The Walk

ધ વૉકઃ સાહસ અને સિદ્ધિની સર્વોચ્ચ સફર

***

ચાર દાયકા પહેલાં એક માણસે વર્લ્ડ ટ્રેડ સેન્ટરના ટ્વિન ટાવર વચ્ચે દોરડા પર ચાલી બતાવ્યું હતું. આ જીવસટોસટના પરાક્રમની દિલધડક દાસ્તાન એટલે ‘ધ વૉક’ ફિલ્મ.

***

WALK_PubPro_27in_4C_06.indd૭ ઑગસ્ટ, ૧૯૭૪ની વહેલી સવારે તે વખતે વિશ્વની સૌથી ઊંચી ઇમારત એવા વર્લ્ડ ટ્રેડ સેન્ટરની નીચે સેંકડો લોકોનાં ટોળાં જામ્યાં હતાં. સૌની નજર આકાશ તરફ મંડાયેલી હતી અને એકશ્વાસે ઉપર આકાર લઈ રહેલી અભૂતપૂર્વ ઘટના ફાટી આંખે નિહાળી રહ્યા હતા. જમીનથી ૧૩૬૨ ફીટ ઊંચે, ૧૧૦ માળ ઊંચા વર્લ્ડ ટ્રેડ સેન્ટરનાં ટ્વિન ટાવર્સની અગાશીઓની વચ્ચે ધાતુના દોરડા પર એક જાંબાઝ ચાલી રહ્યો હતો. જી હા, કોઈપણ જાતના સલામતીની વ્યવસ્થા કર્યા વિના હાથમાં ૨૬ ફીટ લાંબી અને ૨૫ કિલોગ્રામ વજનની પાઇપ રાખીને માત્ર દોઢ-બે ઇંચ પહોળા દોરડા પર બૅલેન્સ રાખીને એ જાંબાઝે ટ્વિન ટાવર વચ્ચેના ૨૦૦ ફીટના અંતર પર એણે ચાલી બતાવ્યું. એ પણ એકવાર નહીં, બલકે ચચ્ચાર વાર. સતત ૪૫ મિનિટ સુધી. ગાંડપણની ચરમસીમા જેવું એ પરાક્રમ કરનારો ફરેલ ખોપડી શખ્સ હતો ફ્રાન્સનો પચ્ચીસ વર્ષનો જુવાનિયો ફિલિપ પૅટી (Philippe Petit).

ફિલિપના આ કલ્પનાતીત પરાક્રમ પરથી હૉલીવુડના નામીચા ફિલ્મમૅકર રૉબર્ટ ઝેમેકિસે ‘ધ વૉક’ નામે ફિલ્મ બનાવી છે, જે ગયા શુક્રવારે આપણે ત્યાં રિલીઝ થઈ છે. આ રૉબર્ટ ઝેમેકિસ એટલે અગાઉ ‘બૅક ટુ ધ ફ્યુચર’ (ત્રણ ભાગ), ‘કાસ્ટ અવે’, ‘ફોરેસ્ટ ગમ્પ’ જેવી સદાબહાર ફિલ્મોના દિગ્દર્શક. અગાઉ ૨૦૦૮માં ફિલિપ પૅટીના આ સાહસ પર ‘મૅન ઑન વાયર’ નામની ડૉક્યુમેન્ટરી ફિલ્મ પણ બની ચૂકી છે, જે ઑસ્કર અવૉર્ડ જીતી લાવી હતી. હવે ડિરેક્ટર રૉબર્ટ ઝેમેકિસે ફિલિપ પૅટીના પુસ્તક ‘ટુ રીચ ધ ક્લાઉડ્સ’ પુસ્તકને આધારે બનાવેલી આ ‘ધ વૉક’ સારી ફિલ્મો જોવાના શોખીનોએ જરાય ચૂકવા જેવી નથી. ફિલ્મ અને ફિલિપ પૅટી બંનેની સ્ટોરી સાથોસાથ ચાલે છે.

