લડકોંવાલી ફિલ્મ

***

માત્ર બોય્ઝના ઍન્ગલથી જ પેશ થઈ હોવા છતાં આ ફિલ્મ મસ્ત ટાઇમપાસ છે.

***

pyaar-ka-punchnama-2-first-look_144126080100જુઓ, જેવી રીતે લૅડિઝ-જેન્ટ્સ ટોઇલેટ, ટ્રાયલરૂમ, ટિકિટની લાઇન, દર્શન કરવાની લાઇન આદિ ઇત્યાદિ અલગ અલગ હોય છે. અમુક ફિલ્મોનું પણ એવું જ હોય છે. ગઇકાલે રિલીઝ થયેલી સિક્વલ ‘પ્યાર કા પંચનામા-૨’ આવી જ એક ‘બૉય્ઝ ઑન્લી’ ફિલ્મ છે. પત્ની, ગર્લફ્રેન્ડ કે પછી જરાતરા પણ ફેમિનિસ્ટ વ્યક્તિની સાથે આ ફિલ્મ જોવા ગયા તો ગાળો પડવાના પૂરેપૂરા ચાન્સિસ છે. કારણ કે અહીં યુવતીઓને પુરુષોનો પોતાના સ્વાર્થ માટે ઉપયોગ કરી લેતી, કાવાદાવા કરતી અને બિલકુલ પોતાનાં મમ્મી-પપ્પાના અંગૂઠા નીચે દબાયેલી રહેતી જ બતાવવામાં આવી છે. તેમ છતાં પહેલા ભાગની જેમ આ સિક્વલ પણ મસ્ત રીતે લખાયેલી છે અને સતત એક પછી એક લાફિંગ મોમેન્ટ્સ પૂરી પાડતી રહે છે.

પ્રીત ના કરિયો કોઈ

ત્રણ બેસ્ટફ્રેન્ડ્સ ગોગો (કાર્તિક આર્યન), ઠાકુર (ઓમકાર કપૂર) અને ચૌકા (સની સિંઘ નિજ્જર) દિલ્હીમાં એક પૉશ ફ્લૅટ ભાડે રાખીને રહે છે. ચિક્કાર કમાય છે, ચકાચક ગાડીઓમાં ફરે છે, વીકએન્ડમાં પાર્ટી-શાર્ટી કરે છે અને વાંઢાવિલાસમાં જલસાપાણી કરે છે. એમની આ ચલતી કા નામ ગાડી જેવી જિંદગીમાં પંક્ચર પડે છે છોકરીઓનાં આગમનથી. ટુ મિનિટ નૂડલ્સની ઝડપે ત્રણેય જણા અનુક્રમે રુચિકા ઉર્ફ ચીકુ (નુસરત ભરૂચા), કુસુમ (ઇશિતા રાજ) અને સુપ્રિયા (સોનાલી સેહગલ)ના પ્રેમમાં ઊંધે કાંધ પડે છે. થોડો સમય તો પ્રેમની ચ્યુઇંગમ મીઠી લાગે છે, પણ ચ્યુઇંગમ મોળી પડ્યા પછી સમજાય છે કે એક જણો એની ગર્લફ્રેન્ડ પ્લસ ગર્લફ્રેન્ડની બહેનપણીઓનો ટૉયબૉય બની ગયો છે. બીજાની લાઇફની પાઈએ પાઈનો હિસાબ એની ગણતરીબાજ પ્રેમિકા રાખી રહી છે અને સાથોસાથ સરકારી તિજોરીની જેમ હજારો રૂપિયા ઉડાડી રહી છે. જ્યારે ત્રીજો પ્રેમકૈદી તો બિચારો એની પ્રેમિકાના ઘરનો નોકર બનીને રહી જાય છે. લેકિન જ્યારે પાણી ખતરે કે નિશાન સે ઉપર પહોંચી જાય છે ત્યારે?

