થ્રિલ વિનાની થ્રિલર

***

વધુ પડતું ડહાપણ ડહોળવાની લાલચમાં આ થ્રિલર ફિલ્મના રોમાંચનો ડૂચો વળી ગયો છે.

***

jazbaaતમે ક્યારેય રૂનાં પૂમડાં લઇને ફિલ્મ જોવા ગયા છો? અને ક્યારેય લીલા-પીળા રંગના ગોગલ્સ પહેરીને ફિલ્મ જોવાનો પ્રયત્ન કર્યો છે? વેલ, સંજય ગુપ્તાની નવી ફિલ્મ ‘જઝબા’થી તમારાં આ બંને અધૂરાં સાહસ પૂરાં થઈ જશે. જનરલ નૉલેજ ખાતર જાણવા જેવી વાત એ છે કે ‘જઝબા’ 2007માં આવેલી દક્ષિણ કોરિયન ફિલ્મ ‘સેવન ડેય્ઝ’ની રિમેક છે. આ વખતે ફોર અ ચૅન્જ મૂળ ફિલ્મના સર્જકને ક્રેડિટ પણ આપવામાં આવી છે. પરંતુ કહે છેને કે ઝેરોક્સ કાઢવામાંય મશીન ચલાવતાં તો આવડવું જોઇએ. એ જ રીતે અહીં ડિરેક્ટર સંજય ગુપ્તાએ પોતાની સ્માર્ટનેસનું વધારે પડતું અટામણ નાખી દીધું છે. જેથી એક મર્ડર મિસ્ટ્રી ફિલ્મમાં જે રૂંવાડા ઊભા કરી દે તેવા રોમાંચનો અનુભવ થવો જોઇએ એ તો થતો નથી. ઉપરથી અડધી ફિલ્મે તો સસ્પેન્સ પણ કળી શકાય તેવું થઈ ગયું છે.

નાક દબાવીને મોં ખોલાવવાનો ખેલ

અનુરાધા વર્મા (ઐશ્વર્યા રાય) મુંબઈની ડૉન બ્રેડમેન કરતાંય સારો સ્કોર ધરાવતી ફેમસ વકીલ છે. એ પોતાની કારકિર્દીમાં એકેય કેસ હારી નથી. આ ડિવોર્સી વકીલ પોતાની સાતેક વર્ષની દીકરી શનાયા (બાળ કલાકાર સારા અર્જુન) સાથે રહે છે. અચાનક એક દિવસ શનાયા ગાયબ થઈ જાય છે. બીજી બાજુ અનુરાધાને ફોન આવે છે કે એક માણસ નિયાઝ (ચંદન રૉય સંન્યાલ) ખોટી રીતે બળાત્કાર અને ખૂનકૅસમાં ફસાઈ ગયો છે. તારે તારી દીકરીને જીવતી પાછી જોઇતી હોય, તો એ માણસને એક અઠવાડિયામાં નિર્દોષ છોડાવી દે. આ કામમાં અનુરાધાને એના જૂના દોસ્તાર સસ્પેન્ડેડ ઇન્સ્પેક્ટર યોહાન (ઇરફાન ખાન)ની મદદ મળે છે.

ચીસોત્સવ, ડ્રામોત્સવ, દોઢ ડહાપણોત્સવ

છેલ્લે એક્ઝેક્ટ પાંચ વર્ષ પહેલાં ઐશ્વર્યા રાય ‘ગુઝારિશ’માં દેખાયેલી. એની અફલાતૂન અભિનય ક્ષમતામાં ‘જઝબા’ના ડિરેક્ટર સંજય ગુપ્તાને કદાચ વિશ્વાસ લાગતો નથી. એટલે જ આખી ફિલ્મમાં એમણે ઐશ્વર્યા પાસે એટલી બધી ચીસો પડાવી છે કે કાનમાં રૂનાં પૂમડાં ખોંસવાની ઇચ્છા થઈ આવે. ઇરફાન ખાન કેવો ધાંસુ એક્ટર છે એ વાત ગયા અઠવાડિયે આવેલી ‘તલવાર’માં તે વધુ એકવાર સાબિત કરી ચૂક્યો છે. એક સિમ્પલ લાઇન બોલીને પણ એ લાફ્ટર ઊભું કરી શકે છે. પરંતુ અહીં એના જેવા બૅલેન્સ્ડ એક્ટર પાસે પણ ઑવર એક્ટિંગ કરાવી છે. સાવ શાંતિથી રિએક્ટ કરી શકે તેવી સ્થિતિમાં અચાનક એ ગાંડપણનો અટૅક આવ્યો હોય તેમ મોટેમોટેથી પાસે પડેલાં પીપડાંને લાતંલાતી કરી મૂકે. બે ઘડી તો ખબર જ ન પડે કે આપણે કોઈ સસ્પેન્સ-થ્રિલર ફિલ્મ જોઇએ છીએ કે ટીવી પર આવતી સિરિયલો જેવી ડ્રામેબાજી?

