ચોર, પોલીસ અને વાયડાઈ

***

આ ફિલ્મ કરતાં ચાર્લ્સ શોભરાજનું વિકિપીડિયા પેજ વધારે થ્રિલિંગ છે.

***

ce8bb94e6be73e66f15f2acc726a48b6ડિરેક્ટર પ્રવાલ રામનની ‘મૈં ઔર ચાર્લ્સ’નાં એક દૃશ્યમાં જેલમાં જેલની અંદર બાકાયદા પાર્ટી ચાલી રહી છે. આખી જેલ કોઈ નાઇટ ક્લબમાં કન્વર્ટ થઈ ગઈ છે અને ડફોળ જેલર એક માદક યુવતીને ગૌરવભેર કહે છે, ‘આ મારી ચૅમ્બર છે, યુ નૉ.’ થોડા સમય પછી એ જ જેલના કેદી એવા સિરિયલ કિલર ચાર્લ્સની બર્થડેનું સેલિબ્રેશન થાય છે. ઉજવણીના ભાગરૂપે જેલમાં સૌને કસ્ટર્ડની બનેલી વાનગી ખવડાવવામાં આવે છે. લેકિન વાનગીમાં ઘેનની દવા ભેળવેલી છે. થોડીવાર પછી આખી જેલ બેહોશ પડી છે અને ચાર્લ્સ બિનધાસ્ત જેલમાંથી નીકળી જાય છે. જતાં જતાં જાણે ફરવા આવ્યો હોય તેમ જેલની અંદર બહાર ફોટા પણ પડાવે છે. આ બંને દૃશ્યો જોઇને આપણે આંખો ચોળીએ કે આપણી પોલીસે ખરેખર આવી મુર્ખામી કરી હશે? પરંતુ હા, ભારતે જોયેલો સૌથી મોટો ચોરટો ચાર્લ્સ શોભરાજ ઉર્ફ ‘બિકિની કિલર’ આ જ રીતે જેલમાંથી ભાગી છૂટેલો.

ચાર્લ્સ વિશે કહેવાય છે કે એ કોઇપણ છોકરીને લગભગ હિપ્નોટાઇઝ કરીને ભોળવી લેતો. કદાચ ડિરેક્ટર પ્રવાલ રામન સાથે પણ એવું જ થયું છે. આખી ફિલ્મ એમણે ચાર્લ્સના મોહમાં જ બનાવી છે, પરંતુ તેમાં ચોર-પોલીસ ટાઇપની ‘કૉન મુવી’માં હોવી જોઇએ એવી થ્રિલ ક્યાંય દેખાતી નથી.

કૅચ મી ઇફ યુ કૅન

આખી ફિલ્મમાં ક્યાંય ચાર્લ્સ (રણદીપ હૂડા)નું આખું નામ બોલાતું નથી. છતાં આપણે સમજી લેવાનું છે કે વાત કુખ્યાત ઠગ ચાર્લ્સ શોભરાજની થઈ રહી છે. થાઇલૅન્ડમાં એક પછી એક યુવતીઓની લાશ મળે છે, જે બંનેની સાથે જોડાયેલો છે ચાર્લ્સ નામનો ઠગ. થાઇલૅન્ડની પોલીસથી ભાગીને ચાર્લ્સ ભારત આવે છે અને અહીં મુખ્યત્વે પાસપોર્ટ માટે લોકોને ઠગવાનું શરૂ કરે છે. મોટે ભાગે એનો શિકાર યુવતીઓ અને હિપ્પીઓ હોય છે. દિલ્હીના એક ઉચ્ચ પોલીસ અધિકારી અમોદ કાન્ત (આદિલ હુસૈન) ચાર્લ્સને પકડવાની ગાંઠ વાળે છે અને મહા મહેનતે એને ધરબી લે છે. ચાર્લ્સ પકડાય છે, પોતાનો રેઝરશાર્પ દિમાગ વાપરીને છટકે છે, ફરી પકડાય છે અને એને સજા પણ થાય છે. ત્યાં સુધીમાં ચાર્લ્સ એક ઇન્ટરનેશનલ સેલિબ્રિટી બની ગયો છે, પોતાના ઇન્ટરવ્યૂઝ અને પોતાની લાઇફ પરથી ફિલ્મો બનાવવાના હકો વેચીને કરોડોપતિ થઈ ગયો છે. એટલું જ નહીં, છેલ્લે ચાર્લ્સની વધુ એક દિમાગી ચાલ ઉઘાડી પણ પડે છે.