લવ કા ધ એન્ડ

આ ફિલ્મ બે તદ્દન સામા છેડાના ઑપિનિયન મેળવવાની છે. ‘બેવફા સનમ’ની શાયરીઓ અને સ્ટુપિડ ગર્લ્સના જોક્સ ફોરવર્ડ કરતા છોકરાંવ સીટીઓ મારતાં થાકવાના નથી. ઇવન બૉય્ઝને મજા પડે એ માટે આ ફિલ્મની ભાષા પણ એકદમ બરછટ અને અપશબ્દોથી ભરચક રખાઈ છે. જ્યારે બીજી બાજુ આ ફિલ્મમાં સ્ત્રીઓનું તદ્દન મૅનિપ્યુલેટિવ ચિત્રણ જોઇને સ્ત્રીવર્ગ તથા નારી અધિકારમાં માનતા લોકોનાં નાક-કાન-મોંમાંથી ડ્રેગનની જેમ આગની જ્વાળાઓ નીકળવા માંડશે. મતલબ કે આ ફિલ્મ એકદમ મૅલ શૉવિનિસ્ટ અને પૉલિટિકલી ઇનકર્રેક્ટ છે. જો એ વાત સ્વીકારીને જસ્ટ આનંદ ખાતર આ ફિલ્મ જોઈ શકો તો જ એન્જોય કરી શકશો.

આ ફિલ્મના ડિરેક્ટર લવ રંજન તથા રાઇટર જોડીએ જાણે પ્રેમ કા ગેમમાં પીએચ.ડી. કર્યું હોય એવાં જબરદસ્ત ઑબ્ઝર્વેશન્સ અહીં ઠાંસી ઠાંસીને ભર્યાં છે. અહીં છોકરીઓ પોતે ક્યારેય વાંકમાં ન આવે તે માટે વિવિધ દાવપેચ અજમાવે છે, ફેમિનિઝમનો એ આબાદ ચતુરાઈથી પોતાના ફાયદા માટે હથિયાર તરીકે ઉપયોગ કરે છે, ફાલતુ વાતો કરવાનું, ફોનનો રિપ્લાય ન આપવાનું, નૅલપૉલિશ કે કપડાંના શૅડ્સ પસંદ કરવાનું, ફ્રેન્ડના ફ્રેન્ડને પણ ઇમ્પોર્ટન્સ આપવા જેવાં કામો એમના માટે કાશ્મીર સમસ્યા કરતાં પણ વધુ મહત્ત્વનાં બની જાય છે. બડી સ્માર્ટલી ઇમોશનલ બ્લૅકમેલ કરીને એ પોતાના બૉયફ્રેન્ડને એના દોસ્તારોથી દૂર કરીને પોતાના કોશેટામાં પૂરી દે છે. એમને માત્ર પોતાની જ વાતો ઇમ્પોર્ટન્ટ લાગે છે, બૉયફ્રેન્ડ તો જાણે ATM કમ ટાઇમપાસનું રમકડું માત્ર છે. અર્બન લવલાઇફનાં આ બધાં જ ચક્કર અહીં હિલૅરિયસ શાર્પનેસ સાથે પેશ થયાં છે.

‘પ્યાર કા પંચનામા’ પાર્ટ-૧માં અભિનેતા કાર્તિક આર્યને એક લાંબા સીનમાં છોકરીઓ વિરુદ્ધ જબ્બર ભડાસ કાઢી હતી. એ સીન એટલો બધો હીટ થયો કે આજની તારીખે પણ તે સીન સોશ્યલ મીડિયામાં ફોરવર્ડ થતો રહે છે. તેની સિક્વલ જેવો અને એનાથી ડબલ લાંબો સુપર્બ સીન અહીં પણ છે. એકદમ સ્માર્ટ રીતે લખાયેલો કાર્તિક આર્યનના મોનોલોગવાળો એ સીન આ ફિલ્મનો બેસ્ટ સીન છે. તે ઉપરાંત એન્ટિ સ્મોકિંગની ઍડની પૅરોડીરૂપે પેશ થયેલો ‘લવ કિલ્સ’વાળો સીન, ભારત-પાકિસ્તાનની મૅચ વખતનો સીન, જથ્થાબંધ વખત ‘આઈ લવ યુ’વાળો સીન વગેરે બધા જ ફિલ્મને ભરચક બનાવી દે છે.

