અનુભવે જોયું છે કે તમારી લાઇફની કાર મસ્ત સ્મૂધલી આગળ વધતી હોય અને તમારી કમ્પ્લિટલી પત્તર ઠોકાઈ જાય તેની વચ્ચે માત્ર એક વેંતનું જ અંતર રહેતું હોય છે. પરંતુ વાટ લાગે ત્યારે તમે શું હથિયાર હેઠાં મૂકીને, ડરી જઇને વન ટુ કા ફોર કરો છો કે પછી શાંત રહીને મુશ્કેલી સાથે દો-દો હાથ કરો છો, ત્યાં જ વિનર અને લૂઝર, બહાદૂર અને ડરપોક, ઑપ્ટિમિસ્ટિક અને પેસિમિસ્ટિક વચ્ચેનો તફાવત આવે છે.

સાયન્સ ફિક્શન હોવા છતાં ‘ધ માર્શિયન’ એવી ફિલ્મ છે જે તમને વિનર, બહાદૂર અને ઑપ્ટિમિસ્ટ બનાવે છે. એક તબક્કે મંગળ ગ્રહ પર એકલો રહી ગયેલો મૅટ ડેમન કહે છે, ‘જ્યારે પ્રોબ્લેમ આવી પડે ત્યારે શાંતિથી બેસો અને તેને સોલ્વ કરવા મંડી પડો. એક સોલ્વ કરશો એટલે બીજો આવશે, તેને સોલ્વ કરશો એટલે ત્રીજો પણ આવવાનો જ છે. પણ જો પૂરતા પ્રોબ્લેમ્સ સોલ્વ કરશો, તો તમે ઘરે પહોંચી શકશો.’

જ્યાં પહોંચતાં આઠ-નવ મહિના લાગે, જ્યાં આપણા રાજકારણીઓ જેટલું પણ પાણી ન હોય, જ્યાં અમદાવાદ કરતાં પણ વધુ ધૂળ ઊડતી હોય, જ્યાંની ધરતી પણ લગભગ અમદાવાદના રસ્તાઓ જેવી જ ઉબડખાબડ હોય, હવે પછીની મદદ વર્લ્ડકપની જેમ ચાર વર્ષે જ આવવાની હોય અને તેની સામે તમારી પાસે માંડ અમુક મહિનાઓ ચાલે તેટલો જ ખોરાક બચ્યો હોય અને સૌથી ખરાબ, લગભગ અઢીથી સાડાપાંચ કરોડ કિલોમીટર છેટે સુરક્ષિત બેઠેલા પૃથ્વીવાસીઓએ તમારા નામનું નાહી નાખ્યું હોય, ત્યારે કઈ રીતે જીવતા રહેવું?

હા, આ ફિલ્મ પણ ‘રોબિન્સન ક્રુસો’ કે ‘કાસ્ટ અવે’ની કેટેગરીમાં જ આવે છે, પણ સૌથી મોટો ફરક છે હળવાશનો, પૉઝિટિવિટીનો. અહીં માર્ક વૉટની બનેલા મૅટ ડેમનને ખબર છે કે ગમે તે ઘડીએ એના જીવન પર પૂર્ણવિરામ મુકાઈ જશે, પણ તોય એ સામે ચાલીને પોતાનો દાવ ડિક્લેર નથી કરતો. એ શાંત રહે છે. મૅક્સિમમ સમય સુધી જીવતા રહેવાની ગણતરીઓ માંડે છે. કેમેરા એટલે કે આપણી સામે જોઇને હળવી મજાકો કરે છે. ખેતી કરે છે અને એક મંગળવાસી થઇને પૃથ્વીવાસીઓ સાથે સંપર્ક કરવાની કોશિશો કરે છે. ‘ધ વૉક’ની જેમ અહીં પણ મેલોડ્રામા ઠપકારવાની પૂરેપૂરી ગુંજાઇશ હતી, પણ અગેઇન, આ રિડલી સ્કોટની ફિલ્મ છે, સંજય ગુપ્તાની નહીં.