બૅલેન્સનો ખેલ

આર્મી પાઇલટ કમ લેખક પિતાના ઘરે જન્મેલા ફિલિપે નાનપણમાં એકવાર સર્કસના ખેલ જોયા અને દિમાગમાં ટાઇટ રૉપ વૉકિંગ ઘર કરી ગયું. ઘરના બગીચામાં બે ઝાડ વચ્ચે દોરડાં બાંધીને તેના પર ચાલવાની પ્રેક્ટિસ શરૂ થઈ. ૧૬ વર્ષનો થયો ત્યાં સુધીમાં તો ફિલિપ પૅટી (ફિલ્મમાં એક્ટર જોસેફ ગોર્ડન લેવિટ)ને આ બૅલેન્સિંગ ઍક્ટમાં એવી મહારત આવી ગયેલી કે દોરડાં પર આગળ-પાછળ ચાલવા ઉપરાંત એ ગોથલિયાં ખાઈ શકતો, દોરડા પર બેસી શકતો અને ઇવન જમ્પ પણ કરી શકતો, એક અને બે પૈડાંવાળી સાઇકલ ચલાવી શકતો. આ કળામાં વધારે મહારત હાંસલ કરવામાં ફિલિપને સાથ મળ્યો એ સમયના મહાન ટાઇટ રૉપ વૉકર એવા રુડોલ્ફ ઓમન્કોવ્સ્કી (એક્ટર બૅન કિંગ્સ્લી)નો. રુડોલ્ફ સર્કસ ચલાવતા હતા. ફિલિપ એમના માટે પર્ફેક્ટ હતો, કેમ કે ફિલિપ ટાઇટ રૉપ વૉકિંગ ઉપરાંત યુનિ (એક પૈડાંવાળી) સાઇકલ, જગલિંગ, જાદુગરી જેવાં તમામ કરતબો જાણતો હતો. ફિલિપ માટે રુડૉલ્ફ ‘પાપા રુડી’ બન્યા, પણ ફિલિપનાં સપનાં સર્કસમાં કામ કરવાથી ક્યાંય ઊંચાં હતાં.

એક દિવસ ફિલિપની નજર પડી અમેરિકામાં બંધાઈ રહેલા ‘વર્લ્ડ ટ્રેડ સેન્ટર’ની જાહેરખબર પર. આ ટ્વિન ટાવરમાં એને પોતાના માટે વિશ્વનું સૌથી મોટું સ્ટેજ દેખાઈ ગયું. એટલે પોતાની ફ્રેન્ચ ગર્લફ્રેન્ડ સાથે એણે સીધી અમેરિકાની વાટ પકડી. ત્યાં મહિનાઓ સુધી પ્લાનિંગ કર્યું. સેંકડોવાર ફાઇનલ ટચ અપાઈ રહેલા વર્લ્ડ ટ્રેડ સેન્ટરના ટ્વિન ટાવરની મુલાકાતો લીધી, તેનાં મૉડલ્સ અને પ્લાન બનાવ્યાં, પાર વિનાની ગણતરીઓ કરી. તેમ છતાં એકલે હાથે આ સાહસ થાય નહીં. એટલે ફિલિપે પોતાના જેવા ચાર-પાંચ ધૂની સાહસિકો શોધ્યા. જાણે કોઈ બૅંક લૂંટવાનો પ્લાન બનતો હોય, એમ દોરડાં, વાયર, પાઇપો જેવો સામાન વર્લ્ડ ટ્રેડ સૅન્ટરની અગાશીએ પહોંચ્યો. બસ, સાતમી ઑગસ્ટની સવારે દુનિયાભરનાં અખબારો અને ટેલિવિઝન પર બસ ફિલિપ પૅટીનો જ ચહેરો દેખાવાનો હતો.