‘જઝબા’ની મૂળ વાર્તામાં એક મસ્ત ક્રાઇમ-થ્રિલર ફિલ્મનો મસાલો પડ્યો છે. પરંતુ સંજય ગુપ્તા જાણે કોઈ શીખાઉ ફિલ્મમૅકર હોય તે રીતે એમણે ફિલ્મને ઘણે અંશે રોળી નાખી છે. જેમ કે, બૅકગ્રાઉન્ડમાં વાગતાં એકાદા ગીતને બાદ કરતાં આ ફિલ્મમાં ગીતની કશી જરૂર જ નહોતી. પરંતુ અહીં બે કલાકની ફિલ્મમાં પણ વણજોઇતાં ગીતો આવ્યાં કરે છે. નો ડાઉટ, ઑફિસે જતાં-આવતાં કારમાં સાંભળવાની મજા આવે એવાં ગીતો છે, પણ અહીં એ ફિલ્મની થોડીઘણી જામી રહેલી થ્રિલને ઠંડા કલેજે કિલ કરી નાખે છે. આ ફિલ્મમાં નાખેલાં બધાં જ ગીતો પરાણે ઘુસાડેલાં જ લાગ્યાં કરે છે.

ફિલ્મમાં સ્ટોરી છે રૅસ અગેન્સ્ટ ટાઇમની. પરંતુ દીકરીને બચાવવા માટે ઝઝૂમતી માતાની ઉતાવળ ક્યાંય મહેસૂસ થતી નથી. તેને કારણે એક પણ તબક્કે આ ફિલ્મ ઍજ ઑફ સીટ થ્રિલર લાગતી નથી. આ ફિલ્મમાં એક હત્યાનો કૅસ ઉકેલવાનો સરસ કોર્ટરૂમ ડ્રામા પણ છે, પરંતુ ત્યાં પણ ઊભડક પિરસાયેલી અધકચરી ડિટૅલ્સને કારણે કોર્ટરૂમ ડ્રામાની પણ કોઈ લિજ્જત આવતી નથી.

આ ફિલ્મના ટ્રેલરમાં એક આકર્ષક પાસું દેખાતું હતું ઇરફાનનાં શાર્પ વનલાઇનર્સનું. જેમ કે, ‘રિશ્તોં મેં ભરોસા ઔર મોબાઇલ મેં નેટવર્ક ન હો તો લોગ ગેમ ખેલને લગતે હૈ’, ‘તુ સરકારી નૌકરી કી તરહ હો ગયા હૈ, બડી મુશ્કિલ સે મિલતા હૈ ઔર વો ભી કિસ્મતવાલોં કો’, ‘આજકલ શરીફ વો હૈ જિસકે મોબાઇલ મેં પાસવર્ડ નહીં હોતા.’ આ બધાં પંચ સાંભળવાની મજા પડે છે અને તેને લીધે ઇરફાનના ડલ બની ગયેલા પાત્રને થોડી ધાર પણ મળે છે, પરંતુ આવી વણજોઇતી ફિલોસોફીઓ ફટકારવાનું કોઈ જ લોજિક દેખાતું નથી.

એક RO વૉટર પ્યુરિફાયરમાં પણ ન હોય એટલાં બધાં ફિલ્ટરો આ ફિલ્મમાં વપરાયાં છે. તેને લીધે વગર કોઈ કારણે આખી ફિલ્મ લીલી-પીળી જ દેખાય છે. આપણે જાણે ગોગલ્સ પહેરીને ફિલ્મ જોતા હોઇએ એ રીતે લીલું આકાશ, લીલો તડકો, ઘર-રેસ્ટોરાંની અંદરનું બધું લીલું, વધારે પડતું લીલું ઘાસ, કોઈ વિચિત્ર રંગનું લોહી… આવું જ બધું આપણી આંખો પર અથડાયે રાખે છે. સંજય ગુપ્તા પોતાની અગાઉની મોટાભાગની ફિલ્મોમાં આવું જ કરતા આવ્યા છે.

