તમે આ સ્ટાઇલિશ સ્પાયના ડાઇહાર્ડ ફૅન ન હો, તો તેની DVD રિલીઝ થાય ત્યાં સુધી બેશક રાહ જોઈ શકો. આશા રાખીએ કે હવે પછીનો બોન્ડ આટલો સંસ્કારી ભલે ન હોય, પણ બોરિંગ તો ન જ હોય.

રેટિંગઃ **1/2 (અઢી સ્ટાર)

(Published in Gujarati Mid Day)

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s