કૅલેન્ડર ગર્લ્સ

મધુર, અબ બસ કર

***

આશા રાખીએ કે રિયાલિસ્ટિક સિનેમાના નામે મધુર ભંડારકર જે હથોડા ફટકારે છે, એમાંની આ છેલ્લી ફિલ્મ હોય.

***

dae3ee701562176aab7a190138117315કલ્પના કરો ‘ભંડારકર રિયાલિસ્ટિક ફિલ્મ ભંડાર’ નામે એક દુકાન છે. તેમાં ગોગલ્સ પહેરેલા શૉપકીપર બિરાજમાન છે, જે ગમછો ફેરવીને માખીઓ ઉડાડે છે અને છાપું વાંચે છે. ત્યાં રડ્યા ખડ્યા કોઈ ગ્રાહક આવે અને એમને પૂછે છે, ‘ભૈયા, પાઉ કિલો રિયલિસ્ટિક ફિલ્મ દેના.’ એટલે આ શૉપકીપર એમના હસ્કી અવાજમાં પૂછે, ‘કૌન સા ફ્લેવર દિખાઉં, બહનજી? જર્નલિઝમ હૈ, મીડિયા હૈ, ફેશન હૈ, ફિલ્મ ઇન્ડસ્ટ્રી હૈ, કોર્પોરેટ વર્લ્ડ હૈ, પુલીસ હૈ, જેલ હૈ, ડાન્સ બાર હૈ. થોડા ગ્રાસરૂટ ચાહિયે તો ટ્રાફિક સિગ્નલવાલે ભિખારી ભી હૈ. ઔર હાં મૈડમ, યે એકદમ નયા હૈ કૅલેન્ડર ગર્લ્સ.’

એટલે વાળમાં ગોગલ્સ ચડાવીને મૅડમ કહે, ‘અચ્છા એક કામ કીજિયે, યે નયા કૅલેન્ડર ગર્લ્સવાલા કર દીજિયે. ઔર હાં, ઇસમેં ડિપ્રેશન, ડેથ, શરાબ, બૅડરૂમ સીન, બિકિની, એડલ્ટરી, પાર્ટી સોંગ સબ અચ્છે સે મિક્સ કરના.’ એટલે ભંડારકર ભાઉ પડીકું બાંધતાં કહે, ‘અરે મૈડમ, યે સબ કે સાથ તો એક ગૅ કેરેક્ટર એકદમ ફ્રી હૈ.’

બસ, આવું જ કામકાજ મધુર ભંડાકરની આ અઠવાડિયે રિલીઝ થયેલી ફિલ્મ ‘કૅલેન્ડર ગર્લ્સ’નું છે. ખાલી ફિલ્મનું નામ અલગ છે, બાકી એનો એ જ જૂનો મસાલો એમણે નાખ્યો છે. ઉપરથી આ વખતે તો એમણે પછાત વિચારો અને બેશરમ સ્વપ્રશસ્તિની હદ પણ પાર કરી નાખી છે.

આઉટડેટેડ કૅલેન્ડર

નામ લીધા વગર આપણને કહેવાય છે કે વિજય માલ્યા (સુહેલ શેઠ) બિકિનીધારી કન્યાઓનું કૅલેન્ડર બૉલીવુડના ફેવરિટ ફોટોગ્રાફર અતુલ કસ્બેકર (રોહિત રૉય) પાસે શૂટ કરાવી રહ્યા છે. તેમાં પોતાના દેહસૌંદર્યનું પ્રદર્શન કરવા માટે રોહતકની મયુરી (રુહી સિંઘ), કોલકાતાની પારોમા (શતરૂપા પાઇન), લાહોર વાયા લંડનની નાઝનીન (ગુજરાતી ગર્લ અવની મોદી), હૈદરાબાદની નંદિતા (આકાંક્ષા પુરી) અને ગોવાની શૅરિન (કાયરા દત્ત) સિલેક્ટ થાય છે. રંગેચંગે એમનું કૅલેન્ડર બહાર પડે છે અને પાંચેય છોડીઓ રાતોરાત ફેમસ થઈ જાય છે. તેમાં એક છોકરી ફિલ્મો કરવા માંડે છે, બીજી પોતાના સ્પોર્ટ્સ મેનેજમેન્ટનું કરતા બૉયફ્રેન્ડ સાથે મળીને મૅચ ફિક્સિંગના રવાડે ચડી જાય છે, ત્રીજી પાકિસ્તાની હોવાના વિરોધનો સામનો ન કરી શકવાથી એસ્કોર્ટ ગર્લ એટલે કે હાઇપ્રોફાઇલ ગણિકા બની જાય છે, ચોથી કન્યાને એક રાજવી પરિવારના ઉદ્યોગપતિ પ્લસ ઐયાશ નબીરાની મેરેજ પ્રપોઝલ આવે છે એટલે એ પરણીને ઠરીઠામ થઈ જાય છે, જ્યારે પાંચમી કન્યાને ગ્લેમર વર્લ્ડ માફક નથી આવતું એટલે તે એક ન્યૂઝ ચેનલમાં એન્કર બની જાય છે.

