કુછ કડવા હો જાયે
***
કોઈ કળણની જેમ આ અફલાતૂન ફિલ્મ તમને ખેંચી લે છે અને પછી તેમાં પેશ થતી કુરુપતા, ક્રૂરતા, કઠોરતાથી છટકવું અશક્ય બની જાય છે.
***
છેક ‘કાન ફિલ્મ ફેસ્ટિવલ’ સુધી ઝંડા લહેરાવી આવેલી નવોદિત ડિરેક્ટર કનુ બહલની ઑફ બીટ ફિલ્મ ‘તિતલી’નું નામ ખરેખર તો ‘અગ્લી’ (Ugly) હોવું જોઇતું હતું. કારણ કે અહીં સ્ક્રીન પર આપણા સમાજનું, તેના અસમાન વિકાસનું, જીવતા રહેવા માટે રીતસર જંગલી પશુઓની જેમ મરણિયા થયેલા લોકોનું, એમના સ્વાર્થનું, ગંદી માનસિકતાનું ખોફનાક વર્ણન થયું છે. આ ફિલ્મ માત્ર ૧૧૭ મિનિટની છે, પણ આપણી બોચી પકડીને એક મિનિટ માટે પણ ચસકવા દેતી નથી.
સર્વાઇવલ ઑફ ધ અગ્લિએસ્ટ
વાત છે પૂર્વ દિલ્હીમાં વસતા ત્રણ ભાઇઓ વિક્રમ (રણવીર શોરી), બાવલા (અમિત સિઆલ) અને સૌથી નાનો તિતલી (શશાંક અરોરા)ની. દિવસે તો આ લોકો સિક્યોરિટી ગાર્ડ ટાઇપની છૂટક નોકરીઓ કરે છે, પણ અંધારું થાય એટલે સુમસામ હાઇવે પર ‘ગશ્ત’ લગાવવા નીકળી પડે. રસ્તે જતી કાર રોકી ચાલકોના માથા પર હથોડીઓ મારીને પૂરા કરી નાખે અને કાર-પૈસા લૂંટીને રફૂચક્કર થઈ જાય. ટૂંકમાં આ લોકો કારનું હાઇજૅકિંગ કરતા ‘કારજૅકર’ છે. મોટો વિક્રમ તદ્દન ફરેલ ખોપડીનો છે. એના મગજનું બોઇલર ક્યારે ફાટે અને તે શું કરી બેસે એ કંઈ કહેવાય નહીં. વચલો ભાઈ થોડો લાગણીશીલ છે અને પૂરી વફાદારીથી આ કામ કર્યે જાય છે. જ્યારે ત્રીજો તિતલી આ કામથી કંટાળેલો છે એટલે ચોરીછૂપે પૈસા ભેગા કરીને પોતાની માલિકીનું પેઇડ પાર્કિંગ ઊભું કરવાની વેતરણમાં છે.
આ ક્રૂર પરિવારથી ત્રાસેલી મોટાભાઈની પત્ની દીકરીને લઇને જતી રહી છે અને હવે છૂટાછેડા લઈ રહી છે. ઘરમાં એક રિટાયર્ડ બાપા (લલિત બહલ, ડિરેક્ટર કનુ બહલના રિયલ લાઇફ પપ્પા) પણ છે. આ ખાઉધરા બાપાના સુઝાવથી તિતલીનાં ઘડિયાં લગ્ન લેવાય છે અને ઘરમાં વહૂ નીલુ (સુપર્બ શિવાની રઘુવંશી)નું આગમન થાય છે. પરંતુ એનેય પોતાનાં સપનાં છે, ભૂતકાળ છે. સૌના પોતપોતાના સ્વાર્થ છે અને તેના માટે તેઓ ગમે તે હદ સુધી જતા અચકાય તેમ નથી.
સવાર વિનાની રાત
આ ફિલ્મના લેખકો છે ખુદ કનુ બહલ અને અગાઉ ‘દમ લગા કે હઇશા’ બનાવી ચૂકેલા શરત કટારિયા. આ બંને જણાએ ફિલ્મમાં પુષ્કળ બાબતો ઠાંસી ઠાંસીને ભરી છે, પરંતુ ક્યાંય કશું સ્પૂન ફીડિંગ નથી. બધું આપણે જાતે જ સમજવાનું. જેમ કે, પાત્રોના બૅકગ્રાઉન્ડમાં સતત બંધાઈ રહેલી હાઇરાઇઝ ઇમારતો દેખાયા કરે, જ્યારે ફિલ્મનાં પાત્રો પાઈપાઈ માટે મરણિયાં થયાં હોય. જાણે કહેતા હોય કે જુઓ, આ જ છે આપણા સમાજના અસંતુલિત વિકાસની વાસ્તવિકતા. સંવાદોની પાછળથી સતત રેડિયો-ટીવીના અવાજો આવ્યા કરે, એમાં તમારી અંદરનો અવાજ ક્યાંય દબાઈ જાય. માત્ર એક જ વાક્ય પરથી આપણે તાગ મેળવી લેવાનો કે વચલો ભાઈ બાવલા હોમોસેક્સ્યુઅલ છે. સસરા અચાનક નાની પુત્રવધૂ સાથે ઠાવકા થઇને વાત કરવા માંડે છે, જે જોઇને તિતલી ગિન્નાય છે. ત્યારે આપણને ઝબકારો થાય કે સસરાની આંખમાં તો સાપ રમતા હતા. દીકરો બાપનો ફોટો પાડી નાખીને માનો ફોટો મૂકે એ જોઇને ખબર પડે કે એની મા પણ બાપની હેવાનિયતનો જ ભોગ બની હશે. દીકરાનાં લગ્ન થાય ત્યારે પહેલી રાત વખતે રૂમની સ્ટોપર ફિટ થતી જોઇને સમજી જવાનું કે આ ઘરમાં વર્ષોથી કોઈ સ્ત્રીએ પગ મૂક્યો નથી. સાંભળીને ચિતરી ચડે પણ ચાર-પાંચ વખત પાત્રોનાં બ્રશ કરતાં, ગળફા કાઢતાં અને ઊલટી કરતાં દૃશ્યો છે, પરંતુ તે જ આ ફિલ્મની રિયાલિટીની ફૂટપટ્ટી છે. ફિલ્મને શક્ય તેટલી રિયલ બનાવવા માટે તેને મિનિમમ બૅકગ્રાઉન્ડ મ્યુઝિક સાથે હૅન્ડહેલ્ડ કેમેરાથી શૂટ કરાઈ છે.