ચોરી કરો, મગર સ્ટાઇલ સે

ચાર્લ્સ શોભરાજ તરીકે રણદીપ હૂડા લગભગ પર્ફેક્ટ લાગે છે. અલબત્ત, એની વિગ અને ઉપલા હોઠ નીચે દબાવેલું પ્રોસ્થેટિક ફિલર કૃત્રિમ લાગે છે. તેમ છતાં ફ્રેન્ચ છાંટવાળું અંગ્રેજી- હિન્દી, એનાં ડિઝાઇનર કપડાં, પીળા રંગનાં ગોગલ્સ, એના કિલર લુક્સ આ બધાનું કોમ્બિનેશન જોઇને લાગે કે અસલી ચાર્લ્સ કંઇક આવો જ લુચ્ચો હશે. પરંતુ પહેલી નજરે એકદમ સ્ટાઇલિશ લાગતી આ ફિલ્મમાં એક નહીં, અઢાર વાંધા છે.

આજથી તેર વર્ષ પહેલાં સ્ટિવન સ્પીલબર્ગે ચાર્લ્સ શોભરાજ જેવા જ ફ્રેન્ક એબેગ્નેલ નામના ગઠિયા પર ‘કૅચ મી ઇફ યુ કૅન’ નામની અદ્દલ આવી જ ફિલ્મ બનાવી હતી. તે સુપરહીટ ફિલ્મ અને પ્રવાલભાઈની આ ‘મૈં ઔર ચાર્લ્સ’ વચ્ચે સૌથી મોટો તફાવત એ છે કે સ્પીલબર્ગે ત્યારે કોઇનો પક્ષ નહોતો લીધો. જ્યારે અહીં પ્રવાલભાઈ દેખીતી રીતે જ ચાર્લ્સની પર્સનાલિટી અને પરાક્રમોથી અંજાયેલા લાગે છે. એટલે જ ચાર્લ્સના કૅસની તપાસ કરતા અધિકારી બનતા આદિલ હુસૈન સિવાય ફિલ્મનાં તમામ પાત્રો- ઇન્ક્લુડિંગ આદિલ હુસૈનની પત્ની બનતી ટિસ્કા ચોપરા- ચાર્લ્સથી પ્રભાવિત છે. દર બીજું વાક્ય ચાર્લ્સનાં ઓવારણાં લેતું જ લખાયું છે. કેવી રીતે ચાર્લ્સ જેલમાં ‘મૅટ્રોપોલિસ’ અને ‘ગ્રેટ એસ્કેપ’ જેવી ક્લાસિક ફિલ્મો જુએ છે, એ કેવો મહાન રીડર છે જે હિટલરની ‘મેઇન કામ્ફ’ જેવી બુક વાંચે છે, કાયદાનો જાણકાર છે એવી તારીફોના જ પુલ બાધવામાં આવ્યા છે. તેમ છતાં આ ફિલ્મ એક્ઝેક્ટ્લી ચાર્લ્સ શોભરાજ જેવા સિરિયલ કિલર-ઠગના માઇન્ડની અંદર જરા પણ ડોકિયું કરાવતી નથી. એ કઈ રીતે હત્યાઓ કરે છે, લોકોને છેતરે છે એવી કોઈ વાતનું ડિટેલિંગ અહીં નથી. ઇન ફૅક્ટ, ડિઝાઇનર કપડાં પહેરીને પૉઝ આપવા સિવાય આ ચાર્લ્સ ખાસ કશું જ કરતો નથી. એના ઉચ્ચારોથી અડધા અંગ્રેજી-ફ્રેન્ચમાં રહેલા સંવાદો પણ સમજાતા નથી.

સિત્તેર-એંસીના દાયકાનું ભારત ક્રિએટ કરવામાં પ્રવાલ રામને ખાસ્સી જહેમત લીધી છે. જૂના ફોન, ટીવી, સ્પૂલવાળાં ઑડિયો રેકોર્ડર, દૂરદર્શન, એરપોર્ટ, હિપ્પી કલ્ચર, ‘જબ છાયે મેરા જાદૂ’ જેવાં ગીતો વગાડતાં ક્લબ વગેરે એમણે આબાદ રીતે સર્જ્યાં છે. પરંતુ જેટલી સ્ટાઇલ ખુદ ચાર્લ્સની નહીં હોય એના કરતાં વધુ સ્ટાઇલ આ ફિલ્મના સ્ટોરી ટેલિંગમાં મરાઈ છે. ફિલ્મના સ્ટાર્ટિંગથી લઇને સતત એટલી બધી વાર વર્ષો આગળ-પાછળ થતાં રહે છે કે ખબર જ ન પડે કે એક્ઝેક્ટ્લી કયા સમયગાળામાં વાર્તા ચાલી રહી છે. ઉપરથી બનેલી ઘટનાઓ, બની શકી હોત તેવી ઘટનાઓ, ફ્લૅશબૅક વગેરે બધું જ એકસાથે ઠૂંસી દેવાયું છે. એટલે જરા પણ બેધ્યાન રહીએ તો લશ્કર ક્યાં લડે છે એ જ ખબર ન પડે.

