કિસ કિસ કો પ્યાર કરું

પતિ, પત્ની ને બખડજંતર

***

કપિલ શર્મા એના શૉમાં જેવી કોમેડી કરે છે એ તમને ગમતી હોય, તો આ ઠીકઠાક ફિલ્મ તમને સાવ નિરાશ નહીં કરે.

***

kis-kisko-pyaar-karoon-posterજેવી રીતે કોલેજ-નોકરી વગેરેમાં પ્રવેશ માટેની અમુક જરૂરિયાતો હોય છે તેવું જ કોમેડિયન કપિલ શર્માની આ પહેલી ફિલ્મ ‘કિસ કિસકો પ્યાર કરું’નું પણ છે. એટલે પહેલાં બંને નસકોરાં ખોલીને એક ઊંડો શ્વાસ લો અને તમારી જાતને પ્રશ્ન કરો, કે તમને કપિલ શર્મા એના શૉમાં જેવી કોમેડી કરે છે એ ગમે છે? આપણને હસાવવાના નામે એ પોતાની ઑનસ્ક્રીન પત્નીને ઉતારી પાડે છે એમાં તમને વાંધો પડવાને બદલે હસવું આવે છે? એક પુરુષ એકસાથે પા ડઝન પત્નીઓ રાખીને બેઠો હોય, એમને ‘ઉલ્લુ બનાવિંગ’ રમતો હોય અને એ રમતમાં તમને ખિખિયાટા છૂટી જાય ખરા? વાસ્તવિકતા તો દૂરની વાત છે, કોમનસેન્સ સાથેય જેને સ્નાન-સૂતકનો સંબંધ ન હોય, એવી વાર્તા જોઇને તમે ‘આ તો ફિલ્લમ કહેવાય, રાજ્જા. ઝાઝું વિચારવાનું નહીં, દે તાલ્લી’ કહીને હસી પડો? જો આ ચારેય સવાલના જવાબ ચારેય વખત ‘હા બાપા, હા’ હોય, તો વેલકમ ટુ ધ નોનસેન્સિકલ વર્લ્ડ ઑફ કપિલ, અબ્બાસ-મસ્તાન આણિ મંડળી.

લગ્ને લગ્ને કુંવારા

ચચ્ચાર નામધારી કુમાર શિવ રામ કિશન (કપિલ શર્મા) આમ બહુ ભાવુક માણસ. ટબુડી છાશ લેવા જાય અને પરણતો આવે એવો ઇમોશનલ. ઉપરથી એનાં મમ્મી રુક્મિણિબેને (સુપ્રિયા પાઠક) એને બાળાગોળી સાથે શીખવેલું કે, ‘જો દીકરા, કોઈ છોડીનું દિલ દુભવવું નહીં અને કોઇનું ઘર ભાંગવું નહીં.’ આ શીખામણને એણે એવી સિરિયસલી લઈ લીધી કે એ ત્રણ ત્રણ વાર પરણી ગયો. આ ત્રણ પત્નીઓ (મંજરી ફડનિસ, સિમરન કૌર મુંડી અને સઈ લોકુર)ને ખુશ રાખવા એણે ટ્રિપલ શિફ્ટમાં મહેનત પણ શરૂ કરી દીધી. હવે આ આપણો આદર્શ ભારતીય હીરો એટલે એને પત્નીઓ ભલે ગમે તેટલી હોય પણ સાચો પ્રેમ તો એક જ. એવી આને એક સાચી પ્રેમિકા દીપિકા (એલી અવરામ) પણ છે અને એની સાથે ચોથી વારનાં પ્રભુતામાં પગલાં પાડવા પણ ભાઈ રેડી છે.