અહીં પડદા પર દેખાતા બધા જ લોકો કોઇને કોઈ રીતે ફસાયેલા છે, પણ પોતાનો સ્વાર્થ કાઢી લેવા માટે ગમે તે હદે જઈ શકે છે. એટલે જ અત્યંત કફોડી સ્થિતિમાં હોવા છતાંય આપણને કોઇના પ્રત્યે સહાનુભૂતિ થતી નથી. એ રીતે જોઇએ તો આ એક ડિસ્ટોપિયન, તદ્દન નરક જેવી સ્થિતિનું વર્ણન કરે છે. કુરુપતાની કાળી રાતનો કોઈ છેડો ન જડે. તદ્દન ખાડે ગયેલો પરિવાર, ધૂળ જેવી વાતમાં પણ થતી ગાળાગાળી અને હિંસક મારામારી, દીકરાઓ એકબીજાનો જીવ લેવા પર આવી ગયા હોય અને બાપા શાંતિથી ચામાં ટૉસ્ટ બોળીને ખાતા હોય, પતિની હાજરીમાં પત્ની પોતાના પ્રેમીને આલિંગન આપે, મોટાંનું જોઇને નાનું બાળક પણ પિતા વિશે ગંદી ગાળ બોલે… આ બધું ભયંકર ડરામણું છે. રખેને આ ફિલ્મમાંની એકેય વાત સાથે આપણે આપણી જાતને રિલેટ કરી દઇએ તો જાત પર તિરસ્કાર છૂટી જાય.
શાબ્દિક ઉપરાંત શારીરિક હિંસા પણ અહીં કંઈ ઓછી નથી. એક હસ્તાક્ષરથી બચવા માટે હાથ પર હથોડી ફટકારી દેવી, હથોડીથી માથું ફોડી નાખવું, પત્ની પર બળજબરી કરવી અને પછી જાણે કશું બન્યું જ ન હોય તેમ આગ્રહ કરી કરીને પરોઠા-ચિકન ખવડાવવા. ક્રૂર પુરુષોની વચ્ચે રહીને સ્ત્રી પણ કેવી જડ થઈ જાય તેય અહીં આબાદ ઝિલાયું છે.
‘તિતલી’ એવી ફિલ્મ છે, જે જોયા પછી સતત તમારા મગજમાં ઘુમરાતી રહે. તેની ઇફેક્ટ એટલી જબરદસ્ત છે કે બહાર નીકળ્યા પછી પાર્કિંગ લૉટ, અન્ડર કન્સ્ટ્રક્શન ઇમારતો, અસ્તવ્યસ્ત ઘર, ગાડીનો શૉરૂમ જોઇને પણ આપણને એક હળવી કંપારી છૂટી જાય. અહીં એકેય કલાકાર જાણે એક્ટિંગ નથી કરતો, એટલી હદે રિયલ લાગે છે. એમાંય રણવીર શોરીનું તો આ કરિયર બૅસ્ટ પર્ફોર્મન્સ હશે. બીજું સૌથી વધુ ધ્યાન ખેંચે છે નીલુ બનતી એક્ટર શિવાની રઘુવંશી. પાત્રના બદલાતા શૅડ્સ પ્રમાણે એણે ટિપિકલ દિલ્હીની યુવતીની કમ્માલ એક્ટિંગ કરી છે. આ સૌને જોઇને એ જ વિચાર આવે કે ભગવાન આવા લોકોનો જિંદગીમાં ક્યારેય ભેટો ન કરાવે.
કુરુપદર્શન
વિવેચકો ભલે ટચાકા ફોડીને આ ફિલ્મનાં ઓવારણાં લે, પરંતુ દરેકને માફક આવે એવી આ ફિલ્મ હરગિજ નથી. ‘તિતલી’ કંઇક અંશે વિક્રમાદિત્ય મોટવાણેની ‘ઉડાન’ ફિલ્મના વધુ વિકરાળ વર્ઝન જેવી છે. આ ફિલ્મ જોયા પછી મગજ નૉર્મલ કરવા માટે એન્ટિડૉટ તરીકે સુરજ બડજાત્યાની ગળચટા પરિવારોવાળી ફિલ્મ જોવાની ઇચ્છા થઈ આવે. લાખ કુરુપતા છતાં એક આશા બતાવીને પૂરી થતી આ ફિલ્મ રિયલ સિનેમાના ચાહકોએ જરાય ચૂકવા જેવી નથી.
રેટિંગઃ ***1/2 (સાડાત્રણ સ્ટાર)
(Published in Gujarati Mid Day)
Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.