ચાર્લી કે ચક્કર મેં

સસ્પેન્સની ચોપાટ પર કન્ફ્યુઝનનાં મહોરાં

***

જો નસીરુદ્દીન શાહના નામે પણ આ સસ્પેન્સ થ્રિલર ફિલ્મમાં ભરાયા તો દિમાગ હૅંગ થવાની પૂરી શક્યતા છે.

***

charlie-kay-chakkar-mein-movie-reviewઇન્દ્રાણી મુખરજીનું ફેમિલી ટ્રી તમને સમજાય છે? ‘વ્યાપમ કૅસ’ સાથે સંકળાયેલા લોકોની ભેદી રીતે હત્યાઓ શા માટે થઈ જાય છે? છોટા રાજન અત્યારે અચાનક બૅક ટુ ઇન્ડિયા કેવી રીતે આવી ગયો? માની લો કે આ તમામ સવાલોના જવાબો તમારી પાસે હોય, તોય આ ‘ચાર્લી કે ચક્કર મેં’ ફિલ્મમાં એક્ઝેક્ટ્લી શું બને છે તેનો તાગ મેળવવો મુશ્કિલ હી નહીં, નામુમકિન હૈ. વાર્તાને પરાણે વળ ઉપર વળ ચડાવવામાં અને હેન્ડિકેમથી શૂટ થયેલાં ફાઉન્ડ ફૂટેજ ભેગા કરીને વાર્તા કહેવાના પ્રયોગમાં આ ફિલ્મ ભયંકર કન્ફ્યુઝિંગ બની ગઈ છે.

કન્ફ્યુઝનનો કુંભમેળો

એક ભેદી જગ્યાએ એકસાથે ચાર હત્યાઓ થાય છે, બે યુવક અને બે યુવતીઓની. મૌકા એ વારદાત પરથી એક હેન્ડિકેમ મળી આવે છે, જેમાં આ હત્યાકાંડ શૂટ થયેલો છે. લેકિન કમબખ્ત હત્યા કરનારો કેમેરાની રેન્જથી બહાર છે. હવે એ કેમેરાની તલાશી લેતાં તેમાંથી પચાસેક મિનિટનું ફૂટેજ મળી આવે છે. આ ફૂટેજને પોલીસ અધિકારી સંકેત પુજારી (નસીરુદ્દીન શાહ) નિરાંતે જુએ છે અને તેમાં જ અડધી ફિલ્મ કાઢી નાખે છે. એ ફૂટેજ જોતાં આપણને કંઇક એવું સમજાય છે કે દારૂ, ડ્રગ્સ, સિગારેટના રવાડે ચડી ગયેલાં ચાર જુવાનિયાં ભૂલથી કોઇની હત્યા કરી બેસે છે અને તેમાંથી છટકવા માટે તેમને ડ્રગ્સની હેરાફેરી કરવાની નોબત આવે છે. ઇન્ટરવલ પછી ધીમે ધીમે ખબર પડે છે કે એ જુવાનિયાઓને કોઇક રમાડતું હતું. થોડી વાર પછી ખ્યાલ આવે છે કે તેને પણ કોઇક રમાડતું હતું. અગેઇન, એને પણ કોઇક રમાડતું હતું. વધુ એક વળ, એ રમાડનારને પણ કોઇક રમાડતું હતું અને સૌને રમાડનાર પણ કોઇક હતું. અંતે આ ‘રમાચકડી’માંથી બહાર આવીએ ત્યારે લાગે કે ખરેખર તો આપણને આ લોકો રમાડી ગયા.

દિખાવોં પે ન જાઓ અપની અકલ લગાઓ

સસ્પેન્સ થ્રિલર ફિલ્મોની એક ખાસિયત હોય છે કે મોટાભાગની વાર્તામાં આપણા ભેજામાં ન ઊતરે એવી એક પછી એક ઘટનાઓ બનતી રહે. છેલ્લે અચાનક એવું રહસ્યોદ્ઘાટન થાય કે જાણે અચાનક અંધારા ઓરડામાં ટ્યુબલાઇટ થાય અને તમામ વસ્તુઓ સાફસાફ દેખાવા માંડે. જો એવું ન થાય, તો સમજવું કે કુછ તો ગરબડ હૈ, દયા. ડિરેક્ટર મનીષ શ્રીવાસ્તવની ‘ચાર્લી કે ચક્કર મેં’ ફિલ્મમાં નસીરુદ્દીન શાહનો ચહેરો બતાવીને આપણને લલચાવવામાં આવેલા. હવે મુદ્દે વાત એવી છે કે નસીરભાઈનું કામ ફિલ્મમાં ચપટીકથી વધારે નથી. એ દર થોડીવારે આવે છે, વીડિયો જુએ છે, સિગારેટ ફૂંકે છે અને એકાદી લાઇન બોલીને પાછા ગાયબ થઈ જાય છે. એ સિવાય એ લિટરલી કશું જ કરતા નથી.

હૉલીવુડમાં ‘બ્લેરવિચ પ્રોજેક્ટ’ અને ‘પેરાનોર્મલ એક્ટિવિટી’ જેવી હોરર ફિલ્મોથી ‘ફાઉન્ડ ફૂટેજ’ પ્રકારની ફિલ્મોનો દોર શરૂ થયેલો, જેને આપણે ત્યાં દિબાકર બેનર્જીએ ‘લવ, સેક્સ ઔર ધોખા’માં વાપરેલો. આ ફિલ્મમાં ઇન્ટરવલ સુધીની ફિલ્મમાં એવાં હેન્ડહેલ્ડ કેમેરાથી શૂટ કરેલાં દૃશ્યો જ ચાલ્યા કરે છે. જાણે ઊંટ પર બેસીને શૂટ કર્યું હોય એવાં હલકડોલક થતાં દૃશ્યો જોઇને ત્રાસ છૂટે છે.