આ ફિલ્મ કથિત રીતે તો ચાર્લ્સ શોભરાજની લાઇફ પરથી બની છે. પરંતુ આ તેની બાયોપિક હરગિજ નથી. એક્ચ્યુઅલી, શોભરાજની બાયોગ્રાફીના માત્ર બે જ પેરેગ્રાફ પર ફોકસ કરીને જ આ ફિલ્મ બનાવાઈ છે. એટલે જ શોભરાજની પત્ની, એનું બાળક, એનો ભાઈ, એણે ફ્રાન્સમાં કરેલાં પરાક્રમો કે ઇવન ભારતની જેલમાંથી છૂટ્યા પછી ફરી પાછાં ફ્રાન્સનાં પરાક્રમ, એ પછી નેપાળમાં એનું આગમન, ત્યાં એનાથી ખાસ્સી નાની ઉંમરની એની ગર્લફ્રેન્ડ નિહિતા બિશ્વાસ (જે પાછળથી ‘બિગ બૉસ-5’માં પણ આવેલી) વગેરે કોઈ જ બાબતોનો કશો જ ઉલ્લેખ આ ફિલ્મમાં નથી. અત્યારે ૭૧ વર્ષનો શોભરાજ નેપાળમાં આજીવન કારાવાસ ભોગવી રહ્યો છે, પણ ફિલ્મ જોઇને નીકળીએ તો એવું જ લાગે કે જાણે ચાર્લ્સ એક જ બુદ્ધિશાળી છે અને પોલીસ તો ધૂળ ફાકે છે. ઇવન પોલીસને ચાર્લ્સના ભૂતકાળની ખબર કેવી રીતે ન હોય તેવા લોજિકલ સવાલોના પણ કોઈ જ ઉત્તર નથી. ફિલ્મનું નામ ‘મૈં ઔર ચાર્લ્સ છે એટલે તેમાં ‘મૈં’ તરીકે પોલીસ અધિકારી આદિલ હુસૈન હોવા જોઇએ. પરંતુ ફિલ્મ જરાય આ ‘મૈં’ના પોઇન્ટ ઑફ વ્યૂથી કહેવાઈ નથી.

માત્ર બે કલાકની હોવા છતાં આ ફિલ્મ એક પણ તબક્કે થ્રિલનો અનુભવ કરાવતી નથી. ઉપરથી અત્યંત ધીમી અને કેટલાય બિનજરૂરી સીનથી ભરચક છે. હા, એટલું ખરું કે ફિલ્મનાં ત્રણ મુખ્ય કલાકાર રણદીપ હૂડા, આદિલ હુસૈન અને રિચા ચઢ્ઢાની મહેનત દેખાઈ આવે છે.

ડૅથ બાય બોરડમ

આ ફિલ્મના મુખ્ય વિલન તેનું ખાસ્સું લૅઝી રાઇટિંગ, અત્યંત ધીમું અને વધુ પડતી વાયડાઈ ભરેલું ઑવર સ્ટાઇલિશ સ્ટોરિટેલિંગ અને છદ્મ બાયોપિક ટાઇપનો અપ્રોચ છે. સૅટ ડિઝાઇનિંગ, કેમેરા એન્ગલ્સ, બૅકગ્રાઉન્ડમાં દૂરદર્શનની સિગ્નેચર ટ્યૂન કે ‘એક ચીડિયા’ જેવા (ઇરાદાપૂર્વક નખાયેલા) છૂટક પ્રયોગો અને ત્રણ અદાકારોની એક્ટિંગ માટે ‘એ’ સર્ટિફિકેટવાળી આ ફિલ્મ જોઈ શકાય. સમજીને નિર્ણય લેજો, નહીંતર તમે પણ આ ફિલ્મી ચાર્લ્સ શોભરાજની છેતરપીંડીના વધુ એક શિકાર બનશો.

રેટિંગઃ ** (બે સ્ટાર)

(Published in Gujarati Mid Day)

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s