આ ‘ચલક ચલાણું ઓલે ઘેર ભાણું’માં એ જ્યારે ફસાય ત્યારે એને બહાર કાઢવા માટે એનો વકીલ દોસ્તાર કરણ (વરુણ શર્મા) દર વખતે સંકટ સમયની સાંકળની જેમ ખેંચાઈ આવે છે. પરંતુ કપિલભાઈની વિકેટ ખેરવવા માટે હજી એની પાછળ એનાં મમ્મી, પપ્પા (શરત સક્સેના), ચોથા નંબરના ભાવિ સસરા (મનોજ જોશી), બહેરો ડૉન ટાઇગરભાઈ (અરબાઝ ખાન) અને દર વખતે ખોટા ટાઇમે ટપકતી બટકબોલી કામવાળી ચંપા (જૅમી લીવર) પણ છે. આ બધાંની વચ્ચે સતત ચાલતી સંતાકૂકડીની આડપેદાશ તરીકે હાસ્ય પેદા થયા કરે છે.

નો દિમાગ ચલાવિંગ પ્લીઝ

દક્ષિણ બાજુથી એવા આરોપો થઈ રહ્યા છે કે ‘કિસ કિસકો પ્યાર કરું’એ ૨૦૧૩માં આવેલી અને સુભાષ ઘઇએ પ્રોડ્યુસ કરેલી કન્નડ ફિલ્મ ‘નિમ્બે હુલી’ની બેઠ્ઠી કૉપી છે. જે હોય તે, પણ સદા શુભ્રવસ્ત્રધારી ડિરેક્ટર જોડી અબ્બાસભાઈ-મસ્તાનભાઈ બર્માવાલાએ આ વખતે નક્કી કર્યું છે કે આપણે લોકોને ગમે તેમ કરીને હસાવવા. એટલે પહેલાં તો એમણે હસાવવા માટે પંકાયેલા કપિલને એની પહેલી જ ફિલ્મમાં હીરો તરીકે લઈ લીધો. પછી એમણે બધા પ્રકારની કોમેડી કોઇપણ જાતનો છોછ રાખ્યા વિના ઠપકારી દીધી. પત્નીઓને બેવકૂફ ચીતરવી; એને સતત મૂર્ખ બતાવતા રહેવું; અંડરગાર્મેન્ટની અશ્લીલ કોમેડી; ગૅ કોમેડી; મરેલા માણસ પર કોમેડી; માણસની શારીરિક ખોડખાંપણ પરની કોમેડી; મોઢા પર કૅક લાગી જાય, માણસ પડે આખડે અને આપણે હસી પડીએ એવી સ્લૅપસ્ટિક કોમેડી અને ગમે ત્યાંથી ઊભાં કરેલાં વનલાઇનર્સ વગેરે બધું જ આ ફિલ્મમાં બડી બેશરમીથી નાખી દેવાયું છે. ઉપરથી કોમનસેન્સને રજા પર ઉતારી દેવાઈ છે. એક નાનું બચ્ચુંય માની ન શકે એવી તદ્દન સિલી સિચ્યુએશન્સ ઊભી કરીને હીરોનાં ત્રણ ત્રણ લગ્ન કરાવાયાં છે. જો આમાંથી એકેય ઠેકાણે તમને એવો સવાલ થાય કે, ‘હાય હાય, આવું તે કંઈ હોતું હશે?’ તો બોસ, આ ફિલ્મથી તમારે છેટું જ રહેવું.

પરંતુ કપિલ શર્મા ટીવી પર પહેલેથી આવી જ કોમેડી કરતો આવ્યો છે. એના શો આવા ભવાડાઓથી અને ઇન્સલ્ટ કોમેડીથી જ ભરપુર હોય છે, છતાં સુપર હીટ છે. એટલે એના ચાહકોને કપિલ પાસેથી હૃષિકેશ મુખર્જી ટાઇપની હળવીફુલ સંસ્કારી કોમેડીની અપેક્ષા હોય જ નહીં. જોકે એક વાત માનવી પડે કે કપિલ શર્માનું કોમિક ટાઇમિંગ એકદમ જબરદસ્ત છે. કોઈ પંચલાઇન ફેંકવામાં એ ક્યારેય મોડો પડતો નથી કે કોમેડીમાં એનું ઍનર્જી લેવલ ક્યારેય ઓછું થતું લાગતું નથી. એક્ચ્યુઅલી, આ આખી ફિલ્મ એના શૉનું જ એક્સ્ટેન્ડેડ વર્ઝન લાગે છે. જાણે એના શૉની અલગ અલગ સ્કિટને એક સ્ટોરીમાં પરોવીને પિરસી દીધી હોય.