જોકે ફિલ્મમાં ઘણે ઠેકાણે એવું લાગે છે કે આપણે યુટ્યૂબ પરનો કોઈ કોમેડી વીડિયો જોઈ રહ્યા છીએ. ઇવન ઘણાં ઑબ્ઝર્વેશન્સ તો એવા વીડિયોઝ પરથી ઇન્સ્પાયર થયેલા પણ દેખાઈ આવે છે. ઉપરથી આપણું સેન્સર બૉર્ડ પણ કંઈ કમ કોમેડીયન નથી. ફિલ્મને અઢાર વર્ષથી ઉપરના માટેનું ‘એ’ સર્ટિફિકેટ આપ્યું હોવા છતાં ફિલ્મમાંથી બધા જ અપશબ્દો કાન કાણો થઈ જાય એવા મોટા અવાજે ‘બીપ’ કરી દીધા છે. (એ જ શબ્દો યુટ્યૂબ પર આસાનીથી નાનું બચ્ચુંય સાંભળી શકે.) આપણે જાણે ‘એમટીવી રૉડીઝ’નું સેન્સર્ડ વર્ઝન જોતા હોઇએ તેવું લાગે. જ્યારે ફિલ્મમાં આવતી ન્યુડિટી, દારૂબાજી, ચેનચાળા, ડબલ મીનિંગ ડાયલોગ્સ વગેરે તો જાણે કોઇને સમજાવાના જ નથી.

આ ફિલ્મ અર્બન બૉય્ઝ માટે છે એટલે બધા પંચ છોકરાઓના ભાગે જ ગયા છે. છોકરીઓએ તો આધુનિક ગ્લેમરસ મંથરા બન્યા સિવાય ખાસ કશું કરવાનું આવ્યું નથી. છોકરાઓમાં ક્યુટ કાર્તિક આર્યન ઇમ્પ્રેસ કરે છે. ‘માસૂમ’ ફિલ્મનો ટાબરિયો ઓમકાર કપૂર હવે ‘છોટા બચ્ચા’માંથી ગભરુ જવાન બની ગયો છે, પણ બિચારો પોતાની મસલ્સ, પર્ફેક્ટ્લી ઓળેલા વાળ અને આઇબ્રો કરેલા નેણ બતાવવામાંથી ઊંચો આવતો નથી. ગલુડિયા જેવા ત્રીજા છોકરા સની સિંઘની પૉની ટેઇલ મસ્ત છે. જોકે આ પૉની ટેઇલને બદલે પહેલી ફિલ્મવાળો દિવ્યેન્દુ શર્મા (‘લિક્વિડ’ ફેમ) હોત તો એનો રોલ ઓર જામત. આ ફિલ્મની પ્રિક્વલમાં ત્રણેય છોકરાઓ પોતાની ગર્લફ્રેન્ડોથી ત્રાસીને સમસમીને બેસી રહેલા. પરંતુ અહીં એમણે પણ સામી ફટકાબાજી કરી છે, એટલે સ્કોર સેટલ કર્યાના સંતોષ સાથે લોકો બહાર નીકળે છે.

અહીં દર થોડી મિનિટે એકાદું ગીત ટપકી પડે છે. જોકે સમજી વિચારીને માત્ર એક ‘દિલ અબ યારોં કા, હો ગયા પારો કા’ જ સારું બનાવ્યું છે, જેથી તમને એકી-પાણી અને વેફર-પોપકોર્ન માટેનો ટાઇમ મળી રહે.

પ્યાર કે સાઇડ ઇફેક્ટ્સ

અગેઇન, આ પુરુષોનાં ચશ્માં પહેરીને જોવાની ફિલ્મ છે. એમાંથી જો ‘આવું કંઈ હોતું હશે’ ટાઇપની તાત્ત્વિક ચર્ચાઓમાં પડશો તો તમારા પ્રેમનું ટાઇટેનિક મધદરિયે ડૂબી જવાના ચાન્સિસ છે. એટલે પૂરી માનસિક તૈયારી અને પોતાના હિસાબે-જોખમે આ ફિલ્મ જોવા જવી. આમ જુઓ તો આ ફિલ્મ થિયેટરમાં જ જોવી એ કંઈ જરૂરી નથી, પણ છે મસ્ત. ફિલ્મ જોયા પછી તમનેય વિચાર આવે કે છોકરીઓ તો બધી આવી જ હોય, તો યાદ રાખજો કે વાસ્તવિકતા આનાથી એક્ઝેક્ટ ઊંધી છે. એક સરસ રોમ-કોમ નોવેલ વાંચતા હો, તેમ આ ટાઇમપાસ ફિલ્મ જોઇને-હસીને ભૂલી જજો.

રૅટિંગઃ *** (ત્રણ સ્ટાર)

(Published in Gujarati Mid Day)

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s