ભંગારકરને કાળાં ચશ્માં

મધુર ભંડારકર સાહેબ પાસે એક કાળાં ચશ્માં છે. તેમાંથી જુઓ એટલે દુનિયામાં બધે કાળું જ દેખાય. કોઇપણ ઇન્ડસ્ટ્રીમાં એ નજર નાખે એટલે એમને ત્યાં નર્યો ગંદવાડ જ દેખાય. એમને પૂછો તો કહેશે કે, ‘એમાં હું શું કરું? હું તો માત્ર આયનો ધરું છું.’ પરંતુ પ્રોબ્લેમ એ છે કે એમની ફિલ્મ જોઇએ એટલે એવું જ લાગે કે તમામ પુરુષો લંપટ, ચારિત્ર્યહીન અને સ્ત્રીઓનો ઉપભોગ કરનારા જ હોય. જ્યારે પોતાની કાબેલિયતથી આગળ વધતી સ્ત્રીઓ કાં તો નિષ્ફળ થાય, કાં બીજાના ઉપભોગનું સાધન બની જાય. ધારો કે એક સ્ત્રી સફળ થાય, તો એ એક નંબરની ચાલબાઝ અને મેનિપ્યુલેટિવ હોય. જો એને માનસિક શાંતિ જોઇતી હોય તો પોતાનું ક્ષેત્ર છોડીને જતા રહેવું પડે.

અહીંયા એક ઉદ્યોગપતિ યુવતીઓના ફોટોગ્રાફ જોઇને લાળ ટપકાવે છે, ફોટોગ્રાફર ફોટા પાડતાં પહેલાં છોકરીઓને એમના જીવનના ડીપ-ડાર્ક સિક્રેટ પૂછે છે (જે વિના અપવાદે સૅક્સ સાથે જ જોડાયેલા હોય), એક કૅલેન્ડર ગર્લ અજાણ્યા લોકોની સામે એવો દાવો કરે છે કે એ દુનિયાના કોઇપણ પુરુષને સંતોષી શકે છે, એક બૉયફ્રેન્ડ ધર્મની આડમાં છોકરીને બેફામ ગાળો ભાંડે છે, એક પ્રેમી પોતાની પ્રેમિકાને ભૂખ્યા વરુઓની સામે ધરીને પોતાનો સ્વાર્થ કાઢી લે છે અને એને ફસાવીને ગાયબ થઈ જાય છે, એક સસરો પુત્રનાં લગ્નબાહ્ય સંબંધોની ફરિયાદ કરતી પુત્રવધૂને એવું કહીને સાંત્વન આપે છે કે આ તો આપણા ખાનદાનની પરંપરા છે. આટલું જ નહીં, ક્રિકેટરો, ફિલ્મસ્ટાર્સ, રાજકારણીઓ, બિઝનેસમેન, મિત્રો, પ્રોફેશનલ્સ, સામાન્ય લોકોથી લઇને સગા ભાઈ સુદ્ધાં તમામ પુરુષોની આંખોમાં વાસનાનાં સાપોલિયાં રમે છે. આ ફિલ્મમાં દેખાડવામાં આવેલા તમામ સ્પર્શ ગંદા અને કોઈ સ્વાર્થથી ખદબદતા હોય એ જ રીતે તેના પર કેમેરા ફોકસ કરાયો છે. જો દુનિયા ખરેખર આટલી હદે ખરાબ હોય, તો હૉલીવુડના ફ્રાન્ક કાપરાથી લઇને આપણા હૃષિકેશ મુખર્જી સુધીના સર્જકોની ફિલ્મોને પરગ્રહવાસીઓની વાર્તાઓ જ કહેવી પડે.