આગળ સિદ્ધિ નીચે મોત

જો તમને ઊંચાઇનો ડર લાગતો હોય, વર્ટિગો જેવી તકલીફ હોય, તો તો આ ફિલ્મ તમારાં હાજાં ગગડાવી નાખશે. કેમ કે, આ ફિલ્મની સુપર્બ સિનેમેટોગ્રાફી અને અફલાતૂન 3D ઇફેક્ટ્સ પેટમાં થ્રિલનાં પતંગિયાં ઊડાઊડ કરી મૂકે એવી અસર પેદા કરે છે. ખાસ કરીને ફિલિપ પૅટી ટ્વિન ટાવર વચ્ચે ચાલવાનું શરૂ કરે છે એ દૃશ્યો તો ભલભલા લોકો ખુરશીનાં હૅન્ડલ પકડી લે તેવાં બન્યાં છે.

‘ધ વૉક’ ફિલ્મમાં એકસાથે ઘણી બધી બાબતો સ્પર્શી જાય તેવી છે. એક તો ટ્વિન ટાવરની વચ્ચે ટાઇટ રૉપ વૉક કરવાનું ફિલિપ પૅટીનું પૅશન, જે આખી ફિલ્મમાં સતત દેખાતું રહે છે. સાથોસાથ એક સરસ ક્વિક લવસ્ટોરી પણ છે. એ લવસ્ટોરીમાં આપણને લટ્ટુ કરી દે છે મારકણી આંખોવાળી ફ્રેન્ચ-કેનેડિયન અભિનેત્રી શાર્લોટ લૅ બોં. જે પહેલેથી છેલ્લે સુધી ફિલિપના આ આત્મઘાતી સાહસને સપોર્ટ કરે છે. અહીં આપણા સંજય ગુપ્તા જેવા બૉલીવુડિયા ડિરેક્ટર હોત તો ‘મૈં તુમ્હેં અપની ઝિંદગી કે સાથ ખિલવાડ કરને નહીં દૂંગી. તુમ્હેં અગર કુછ હો ગયા તો મેરા ક્યા હોગા?’ ટાઇપનો મેલોડ્રામા ઘુસાડી શક્યા હોત. પરંતુ આ ફિલ્મ એક પણ તબક્કે પોતાની હળવાશ અને થ્રિલ ગુમાવતી નથી.

આ ફિલ્મ પહેલેથી છેલ્લે સુધી ઑથેન્ટિક લાગે છે. તેનું એક મહત્ત્વનું કારણ એ છે કે ફિલ્મમાં ફિલિપ પૅટીનો રોલ કરનારા એક્ટર જોસેફ ગોર્ડન-લેવિટને ખુદ ફિલિપ પૅટીએ આઠ દિવસમાં ટાઇટ રૉપ વૉકિંગ શીખવાડી દીધું હતું. એટલે ક્યાંય કશું ફૅક-નકલી લાગતું નથી.

20-fall-preview-movies-the-walk-joeseph-gordon-levitt-w750-h560-2xઆ રીતે બિલ્ડિંગ પર ચડીને દોરડું બાંધીને ચાલવું એ ગેરકાયદે કૃત્ય છે. એટલી ઊંચાઇએથી એક નાનકડી હથોડી નીચે કોઈ માણસ પર પડે તોય એની ખોપરી ફાટી જાય. એ ઊંચાઇએથી પડનારો માણસ તો મરે જ પરંતુ એના હાથમાંથી ૨૫ કિલોગ્રામની લાકડી કે ૨૦૦ કિલોગ્રામનો વાયર પડે તો શી હાલત થાય? એટલે સત્તાધીશોથી છુપાઇને આખું પરાક્રમ પાર પાડવાની પ્રોસેસમાં પાર વિનાનો રોમાંચ છે. આ રોમાંચમાં વધારો કરે છે સતત કાળજું હલાવી દે તેવી ઊંચાઈનો આભાસ કરાવતું કૅમેરાવર્ક. કેમેરા સતત કોઈ પંખીની જેમ ઊડતો જ રહે છે. સાથોસાથ ડ્રમથી લઇને વાયોલિન અને પિયાનો સુધીનાં વાજિંત્રો અને લેટિન મ્યુઝિકથી ભરચક એવું સાહસની છડી પોકારતું બૅકગ્રાઉન્ડ મ્યુઝિક. ફિલિપ વાદળોની વચ્ચેથી ટ્વિન ટાવર પર ચાલે છે, એટલી ઊંચાઇએ તાર પર સૂઈ જાય છે, બેસે છે, ઘૂંટણિયે પડે છે, આ બધું લગભગ અલૌકિક અને કોઈ બૅલે નૃત્ય જેવું લાગે છે. આ વાત કહેવા માટે જ ડિરેક્ટરે બૅકગ્રાઉન્ડમાં મોઝાર્ટની સિમ્ફની પણ મૂકી છે.