કોમેડિયન તરીકે ફુલ માર્ક્સ લઈ જતો કપિલ જ્યારે હીરો તરીકે સામે આવે ત્યારે કશુંક ખૂટતું લાગે. એ કોઈ દોસ્તાર ટાઇપના પાત્ર વિના આખી ફિલ્મ ઉપાડી શકે એ વાત માનવાનું મન થતું નથી. અહીં દોસ્તાર તરીકે વરુણ શર્મા (‘ફુકરે’ ફિલ્મનો ‘ચુચો’) છે. એવા જ સાઇડકિકના રોલમાં ટાઇપકાસ્ટ થઈ ગયેલો આ જુવાનિયો ખરેખર અંડરરેટેડ એક્ટર છે. એ ‘ફુકરે’ના હૅંગઑવરમાંથી બહાર નીકળે તો એ મજબૂત અદાકારી આપી શકે તેમ છે.

વન લાઇનર્સ અને બે સશક્ત પરફોર્મન્સને બાદ કરતાં આખી ફિલ્મનાં અઢાર અંગ વાંકાં છે. ચાર અબલા નારીઓ ફિલ્મમાં ફર્યા કરે છે, જેમના ભાગે રૂપાળાં દેખાઈને બેવકૂફ બનવા સિવાય કશું જ કામ નથી. એ કન્યાઓ બીજું શું કરી શકે એ પણ સવાલ છે. ગેરસમજના ગુણાકાર જેવી કોમેડી પેદા કરવામાં અહીં અરબાઝ ખાન, મનોજ જોશી, શરત સક્સેના અને સુપ્રિયા પાઠક છે, જે હસાવી તો જાણે છે. ખોટું ન બોલાય. જ્હોની લીવરની દીકરી જૅમી લીવરની પણ આ પહેલી ફિલ્મ છે, પણ એ છોડી એક તો પોતાની સ્ટેન્ડઅપ કોમેડી જ રિપીટ કરે છે. બીજું, એની એક્ટિંગમાં એના પપ્પાની સ્ટાઇલ દેખાય છે. ઉપરથી એણે એના ભાગે એવા વલ્ગર સંવાદો અને ચાળા આવ્યા છે, હરિ હરિ. આપણા ગુજરાતી એક્ટર અનુરાગ પ્રપન્ન માત્ર એક સીનમાં આવીને જતા રહે છે. આટલી બધી પેટાસ્ટોરીઓ હોવા છતાં ફિલ્મ ખાલી ખાલી લાગે છે.

ઝોલ પડતી સ્ટોરીનો માંજો ખેંચવા માટે આપણે ત્યાં ગીતો નાખવાનો રિવાજ છે. પરંતુ અહીં સમ ખાવા પૂરતું એકેય ગીત સારું નથી અને તોય દર થોડી મિનિટે એક નવા ગીતનું બોમ્બાર્ડિંગ થાય છે. સ્ટોરીમાં મારેલાં થીગડાં ચોખ્ખાં દેખાઈ આવે છે.

કપિલની અપીલ

આ ફિલ્મમાં અગાઉ આવી ગયેલી ‘સાજન ચલે સસુરાલ’, ‘સૅન્ડવિચ’, ‘ગરમ મસાલા’, ‘નો એન્ટ્રી’ જેવી ફિલ્મોથી અલગ કશું જ નથી. ઇન ફૅક્ટ, પત્નીઓને છેતરવાના પેંતરા કોમિક હોવા છતાં, થોડા સમય પછી રિપીટેટિવ બની જાય છે. ઉપરથી અહીં તો ચચ્ચાર લગ્નોને જસ્ટિફાય પણ કરવામાં આવ્યાં છે. હવે જો આટલા પ્લસ-માઇનસ છતાં તમને આ ફિલ્મ અપીલ કરતી હોય તો તો કપિલના નામે કે જસ્ટ ફોર ફન એકાદવાર જોઈ શકાય.

રેટિંગઃ **1/2 (અઢી સ્ટાર)

(Published in Gujarati Mid Day)

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s