યકીન માનો, સેકન્ડ હાફમાં દર થોડી વારે ઇન્ટ્રોડ્યુસ થતાં નવાં નવાં પાત્રો એટલી બધી કન્ફ્યુઝન પેદા કરે છે કે તમે ટિકુ તલસાણિયાની સ્ટાઇલમાં વાળ ખેંચીને પૂછી બેસો, ‘એક્ઝેક્ટ્લી યે ક્યા હો રહા હૈ?’ ડુંગળીની જેમ એક પછી એક ખૂલતાં પડમાંથી એટલું ક્લિયર થાય છે કે તમામ પાત્રોનો દોરીસંચાર કોઈ બીજાં પાત્રોના હાથમાં છે, પરંતુ તે ભાંજગડમાં કેટલાય સવાલો છેક સુધી અનુત્તર રહી જાય છે. જે મેળવવા માટે તમારે નવેસરથી ફિલ્મ જોવી પડે, પરંતુ એવું જોખમ લેવા જેવું નથી.

ખરેખર તો આ ફિલ્મને કાગળ-પેન લઇને મેન્ટલ એક્સરસાઇઝની જેમ જોવી જોઇએ. એક ચાર્ટ બનાવવાનો અને કોણ કોને રમાડે છે, કોણે શું કામ કર્યું, ડ્રગ્સની હેરાફેરી ક્યાંથી ક્યાં થઈ વગેરે સવાલોના જવાબો શોધવામાં આ ફિલ્મ કરતાં પણ વધારે મસ્ત ટાઇમપાસ થઈ જશે.

વળી, આ ફિલ્મમાં સ્કિન શૉ, ગંદી ગાળો, અપશબ્દો, અશ્લીલ હરકતો, ડ્રગ્સ, દારૂ, સિગારેટની તદ્દન બિનજરૂરી રેલમછેલ છે. એટલે સેન્સર બૉર્ડે આ ફિલ્મને પુખ્ત વયનાઓ માટેનું ‘A’ સર્ટિફિકેટ આપ્યું છે. પરંતુ આપણા સેન્સર બૉર્ડનું લોજિક સમજાતું નથી. ગયા અઠવાડિયે આવેલી ‘A’ સર્ટિફિકેટવાળી ‘તિતલી’માં છૂટથી ગાળો રહેવા દીધેલી, જ્યારે અહીં તમામ અપશબ્દો મ્યુટ કરી દીધા છે. તો શું ‘A’ સર્ટિફિકેટમાં પણ પુખ્ત અને નોન-પુખ્ત ટાઇપનું વર્ગીકરણ હશે? આ સવાલ પણ આ ફિલ્મ જેટલો જ કન્ફ્યુઝિંગ છે.

નસીરુદ્દીન શાહ ભારતીય સિનેમાના દિગ્ગજ અભિનેતા છે, પરંતુ તેનો અર્થ એ નથી કે તેઓ ગમે તેવી ગાંડીઘેલી ફિલ્મો કરે તોય આપણે પૂરા ભક્તિભાવથી તેને જોવા હડી કાઢવી. અહીં એમણે સેટ પર આવીને એમને અપાયેલી લાઇનો બોલવા સિવાય ખાસ કશું કર્યું નથી. ફિલ્મમાં માત્ર આનંદ તિવારી અને ગયા અઠવાડિયે ‘તિતલી’માં વચલા ભાઈ તરીકે દેખાયેલા અમિત સિઆલ એ બે જ જાણીતા ચહેરા છે. આનંદ તિવારી અગાઉ ‘ગો, ગોવા, ગોન’ જેવી ફિલ્મોમાં સાબિત કરી ચૂક્યો છે કે તેનું કોમિક ટાઇમિંગ જબરદસ્ત છે, પણ અહીં એને એવી કોઈ તક મળી નથી. જ્યારે અમિત સિઆલે અહીં વાર્તા લખવામાં પણ યોગદાન આપ્યું છે અને બાવાનાં બેય બગડ્યાં છે.

ઇસ ચક્કર સે બચકર

આ ફિલ્મના ટ્રેલરમાં નસીરુદ્દીન શાહને ઑરિજિનલ ‘શેરલોક હૉમ્સ’ની પ્રસિદ્ધ લાઇન બોલતા બતાવ્યા છે કે, ‘જો કોઈ વાતમાંથી અશક્યને બાદ કરી નાખો તો જે બચે છે તે ભલે ગમે તેટલું વિચિત્ર હોય, પણ તે સત્યની નજીક જ હશે.’ આ સસ્પેન્સ કહેવાતી ફિલ્મની કરુણતા એ છે કે આ લાઇનને અનુસરીને તમે દિમાગ પર સહેજ જોર લગાવો, તો ફિલ્મ જોયા વિના પણ તેનું સસ્પેન્સ પામી શકો. બાકી, આ ફિલ્મ જોવી કે ન જોવી તેનો જવાબ ખુદ નસીર સાહેબે ફિલ્મમાં જ આપી દીધો છે કે, ‘પૂરી કી પૂરી ફિલ્મ છોડ ગયે હૈ લેકિન ફિર ભી સમઝ નહીં આ રહા કિ કહાની ક્યા હૈ?’ તમે સમજી ગયા ને?

રેટિંગઃ *1/2 (દોઢ સ્ટાર)

(Published in Gujarati Mid Day)

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s