આ ફિલ્મ અત્યારે ઇતિહાસનું એક પ્રકરણ બની ગયેલા ‘વર્લ્ડ ટ્રેડ સૅન્ટર’ના ટ્વિન ટાવરની એક ટાઇમ ટ્રાવેલ પણ છે. કમ્પ્યુટર ગ્રાફિક્સ અને ભવ્ય સૅટની મદદથી બહુ જતનપૂર્વક તેને રિક્રિએટ કરવામાં આવ્યા છે. ઇવન છેક છેલ્લા દૃશ્ય સુધી સ્ક્રીન પર માત્ર આ ટ્વિન ટાવરની તસવીર જ તરવરતી રહે છે. ડિરેક્ટર રૉબર્ટ ઝેમેકિસે માત્ર ફિલિપ પૅટી જ નહીં બલકે આ ટ્વિન ટાવરને પણ પ્રેમપૂર્વક અંજલિ આપી છે. જે રીતે ટ્વિન ટાવરનું ગગનચુંબી કદ પેશ કરાય છે, તે સ્પષ્ટ કહી આપે છે કે આ માનવીય સાહસનું એવરેસ્ટ શિખર છે.

તેમ છતાં ઘણા લોકોને ‘ધ વૉક’ ફિલ્મનો ફર્સ્ટ હાફ ખાસ્સો ધીમો લાગશે. દર થોડી વારે ખુદ ફિલિપ પૅટી ડૉક્યુમેન્ટરી સ્ટાઇલમાં પોતાની વાત કહ્યા કરે છે તે ખાસ્સું ઇરિટેટિંગ લાગે છે (જોકે એ બહુ ઇન્ટરેસ્ટિંગ જગ્યાએ ઊભીને આ વાત કરે છે, લેકિન એ જાણવા માટે તમારે ફિલ્મ જોવી પડે). આખા પડદાની બરાબર વચ્ચે મોટા અક્ષરે લખાઇને આવતી ‘સ્મોકિંગ કિલ્સ’ની સૂચના પણ એટલી જ ઇરિટેટ કરે છે. અંગ્રેજીમાં જોનારા ઘણા જાણકાર લોકોને હીરો જોસેફ ગોર્ડન લેવિટની નકલી ફ્રેન્ચ બોલી પણ અકળાવી મૂકે છે. પરંતુ સૌથી મોટી કમી એ સાલી કે આ આખી ફિલ્મમાં ક્યાંય સાચા ફિલિપ પૅટીનો ચહેરો બતાવ્યો નથી કે ઇવન એની સાચુકલી વૉકનો એકેય વીડિયો દર્શાવાયો નથી. તેના માટે તમારે ‘મૅન ઑન વાયર’ ડૉક્યુમેન્ટરી જ જોવી પડે.

સો વાતની એક વાત, ભલે ધીમી લાગે, પરંતુ આ ફિલ્મ થિયેટરમાં અને તે પણ 3Dમાં જોવાનું ચૂકવા જેવું નથી. જો ખર્ચો કરવો પોસાતો હોય, તો આઇમૅક્સ થિયટરમાં જ તેની સાચેસાચી થ્રિલ મહેસૂસ થશે. ફિલ્મમાં ફિલિપ પૅટીના આ પરાક્રમ પછી મીડિયા એને પૂછે છે, કે ‘ભઈ તેં આવું ગાંડપણ શું કામ કર્યું?’ તો જવાબમાં ફિલિપ કહે છે, ‘એના સિવાય કોઈ છૂટકો જ નહોતો.’ બસ, આ ફિલ્મ જોવાનું પણ એવું જ છે.

(Published in Gujarati Mid Day)

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s