મધુર ભંડારકર એમની આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકેની પહેલી ફિલ્મ ‘રંગીલા’થી જ કેમિયો એટલે કે મહેમાન કલાકાર તરીકે કેમેરામાં દેખાતા આવ્યા છે. પરંતુ આ ‘કૅલેન્ડર ગર્લ્સ’માં તો એમણે હાસ્યાસ્પદ રીતે હદ વટાવી છે. પોતે પોતાની જ ફિલ્મમાં મહાન રિયાલિસ્ટિક ફિલ્મો બનાવતા ગ્રેટ ડિરેક્ટર તરીકે પેશ થાય છે. એમને જોઇને એમની જ ફિલ્મની હિરોઇન પ્રભાવિત થઈને એમના છુટ્ટા મોંએ વખાણ કરે છે અને એમની સાથે સેલ્ફી લે છે. વાત અહીંથી પૂરી નથી થતી. એ મહાશય બીજીવાર પડદા પર પ્રગટે છે અને આ ફિલ્મની હિરોઇનને પોતાની આગામી ફિલ્મ ઑફર પણ કરે છે. વગર પૂછ્યે એવી ચોખવટ પણ કરે છે કે અત્યારના સુપરસ્ટાર્સના નખરા એટલા બધા છે કે એ સ્ત્રીઓ સાથે જ ફિલ્મો બનાવે છે (હાઉ સંવેદનશીલ). એટલું જ નહીં, પોતાની આગામી ફિલ્મ ‘એર હોસ્ટેસ’ હશે એવી જાહેરાત પણ કરે છે. ખરેખર નાર્સિસસ જીવતો હોત તો આમની પાસેથી ટ્યૂશન લેવા આવતો હોત.

આશ્વાસનની આશામાં

ઑલ સેઇડ એન્ડ ડન, મધુર ભંડારકર અનુભવી ફિલ્મમૅકર છે. એટલે એમની આ ફિલ્મ અત્યંત થકવી નાખનારી અને મગજમાં સણકા ઊપડી જાય તેવી ધીમી હોવા છતાં પાંચેય વાર્તાઓ એના ફ્લોમાં વહ્યે જાય છે. પાંચેય કન્યાઓની સ્ટોરી અનેકવાર સાંભળી ચૂક્યા હોઇએ એવી વાસી અને તદ્દન પ્રીડિક્ટેબલ છે. એમની રૂડી રૂપાળી કૅલેન્ડર કન્યાઓ જ્યારે કૅલેન્ડરમાંથી બહાર આવીને એક્ટિંગ-ડાન્સ કરવાનાં આવે ત્યારે એટલી બધી આકર્ષક લાગતી નથી. માત્ર એક કાયરા દત્ત આત્મવિશ્વાસથી ભરચક લાગે છે. ગીતોમાં અરિજિત સિંઘે ગાયેલું ‘ખ્વાહિશેં’ ખરેખર સૂધિંગ લાગે છે.

ફાડી નાખો આ કૅલેન્ડર

આ ફિલ્મમાં રિસર્ચના નામે માત્ર ન્યુઝ પૅપર કટિંગ્સનું કલેક્શન છે, રિયાલિટીના નામે ગંદવાડ પિરસાયો છે અને ઉપરથી સોશ્યલ મીડિયા, સેલ્ફી, બૅબ્ઝ, બૂઝ, પાર્ટી, બિગ બૉસ રિયાલિટી શૉ, યુઝવલ સસ્પેક્ટ્સ એવા સુહેલ શેઠ, પ્રહલાદ કક્કડ, અશોક પંડિત વગેરે બધાને ભભરાવી દીધા છે. આ ‘કૅલેન્ડર ગર્લ્સ’નો અંડરટોન એટલો નેગેટિવ અને ડિપ્રેસિંગ છે કે બહાર નીકળીને વખ ઘોળી લેવાની ઇચ્છા થઈ આવે. આશા રાખીએ કે મધુરભાઈ એક લાંબું વેકેશન લે હિમાલયમાં જઇને ગંગામાં ડૂબકી મારી આવે અને ફ્રેશ થઇને કંઈક નવા સબ્જેક્ટ પર કામ કરે (જોકે એમાં તેઓ ‘હિમાલય’ અને ‘ગંગા’ની ગંદકી પર રિયાલિસ્ટિક ફિલ્મ બનાવવા માંડે એવું જોખમ છે). એટલે ભંડારકરનો આ ભંડાર ખાલી થાય એની રાહ જોઇએ, બીજું શું?

રૅટિંગઃ (અડધો સ્ટાર)

(Published in Gujarati Mid Day)

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s