અહીં કેવા મસ્ત અને હાર્ટવૉર્મિંગ ડાયલોગ્સ છે એ જુઓઃ “કહે છે કે તમે કોઈ જગ્યાએ ખેતી કરો એટલે તમે તે સ્થળને ઑફિશિયલી કોલોનાઇઝ કર્યું કહેવાય. તો જનાબ, મેં મંગળને કોલોનાઇઝ કર્યું છે. નીલ આર્મસ્ટ્રોંગ, જોઈ લે ભાઈ!”, “હું એરોગન્ટ થવા નથી માગતો, પણ એટલું ચોક્કસ કે આ આખાય ગ્રહ પરનો હું બેસ્ટ બોટનિસ્ટ છું”, “માર્સ ઇન્ટરનેશનલ પ્રોપર્ટી છે અને હું અહીંયા જ્યાં ત્યાં બિનધાસ્ત રખડું છું, ધેટ મીન્સ હું સ્પેસ પાઇરેટ-અંતરિક્ષનો ચાંચિયો છું”, “કેવી વિચિત્ર ફીલિંગ છે કે અહીં હું જ્યાં જાઉં છું ત્યાં પગ મૂકનારો હું પહેલો જ માણસ બનું છું”…

અહીં ક્યાંક સતત ડિસ્કો મ્યુઝિક વાગે છે, તેની કોમેડી થાય છે, તો કોઈ સિચ્યુએશન ‘મૅન વર્સસ વાઇલ્ડ’ જોતા હોઇએ તેવી લાગે છે. ક્યાંક એવું ફીલ થાય કે આ તો ‘નાસા’ કેટલી મહાન સંસ્થા છે તે બતાવવાની ક્વાયત છે. નવું સર્જાતું પાણીનું એક ટીપું અને એક નવી ફૂટતી કૂંપળ તમને થ્રિલ કરાવે છે. ગણી ગણીને ખવાતો એકએક દાણો અનાજ, આવતો-જતો એકેએક શ્વાસ, એકેએક દિવસ, ત્યાં માણસ ભયંકર ડિપ્રેશનથી મુક્ત કેવી રીતે રહી શકે? એવોય વિચાર આવે કે શા માટે આપણને આપણાં શુદ્ધ હવા, પાણી, અનાજ, વનસ્પતિ વગેરેની કદર નથી? (અને કયા તબક્કે આપણે સ્વાર્થી બનીએ છીએ અને ક્યારે બીજાને બચાવવા જીવ જોખમમાં મૂકી દઇએ છીએ?) ભલે મંગળ ગ્રહ પરની, પણ અલ્ટિમેટલી તો ઉમ્મીદ પે દુનિયા કાયમ હૈ! આપણો ‘આનંદ’ કહી ગયો છેને, “મૌત કે ડર સે અગર ઝિંદા રહના છોડ દિયા તો મૌત કિસે કહતે હૈ? જબ તક ઝિંદા હૂં તબ તક મરા નહીં, ઔર જબ મર ગયા, તબ સાલા મૈં હી નહીં. તો ફિર ડર કિસ બાત કા?!”

બસ, આવા અઢળક પોઝિટિવ વિચારોની ખીચડી એટલે ‘ધ માર્શિયન.’ થ્રીડીમાં જોવી ગમે, સબટાઇટલ્સ ન હોય, તોય અંગ્રેજીમાં જોવાની મજા પડે. થેન્ક ગોડ, ‘ઇન્ટરસ્ટેલર’ની જેમ આ ફિલ્મ જોતાં પહેલાં ‘સફારી’ના લેખો વાંચીને જવાની જરૂર નથી (હા, વાંચ્યા હોય તો મજા વધે ખરી!). ‘ધ માર્શિયન’ જોઇને બહાર નીકળ્યા પછી આફત વખતે ઘાંઘા થયા વિના તેને પ્રોબ્લેમ ગણીને સોલ્વ કરતા થઇએ, આપણી હામ, શાંતિ, સેન્સ ઑફ હ્યુમર, પોઝિટિવિટી ન ગુમાવીએ અને એક કૂંપળ ફૂટે તોય હરખ થાય એટલી સંવેદનશીલતા બરકરાર રાખીએ, તો તમને મંગળ ક્યારેય નહીં નડે. બલકે લાઇફ કુશળ-મંગળ જ રહેશે. આ ફિલ્મ પણ બેશક જોઈ નાખો.

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s