વીડિયો શૅરિંગ સાઇટ ‘યુટ્યૂબ’ પર જઇને કોરિયન ફિલ્મ ‘સેવન ડેય્ઝ’ સર્ચ કરીને જોશો તો ખ્યાલ આવશે કે આ ફિલ્મના મોટાભાગના સીન એ ફિલ્મમાંથી બેઠ્ઠા જ લેવામાં આવ્યા છે. લોચો જ્યાં ઑરિજિનલ દૃશ્યો ઘુસાડ્યાં છે ત્યાં અને વાર્તાનો ક્રમ આડોઅવળો કર્યો છે ત્યાં થયો છે. તેને કારણે છેક છેલ્લે સુધી ગ્રિપિંગ સસ્પેન્સ જળવાઈ રહેવાને બદલે અધવચ્ચે જ દિમાગમાં બત્તી થવા લાગે છે કે આ વ્યક્તિએ આ કારણે બધું કર્યું હોવું જોઇએ. મૂળ ફિલ્મનું ડરામણું ક્રાઇમ, ગુનાનો ભોગ બનેલી અને સ્વજન ગુમાવી ચૂકેલી વ્યક્તિઓ પ્રત્યેની આપણી સહાનુભૂતિ, ખોફનાક અનુભવમાંથી પસાર થયેલા બાળક પર થતી અસર, ઝાઝી ડ્રામેબાજી કર્યા વિના એક માતાની પીડા વગેરે બધું જ અહીં ગાયબ છે. એટલે બળાત્કાર, ખૂન, સ્ત્રી ભ્રૂણહત્યા જેવા અત્યંત સંવેદનશીલ મુદ્દાને સ્પર્શતી હોવા છતાં આ ફિલ્મ આપણને ઇમોશનલી અપીલ કરી શકતી નથી. ઉપરથી ફિલ્મ ભ્રષ્ટાચારની તરફેણ પણ કરે છે.

ઇરફાન-ઐશ્વર્યા જેવાં સશક્ત એક્ટર્સ હોવા છતાં ફિલ્મનું સિક્રેટ એમના ખાસ કશા પ્રયત્ન વગર જ આપમેળે બહાર આવી જાય છે. ‘જઝબા’ ઐશ્વર્યાના કમબૅક માટે પાવરફુલ ફિલ્મ બની શકી હોત. અફસોસ, એ તક ઘણે અંશે ગુમાવાઈ છે. હા, એટલું ઉમેરવું પડે કે ઐશ્વર્યા ઓવારણાં લેવાનું મન થઈ આવે એટલી સુંદર અને ચુસ્ત-દુરુસ્ત લાગે છે. માત્ર એણે ફિલ્મ પછી ગરમ પાણીના કોગળા કરવા પડ્યા હશે અને આંખોમાંથી ગ્લિસરીન કાઢવા ઠંડું પાણી છાંટવું પડ્યું હશે. ઇરફાન એની અદભુત સ્ક્રીન પ્રેઝન્સ, મારકણી આંખો અને જબરદસ્ત ડાયલોગ ડિલિવરીથી ક્યારેય નિરાશ કરતો નથી. અહીં ખાસ કશું કરવાનું ન હોવા છતાં એને જોવાની મજા પડે છે. બાકી શબાના આઝમી, અતુલ કુલકર્ણી, જૅકી શ્રોફ, અભિમન્યુ સિંઘ, (શક્તિ કપૂરનો દીકરો) સિદ્ધાંત કપૂરમાંથી કોઈનું પર્ફોર્મન્સ યાદગારની કૅટેગરીમાં મૂકી શકાય એવું નથી. કેમ કે એમનાં પાત્રો જ સરખી રીતે લખાયાં નથી.

જઝબાના ચસ્કા

ઐશ્વર્યા કે ઇરફાનના ફૅન્સ તો થિયેટર સુધી લાંબા થવાનો જઝબો દાખવશે, પરંતુ જો તમે ખરેખર સસ્પેન્સ-થ્રિલર પ્રકારની ફિલ્મોના શોખીન હો, તો વણમાગી સલાહ એ કે સબટાઇટલ્સ સાથેની ઑરિજિનલ કોરિયન ફિલ્મ જોવી. ધારો કે તમે આ ‘જઝબા’ જોવા જાવ તો ગણતરી કરજો કે આખી ફિલ્મમાં કુલ કેટલી વાર ‘એડવોકેટ અનુરાધા વર્મા’ અને ‘ઇન્સ્પેક્ટર યોહાન’ બોલાય છે અને કેટલી વાર મુંબઈના એરિયલ શૉટ્સ આવે છે? અને હા, છેલ્લે સ્ક્રીન પર ભારતમાં સ્ત્રીઓ પર થતા અત્યાચારોની માહિતી વાંચીને નીકળી ન જતા. એ પછી બે-ચાર મિનિટની ફિલ્મ બાકી છે.

રૅટિંગઃ **1/2 (અઢી સ્ટાર)

(Published in Gujarati Mid Day)

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s